પ્રવચન દિવસ બીજો

પાપ અને પુણ્યની સાર્વજનીન વ્યાખ્યા - આર્ય અષ્ટાંગિક માર્ગ: શીલ અને સમાધિ

બીજો દિવસ પૂરો થયો. જો કે તે પહેલા દિવસ કરતાં થોડો સારો હતો, મુશ્કેલીઓ હજુ બાકી છે. મન એટલું બેચેન, ઉશ્કેરાયેલું, જંગલી છે, જેમ કે કોઈ જંગલી આખલો અથવા હાથી જે મનુષ્યોની વસતિમાં ઘૂસી આવે છે ત્યારે કેટલો ઉત્પાત મચાવે છે. જો કોઈ સમજદાર વ્યક્તિ જંગલી પ્રાણીને પાળતુ બનાવે છે અને તાલીમ આપે છે, તો પછી તેની બધી તાકાત, જે વિનાશક હેતુઓ માટે વપરાઇ છે, તે હવે રચનાત્મક રીતે સમાજની સેવા કરવાનું શરૂ કરે છે. એ જ રીતે મન, જે જંગલી હાથી કરતાં ઘણું વધારે શક્તિશાળી અને ખતરનાક છે, તેને કાબૂમાં રાખવું અને પ્રશિક્ષિત કરવું આવશ્યક છે; તો પછી તેની પ્રચંડ શક્તિ આપણી સેવા કરવાનું શરૂ કરશે. પરંતુ આપણે ખૂબ જ ધૈર્યથી, દૃઢતાપૂર્વક અને નિરંતરતાથી કામ કરવું જોઈએ. અભ્યાસની નિરંતરતા એજ સફળતાની કુંજી છે.

કામ આપણે જ કરવાનું છે; આપણા માટે કોઈ બીજું કરી નથી શકતું. અનંત મૈત્રી અને કરુણા સાથે કોઈ બોધિ પ્રાપ્ત વ્યક્તિ કામ કરવાનો રસ્તો બતાવે છે, પણ તેઓ કોઈને એમના ખભા ઉપર બેસાડીને અંતિમ લક્ષ્ય સુધી નથી લઈ જઈ શકતા. આપણે જાતે જ ચાલવું પડશે, પોતાનું યુદ્ધ જાતે જ લડવું પડશે, પોતાની મુક્તિ જાતે જ મેળવવી પડશે. અલબત્ત, જેવું આપણે કામ શરૂ કરી દીધું, ધર્મની બધી શક્તિઓ મદદ કરવા લાગે છે, છતાંય આપણે જાતે જ કામ કરવું પડે છે. આખો રસ્તો આપણે જાતે જ કાપવો પડે છે.

સમજીએ કે આ માર્ગ કયો છે કે જેના પર આપણે ચાલવાનું શરૂ કર્યું છે. બુદ્ધે તેનું વર્ણન ખૂબ સરળ શબ્દોમાં કર્યું છે:

બધાં પાપી, અકુશળ કર્મોથી દૂર રહેવું,
ફક્ત પુણ્ય કુશળ કર્મો કરવાં,
મનને શુદ્ધ કરવું;
આ જ બધા બુદ્ધોનું શિક્ષણ છે.

