શ્રી સત્ય નારાયણ ગોયન્કા

પૃષ્ઠભૂમિ

S.N. Goenka
શ્રી ગોયન્કાજી મ્યમાંના સયાજી ઉ બા ખિનની વિપશ્યના (Vipassana) પરંપરાના ગૃહસ્થ આચાર્ય છે.

શ્રી ગોયન્કાજીનો જન્મ મ્યમાંમાં (બર્મામાં) થયો. ત્યાંના રહેવાસ દરમ્યાન સૌભાગ્યથી તેઓ સયાજી ઉ બા ખિનના સમ્પર્કમાં આવ્યા અને એમનની પાસેથી વિપશ્યનાનું પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. ચૌદ વર્ષ સુધી પોતાના ગુરુદેવ પાસેથી પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યા પછી શ્રી ગોયન્કાજી ભારત આવ્યા અને ૧૯૬૯માં વિપશ્યના શીખવવાનું શરુ કર્યું. જાતીયતા અને સાંપ્રદાયિકતાથી પ્રભાવિત ભારતમાં શ્રી ગોયન્કાજીની શિબિરોમાં સમાજના બધા સ્તરના હજારો લોકો સમ્મેલિત થયેલા છે. આજે વિશ્વભરમાં લગભગ ૧૪૦ દેશોના લોકો વિપશ્યના શિબિરોમાં ભાગ લઈને લાભાન્વિત થતા હોય છે.

શ્રી ગોયન્કાજીએ ભારત અને વિદેશોમાં ૩૦૦થી વધારે શિબિરોનું સંચાલન કર્યું છે અને કેટલાય હજારો લોકોને વિપશ્યના શીખવી છે. શિબિરોની વધતી માંગને જોઈને ૧૯૮૨માં તેઓએ સહાયક આચાર્ય નિયુક્ત કરવાનું શરુ કર્યું. તેઓના માર્ગદર્શન નીચે ભારત, કેનેડા, અમેરિકા, ઔસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ, ફ્રાન્સ, સ્પૈન, બેલ્જીયમ, ઇંગ્લેન્ડ, જર્મની, જાપાન, તૈવાન, શ્રીલંકા, મ્યમાં (બર્મા), થાઈલેન્ડ, નેપાલ, ઈરાન, મેક્સિકો, બ્રાઝિલ, આર્જેન્ટીના, સાઉથ આફ્રિકા, મંગોલીયા આદિ કેટલાય દેશોમાં વિપશ્યના કેન્દ્રોની સ્થાપના થયેલી છે.

આજે આચાર્ય ગોયન્કાજી જે વિપશ્યના શીખવાડે છે, એ વિદ્યાની લગભગ ૨૫૦૦ વર્ષ પૂર્વે ભારતમાં ભગવાન બુદ્ધે પુન: શોધ કરી હતી. ભગવાન બુદ્ધે ક્યારેય પણ સાંપ્રદાયિક શિક્ષા નથી આપી. એમણે ધર્મ (ધમ્મ (Dhamma)) ની શિક્ષા આપી છે કે જે સાર્વજનીન છે. વિપશ્યના સાંપ્રદાયિકતાવિહિન વિદ્યા છે. આ જ કારણસર આ વિદ્યા વિશ્વભરની બધી પૃષ્ઠભુમીઓના લોકોને આકર્ષિત કરે છે, ભલેને પછી તે કોઈ પણ સંપ્રદાયના હોય, કે પછી કોઈ સંપ્રદાયમાં માનતા પણ ન હોય.

શ્રી ગોએંકા એમના જીવનકાળમાં અનેક પુરુસ્કારો અને સમ્માનોના પ્રાપ્તકર્તા હતા, જેમાં 2012માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા અપાયેલ પ્રતિષ્ઠિતપદ્મ ભુષણ નો પણ સમાવેશ છે. આ ભારત સરકાર દ્વારા નાગરિકોને અપાતા પુરુસ્કારોમાંનું એક સર્વશ્રેષ્ઠ પુરુસ્કાર છે.

