પાલી શબ્દોની શબ્દાવલિ

આચાર્ય

શિક્ષક, માર્ગદર્શક

અધિષ્ઠાન

દૃઢ સંકલ્પ. દસ પારમીમાં થી એક

અકુશળ

અકુશળ, હાનિકારક. વિરોધી શબ્દ કુશળ

આનંદ

પ્રીતિ, સુખ

આનાપાન

શ્વાસોચ્છ્વાસ. આનાપાન-સતિ: શ્વાસોચ્છ્વાસ ની જાણકારી

અનત્તા

અનાત્મ, અહંકાર રહિત, નિઃસાર, તત્વ વિહીન. ત્રણ મૂળ લક્ષણોમાં થી એક. જુઓ લક્ષણ.

અનિચ્ચા

અનિત્ય, ક્ષણિક, બદલાયા કરતું. ત્રણ મૂળ લક્ષણોમાં થી એક. જુઓ લક્ષણ.

અરહંત/અર્હત

મુક્ત વ્યક્તિ; જેણે પોતાના બધા વિકારોનો (દુર્ગુણોનો) નાશ કરી દીધો છે. જુઓ બુદ્ધ.

આર્ય

આર્ય; સંત પુરુષ. એવા વ્યક્તિ જેમણે એમનું મન એટલું શુદ્ધ કરી લીધું છે કે તેમણે અંતિમ સત્ય નિર્વાણનો અનુભવ કરી લીધો છે. આર્ય પુરુષોની ચાર અવસ્થાઓ હોય છે, નિર્વાણના અનુભવની, સ્રોતાપન્ન (મુક્તિના સ્રોતમાં પડી ગયો), એટલે કે વધુમાં વધુ આ વ્યક્તિ સાત વાર જન્મ લેશે, થી લઈ ને અરહંત સુધી, જેમનો આ જન્મ પછી ફરી જન્મ નહીં થાય.

અરિયો અટ્ઠંગીકો મગ્ગો

આર્ય અષ્ટાંગિક માર્ગ. જુઓ માર્ગ.

આર્ય સત્ય. જુઓ સત્ય.

અશુભ

અસૂચિ, સુંદર નથી, જોવુંય ના ગમે. વિરોધી શબ્દ શુભ

અસુતવા/અસુતવંત

જેમણે ક્યારેય શુદ્ધ ધર્મ સાંભળ્યો જ નથી; જેમની પાસે શ્રુતમય-પ્રજ્ઞા પણ નથી, અને એટલા માટે તે પોતાની મુક્તિ માટે એક પણ પગલું નથી ભરી શકતો. વિરોધી શબ્દ

અવિદ્યા

અજ્ઞાન, ભ્રાંતિ. કારણ-કાર્ય શ્રૃંખલા (પ્રતીત્યસમુત્પાદ) ની પહેલી કડી. રાગ અને દ્વેષ ની સાથે, મનના ત્રણ પ્રમુખ વિકારોમાં થી એક. આ ત્રણ મનના બીજા બધા વિકારોનું અને એટલે દુખનું મૂળ કારણ છે. સમાનાર્થી શબ્દ મોહ

આયતન

દરવાજો, ક્ષેત્ર, સંજ્ઞાના છ દરવાજા- સળાયતન, એટલે કે, ભૌતિક શરીરની પાંચ ઇન્દ્રિયો અને છટ્ઠું મન, અને તેમના વિષયો, એટલે કે:
આંખ(ચક્ખુ અને દૃષ્ટિગત વસ્તુઓરૂપ), કાન(સોત અને અવાજશબ્દ), નાક(ઘ્રાણ અને વાસગંધ), જીભ(જીહ્વા અને સ્વાદરસ), ત્વચા(કાયા અને સ્પર્શફોટબ્બા), ચિત્ત(મન અને મનના વિષયો, એટલે કે, બધા પ્રકારના વિચારોધર્મ)
આમને છ ઇન્દ્રિયો પણ કહેવાય છે. જુઓ ઇન્દ્રિય

બલ

તાકાત, શક્તિ. મનની પાંચ શક્તિઓ: શ્રદ્ધા, વીર્ય, સતિ, સમાધિ, પ્રજ્ઞા. એમને પાંચ ઇન્દ્રિયો પણ કહેવાય છે. જુઓ ઇન્દ્રિય

ભંગ

ઓગળી જવું. વિપશ્યનાના અભ્યાસમાં એક મહત્ત્વપૂર્ણ પડાવ, ઉપર ઉપરથી સઘન લાગતા શરીરનું સૂક્ષ્મ તરંગોમાં જે સતત ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તેમાં ઓગળી જવાનો અનુભવ.

ભવ

કઇંક બનતા રહેવાની પ્રક્રિયા, ભવ. ભવ-ચક્ર: જન્મ-મરણનું લગાતાર ચાલતું રહેતું ચક્ર. જુઓ ચક્ર

ભાવના

માનસિક વિકાસ, ધ્યાન. ભાવનાના બે વિભાગ: શાંતિનો વિકાસ (સમથા-ભાવના)- મનની એકાગ્રતાને લગતું ક્ષેત્ર (સમાધિ), અને જ્ઞાનનો વિકાસ (વિપશ્યના-ભાવના)- જ્ઞાનને લગતું ક્ષેત્ર (પ્રજ્ઞા). સમથાનો વિકાસ ધ્યાનની અવસ્થાઓ તરફ લઈ જશે; વિપશ્યનાનો વિકાસ મુક્તિ તરફ લઈ જશે. જુઓ ધ્યાન, પ્રજ્ઞા, સમાધિ, વિપશ્યના

ભાવના-મયા પન્યા

પોતાના વ્યક્તિગત, સીધા અનુભવથી જાગેલું જ્ઞાન. જુઓ પ્રજ્ઞા

ભવતુ સબ્બ મંગલં

સૌ સુખી થાઓ! સૌનું મંગળ થાઓ!