તે એક સાર્વજનીન માર્ગ છે, જે કોઈપણ પૃષ્ઠભૂમિ, જાતિ અથવા દેશના લોકોને સ્વીકાર્ય છે. પરંતુ સમસ્યા પાપ અને પુણ્યની વ્યાખ્યામાં આવે છે. જ્યારે ધર્મનો સાર ખોવાઈ જાય છે, ત્યારે તે એક પંથ બની જાય છે, અને પછી દરેક સંપ્રદાય પુણ્યની એક અલગ વ્યાખ્યા આપે છે, જેમ કે કોઈ ખાસ બાહ્ય દેખાવ, અથવા અમુક ધાર્મિક વિધિઓ કરવા, અથવા અમુક માન્યતાઓ રાખવી. આ બધી સાંપ્રદાયિક વ્યાખ્યા છે, કેટલાકને સ્વીકાર્ય હોય અને બીજાઓને નહીં. ધર્મ, જોકે, પાપ અને પુણ્યની સાર્વજનીન વ્યાખ્યા આપે છે. કોઈપણ કર્મ કે જે બીજાઓને નુકસાન પહોંચાડે છે, જે તેમની શાંતિ અને સૌહાર્દને ખલેલ પહોંચાડે છે તે પાપી, અકુશળ કર્મ છે. કોઈપણ કર્મ કે જે બીજાઓની મદદ કરે છે, જે તેમના શાંતિ અને સુમેળમાં ફાળો આપે છે તે એક પુણ્ય, કુશળ કર્મ છે. આ વ્યાખ્યા કોઈ અંધશ્રદ્ધા મુજબ નહીં, પરંતુ પ્રકૃતિના કાયદા અનુસાર છે. અને પ્રકૃતિના નિયમ મુજબ આપણે, બીજાને નુકસાન પહોંચાડે એવું કોઈ કામ, પહેલાં મનમાં વિકાર, જેમ કે ક્રોધ, ડર, દ્વેષ વગેરે પેદા કર્યા વિના નથી કરી શકતા; અને જ્યારે પણ આપણે મનમાં કોઈ વિકાર જગાડીએ છીએ, ત્યારે આપણે વ્યાકુળ થઈ જઈએ છીએ અને પોતાની અંદર નારકીય દુખનો અનુભવ કરીએ છીએ. એવી જ રીતે, આપણે બીજાને મદદ થાય એવું કોઈ કામ, પહેલાં મનમાં મૈત્રી, કરુણા, સદ્ભાવના વગેરે જગાડ્યા વિના નથી કરી શકતા; અને જેવું આપણે મનમાં આવા શુદ્ધ ગુણો લાવીએ છીએ, આપણે પોતાની અંદર સ્વર્ગીય સુખની શાંતિનો અનુભવ કરીએ છીએ. જ્યારે આપણે બીજાઓને મદદ કરીએ છીએ, ત્યારે સાથે સાથે આપણે પોતાની જાતને મદદ કરીએ છીએ; જ્યારે આપણે બીજાઓને નુકસાન પહોંચાડીએ છીએ, ત્યારે સાથે સાથે આપણે પોતાનું નુકસાન કરીએ છીએ. આ ધર્મ છે, સત્ય છે, નિસર્ગનો નિયમ છે – પ્રકૃતિનો સાર્વજનીન કાયદો.

ધર્મના આ માર્ગને આર્ય અષ્ટાંગિક માર્ગ કહેવામાં આવે છે, આર્ય એ અર્થમાં કે જે કોઈ પણ તેના પર ચાલે છે તેમનું આર્ય, સંત બનવું નિશ્ચિત છે. આ માર્ગના ત્રણ વિભાગ છે: શીલ, સમાધિ અને પ્રજ્ઞા. શીલ એ સદાચાર છે - શરીર અને વાણીના અકુશળ કર્મોથી દૂર રહેવું. સમાધિ એ પોતાના મનના માલિક થવાનું કુશળ કર્મ છે. બંનેનો અભ્યાસ કરવો લાભદાયી છે, પરંતુ ના તો શીલ, ના તો સમાધિ મનમાં એકઠા કરેલા બધા વિકારોને દૂર કરી શકે છે. આ હેતુ માટે માર્ગના ત્રીજા વિભાગનો અભ્યાસ કરવો જરૂરી છે: પ્રજ્ઞા, જ્ઞાનનો વિકાસ, અંતરદ્રષ્ટિ, જે મનને સંપૂર્ણ રીતે શુદ્ધ કરે છે. શીલ ના વિભાગમાં આર્ય અષ્ટાંગિક માર્ગના ત્રણ અંગ છે:

(1)સમ્મા વાચા--સમ્યક વાણી, વાણીની શુદ્ધતા. વાણીની શુદ્ધતા શું છે તે સમજવા માટે એ જાણવું જરૂરી છે કે વાણીની અશુદ્ધતા શું છે. બીજાઓને છેતરવા માટે જૂઠું બોલવું, બીજાઓને દુખ પહોંચાડે તેવા કઠોર શબ્દો બોલવું, ચાડી-ચુગલી કે પર-નિંદાની વાતો કરવું, નકામી, નિરર્થક વાતો કરવું- આ બધું જ વાણીની અશુદ્ધિઓ છે. જ્યારે આપણે આવી વાણીથી દૂર રહીએ છીએ તો જે બાકી રહ્યું તે સમ્યક વાણી છે.

