જાન્યુઆરી 2000માં દાવોસ, સ્વિટઝરલેંડમાં યોજાયેલ 'વિશ્વ આર્થિક મંચ'ની એક સભામાં શ્રી ગોએન્કાજીએ "સુખ શું છે? શું આ જ બધું છે?" વિષય પર કરેલી ટિપ્પણીનો સાધારણ મૂળ પાઠ નીચે મુજબ છે:
આ મંચમાં ભાગ લેનાર દરેક વ્યક્તિ આપણા ગ્રહ પરના લોકોના અનન્ય જૂથમાં છે. તેઓ સામાન્ય રીતે વિશ્વના સૌથી ધનિક, સૌથી શક્તિશાળી, સૌથી કુશળ વ્યક્તિઓમાં હોય છે. વિશ્વ આર્થિક મંચ (વર્લ્ડ ઇકોનોમિક ફોરમ) માં ભાગ લેવા માટે આમંત્રણ મળવું એ પણ પ્રત્યેક ભાગ લેનાર વ્યક્તિએ તેમના સાથીદારોમાં પ્રાપ્ત કરેલ દરજ્જાની મહાન ઓળખાણ છે.
જ્યારે આપણી પાસે જેવું આપણે ક્યારેય ઇચ્છીએ તેવી બધી સંપત્તિ, શક્તિ અને દરજ્જો હોય, તો શું આપણે અનિવાર્યપણે ખુશ હોઈએ છીએ? શું આ બધી સિદ્ધિઓ અને આત્મ-સંતોષ તેઓ લાવે છે "તે જ બધું છે?" અથવા શું આપણે પામી શકીએ તેવું આનાથી પણ મોટું સુખનું સ્તર છે?
સુખ એ એક અલ્પકાલિક સ્થિતિ છે. તે તીવ્ર ગતિથી ભાગનારું છે. એક ક્ષણમાં અહીં તો બીજી ક્ષણમાં જતું રહે છે. એવા દિવસોમાં જ્યારે આપણા વ્યવસાય, આપણા બેંક એકાઉન્ટ અને આપણા પરિવાર સાથે બધું સારું થઈ રહ્યું છે, ત્યારે ખુશી હોય છે. પરંતુ જ્યારે કંઈક અનિચ્છનીય બને છે ત્યારે શું? જ્યારે સંપૂર્ણ રીતે આપણા નિયંત્રણની બહારનું એવું કંઈક થાય છે જે આપણા સુખ અને સામંજસ્યને ખલેલ પહોંચાડે છે ત્યારે શું?
વિશ્વની દરેક વ્યક્તિ, ગમે તેવા શક્તિ અને હોદ્દાવાળી હોય છતાં પણ, એવા સમયગાળાઓનો અનુભવ કરે છે કે જે દરમ્યાન એવા સંજોગો ઊભા થાય છે જે તેના નિયંત્રણની બહાર હોય છે અને તેની પસંદના નથી હોતા. જેમ કે તેને કોઈ જીવલેણ રોગ હોય; કોઈ નજીકના પ્રિય વ્યક્તિની માંદગી અથવા મૃત્યુ હોય; તેના છૂટાછેડા હોય અથવા જીવનસાથી તેને દગો આપી રહ્યું છે તેની જાણકારી હોય. એવા લોકોમાં જે જીવનમાં સફળતા મેળવવાના નશામાં હોય છે તેમના માટે તે કોઈ પણ પ્રકારની નિષ્ફળતા હોઈ શકે છે: વ્યવસાયમાં ખોટો નિર્ણય, તેમની કંપની બીજાને વેચાઈ જવાને પરિણામે નોકરી ગુમાવવું, રાજકીય ચૂંટણી હારી જવું, તેમણે જોઈતી બઢતી બીજા કોઈને મળી જવી, અથવા તેમના સંતાનનું ઘરેથી ભાગી જવું, બળવો કરવું, તેમને વ્હાલા લાગતાં આદર્શોનો અસ્વીકાર કરવું. ગમે તેટલી સંપત્તિ, પ્રતિષ્ઠા અને શક્તિ એમની પાસે હોય, છતાંય આવી અનિચ્છનીય ઘટનાઓ અને નિષ્ફળતાઓ જીવનમાં સામાન્ય રીતે ખૂબ દુખ પેદા કરે છે.