ભિક્ખુ

(બૌદ્ધ) ભિક્ષુ; સાધક. સ્ત્રીલિંગ ભિક્ખુનિ; સાધ્વી.

બોધી

બોધિત્વ

બોધિસત્ત

જે વ્યક્તિ બુદ્ધ થવાનો પ્રયત્ન કરી રહ્યો છે. સંપૂર્ણ બોધિત્વ પ્રાપ્ત કર્યા પહેલાં સિદ્ધાર્થ ગૌતમ માટે ઉપયોગમાં લેવાતો શબ્દ. સંસ્કૃત બોધિસત્ત્વ

બોજ્ઝંગ

બોધિના અંગ, એટલે કે, એવા ગુણો જે આપણને બોધિત્વ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. સાત બોધ્યંગ - જાગરુકતા (સતિ), સચ્ચાઈને (ધર્મ)ને ટુકડા-ટુકડા કરી તપાસવાની શક્તિ ધમ્મ-વિચય, પુરુષાર્થ વીર્ય, આનંદ પ્રીતિ, સુખ પ્રશ્રબ્ધિ, એકાગ્રતા સમાધિ, અને સમતા ઉપેક્ખા

બ્રહ્મા

પ્રાણી જગતમાં સર્વોચ્ચ પ્રાણી, બ્રહ્મા. પરંપરાગત માન્યતા પ્રમાણે સૃષ્ટિની રચના કરનાર પરમેશ્વર; પણ બુદ્ધ દ્વારા એમને પણ બધા પ્રાણીઓની જેમ ઉત્પન્ન થઈ નાશ પામનાર કહેવાયા.

બ્રહ્મ-વિહાર

બ્રહ્માનો સ્વભાવ, એટલે કે, મનની ઉત્કૃષ્ટ અથવા દૈવી સ્થિતિ, જેમાં ચાર શુદ્ધ ગુણો ભરેલા છે: નિઃસ્વાર્થ પ્રેમ ( મૈત્રી), દયા (કરુણા), બીજાઓના મોદમાં મુદિત થવું (મુદિતા), દરેક પરિસ્થિતિમાં સમતા જાળવવી (ઉપેક્ષા); ધ્યાનના અભ્યાસ દ્વારા વ્યવસ્થિત રીતે આ ગુણોનો વિકાસ.

બ્રહ્મચર્ય

બ્રહ્મચર્ય, શુદ્ધ, પવિત્ર જીવન

બ્રાહ્મણ

શાબ્દિક અર્થ- શુદ્ધ વ્યક્તિ. ભારતીય પરંપરાગત જાતિ વ્યવસ્થા અનુસાર ઊંચી જાતિના લોકો. આવા વ્યક્તિ દૈવી શક્તિ, જેમ કે, બ્રહ્મા પર એને "બચાવા" માટે અથવા એમની મુક્તિ માટે આશ્રિત હોય છે; આ સંદર્ભમાં તે "શ્રમણ" થી જુદા છે. બુદ્ધે સાચા બ્રાહ્મણની વ્યાખ્યા એવા વ્યક્તિ માટે કરી જેણે પોતાનું મન પરિશુદ્ધ કરી લીધું છે, એટલે કે, અરહંત અવસ્થા પ્રાપ્ત કરી લીધી છે.

બુદ્ધ

બોધિત્ત્વ પ્રાપ્ત વ્યક્તિ; એવા વ્યક્તિ જેમણે મુક્તિનો માર્ગ શોધી લીધો છે, એના પર ચાલ્યા છે, અને અંતિમ લક્ષ્ય સુધી પોતાના પરિશ્રમ-પુરુષાર્થ થી પહોંચી ગયા છે. બે પ્રકારના બુદ્ધ હોય છે:

  1. પચ્ચેક-બુદ્ધ, પોતાના પ્રયત્નોથી જાતે જ બુદ્ધ થઈ જાય છે, પણ તેઓ જે રસ્તા પર પોતે ચાલ્યા છે તે બીજાઓને શીખવાડવા માટે સક્ષમ નથી હોતા
  2. સમ્મા-સંબુદ્ધ, સમ્યક-સંબુદ્ધ, જે બીજાઓને ધર્મ શીખવાડી શકે છે

ચક્ક

ચક્ર, પૈડું, ભવ-ચક્ક, જન્મ-મરણનું સતત પ્રવાહમાન ચક્ર, (એટલે કે, દુખ-ચક્ર), સમાનાર્થી શબ્દ સંસાર. ધમ્મ-ચક્ક, ધર્મનું ચક્ર, (એટલે કે, બુદ્ધની શિક્ષા અથવા મુક્તિનો માર્ગ). ભવ-ચક્ક કારણ-કાર્ય ની શ્રૃંખલાનો સીધો ક્રમ. ધમ્મ-ચક્ક કારણ-કાર્ય ની શ્રૃંખલાનો ઊંધો ક્રમ, જે દુખને વધારવાને બદલામાં દુખ મુક્તિ તરફ લઈ જાય છે.