(2)સમ્મા કમ્મન્તો--સમ્યક કર્મ, શરીરના કર્મોની શુદ્ધતા. ધર્મના માર્ગ પર કર્મોની શુદ્ધતા અથવા અશુદ્ધતાને માપવા માટે ફક્ત એક જ માપદંડ છે, ભલે તે કાયિક, વાચિક અથવા માનસિક કર્મ હોય; અને તેનો અર્થ છે કે એ કર્મ બીજાઓને મદદ કરે છે અથવા નુકસાન પહોંચાડે છે. આમ હત્યા કરવું, ચોરી કરવું, બળાત્કાર અથવા વ્યભિચારનું આચરણ કરવું, અને નશો-પતો કરવું જેથી પોતાને ખબર નથી પડતી કે શું કરી રહ્યા છીએ- આવાં બધા કર્મો બીજાઓને નુકસાન પહોંચાડે છે, અને પોતાને પણ નુકસાન પહોંચાડે છે. જ્યારે આપણે શરીરના આવા અકુશળ કર્મોથી દૂર રહીએ છીએ, બાકીના બધા કર્મો સમ્યક કર્મ છે.

(3)સમ્મા આજીવો-- સમ્યક આજીવિકા. દરેક વ્યક્તિ પાસે પોતાની જાતને અને પોતાના પર આધારિત લોકોને જીવન-નિર્વાહ માટે ટેકો આપવાનો કોઈ રસ્તો હોવો જ જોઇએ, પરંતુ જો તે રસ્તો બીજાઓ માટે હાનિકારક છે, તો તે સમ્યક આજીવિકા નથી. કદાચ આપણે આપણી આજીવિકા દ્વારા અકુશળ કર્મો ના કરીએ, પરંતુ જો બીજાઓને આમ કરવા માટે પ્રોત્સાહન આપીએ; તો, આપણે સમ્યક આજીવિકાનો અભ્યાસ નથી કરી રહ્યા. ઉદાહરણ તરીકે, દારૂ વેચવો, જુગારની જગ્યા ચલાવવું, શસ્ત્ર વેચવું, જીવંત પ્રાણીઓ અથવા પ્રાણીનું માંસ વેચવું તેમાંથી એકેય સમ્યક આજીવિકા નથી. શ્રેષ્ઠ લાગતા વ્યવસાયમાં પણ, જો આપણું માનસ માત્ર બીજાનું શોષણ કરવાનું છે, તો પણ આપણે સમ્યક આજીવિકાનો અભ્યાસ નથી કરી રહ્યા. જો આપણો ભાવ સમાજના સદસ્ય તરીકે પોતાની ભૂમિકા નિભાવવાનો, આપણા સામર્થ્યનું યોગદાન કરવાનો, અને સૌના હિત માટે પુરુષાર્થનો છે, જેના બદલામાં આપણે પોતાનું અને પોતાના આશ્રિતોને જાળવવાનું વળતર મેળવીએ છીએ , તો આપણે સમ્યક આજીવિકાનો અભ્યાસ કરીએ છીએ.

એક ગૃહસ્થને, એક સામાન્ય વ્યક્તિને, પોતાનું ગુજરાન ચલાવા પૈસાની જરૂર હોય છે. જો કે, એમાં જોખમ એ છે કે પૈસા કમાવવું અહં ફુલાવવાનું આલંબન બની જાય છે: આપણે પોતાના માટે જેટલું શક્ય બને તેટલું વધારે પૈસાનો ભંડાર બનાવવા લાગીએ છીએ, અને જે લોકો ઓછું કમાય છે તેઓ પ્રત્યે હિન ભાવના રાખવા લાગીએ છીએ. આવો દૃષ્ટિકોણ બીજાઓની હાનિ કરે છે અને પોતાની પણ હાનિ કરે છે, કારણ કે જેટલો વધારે અહં એટલું વધારે આપણે મુક્તિ થી દૂર છીએ. એટલા માટે, સમ્યક આજીવિકાનું એક મહત્વપૂર્ણ પાસું દાન આપવું છે, આપણે જે કમાઈએ છીએ એનો થોડો ભાગ બીજાઓ સાથે વહેંચીએ. તો પછી આપણે ફક્ત પોતાના માટે નથી કમાતા પણ બીજાઓના લાભ માટે પણ.