સત્ય નારાયણ ગોએંકાજીએ તેમનો આખરી શ્વાસ સપ્ટેમ્બર 2013માં, 89 વર્ષની ઉમ્મરે લીધો. તેમની પાછળ એક અવિનાશી વારસો મુકતા ગયા છે: વિપશ્યના વિધિ, વિશ્વભરના લોકોને પહેલાંના કોઈ સમય કરતાં વધુ વ્યાપક રીતે હવે ઉપલબ્ધ.


યુનોમાં શાંતિ શિખર વાર્તા

આચાર્ય ગોયન્કાજીને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ન્યુયોર્કના જનરલ એસેમ્બલી હોલમાં આયોજિત સહસ્રાબ્દી વિશ્વ શાંતિ સંમેલનમાં વિશ્વના ગણમાન્ય આધ્યાત્મિક અને ધાર્મિક નેતાઓની સાથે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ૨૯ ઓગસ્ટ ૨૦૦૦ ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ કોફી અન્નાને આ સંમેલનનું ઉદઘાટન કર્યું હતું.

શ્રી સત્ય નારાયણ ગોયન્કાજીનું શાંતિ સંમેલનને સંબોધન

બિલ હિગિન્સ ૨૯ ઓગસ્ટ ૨૦૦૦
S. N. Goenka at U.N.
છાયાચિત્ર Beliefnet, Inc. ના આભારે

ન્યુયોર્ક — આચાર્ય ગોયન્કાજીએ સહસ્રાબ્દી વિશ્વ શાંતિ સંમેલનના પ્રતિનિધિયોને રાષ્ટ્રસંઘના જનરલ એસેમ્બલી હોલમાં સંબોધિત કર્યા કે જ્યાં પહેલી વાર આધ્યાત્મિક અને ધાર્મિક નેતાઓનું સંમેલન થયું હતું.

આચાર્ય ગોયન્કાજીએ કોન્ફ્લીક્ટ ટ્રાન્સફોર્મેશન નામના સત્રમાં ભાષણ આપ્યું. આ સત્રમાં ધાર્મિક સમન્વય, સહિષ્ણુતા અને શાંતિપૂર્વ સહ-અસ્તિત્વના વિષયો પર ચર્ચા થઈ હતી.

"એક સંપ્રદાયમાંથી બીજા સંપ્રદાયમાં રૂપાંતરણની ચર્ચા-વિચારણાને બદલે" ગોયન્કાજીએ કહ્યું, "એ વધારે લાભદાયી થશે કે આપણે લોકોને દુઃખમાંથી સુખની તરફ, બંધનમાંથી મુક્તિની તરફ, ક્રૂરતાથી કરુણાની તરફ લઈ જઈએ."

ગોયન્કાજીએ સંમેલનના બપોરના સત્રમાં લગભગ બે હજાર પ્રતિનિધિઓ અને પ્રેક્ષકોની હાજરીમાં આ ભાષણ આપ્યું. આ સત્ર સી. એન. એન. ના સંસ્થાપક ટેડ ટર્નરના ભાષણની પછી હતું.

શિખર સંમેલનનો વિષય વિશ્વ શાંતિ છે, એ વાતને ધ્યાનમાં રાખીને ગોયન્કાજીએ એ વાત પર ઘણો ભાર મુક્યો કે વિશ્વમાં શાંતિ ત્યાં સુધી સ્થાપિત નહી થઈ શકે જ્યાં સુધી વ્યક્તિઓની અંદર શાંતિ નહી હોય. "વિશ્વમાં શાંતિ ત્યાં સુધી સ્થાપિત નહી થઈ શકે જ્યાં સુધી વ્યક્તિઓના મનમાં કોર્ધ અને ધ્રુણા છે. મૈત્રી અને કરુણા ભર્યા હ્રદયથી જ વિશ્વમાં શાંતિ સ્થાપિત કરી શકાશે."

શિખર સંમેલનનું એક મહત્વપૂર્ણ પાસું વિશ્વમાં સાંપ્રદાયિક લડાઈ-ઝગડા અને તણાવ ઓછા કરવાનું છે. આ કામને સંબંધિત ગોયન્કાજીએ કહ્યું કે જ્યાં સુધી અંદર ક્રોધ અને દ્વેષ છે, ત્યાં સુધી ભલેને પછી ઈસાઈ હોય, હિંદુ હોય, મુસલમાન હોય કે બૌદ્ધ હોય, દુખી જ થશે.