ચિંતા-મયા-પન્યા

બૌદ્ધિક પૃથ્થકરણ દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન. જુઓ પન્યા

ચિત્ત

મન. ચિત્તાનુપસ્સના મનની અનુપશ્યના, અનુસરણ કરવું (જાણકારી બનાવી રાખવી). જુઓ સતિપટ્ઠાન

દાન

દાન, ઉદારતા. દસ પારમીમાં થી એક.

ધમ્મ

ધર્મ; સ્વભાવ; કુદરત; પ્રકૃતિ; પ્રકૃતિનો નિયમ; મનનો વિષય; મુક્તિનો માર્ગ- એટલે કે, બુદ્ધની શિક્ષા. ધમ્માનુપસ્સના - ધર્મની અનુપશ્યના, મન પર જે કઇં જાગે છે તેનું અનુસરણ કરવું (જાણકારી બનાવી રાખવી). જુઓ સતિપટ્ઠાન (સંસ્કૃત ધર્મ)

ધાતુ

તત્ત્વ, (જુઓ મહા-ભૂતાની); કુદરતન સ્થિતિ, સ્વભાવ, લક્ષણ.

દોસ

દ્વેષ. રાગ અને મોહની સાથે ત્રણ મૂળ માનસિક વિકારોમાંથી એક.

દુખ

દુખ, અસંતોષ. ત્રણ મૂળભૂત લક્ષણોમાંથી એક (જુઓ લક્ખન). પહેલું આર્ય સત્ય (જુઓ સચ્ચ)

ગોતમ

ઇતિહાસમાં જણાતા બુદ્ધનું પારિવારિક નામ (સંસ્કૃત ગૌતમ)

હીનયાન

શાબ્દિક અર્થ: "નાનું વાહન". અન્ય પ્રણાલીઓના અનુયાયીઓ દ્વારા થેરવાદી બૌદ્ધો માટે ઉપયોગમાં લેવાતો શબ્દ. હીન-ભાવનાથી વપરાતો શબ્દ.

ઇન્દ્રિય

સામર્થ્ય. અહીંયા શરીરની છ ઇન્દ્રિયો માટે વપરાતો શબ્દ (જુઓ આયતન) અને પાંચ માનસિક શક્તિઓ, મિત્રો (જુઓ બલ)

જાતિ

જન્મ, અસ્તિત્ત્વ

ઝાન

ધ્યાન. ધ્યાનની આવી આઠ અવસ્થાઓ હોય છે જેમને સમાધિ અથવા સમથા-ભાવના) ના અભ્યાસથી પ્રાપ્ત કરી શકાય છે. (જુઓ ભાવના). તેમની કેળવણીથી પ્રીતિ (આનંદ) અને સુખનો અનુભવ થાય છે, પણ તે મનના સૌથી ઊંડાણમાં જડ પકડેલા અણુશય-ક્લેષોને નાબૂદ નથી કરી શકતા.

કલાપ/અટ્ઠ-કલાપ

ભૌતિક પદાર્થની સૌથી નાની ઇકાઈ જેના આગળ ટુકડા નથી થઈ શકતા.

કલ્યાણ-મિત્ત

શાબ્દિક અર્થ- "આપણા કલ્યાણનો મિત્ર", એટલે કે એવા વ્યક્તિ કે જે આપણને મુક્તિ તરફ જવા માર્ગદર્શન આપે છે, બીજા શબ્દોમાં - આધ્યાત્મિક માર્ગદર્શક.

કમ્મ

કર્મ, ખાસ કરીને આપણા એવા કાર્યો જે આપણા ભવિષ્યને પ્રભાવિત કરશે (સંસ્કૃત કર્મ). જુઓ સઙ્ખાર

કાયા

શરીર. કાયાનુપસ્સના, શરીરની જાણકારી. જુઓ સતિપટ્ઠાન

ખંધ

જથ્થો, સમૂહ, ગુચ્છ. મનુષ્ય પાંચ ખંધ (જથ્થા)નો બનેલો છે: ભૌતિક પદાર્થ (રૂપ), ચેતના/જાગૃતિ (વિન્યાણ), બુદ્ધિ/સમજ (સન્યા), અનુભવ/સંવેદના (વેદના), અને પ્રતિક્રિયા (સઙ્ખાર)

કીલેસ

મનના વિકારો, નકારાત્મકતા, મનની અશુદ્ધિ. અનુસય કીલેસ, સુષુપ્ત વિકાર, અચેતન મનમાં અપ્રકટ પડેલી અશુદ્ધિ

કુસલ

કુશળ, લાભકારી. વિરોધી શબ્દ અકુસલ

લક્ખન

લક્ષણ, ઓળખાણ આપતું પ્રતીક, સ્વભાવ. ત્રણ લક્ષણો (તિ-લક્ખન)- અનિચ્ચા, દુખ, અનત્તા). જે કઇં સંસ્કૃત થયું છે, બન્યું છે તે બધા માટે પહેલા બે લક્ષણો લાગુ પડે છે. અને ત્રીજું લક્ષણ બધા માટે, સંસ્કૃત અને અસંસ્કૃત, માટે લાગુ પડે છે.