આગળ, સવાલ એ આવે છે: દુખના આ સમયગાળાઓનો સામનો કેવી રીતે કરવો, જે અન્યથા આદર્શ રીતે ચાલતા જીવનને બગાડે છે? સૌથી વધુ સુખી, મોહિત જીવનોમાં પણ આવા સમયગાળાઓ આવવાના જ છે: શું તમે સંતુલિત અને સમતાભર્યું વર્તન કરો છો અથવા શું તમે જે દુ:ખ અનુભવી રહ્યા છો તેના કારણે ઘૃણાની પ્રતિક્રિયા કરો છો? શું તમે તમારી ખુશી પાછી આવવાની લાલસા રાખો છો?
તદુપરાંત, જ્યારે આપણે સુખ અને આપણે જેવું ઇચ્છીએ તેવું જ હંમેશા થાય એવા સ્વભાવથી ટેવાઇ જઈએ છીએ, તો પછી જ્યારે આપણે ઇચ્છીએ તેવું ના થાય ત્યારે દુખ ખૂબ વધારે થાય છે. હકીકતમાં, તે અસહ્ય બને છે. ઘણી વાર તો આ દુખ લોકોને નિરાશા અને હતાશાનો સામનો કરવા માટે નશા-પતાનો આશરો લેવાની અને કામ કરતા રહેવા માટે જરૂરી આરામ મેળવવા ઉંઘની ગોળીઓનો આશરો લેવાની પ્રેરણા આપે છે. પૂરો સમય આપણે બાહરની દુનિયાને અને પોતાને કહેતા રહીએ છીએ કે અમારી સંપત્તિ, શક્તિ અને પદને લીધે અમે ઉત્કૃષ્ટ રીતે ખુશ છીએ.
હું એક વ્યવસાયી પરિવારમાંથી આવ્યો છું અને ખૂબ જ નાની ઉંમરેથી એક ઉદ્યોગસાહસિક અને ઉદ્યોગપતિ હતો. મેં ખાંડની મિલો, વણાટ મિલો અને ધાબળાની ફેક્ટરીઓ બનાવી અને આખા વિશ્વભરમાં આયાત-નિકાસ કંપનીઓની ઓફિસો સાથે સ્થાપના કરી. આ પ્રક્રિયામાં, મેં ખૂબ પૈસા કમાવ્યા. જો કે, હું એ આબેહૂબ રીતે યાદ પણ કરું છું કે તે વર્ષો દરમ્યાન મારા વ્યવસાયની ઘટનાઓ અને મારા વ્યક્તિગત જીવન પ્રત્યે મેં કેવી પ્રતિક્રિયા આપી. દરરોજ રાત્રે, દિવસ દરમ્યાન કોઈ વ્યવસાયિક વ્યવહારમાં સફળ થવામાં જો હું નિષ્ફળ ગયો હતો, તો હું કલાકો સુધી જાગૃત રહીને અને શું ખોટું થયું હતું અને પછીની વખતે મારે શું કરવું જોઈએ તે શોધવાનો પ્રયત્ન કરતો રહેતો. ભલે મેં તે દિવસે કોઈ મોટી સફળતા પ્રાપ્ત કરી હોય, પણ હું જાગતો પડી રહેતો અને મારી સિદ્ધિનો આનંદ માણતો રહેતો. જ્યાં હું મોટી સફળતાનો અનુભવ કરતો, આ ના તો સુખ કે ના મનની શાંતિ હતી. મને સમજાયું કે શાંતિ, ખુશી સાથે ખૂબ જ નજીકથી જોડાયેલ છે; અને મારી પાસે ગમે તેટલા પૈસા હોય કે સમાજમાં નેતા તરીકે પ્રતિષ્ઠા હોય તો પણ અવારનવાર બંનેમાં થી એકેય મારી પાસે નહોતાં.