તાળીયોના ગડગડાટની વચમાં એમણે કહ્યું, "જેના હ્રદયમાં શુધ્ધ પ્રેમ અને કરુણા છે, એ આંતરિક સ્વર્ગીય સુખનો અનુભવ કરી શકે છે. આ નિસર્ગનો નિયમ છે, ભલેને પછી કોઈ કહે કે આ ઈશ્વરની ઈચ્છા છે."

વિશ્વના પ્રમુખ ધાર્મિક નેતાઓની આ સભામાં એમણે કહ્યું, "આપણે બધા સંપ્રદાયોના સમાન તત્વો પર ધ્યાન આપીએ, આ તત્વોને મહત્વ આપીએ. મનની શુધ્ધતાને મહત્વ આપીએ કે જે બધા સંપ્રદાયોનો સાર છે. આપણે ધર્મના એ અંગને મહત્વ આપીએ અને ઉપરની છાલને સાંપ્રદાયિક કર્મકાંડ, પર્વ-ઉત્સવ, માન્યતાઓ નજરથી દૂર કરીએ."

પોતાના પ્રવચનના સારાંશમાં ગોયન્કાજીએ સમ્રાટ અશોકના એક શિલાલેખને વાંચી સંભળાવ્યો કે જેમાં અશોકે કહ્યું છે કે, "કેવળ પોતાના ધર્મનું સમ્માન અને બીજાના ધર્મનું અસમ્માન નહી કરવું જોઈએ. એના બદલે બીજા ઘણા કારણસર બીજાના ધર્મનું સમ્માન કરવું જોઈએ. આમ કરવાથી પોતાના ધર્મની વૃધ્ધીમાં તો મદદ કરીએ જ છીએ પણ બીજાના ધર્મની પણ સેવા કરતા હોઈએ છીએ. આમ નહી કરીએ તો પોતાના ધર્મની કબર તો ખોદીશું જ પણ સાથે બીજાના ધર્મને પણ હાનિ પહોંચાડીશું. ભેગા મળીને રહેવાનું જ હિતાવહ છે. બીજાના ધર્મોનો જે ઉપદેશ હોય, એ બધા સાંભળે અને સાંભળવા માટે ઉત્સુક બને."

સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ કોફી અન્નાને આશા પ્રકટ કરીકે આ શિખર પરિષદમાં એકત્ર થયેલા વિશ્વના પ્રમુખ આધ્યાત્મિક અને ધાર્મિક નેતાઓની શાંતિ માટેની એકત્રિત પોકાર નવી સહસ્રાબ્દીમાં શાંતિ વધારશે.

આધ્યાત્મિક નેતાઓ જેઓને સંયુક્ત રાષ્ટ્રના આવા સર્વ પ્રથમ સમ્મેલનમાં આમંત્રિત કરવામાં આવ્યા તેમાં સ્વામી નારાયણ પંથના પ્રમુખ સ્વામી, સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી અગ્નિવેશ, માતા અમૃતાનંદમયી દેવી અને દાદા વાસવાણી સાથે સાથે પ્રખ્યાત વિદ્વાનો જેમકે ડૉ. કરણ સિંઘ અને એલ.એમ સિંઘવીનો સમાવેશ થાય છે.

ભાગ લેનારાઓના ધર્મ અને સંસ્કૃતિઓની વિવિધતાના સંદર્ભમાં કોફી અનાને કહ્યું છે, “સંયુક્ત રાષ્ટ્ર એક ચાકળો છે, ફક્ત સૂટ અને સાડીઓનો જ નહીં, પણ પાદરીઓના કોલર, સાધ્વીઓના પહેરવેશો અને લામાઓના ઝભ્ભાઓ; મુગટોનો, ટોપીઓનો અને કિપ્પાઓનો (માથાની કિનારી વિનાની ટોપીઓ).”