લોભ

લાલસા. સમાનાર્થી શબ્દ રાગ

લોક

સૃષ્ટિ, બ્રહ્માંડ - એટલે કે, અસ્તિત્ત્વનું ક્ષેત્ર. અને લોક કહેવાય છે આ સાડા ત્રણ હાથની કાયાને - મન અને શરીરનો પ્રપંચ. લોક-ધમ્મ - સંસારની ચડતી-પડતી જેનો આપણે સામનો કરવો પડે છે: લાભ-હાનિ, જીત-હાર, યશ-અપયશ, સુખ-દુખ.

મગ્ગ

માર્ગ.

અરિય અટ્ઠંગિક મગ્ગ , દુખમાં થી મુક્તિ તરફ લઈ જનારો આર્ય અષ્ટાંગિક માર્ગ. તેને ત્રણ ભાગ અથવા તાલીમો માં વિભાજિત કરવામાં આવ્યો છે:

શીલ, નૈતિકતા, વાણી અને શરીરના કર્મોની શુદ્ધિ:

  • સમ્મા-વાચા, સમ્યક વાણી
  • સમ્મા-કમ્મન્તા, સમ્યક કર્મ
  • સમ્મા-આજીવા, સમ્યક આજીવિકા
સમાધિ, એકાગ્રતા, પોતાના મનનું નિયંત્રણ:
  • સમ્મા-વાયામા, સમ્યક વ્યાયામ
  • સમ્મા-સતિ , સમ્યક જાગરુકતા
  • સમ્મા-સમાધિ, સમ્યક સમાધિ
પન્યા, જ્ઞાન, અંતર્બોધ જે મનને સંપૂર્ણ રીતે શુદ્ધ કરે છે:
  • સમ્મા-સંકપ્પા, સમ્યક સંકલ્પ
  • સમ્મા-દિટ્ઠી, સમ્યક દર્શન
માર્ગ ચાર આર્ય સત્યોમાં નું ચોથું છે. જુઓ સચ્ચ

મહા-ભૂતાની

ચાર તત્ત્વો, જેનાથી બધો જ ભૌતિક પદાર્થ બન્યો છે:

  • પથ્વી-ધાતુ--પૃથ્વી તત્ત્વ (વજન)
  • આપો-ધાતુ--જળ તત્ત્વ (બંધાયેલું રહેવું)
  • તેજો-ધાતુ--અગ્નિ તત્ત્વ (તાપમાન)
  • વાયો-ધાતુ--વાયુ તત્ત્વ (હલન-ચલન)

મહાયાન

શાબ્દિક અર્થ, "મહાન વાહન". બૌદ્ધ ધર્મનો પ્રકાર કે જે ભારતમાં બુદ્ધની થોડી સદીઓ પછી વિકસિત થયો અને ઉત્તરમાં તિબેટ, ચીન, વિયેતનામ, મંગોલિયા, કોરિયા અને જાપાનમાં ફેલાયો.

મંગલ

કલ્યાણ, આશીર્વાદ, સુખ

મારા

મૃત્યુ; નકારાત્મક શક્તિ, દુષ્ટ

મેત્તા

નિઃસ્વાર્થ પ્રેમ અને સદ્ભાવના. શુદ્ધ મનનો એક ગુણ (જુઓ બ્રહ્મ-વિહારા); પારમીઓમાં થી એક. મેત્તા-ભાવના, ધ્યાનની તકનીક દ્વારા પદ્ધતિસર મેત્તાનો વિકાસ

મોહ

અજ્ઞાનતા, ભ્રમણા. રાગ અને દ્વેષ સાથે મળીને ત્રણ મુખ્ય માનસિક અશુદ્ધિઓમાંથી એક. અવિદ્યા નો સમાનાર્થી

નામ

મન. નામ-રૂપ, મન અને શરીર, માનસિક-શારીરિક ધારા. નામ-રૂપ-વિચ્છેદ, મૃત્યુ સમયે અથવા નિર્વાણના અનુભવમાં મન અને શરીરનું વિભાજન.

નિબ્બાન

નિરોધ; દુઃખમાંથી મુક્તિ; અંતિમ વાસ્તવિકતા; અવ્યાકૃત. (સંસ્કૃત નિર્વાણ)

નિરોધ

સમાપ્તિ, નાબૂદી. ઘણીવાર નિર્વાણ ના સમાનાર્થી તરીકે વપરાય છે. નિરોધ-સચ્ચ, દુઃખના નિવારણનું સત્ય, ચાર આર્ય સત્યોમાંનું ત્રીજું. જુઓ સચ્ચ

નિવરણ

અવરોધ, રૂકાવટ. માનસિક વિકાસમાં પાંચ અવરોધો છે તૃષ્ણા (કામછંદ), દ્વેષ (વ્યાપાદ), માનસિક અથવા શારીરિક સુસ્તી (થિન-મિધ્ધ), બેચેની ( ઉધ્ધચ્ચ-કુક્કુચ્ચ), અને શંકા (વિચિકિચ્ચા).

ઓલારિકો

સ્થૂળ, બરછટ. વિરુદ્ધાર્થી શબ્દ સૂખુમા

પાલી

રેખા; લખાણ; બુદ્ધની શિક્ષાને રેકોર્ડ કરતા ગ્રંથો; તેથી આ ગ્રંથોની ભાષા. ઐતિહાસિક, ભાષાકીય અને પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે આ ખરેખર બુદ્ધના સમયે અથવા તેની નજીકના સમયમાં ઉત્તર ભારતમાં બોલાતી ભાષા હતી. પછીની તારીખે ગ્રંથોનું સંસ્કૃતમાં અનુવાદ કરવામાં આવ્યું, જે ફક્ત એક સાહિત્યિક ભાષા હતી.