મને આ વિષયથી સંબંધિત મારી એક પ્રિય કવિતા યાદ આવે છે:
હસવું સરળ છે, જ્યારે જીવન મધુર ગીતની જેમ સરતું જાય છે;
પણ હસતો રહે તે માનવ કુશળ છે,
જ્યારે બધું પાનખર ની જેમ ખરતું જાય છે.
આપણા ધન, શક્તિ અને પ્રતિષ્ઠા ગમે તેવાં હોય, પણ એવા સમયગાળાઓ જેમાં વિપરીત પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે તેમનો સામનો કેવી રીતે કરીએ છીએ એ "સુખી થવાના અર્થ"માં એક મુખ્ય ઘટક છે.
આ એક મૂળભૂત માનવ જરૂરિયાત છે કે દરેક વ્યક્તિ સુખી જીવન જીવવા માંગે છે. આ માટે, પહેલાં આપણે વાસ્તવિક સુખનો અનુભવ કરવો પડશે. ધન અને શક્તિ ભેગાં કરી અથવા કામ-ભોગમાં લિપ્ત રહી, સામાન્ય રીતે માનવામાં આવતાં સુખનો જે આપણે અનુભવ કરીએ છીએ તે વાસ્તવિક સુખ નથી. તે ખૂબ જ નાજુક અને અસ્થિર છે, લાંબા સમય સુધી ટકવા વાળું નથી. વાસ્તવિક સુખ માટે, વાસ્તવિક સ્થાયી સ્થિર સુખ માટે, આપણે પોતાની અંદર ઊંડી યાત્રા કરવી પડશે અને તે જોવું જોઈશે કે મનના ઊંડા સ્તરોમાં સંગ્રહિત તમામ દુખ અને વ્યાકુળતાઓ માં થી આપણે મુક્તિ મેળવવી છીએ. જ્યાં સુધી મનના ઊંડા સ્તરોમાં દુખ અને વ્યાકુળતા ભરેલી છે અને જ્યાં સુધી વર્તમાનમાં દુખ પેદા કરીએ છીએ ત્યાં સુધી આ સંગ્રહિત જથ્થાનો ગુણાકાર થઈ રહ્યો છે અને મનની સપાટીના સ્તરે ખુશ થવાના તમામ પ્રયત્નો નિરર્થક સાબિત થાય છે.
જ્યાં સુધી આપણે ગુસ્સો, નફરત, દુર્ભાવના, દુશ્મનાવટ જેવી નકારાત્મકતાઓ ઉત્પન્ન કરતા રહીએ છીએ ત્યાં સુધી દુખનો જથ્થો વધતો જતો રહે છે. પ્રકૃતિનો નિયમ એવો છે કે જેવું આપણે નકારાત્મકતા ઉત્પન્ન કરીએ છીએ, તે સાથે જ દુખ ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી આપણે મનમાં નકારાત્મકતા ઉત્પન્ન કરીએ છીએ ત્યાં સુધી સુખ અને શાંતિનો અનુભવ કરવો અશક્ય છે. શાંતિ અને નકારાત્મકતા એક સાથે રહી શકતાં નથી, જેમ પ્રકાશ અને અંધકાર એક સાથે રહી શકતાં નથી. એક વ્યવસ્થિત વૈજ્ઞાનિક કસરત છે જે પ્રાચીન દેશ ભારતના એક મહાન સુપર વૈજ્ઞાનિક દ્વારા વિકસાવવામાં આવી હતી, જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ મન અને શરીરની પ્રક્રિયા ને લગતા સત્યને અનુભવના સ્તરે જાણી શકે છે. આ કસરતને વિપશ્યના ધ્યાન કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે સચ્ચાઈને તેના યથાર્થ રૂપમાં, જેવી છે તેવી, જાણવું. આ વિદ્યા આપણને પોતાની જ ભૌતિક કાયામાં, મન અને શરીર એક બીજાને કેવી રીતે પ્રભાવિત કરે છે તેને અનુભવ કરવાની અને સમજવાની ક્ષમતા વિકસાવવામાં મદદ કરે છે.