જો ધર્મમાં ફક્ત બીજાને નુકસાન પહોંચાડનારા કર્મોથી દૂર રહેવાની સલાહ આપવાનો સમાવેશ થાય છે, તો તેની કોઈ અસર નહીં થાય. અકુશળ કર્મો કરવાના જોખમો અને કુશળ કર્મો કરવાના ફાયદાઓને આપણે બુદ્ધિપૂર્વક સમજી શકીએ છીએ, અથવા જે લોકો તેનો ઉપદેશ આપે છે તેમના પ્રત્યે શ્રદ્ધાથી શીલનું મહત્વ સ્વીકારી શકીએ છીએ. છતાંય અકુશળ કર્મો કરવાનું ચાલુ રહે છે, કારણ કે મન ઉપર નિયંત્રણ નથી હોતું. તેથી ધર્મનો બીજો વિભાગ, સમાધિ - મનના માલિક બનવું. આ ભાગમાં આર્ય અષ્ટાંગિક માર્ગના બીજા ત્રણ અંગ છે:

(4)સમ્મા-વાયામો-- સમ્યક વ્યાયામ, સમ્યક કસરત. પોતાના અભ્યાસથી આપણે જોયું કે મન કેટલું નબળું અને અશક્ત છે, હંમેશાં એક વિષયથી બીજા વિષયમાં ભાગતું રહે છે. આવા મનને મજબૂત કરવા માટે કસરતની જરૂર હોય છે. મનને મજબુત કરવા માટે ચાર કસરતો છે: મનમાં કોઈ દુર્ગુણ હોય તો તેને દૂર કરીશું, જે દુર્ગુણો નથી તેમને આવવા નહીં દઈએ, મનમાં જે સદ્ગુણો છે તેમને વધારીશું, અને જે સદ્ગુણો નથી તેમને લાવવા પ્રયત્ન કરીશું. શ્વાસની જાણકારી રાખવાના (આનાપાન)ના અભ્યાસ દ્વારા, પરોક્ષ રીતે, આપણે આ કસરતો કરવાનું શરૂ કરી દીધું છે.

(5)સમ્મા-સતિ--સમ્યક સ્મૃતિ (જાગરુકતા), વર્તમાન ક્ષણ ની સચ્ચાઈ પ્રત્યે જાગરુકતા. ભૂતકાળની ફક્ત યાદો હોઈ શકે છે; ભવિષ્ય માટે ફક્ત આકાંક્ષાઓ, ભય, કલ્પનાઓ જ હોઈ શકે છે. આપણે સમ્મા-સતિનો અભ્યાસ, પોતાની જાતને તાલીમ આપીને કે વર્તમાન ક્ષણમાં નાકના આ ત્રિકોણવાળા સીમિત ભાગમાં જે કોઈ સચ્ચાઈ પ્રગટ થાય છે તેના પ્રત્યે જાગરૂક રહી, શરૂ કર્યો છે. આપણે સ્થૂળથી સ્થૂળ સચ્ચાઈથી માંડીને સૂક્ષ્મથી સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ સચ્ચાઈ સુધી સંપૂર્ણ સચ્ચાઈના ક્ષેત્રની જાણકારી રાખવાની ક્ષમતા વિકસિત કરવાની છે. શરૂ કરવા માટે, આપણે સભાન, ઇરાદાપૂર્વક શ્વાસ તરફ ધ્યાન આપ્યું, પછી સામાન્ય, કુદરતન, નૈસર્ગિક, શ્વાસ; અને ત્યાર બાદ શ્વાસનો સ્પર્શ. હવે આપણે જાણકારી બનાવી રાખવા હજુ સૂક્ષ્મ આલંબન લઈશું: આ મર્યાદિત ક્ષેત્રમાં કુદરતન, સ્વાભાવિક શરીરની અનુભૂતિ, સંવેદનાઓ. આપણને શ્વાસના તાપમાનનો અનુભવ થઈ શકે છે, શરીરમાં આવે છે ત્યારે સહેજ ઠંડો, જાય છે ત્યારે સહેજ ગરમ. તેનાથી આગળ, અસંખ્ય સંવેદનાઓ એવી છે જે શ્વાસથી સંબંધિત નથી: ગરમી, ઠંડી, ખંજવાળ, ધબકાર, કંપન, દબાણ, તાણ, પીડા, વગેરે. આપણે સંવેદનાઓનો ચુનાવ નથી કરી શકતા, કારણ કે આપણે સંવેદનાઓનું નિર્માણ નથી કરી શકતા. કેવળ જાણવાનું છે, જાગરૂક રહેવાનું છે. સંવેદનાના નામનું મહત્વ નથી; મહત્ત્વની વાત એ છે કે સંવેદનાની સચ્ચાઈને જાણવાની છે, તેના પર કોઈ પ્રતિક્રિયા આપ્યા વિના.