જો કે કોફી અનાનને તિબેટન નેતાઓની ગેરહાજરીને લઈને વારંવાર પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, તો તેમણે પ્રશ્નોને પાછા સમ્મેલનના ઉદ્દેશ્ય તરફ વાળવાનો પ્રયત્ન કર્યો છે, જે તેઓ કહે છે “ધર્મને તેની સાચી ભૂમિકામાં જે શાંતિ નિર્માણ અને સુલહ કરાવવાનો છે તેમાં પુનઃસ્થાપિત કરવાનો છે- લડાઈની સમસ્યા ક્યારેય બાઇબલ, તોરાહ અથવા કુરાન નથી હોતા. ખરેખર, સમસ્યા ક્યારેય શ્રદ્ધા/ધર્મ નથી હોતા- એતો શ્રદ્ધાળુઓ અને આપણે એક બીજા સાથે કેવી રીતે વર્તીએ છીએ તે હોય છે. તમારે, એક વાર ફરી, તમારા શ્રદ્ધાળુઓને શાંતિના માર્ગ અને સહનશીલતાના માર્ગ શીખવાડવા જોઈએ.”

સંયુક્ત રાષ્ટ્રના નેતાની આશા છે કે આ ધર્મના નેતાઓ તેમના અનુયાયીઓને શાંતિ તરફ વાળી શકશે કારણ કે વિશ્વની 83% વસતિ વિધિસર ધાર્મિક અથવા આધ્યાત્મિક માન્યતા પ્રથાનું પાલન કરતી હોય છે.

સંયુક્ત રાષ્ટ્ર આશા કરે છે કે આ સમ્મેલન વિશ્વના સમુદાયને એક એવી દિશા તરફ લઈ જશે, એક દસ્તાવેજના શબ્દોમાં, “તેની પ્રચ્છન્ન આધ્યાત્મિક શક્તિનો સ્વીકાર કરવાની અને તે ઓળખવાની કે મનુષ્યની નિર્દયતાના સૌથી ખરાબ રૂપ – લડાઈને- અને સાથે સાથે લડાઈના મૂળ કારણ, ગરીબીને, નાબૂદ કરવું આપણી શક્તિમાં છે. વિશ્વના આધ્યાત્મિક નેતાઓ માટે સંયુક્ત રાષ્ટ્રના તેના માનવજાતિની અતિઆવશ્યક જરૂરિયાતો પર કામ કરવાના પુરુષાર્થમાં સાથે મળી વધારે નજીકથી કામ કરવાનો સમય પાકી ગયો છે.”

સમ્મેલન આ ગુરુવારે 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે જ્યારે ભાગ લેનારાઓ વિશ્વ શાંતિ માટે ઘોષણાપત્ર પર સહી કરશે અને ધર્મના અને આધ્યાત્મના નેતાઓની અંતર્રાષ્ટ્રીય સલાહકારી પરિષદનું ગઠન કરશે જે શાંતિના નિર્માણ માટે અને શાંતિ જાળવવાના પ્રયત્નોમાં સંયુક્ત રાષ્ટ્ર અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ સાથે મળી કામ કરશે.

વિશ્વ શાંતિ સમ્મેલનના મહાસચિવ બાવા જૈને કહ્યું, “ધર્મના અને આધ્યાત્મના નેતાઓની અંતર્રાષ્ટ્રીય સલાહકારી પરિષદનો ઉદ્દેશ્ય સંયુક્ત રાષ્ટ્રના કામને વધારવું અને શક્તિશાળી બનાવવું છે. એ અમારી ખરા દિલની આશા છે કે લડાઈના સમયમાં વિશ્વના ધર્મના અને આધ્યાત્મના મહાન નેતાઓને આવા ગરમા-ગરમીના વાતાવરણની વચ્ચે લડાઈનું અહિંસાના આધારે સમાધાન શોધવા ઉતારી શકાય.”



આચાર્ય ગોયન્કાજીનું સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પ્રવચન

૨૯ ઓગસ્ટ ૨૦૦૦ ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘના જનરલ એસેમ્બલી હોલમાં સહસ્રાબ્દી વિશ્વ શાંતિ સંમેલનના પ્રતિનિધિઓની હાજરીમાં આચાર્ય ગોયન્કાજીએ આપેલા પ્રવચનનો ગુજરાતીમાં અનુવાદ

વિશ્વ શાંતિ માટે આંતરિક શાંતિ આવશ્યક

તારીખ: 29 ઓગસ્ટ 2000

મિત્રો, આધ્યાત્મિક અને ધાર્મિક જગતના નેતાઓ!