પન્યા

પ્રજ્ઞા. ત્રણમાંથી ત્રીજી તાલીમ કે જેના દ્વારા આર્ય અષ્ટાંગિક માર્ગનો અભ્યાસ કરવામાં આવે છે (જુઓ મગ્ગ). પ્રજ્ઞા ના ત્રણ પ્રકાર છે: પ્રાપ્ત જ્ઞાન (સુતમયા પન્યા), બૌદ્ધિક જ્ઞાન (ચિન્તામયા પન્યા ), અને પ્રાયોગિક જ્ઞાન (ભાવનામયા પન્યા ). આમાંથી, માત્ર છેલ્લું જ મનને સંપૂર્ણપણે શુદ્ધ કરી શકે છે; તે વિપશ્યના-ભાવનાની પ્રેક્ટિસ દ્વારા વિકસાવવામાં આવે છે. પ્રજ્ઞા એ પાંચ માનસિક શક્તિઓમાંની એક છે (જુઓ બલ), એ બોધિના સાત અંગોમાં થી એક છે (જુઓ બોઝ્યંગ), અને પારમી.

પારમી/પારમિતા

પારમી, સદ્ગુણ; કુશળ માનસિક સદ્ગુણ જે અહંકારને ઓગાળી નાખવામાં મદદ કરે છે અને આમ વ્યક્તિને મુક્તિ તરફ દોરી જાય છે. દસ પારમી છે: દાન (દાન), નૈતિકતા (શીલ), ત્યાગ, સંન્યાસ (નિષ્ક્રમણ), જ્ઞાન (પ્રજ્ઞા), પુરુષાર્થ (વીર્ય), સહનશીલતા (ખાંતિ), સત્યતા (સત્ય), મજબૂત નિશ્ચય (< i>અધિષ્ઠાન), નિઃસ્વાર્થ પ્રેમ (મૈત્રી), અને સમતા (ઉપેક્ષા).

પટીચ્ચસમુપ્પાદ

કાર્ય-કારણ શૃંખલા; કારણભૂત ઉત્પત્તિ. પ્રક્રિયા, અજ્ઞાનતાથી શરૂ થતી, જેના દ્વારા વ્યક્તિ પોતાના માટે દુઃખનું જીવન પછી જીવન બનાવતો રહે છે.

સન્માન, પૂજા, ધાર્મિક વિધિ અથવા ઉત્સવ. બુદ્ધે સૂચના આપી હતી કે તેમનું સન્માન કરવા માટેની એકમાત્ર યોગ્ય પૂજા એ તેમની શિક્ષાની વાસ્તવિક પ્રેક્ટિસ છે, પ્રથમ પગલાથી અંતિમ ધ્યેય સુધી.

પુણ્ય

સદ્ગુણ; કુશળ કર્મ, જે કરવાથી વ્યક્તિ અત્યારે અને ભવિષ્યમાં સુખ પ્રાપ્ત કરે છે. સામાન્ય ગૃહસ્થ વ્યક્તિ માટે, પુણ્ય માં દાન (દાન), નૈતિક જીવન જીવવું (શીલ), અને ધ્યાનનો અભ્યાસ ()ભાવના ) નો સમાવેશ થાય છે.

રાગ

આસક્તિ. દ્વેષ અને મોહ સાથે મળીને ત્રણ મુખ્ય માનસિક અશુદ્ધિઓમાંથી એક. લોભ નો સમાનાર્થી

રતન

રત્ન. ત્રિ-રત્ન: બુદ્ધ, ધમ્મ અને સંઘના ત્રણ રત્નો.

રૂપ

  1. ભૌતિક પદાર્થ
  2. દેખીતી વસ્તુ
જુઓ આયતન, ખંધ

સચ્ચ

સત્ય. ચાર આર્ય-સત્ય છે:

  • દુઃખનું સત્ય (દુખ-સત્ય)
  • દુઃખની ઉત્પત્તિનું સત્ય (સમુદય-સત્ય )
  • દુઃખના નિવારણનું સત્ય (નિરોધ-સત્ય )
  • દુઃખના અંત તરફ દોરી જતા માર્ગનું સત્ય (માર્ગ-સત્ય)

સાધુ

સારું કર્યું; સારું કહ્યું. અનુમોદન અથવા સહમતિની અભિવ્યક્તિ.

સમાધિ

એકાગ્રતા, પોતાના મન પર નિયંત્રણ. ત્રણમાંથી બીજી તાલીમ કે જેના દ્વારા આર્ય અષ્ટાંગિક માર્ગની પ્રેક્ટિસ કરવામાં આવે છે (જુઓ મગ્ગ). જ્યારે એને જ લક્ષ્ય બનાવી પ્રેક્ટિસ કરવામાં આવે છે, ત્યારે તે મનની ઊંડી અવસ્થાઓ (ધ્યાન) ની પ્રાપ્તિ તરફ દોરી જાય છે, પરંતુ મનની સંપૂર્ણ મુક્તિ તરફ નહીં. સમાધિના ત્રણ તબક્કાઓ છે:

  • ખણિક સમાધિ, ક્ષણિક એકાગ્રતા, ક્ષણ-ક્ષણ ટકાવી રાખેલી એકાગ્રતા
  • ઉપચાર સમાધિ, ઊંડા ધ્યાનની સ્થિતિની "નજીક" લઈ જતા એક સ્તરની એકાગ્રતા
  • અર્પણા સમાધિ, એકાગ્રતા પ્રાપ્તિ, મનના ઊંડા ધ્યાનની સ્થિતિ (ધ્યાન)