મનનો સ્વભાવ, જેમ આપણે જોયું કે, રાગ અને દ્વેષ ઉત્પન્ન કરતાં કરતાં, ભવિષ્યમાં કે ભૂતકાળમાં ભાગતા રહેવાનો છે. સમ્યક જાગરુકતાનો અભ્યાસ કરી આપણે આ ટેવ તોડવાનું શરૂ કરી દીધું. એવું નથી કે આ શિબિર પછી આપણે ભૂતકાળને સંપૂર્ણપણે ભૂલી જઈશું, અને ભવિષ્ય માટે કંઇ વિચારીશું નહીં. પરંતુ હકીકતમાં આપણે ભૂતકાળ અથવા ભવિષ્યના વિચારોમાં બિનજરૂરી આળોટતા રહી આપણી શક્તિનો બગાડ કરતા રહેતા હતા, એટલા સુધી કે જ્યારે આપણે કંઈક યાદ કરવાની અથવા યોજના કરવાની જરૂર હોય, ત્યારે આપણે તેમ કરી શક્યા નહીં. સમ્યક જાગરુકતા વિકસિત કરીને, આપણે આપણા મનને વર્તમાન સચ્ચાઈમાં વધુ નિશ્ચિતરૂપે કેન્દ્રિત કરવાનું શીખીશું, અને આપણે જોશું કે જ્યારે જરૂર પડે ત્યારે આપણે સરળતાથી ભૂતકાળને યાદ કરી શકીશું, અને ભવિષ્ય માટે યોગ્ય જોગવાઈઓ કરી શકીશું. આપણે સુખી, સ્વસ્થ જીવન જીવી શકીશું.

(6)સમ્મા સમાધિ-- સમ્યક સમાધિ, મનની એકાગ્રતા. માત્ર એકાગ્રતા આ વિદ્યાનો હેતુ નથી; આપણે જે એકાગ્રતા વિકસાવીએ છીએ તેમાં શુદ્ધતાનો આધાર હોવો આવશ્યક છે. રાગ, દ્વેષ, અથવા મોહ-મૂઢતા ના આધારે આપણે મનને એકાગ્ર કરી શકીએ છીએ, પરંતુ આ સમ્મા સમાધિ નથી. આપણે પોતાના અંદરની સચ્ચાઈ પ્રત્યે જાગરૂક રહેવાનું છે, કોઈ પણ રાગ દ્વેષ વિના. આ જાગરુકતાને સતત ક્ષણ-પ્રતિક્ષણ ટકાવી રાખવી-- એ સમ્મા સમાધિ છે.

પાંચ સદાચારના નિયમોનું ખૂબ સાવધાનીથી ચોક્સાઇપૂર્વક પાલન કરીને, આપણે શીલનો અભ્યાસ શરૂ કરી દીધો. આપણા મનને એક બિંદુ, જે વર્તમાન ક્ષણનું એક સાચું આલંબન છે, તેના પર રાગ દ્વેષ વિના કેન્દ્રિત રહેવાની તાલીમ આપીને, આપણે સમ્યક સમાધિનો અભ્યાસ શરૂ કરી દીધો. હવે મનને તીક્ષ્ણ બનાવવા માટે આપણે ખૂબ પુરુષાર્થથી કામ કરતા રહીએ, જેથી જ્યારે આપણે પ્રજ્ઞાનો અભ્યાસ શરૂ કરીશું, ત્યારે અંતરમનના ઊંડાણમાં છુપાયેલ બધા વિકારોને નાબૂદ કરી શકવા, અને સાચા સુખનો અનુભવ કરવા—મુક્તિના સુખનો અનુભવ કરવા માટે ત્યાં સુધી પહોંચ બનાવી શકીશું.

સૌ વાસ્તવિક સુખ પામે.

સૌ સુખી થાઓ! સૌનું મંગળ થાઓ!