વિપશ્યના ધ્યાનના 10-દિવસીય શિબિર દરમ્યાન આપણે અન્ય કોઈ સહભાગીઓ સાથે વાત ન કરીને મૌનનું પાલન કરીએ છીએ. આ મનને વધુ શાંત અને સંવેદનશીલ બનવામાં મદદ કરવા માટે છે. અલબત્ત, સાધના સંબંધી પ્રશ્નો માટે આચાર્ય સાથે અથવા કોઈપણ વ્યક્તિગત આવશ્યકતાઓ અથવા સુવિધાઓ સંબંધી આવતી સમસ્યાઓ વિશે મેનેજમેન્ટ સાથે વાત કરવાની છૂટ છે. એ સિવાય તો મૌન જ મૌન.
શિબિરની શરૂઆતમાં પૂરું ધ્યાન પોતાના શ્વાસ પર કેન્દ્રિત કરવાનું હોય છે, શ્વાસના પ્રવાહ પર: જેમ એ નાકમાં અંદર આવે છે અને બહાર જાય છે; અને જેમ શ્વાસ નાકની નળીઓથી લઈ, નાકના દ્વારની નીચે, ઉપરવાળા હોઠની ઉપર, શરીરના આ ભાગ પરથી પસાર થાય છે તેનાથી થતી સંવેદનાઓ પર. જ્યારે પહેલી વાર કામ શરૂ કરીએ છીએ, ત્યારે મન તરત જ વિચારો, કલ્પનાઓ, યાદોમાં ભટકી જતું હોય છે. જેવું આપણને ખ્યાલ આવે છે કે તે ભટકી ગયું છે, આપણે તેને શાંતિપૂર્વક પાછું શ્વાસની જાણકારી પર લઈ આવવાનું હોય છે. ધીમે ધીમે આગામી ત્રણ દિવસોમાં મન સ્થિર થતું જાય છે અને વધુ કેન્દ્રિત થતું જાય છે. ચોથા દિવસ સુધીમાં, મોટાભાગના સાધકો અનુભવે છે કે મન પ્રમાણમાં વધુ કેન્દ્રિત છે અને તે 1, 2, 3 અથવા કદાચ 5 મિનિટ પણ એકી સાથે એકદમ ભટક્યા વિના શ્વાસના આલંબન પર ચોંટી રહે છે.
શિબિરના શરૂઆતના થોડા દિવસોમાં આવો પણ અનુભવ થાય છે: પહેલાંની તુલનામાં મન ખૂબ વધુ સંવેદનશીલ બને છે. મૌન રહેવાથી અને શ્વાસ ઉપર સતત ધ્યાન રાખવાથી, મન શરીરમાં થનાર પ્રાકૃતિક સંવેદનાઓને, ભૂતકાળમાં જે રીતે અનુભવ્યું છે તેના કરતાં ખૂબ વધારે સૂક્ષ્મ સ્તરે અનુભવે છે- સૌ પહેલાં તો નસકોરાંની આજુબાજુના ક્ષેત્રમાં: સૂક્ષ્મ કંપનો, ધ્રૂજારી અને અન્ય સંવેદનાઓ.