સમણ

સંન્યાસી, વૈરાગી, એકાંતવાસી. જેણે ગૃહસ્થ જીવન છોડી દીધું છે. જ્યારે બ્રાહ્મણ તેને "બચાવવા" અથવા મુક્ત કરવા માટે કોઈ દેવી-દેવતા પર આશ્રિત હોય છે, ત્યાં એક સમન પોતાના પ્રયત્નો દ્વારા મુક્તિની શોધ કરે છે. આથી આ શબ્દ બુદ્ધ અને તેમના અનુયાયીઓ માટે લાગુ થઈ શકે છે જેમણે મઠનું જીવન અપનાવ્યું છે, પરંતુ તેમાં એવા સંન્યાસીઓનો પણ સમાવેશ થાય છે જેઓ બુદ્ધના અનુયાયીઓ નથી. જે બુદ્ધના અનુયાયીઓ ન હતા તેમના દ્વારા બુદ્ધ માટે સમન ગૌતમ ("શ્રમણ ગૌતમ") સંબોધનનું સામાન્ય રૂપ હતું.

સમથ

શાંતિ, સ્થિરતા. સમથ-ભાવના, શાંતિનો વિકાસ; સમાધિ નો સમાનાર્થી. જુઓ ભાવના

સંપજન્ય

મન અને શરીરની પ્રક્રિયાની સંપૂર્ણતાની સમજ, એટલે કે, સંવેદનાના સ્તરે તેના અનિત્ય સ્વભાવની સમજ

સંસાર

પુનર્જન્મ ચક્ર; સંસ્કૃત વિશ્વ; દુઃખની દુનિયા

સમુદય

ઉદ્ભવવું, મૂળ. સમુદય-ધમ્મ, ઊદ્ભવવાની ઘટના. સમુદય-સચ્ચ , દુઃખની ઉત્પત્તિનું સત્ય, ચાર આર્ય સત્યોમાંનું બીજું.

સંખાર

(માનસિક) સંસ્કૃત થવું, રચના: સંકલ્પિત પ્રવૃત્તિ; માનસિક પ્રતિક્રિયા; માનસિક ટેવ (બંધારણ). પાંચ સ્કંધમાંથી એક (ખંધ), તેમજ કાર્ય-કારણ શૃંખલામાં બીજી કડી (પટીચ્ચસમુપ્પાદ). સંખારકર્મ છે, એવી ક્રિયા જે ભાવિ પરિણામો આપે છે અને તે આ રીતે વ્યક્તિના ભાવિ જીવનને ઘડવા માટે ખરેખર જવાબદાર છે. (સંસ્કૃત ભાષામાંસંસ્કાર)

સંખાર-ઉપેક્ખા

શાબ્દિક અર્થ, સંસ્કાર પ્રત્યે સમતા. વિપશ્યનાની પ્રેક્ટિસનો એક તબક્કો, ભંગના અનુભવ પછી, જેમાં સુષુપ્ત પડેલી જૂની અશુદ્ધિઓ મનની સપાટીના સ્તરે ઉત્પન્ન થાય છે અને શારીરિક સંવેદના તરીકે પ્રગટ થાય છે. આ સંવેદનાઓ પ્રત્યે સમતા (ઉપેક્ષા) જાળવવાથી, સાધક કોઈ નવો સંસ્કાર બનાવતો નથી અને જૂનાને દૂર થવા દે છે. આમ, પ્રક્રિયા ધીમે ધીમે બધા સંસ્કાર ના નાબૂદી તરફ દોરી જાય છે.

સઞ્ઞા

સંજ્ઞા, સંયુક્ત-જ્ઞાન માંથી લીધેલો શબ્દ, મનની જૂની ટેવનું જ્ઞાન, સમજ, ધારણા, માન્યતા. પાંચ સ્કંધમાંથી એક (ખંધ). તે સામાન્ય રીતે વ્યક્તિના ભૂતકાળ સંસ્કાર દ્વારા બનેલું હોય છે, અને તેથી વાસ્તવિકતાની રંગીન છબી રજૂ કરે છે. વિપશ્યનાની પ્રેક્ટિસમાં, સંજ્ઞા ને પ્રજ્ઞા માં બદલવામાં આવે છે, વાસ્તવિકતાની એ જેવી છે તેવી સમજણ. તે અનિચ્ચ-સંજ્ઞા, દુઃખ-સંજ્ઞા, અનત્તા-સંજ્ઞા, અશુભ-સંજ્ઞા-- બની જાય છે એટલે કે, બધું બદલાતું રહે છે ની સમજ, દુખ છે ની સમજ, અનાત્મ (હું, મારું એવું કઇં નથી)ની સમજ અને ભૌતિક સૌંદર્યની ભ્રામક પ્રકૃતિની સમજ.

સરન

શરણ, આશ્રય, રક્ષણ. ત્રિ-સરન: ત્રિ-શરણ, એટલે કે, બુદ્ધ, ધમ્મ અને સંઘમાં આશ્રય.