આજે આપણે સૌને એકત્ર થઈને માનવતાની સેવા કરવાનો એક ઉત્તમ અવસર ઉપલબ્ધ થયોં છે. ધર્મ જો એકતા લાવે તો જ ધર્મ છે, ફાટફૂટ પાડે તો એ ધર્મ નથી.

આજે અહીં કન્વર્ઝનના પક્ષમાં બહુ ચર્ચા થઈ. હું કન્વર્ઝનના પક્ષમાં છું, વિરોધમાં નથી. પરંતુ એક સંપ્રદાયમાંથી બીજા સંપ્રદાયમાં નહીં, પણ એના બદલે કન્વર્ઝન દુઃખથી સુખમાં, બંધનથી મુક્તિમાં, ક્રૂરતાથી કરુણામાં થવું જોઈએ. આજે આવા જ પરિવર્તનની જરૂરિયાત છે અને આ કારણગત આ મહાસભામાં પ્રયાસ કરવાનો છે.

પ્રાચીન ભારતે વિશ્વની સમગ્ર માનવતાને શાંતિ અને સામંજસ્યનો સંદેશ આપ્યો. પણ માત્ર એટલું જ નહી. શાંતિ અને સામંજસ્ય પ્રાપ્ત કરવાનો ઉપાય પણ બતાવ્યો, વિધિ પણ આપી. મને એમ લાગે છે કે માનવ સમાજમાં જો સાચેમાં શાંતિ સ્થાપિત કરવી હોય, તો આપણે હરએક વ્યક્તિને મહત્વ આપવું પડશે. જો હરએક વ્યક્તિના મનમાં શાંતિ નહી હોય તો વિશ્વમાં વાસ્તવિક શાંતિ કેવી રીતે આવશે? જો મારું મન વ્યાકુળ હશે, હંમેશા ક્રોધ, વેર, દુર્ભાવના અને દ્વેષથી ભરેલું હશે, તો હું વિશ્વને શાંતિ કેવી રીતે પ્રદાન કરી શકું? આ કરી જ નહી શકાય કારણકે સ્વયં મારામાં શાંતિ નથી. એટલે જ સંતોએ અને પ્રબુદ્ધોએ કહ્યું છે કે, "શાંતિ પોતાની અંદર શોધો." પોતાની અંદર સ્વયં નિરીક્ષણ કરીને જોવાનું છે કે શું સાચેમાં મારામાં શાંતિ છે. વિશ્વના બધા સંતો, સત્પુરુષો અને મુનિઓએ આ જ સલાહ આપેલી છે - પોતે પોતાની જાતને જાણો. એટલે કે કેવળ બુધ્ધીના સ્તર પર નહી, પણ જયારે પોતાની અનુભૂતિના સ્તર પર પોતાના વિષેની સચ્ચાઈને જાણીશું ત્યારે જીવનની સમસ્યાઓનું સ્વત: સમાધાન થતું જશે.

આમ કરવાથી વ્યક્તિ સર્વવ્યાપી નિસર્ગના નિયમને, કુદરતના કાનૂનને, કે પછી કહો કે ઈશ્વરની ઈચ્છાને સમજવા લાગતો હોય છે. આ નિયમ બધાને લાગુ પડે છે. જો હું પોતાની અંદર નિરીક્ષણ કરીશ તો જોઇશ કે જેવો મનમાં કોઈ મેલ જાગે છે, તત્પર શરીરમાં એની પ્રતિક્રિયા અનુભુત થવા લાગે છે. શરીર ગરમ થઈ જાય છે, બળતરા થવા લાગે છે, ધડકન વધી જાય છે, તણાવ અનુભવાય છે. હું વ્યાકુળ થઈ જાઉં છું. અંદર મેલ જગાવીને તણાવ ઉત્પન્ન કરું છું તો પોતાની વ્યાકુળતા પોતાના સુધી જ સીમિત નથી રાખતો. એને બીજાઓને પણ વ્હેચું છું. પોતાની આસપાસનું વાતાવરણ એટલું તનાવપૂર્ણ બનાવી દઉં છું કે જે મારા સંપર્કમાં આવે તે પણ વ્યાકુળ થઈ જાય છે. હું ભલેને કેટલી સુખ-શાંતિની વાતો કરું, મારી અંદર શું થઈ રહ્યું છે, એ શબ્દોથી અધિક મહત્વપૂર્ણ છે. અને જો મારું મન નિર્મળ હોય તો પ્રકૃતિનો બીજો નિયમ કામ કરવા માંડે છે. જેવું મારું મન નિર્મળ થાય, આ કુદરત કે ઈશ્વર મને પુરસ્કાર આપવા માંડે છે. મને શાંતિનો અનુભવ થાય છે. આ હું પોતાની અંદર સ્વયં જોઈ શકું છું.