શિબિરના ચોથા દિવસની બપોરે, ધ્યાનનું આલંબન શ્વાસની જાણકારી રાખવામાંથી શરીરમાં થતી કુદરતન સંવેદનાઓની જાણકારી રાખવા તરફ ફેરવાય છે. માથાની ટોચથી શરૂ કરતાં, ધ્યાન ધીમે ધીમે અને કાળજીપૂર્વક નીચે આખા શરીરમાં ખસેડવામાં આવે છે, એક સમયે એક ભાગ, જે પણ સંવેદના અનુભવમાં આવે છે તે પ્રત્યેકનું નિરીક્ષણ કરતાં કરતાં અને મનને તાલીમ આપતાં આપતાં કે જે કોઈ સંવેદનાનો અનુભવ થાય છે તેના પ્રત્યે પ્રતિક્રિયા ના આપે: અપ્રિય સંવેદનાઓ, જેમ કે પીડા, પ્રત્યે દ્વેષ અને તિરસ્કારની પ્રતિક્રિયા, એવા ભાવથી કે આ જતી રહે, ના કરવી; તેમ જ ખૂબ પ્રિય, આનંદમયી સંવેદનાઓ પ્રત્યે રાગ અને આસક્તિની પ્રતિક્રિયા, એવા ભાવથી કે આ જતી ના રહે, ના કરવી. ફક્ત મનને શરીરમાં થતી બધી કુદરતન, નૈસર્ગિક સંવેદનાઓને સમતાથી, કોઈપણ પ્રતિક્રિયા વિના જાણતા રહેવાની તાલીમ આપવી.
આપણા ભૂતકાળના અનુભવોમાં, જ્યારે પણ આપણે કંઇ અનુભવ્યું છે તે પ્રત્યેક વખતે, એ અનુભવની સાથે સાથે શરીરમાં કોઈ ને કોઈ સંવેદના થઈ હતી અને મન દ્વારા તે સંવેદના પ્રત્યે પસંદ (ગમે છે) અથવા નાપસંદ (નથી ગમતું)ની પ્રતિક્રિયા થઈ હતી. સામાન્ય રીતે મન જે સંવેદના થાય છે તેમના પ્રત્યે સભાનપણે જાગરૂક હોવા ખૂબ અસંવેદનશીલ હોય છે; પણ અચેતન મનના કોઈ ને કોઈ સ્તરે હંમેશા પ્રતિક્રિયા હતી અને તે પ્રતિક્રિયા મન-શરીરના સંકુલમાં સંગ્રહિત થાય છે. વહેલાં-મોડાં, સંગ્રહિત માનસિક બંધારણ (મનની ખૂબ ઊંડી ટેવો) ઉભરાઇ આવે છે અને એવા પ્રકારના કોઈપણ અનુભવને વધારે (ગુણાન્વિત કરે) છે.
વિપશ્યના ધ્યાન દરમ્યાન પ્રતિક્રિયા વિના શારીરિક સંવેદનાઓનું નિરીક્ષણ (જાણકારી રાખવું) નોંધપાત્ર અસર ઉત્પન્ન કરે છે. તે ક્રોધ, દ્વેષ, દુર્ભાવ, લાલસાઓ, વગેરે જેવી જૂની સંગ્રહિત મનની ટેવોને (સંસ્કારોને) મનની સપાટી પર લાવે છે જે સંવેદનાઓના રૂપમાં પ્રગટ થાય છે. કોઈપણ પ્રતિક્રિયા વિના, આ સંવેદનાઓનું નિરીક્ષણ તેમનું ઉન્મૂલન કરે છે, પડ પર પડ ઉતરતી જાય છે. ત્યાર બાદ તમારું મન આમાંની ઘણી જૂની ટેવોથી મુક્ત થાય છે અને જીવનના અનુભવોને ભૂતકાળના અનુભવોના રંગ વિના (રંગીન ચશ્મા વિના) સામનો કરી શકે છે.
વિપશ્યનાના અભ્યાસનો સાર એ છે કે મનને એની જૂની ગાઢ ટેવો (સંસ્કારો) થી મુક્ત કરવું જેથી આપણે સુખી જીવન જીવી શકીએ. સૌ માટે મૈત્રી, કરુણા, સદ્ભાવના થી ભરેલું જીવન.
મનમાંથી જૂની ટેવોને દૂર કરવાનું અને મનને દરેક અનુભવ સાથે સમતામાં રહેવાનું શીખવાડવાનું, એ સાચી ખુશીનો અનુભવ કરવા માટે આપણને સક્ષમ કરવા તરફનું પ્રથમ પગલું છે.