સતિ

જાગરુકતા. આર્ય અષ્ટાંગિક માર્ગનો એક ભાગ (જુઓ મગ્ગ), તેમજ પાંચ માનસિક બળમાં થી એક (જુઓ બલ) અને બોધિત્ત્વ ના સાત પરિબળોમાં થી એક (જુઓ બોજ્ઝંગ). આનાપાન-સતિ, સહજ, સ્વાભાવિક, નૈસર્ગિક શ્વાસની જાણકારી

સતિપટ્ઠાન

જાગરુકતામાં સ્થાપિત થવું. સતિપટ્ઠાન ના ચાર એકબીજા સાથે જોડાયેલા પાસાં છે:

  • શરીર પ્રત્યે જાગરૂક રહેવું (કાયાનુપસ્સના)
  • શરીરમાં ઉદ્ભવતી સંવેદનાઓનું પ્રત્યે જાગરૂક રહેવું (વેદનાનુપસ્સના)
  • મન પ્રત્યે જાગરૂક રહેવું (ચિત્તાનુપસ્સના)
  • મનમાં ઉત્પન્ન થતા ધર્મો (માનસિક વૃત્તિઓ) પ્રત્યે જાગરૂક રહેવું (ધમ્માનુપસ્સના)

સંવેદનાઓની જાણકારી રાખવામાં ચારેયનો સમાવેશ થાય છે, કારણ કે સંવેદનાઓનો શરીર અને સાથે સાથે મન જોડે સીધો સંબંધ છે. મહા-સતિપટ્ઠાન સુત્ત (દીઘ નિકાય, 22) એ મુખ્ય પ્રાથમિક સ્ત્રોત છે જેમાં વિપશ્યના-ભાવનાની પ્રેક્ટિસ માટેનો સૈદ્ધાંતિક આધાર સમજાવવામાં આવ્યો છે.

સતો

જાગરૂક. સતો સંપજાનો; સંવેદનાઓના અનુભવ દ્વારા, મન અને શરીરના બંધારણની તેની સંપૂર્ણતામાં બદલાતા રહેતા સ્વભાવની સમજ સાથે જાગરુકતા.

સિદ્ધાત્થ

શાબ્દિક અર્થ, "જેણે પોતાનું કાર્ય પૂર્ણ કર્યું છે". ઐતિહાસિક બુદ્ધનું વ્યક્તિગત નામ. સંસ્કૃત ભાષામાં સિદ્ધાર્થ

શીલ

નૈતિકતા; જે પોતાને અને અન્યને નુકસાન પહોંચાડે છે તેવા શરીર અને વાણીના કર્મોથી દૂર રહેવું. ત્રણ તાલીમોમાંથી પ્રથમ કે જેના દ્વારા આર્ય અષ્ટાંગિક માર્ગની પ્રેક્ટિસ કરવામાં આવે છે (જુઓ મગ્ગ). સામાન્ય ગૃહસ્થ વ્યક્તિ માટે, દૈનિક જીવનમાં શીલની પ્રેક્ટિસ આ પાંચ ઉપદેશોનું પાલન કરીને કરવામાં આવે છે.

સોતાપન્ન

જે સંત બનવાની પ્રથમ અવસ્થામાં પહોંચી ગયો છે, અને તેણે નિર્વાણનો અનુભવ કર્યો છે. જુઓ અરિય

સુખ

આનંદ, સુખ. દુખનો વિરોધી શબ્દ

સુખુમા

સૂક્ષ્મ, ઝીણું. વિરોધી શબ્દ ઓલારિકા

સુતમયા પન્યા

શાબ્દિક અર્થ, બીજાઓને સાંભળીને પ્રાપ્ત થયેલ જ્ઞાન. મળેલું જ્ઞાન. જુઓ પન્યા

સુતવા/સુતવંત

શ્રુતવાન; જેણે ધર્મ/સત્ય વિષે સાંભળ્યું છે, જેની પાસે શ્રુતમયી પ્રજ્ઞા છે. વિરોધી શબ્દ અસુતવા

સુત્ત

બુદ્ધ અથવા તેમના અગ્રણી શિષ્યોમાંથી એકનું પ્રવચન. સંસ્કૃત ભાષામાં સૂત્ર

તણ્હા

તૃષ્ણા, શાબ્દિક અર્થ, "તરસ". રાગ અને તેની વિપરીત છબી દ્વેષ બંનેનો સમાવેશ થાય છે. બુદ્ધે તેમના પ્રથમ ઉપદેશ "ધર્મપ્રવર્તનચક્ર, ધર્મના ચક્રને ગતિમાન કરતા પ્રવચન" (ધમ્મચક્કપ્પવત્તન સુત્ત)માં તૃષ્ણાને દુઃખના કારણ તરીકે ઓળખાવ્યું (સમુદય-સચ્ચ). કાર્ય-કારણની શૃંખલા (પટિચ્ચસમુપ્પાદ) માં તેમણે સમજાવ્યું કે તૃષ્ણા શરીરની સંવેદનાઓ પર પ્રતિક્રિયા તરીકે ઉદ્દભવે છે.

તથાગત

તથાગત, શાબ્દિક અર્થ, "આવી રીતે ગયા" અથવા "આવી રીતે આવ્યા". જે વ્યક્તિ સચ્ચાઈના માર્ગ પર ચાલીને અંતિમ સત્ય સુધી પહોંચે છે, એટલે કે, એક બોધિ પ્રાપ્ત વ્યક્તિ. તે શબ્દ કે જેના દ્વારા બુદ્ધ સામાન્ય રીતે પોતાનો ઉલ્લેખ કરે છે.