કોઈ ભલે કોઈ પણ સંપ્રદાય, પરંપરા કે દેશના હોય, જયારે તે નિસર્ગના નિયમનો ભંગ કરી મનમાં મેલ જગાવે છે તો દુઃખી થતા હોય છે. કુદરત સ્વયં દંડ આપતી હોય છે. કુદરતના કાનુનનો ભંગ કરનાર તત્કાળ નારકીય યાતનાનો અનુભવ કરતા હોય છે. આ સમયે નારકીય દુઃખના બીજ વાવીએ છીએ, તો મૃત્યુ પછી પણ નારકીય દુઃખ જ મળશે. એજ રીતે, જો શું મનને શુધ્ધ રાખું, મૈત્રી અને કરુણાથી ભરું તો હમણાં પણ પોતાની અંદર સ્વર્ગીય સુખ ભોગવતો હોઉં છું અને આ બીજ મર્યા પછી પણ સ્વર્ગીય સુખ જ લાવશે. હું પોતાને ભલે હિંદુ કહું, ઈસાઈ, મુસ્લિમ, બૌદ્ધ, જૈન કે બીજું કંઈ પણ કહું કોઈ ફરક નથી પડતો. મનુષ્ય મનુષ્ય છે, મનુષ્યનું માનસ મનુષ્યનું માનસ છે.

આ રીતે કન્વર્ઝન થવું જ જોઈએ – મનની અશુધ્ધતાનું, મનની અશુધ્ધતામાં. આ કન્વર્ઝન લોકોમાં આશ્ચર્યજનક પલટો લાવશે. આ કોઈ જાદુ કે ચમત્કાર નથી, પણ પોતાની અંદર શરીર અને ચિત્તના પારસ્પરિક સંસ્પર્શને બરાબર રીતે જાણવાનું પરિણામ છે, જે એક વિશુધ્ધ વિજ્ઞાન છે. કોઈ પણ અભ્યાસ કરીને સમજી શકે છે કે મન કઈ રીતે શરીરને પ્રભાવિત કરતું હોય છે અને શરીર કઈ રીતે મનને પ્રભાવિત કરતું હોય છે. ઘણી ધીરજની સાથે જયારે આનું નિરીક્ષણ કરતાં જઈએ છીએ તો નિસર્ગના નિયમ ઘણા સ્પષ્ટ થતા જતા જોય છે, કે જયારે પણ આપણે ચિત્તમાં મેલ જગાવીએ છીએ, દુઃખી થઈએ છીએ અને જેવું ચિત્ત મેલથી વિમુક્ત થાય છે, શાંતિ-સુખનો અનુભવ કરવા લાગીએ છીએ. આત્મ નિરીક્ષણની આ વિધીનો અભ્યાસ કોઈ પણ કરી શકે છે.

પ્રાચીન કાળમાં ભગવાન બુદ્ધ દ્વારા શીખવવામાં આવેલી આ વિદ્યા વિશ્વભરમાં ફેલાઈ હતી. આજે પણ વિભિન્ન વર્ગોના, સંપ્રદાયોના લોકો આવીને આ વિધા શીખતા હોય છે અને એ જ લાભ પ્રાપ્ત કરતા હોય છે. ભલે એ પોતે પોતાને હિંદુ, મુસલમાન, બૌદ્ધ, ઈસાઈ કહીને બોલાવ્યા કરે, આ નામોથી કોઈ ફરક પડતો નથી. મનુષ્ય મનુષ્ય છે, ફરક એ વાતથી પડશે કે જયારે તે અભ્યાસ દ્વારા વાસ્તવમાં ધાર્મિક બને, મૈત્રી અને કરુણાથી પરિપૂર્ણ થઈ જાય. એમના કર્મો સ્વયં એમના માટે અને બીજાના માટે હિતકારી બને. જયારે કોઈ વ્યક્તિ પોતાની અંદર શાંતિ જગાવે છે, તો એની આસપાસનું આખું વાતાવરણ શાંતિના તરંગોથી ભરાઈ જાય છે. એના સંપર્કમાં જે કોઈ આવે છે તે પણ શાંતિ અનુભવે છે. આ માનસિક પરિવર્તન જ સાચું પરિવર્તન છે, સાચું કન્વર્ઝન છે. આવશ્યકતા આ વસ્તુની છે. અન્યથા બધા બાહ્ય પરિવર્તન નિરર્થક છે.