થેરવાદ

શાબ્દિક અર્થ, "વડીલોની શિક્ષા". બુદ્ધના ઉપદેશો, જે સ્વરૂપમાં તેઓ દક્ષિણ એશિયાના દેશોમાં સાચવવામાં આવ્યા છે, જેમ કે, બર્મા (હવે મ્યાંમાર તરીકે ઓળખાય છે), શ્રીલંકા, થાઈલેન્ડ, લાઓસ અને કંબોડિયા. સામાન્ય રીતે ઉપદેશોના સૌથી જૂના સ્વરૂપ તરીકે ઓળખાય છે.

તિ-લક્ખન

જુઓ લક્ખન

શાબ્દિક અર્થ, "ત્રણ બાસ્કેટ". બુદ્ધના ઉપદેશોના ત્રણ સંગ્રહ, એટલે કે:

  • વિનય-પિટક, મઠની શિસ્તનો સંગ્રહ
  • સુત્ત-પિટક, ઉપદેશોનો સંગ્રહ, સામાન્ય ગૃહસ્થો માટે
  • અભિધમ્મ-પિટક, ઉચ્ચ શિક્ષણનો સંગ્રહ, એટલે કે, ધર્મની પદ્ધતિસરની દાર્શનિક વ્યાખ્યા.

સંસ્કૃત ભાષામાં ત્રિપિટક

તિ-રતન

જુઓ રતન

ઉદય

ઉદય, ઉત્પન્ન થવું. ઉદયબ્બય, ઉત્પન્ન થવું અને નાશ પામવું, એટલે કે, અનિત્યતા (ઉદય-વ્યય). આ સચ્ચાઈની અનુભવથી સમજ પોતાની અંદર સતત બદલાતી સંવેદનાઓની જાણકારી દ્વારા પ્રાપ્ત થાય છે.

ઉપાદાન

આસક્તિ, વળગી રહેવું

ઉપેક્ખા

સમતા; તૃષ્ણા, દ્વેષ, અજ્ઞાનથી મુક્ત મનની સ્થિતિ. મનની ચાર શુદ્ધ અવસ્થાઓમાંથી એક (જુઓ બ્રહ્મ-વિહાર), બોધિત્વના સાત પરિબળો (જુઓ બોજ્ઝંગ), અને દસ પારમી

ઉપ્પાદ

પ્રગટ થવું, ઉદ્ભવવું. ઉપ્પાદ-વય, ઉત્પન્ન થવું અને નાશ પામવું. ઉપ્પાદ-વય-ધમ્મિનો, ઉત્પન્ન થવાનો અને નાશ પામવાનો સ્વભાવ ધરાવે છે.

વય/વ્યય

નાશ પામવું, ખતમ થવું. વય-ધમ્મા, ગુજરી જવાનો સ્વભાવ.

વેદના

અનુભવ/સંવેદના. પાંચ સ્કંધમાંથી એક (ખંધ). બુદ્ધે સમજાવ્યું કે એમાં માનસિક અને શારીરિક બંને પાસાઓ છે; તેથી વેદના માનસિક અને શારીરિક પ્રક્રિયાની સંપૂર્ણતાનું પરીક્ષણ કરવા માટેનું એક માધ્યમ પ્રદાન કરે છે. કાર્ય-કારણ શૃંખલા (પટિચ્ચ સમુપ્પાદ)માં, બુદ્ધે સમજાવ્યું કે તૃષ્ણા, દુઃખનું કારણ, વેદનાની પ્રતિક્રિયા તરીકે ઉદ્ભવે છે. વેદનાની જાણકારી સાક્ષી ભાવ અથવા તટસ્થ ભાવ થી કરવાનું શીખવાથી વ્યક્તિ કોઈપણ નવી પ્રતિક્રિયાઓને ટાળી શકે છે, અને અનિત્યતાની સચ્ચાઈ (અનિચ્ચ) પોતાની અંદર જ અનુભવી શકે છે. આ અનુભવ નિરાસક્ત/નિર્લિપ્ત થવાના વિકાસ માટે જરૂરી છે, જે મનની મુક્તિ તરફ દોરી જાય છે.

વેદનાનુપસ્સના

શરીરમાં થતી સંવેદનાઓની જાણકારી. જુઓ સતિપટ્ઠાન

વિઞ્ઞાણ

ચેતના, સમજશક્તિ. પાંચ સ્કંધમાંથી એક (ખંધ)

વિપસ્સના

આત્મનિરીક્ષણ, આંતરદૃષ્ટિ જે મનને શુદ્ધ કરે છે; ખાસ કરીને માનસિક-શારીરિક બંધારણની અનિત્ય, દુખ અને અનત્તા (અનાત્મ) પ્રકૃતિની સમજ. વિપશ્યના-ભાવના, શરીરની અંદરની સંવેદનાઓની જાણકારી રાખીને પોતાની સચ્ચાઈની જાણકારી કરવાની ધ્યાન પદ્ધતિ દ્વારા આંતરદૃષ્ટિનો વ્યવસ્થિત વિકાસ.

વિવેક

નિર્લિપ્ત/નિરાસક્ત થવાની સમજ; વિવેકપૂર્ણ બુદ્ધિ

યથાભૂત

શાબ્દિક અર્થ, "જેવું છે તેવું". વર્તમાન સચ્ચાઈ. યથાભૂત-ઞાણ-દસ્સન, જેવું છે તેવું, સત્યનું અનુભૂતિ દ્વારા જ્ઞાન.