હું વિશ્વને ભારતનો એક અણમોલ સંદેશ વાંચી સંભળાવાની અનુમતિ માંગું છું. આદર્શ શાસક સમ્રાટ અશોકના ૨૩૦૦ વર્ષ પૂર્વે પથ્થર પર કોતરેલા આ શબ્દો બતાવે છે કે શાસન કેવી રીતે કરવું જોઈએ.

"આપણે કેવળ પોતાના ધર્મનું (સંપ્રદાયનું) સમ્માન કરીને બીજાના સંપ્રદાયોની નિંદા નહીં કરવી જોઈએ." આજે આ સંદેશનું બહુ મોટું મહત્વ છે. બીજાના સંપ્રદાયની નિંદા કરીને પોતાના સંપ્રદાયની સર્વોત્તમતા સિદ્ધ કરવામાં વ્યક્તિ માનવતાને માટે બહુ મોટી મુશ્કેલી ઉભી કરે છે. આગળ અશોક કહે છે, "આ ઉપરાંત અન્ય કારણસર બીજા સંપ્રદાયોનું સન્માન કરવું જોઈએ." દરેક સંપ્રદાયનો સાર મૈત્રી, કરુણા અને સદભાવના છે. આ સારને સમજીને આપણે દરેક ધર્મનું સન્માન કરવું જોઈએ. છાલ હંમેશા ભિન્ન હોય છે -- જુદાજુદા રીત-રીવાજ, કર્મકાંડ, અનુષ્ઠાન, ધારણાઓ વગેરે. એ બધાને લઈને ઝગડવાને બદલે એમની અંદરના સારને મહત્વ આપવું જોઈએ. અશોકના પ્રમાણે, "આમ કરવાથી આપણે પોતાના જ ધર્મની (સંપ્રદાયની) વૃધ્ધિ કરીએ છીએ અને બીજાના ધર્મોની પણ સેવા કરીએ છીએ. આનાથી વિપરીત વ્યવહાર કરવાથી આપણે પોતાના સંપ્રદાયની તો હાનિ કરીએ જ છીએ પણ એની સાથે બીજાના સંપ્રદાયની પણ.

આ સંદેશ આપણને સૌને ગંભીર ચેતવણી છે કે જો કોઈ વ્યક્તિ પોતાના સંપ્રદાયના પ્રતિ અતિ શ્રધ્ધાનો માર્યો બીજાના સંપ્રદાયની નિંદા કરીને એવું વિચારતો હોય કે આમ કરવાથી એ પોતાના સંપ્રદાયની શાન વધારે છે, તો એ પોતાના કૃત્યોથી પોતાના જ સંપ્રદાયની હાનિ કરતો હોય છે.

અંતમાં અશોક સર્વવ્યાપી ધર્મનિયામતાનો સંદેશ પ્રસ્તુત કરે છે. "આપસમાં મળીને રહેવું હિતાવહ છે. ઝગડો નહી કરવો. બીજાના સંપ્રદાયોનો જે ઉપદેશ છે તે દરેક લોકો સાંભળે અને સાંભળવા માટે ઉત્સુક પણ રહે."

જયારે અસ્વીકાર અને નિંદા કરવાના બદલે આપણે દરેક સંપ્રદાયના સારને મહત્વ આપીશું ત્યારે જ સમાજમાં વાસ્તવિક શાંતિ અને સૌમનસ્ય સ્થાપિત થશે.

સર્વનું મંગળ થાય.

અહિંસા: ધર્મની વ્યાખ્યા માટે કૂંચી

સાંપ્રદાયિક ધર્મોમાં તફાવતો તો રહેવાના જ. છતાંય મુખ્ય માન્યતાઓના નેતાઓએ, આ વિશ્વ શાંતિ સમ્મેલનમાં ભેગા થઈ એ દર્શાવ્યું છે કે તેઓ શાંતિ માટે કામ કરવા ઇચ્છે છે. તો શાંતિને “સાર્વજનીન ધર્મ”નો પહેલો સિદ્ધાંત રાખીએ. આપણે સાથે મળીને ઘોષણા કરીએ કે આપણે જીવ હત્યાથી વિરત રહીશું અને આપણે હિંસાનો વિરોધ કરીએ છીએ. હું રાજકીય નેતાઓને પણ જેઓ શાંતિ અથવા યુદ્ધ લાવવામાં મુખ્ય ભાગ ભજવે છે તેઓને આ ઘોષણામાં જોડાવા વિનંતી કરું છું. તેઓ જોડાય કે ના જોડાય, આપણે તો અહીં અને અત્યારે એક સંકલ્પ કરીએ: હિંસા અને હત્યાને દરગુજર / જતાં કરવા કરતાં, આપણે ઘોષણા કરીએ કે કોઈ અપવાદ/શર્ત વિના અમે આવા કૃત્યોનો વિરોધ કરીએ છીએ, ખાસ કરીને ધર્મના નામ પર આચરેલી હિંસા.

અમુક આધ્યાત્મિક નેતાઓમાં તેમના પોતાના ધર્મના નામ પર કરાયેલ હિંસાની નિંદા કરવાની સંતવૃત્તિ અને નિર્ભીકતા રહી છે. માફી માંગવાની અથવા ભૂતકાળની હિંસા અને હત્યાનો ક્ષોભ કરવાની રીતમાં વિભિન્ન દાર્શનિક અને ધર્મ-શાસ્ત્રીય દૃષ્ટિકોણ હોઈ શકે છે; પણ ભૂતકાળમાં કરેલી હિંસાનો સ્વીકાર માત્ર એ અર્થઘટન કરે છે કે એ ખોટું હતું અને ભવિષ્યમાં તેને દરગુજર નહીં કરવામાં આવે.

સંયુક્ત રાષ્ટ્રોની છત્ર-છાયામાં, અહિંસાને પ્રકાશિત કરીને, અને હિંસા અને હત્યા પર કૃપા-દૃષ્ટિ રાખવાનો (ઉત્તેજન આપવાનો) ઇનકાર કરીને આપણે ધર્મ અને આધ્યાત્મની એક એવી વ્યાખ્યા તૈયાર કરીએ. માનવતા માટે આનાથી મોટું દુર્ભાગ્ય ના હોઈ શકે કે ધર્મની વ્યાખ્યા શાંતિ સાથે સમરસ કરવામાં નિષ્ફળ થઈએ. આ સમ્મેલન, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સમર્થન કરવા, “સાર્વજનીન ધર્મ” અથવા ”બિન-સાંપ્રદાયિક આધ્યાત્મ” જેવી વિચારધારાનો પ્રસ્તાવ કરી શકે છે.

મારો વિશ્વાસ છે કે આ સમ્મેલન ધર્મના સાચા ઉદ્દેશ્ય તરફ વિશ્વનું ધ્યાન દોરવામાં મદદ કરશે:

ધર્મ આપણને જુદા નથી પાડતું;
એ દિલની શાંતિ અને શુદ્ધતા શીખવે છે.

આ ઐતિહાસિક સમ્મેલનના આયોજકોને એમની દીર્ઘદૃષ્ટિ અને પુરુષાર્થ માટે હું અભિનંદન આપું છું. અને હું ધર્મના અને આધ્યાત્મના નેતાઓને અભિનંદન આપું છુ, તેઓએ સમાધાન માટે કામ કરવાની પરિપક્વતા રાખી છે, માનવજાતિને આશા આપી કે ધર્મ અને આધ્યાત્મ શાંતિમય ભવિષ્યની તરફ લઈ જશે.

સૌ દ્વેષથી મુક્ત થાઓ અને સુખી થાઓ.

શાંતિ અને સૌહાર્દ સ્થાપિત થાય.