વિપશ્યના
સયાજી ઉ બા ખિનની પરંપરામાં
સાધના
આચાર્ય ગોયન્કાજી દ્વારા શીખવવામાં આવતી વિપશ્યના સાધના
દિવસ 6 પ્રવચન
સંવેદના પ્રત્યે સજગતા અને સમતા વિકસાવવાનું મહત્વ - ચાર મહાભૂતો અને સંવેદનાઓ સાથેનો તેમનો સંબંધ – પરમાણુઓ ઉત્પન્ન થવાના ચાર કારણો - પાંચ બાધાઓ/આવરણ: રાગ, દ્વેષ, આળસ/તંદ્રા, બેચેની,શંકા< / i>
છ દિવસ પુરા થયા છે: આપણી પાસે કામ કરવા માટે વધુ ચાર બાકી છે. ચાર દિવસમાં આપણે મનની કેટલીક અશુદ્ધિઓને નાબૂદ કરી શકીએ છીએ, અને વિદ્યાને બરાબર સમજી શકીએ છીએ, જેથી જીવનભર તેનો ઉપયોગ કરી શકીએ. જો યોગ્ય સમજણથી કામ કરીએ છીએ અને રોજિંદા જીવનમાં વિદ્યાને કેવી રીતે કામમાં લેવી તે શીખી લઈએ છીએ, તો ચોક્કસ તે આપણા માટે ખૂબ ફાયદાકારક રહેશે. તેથી વિદ્યાને ખૂબ સારી રીતે સમજી લઈએ.
આ નિરાશાવાદનો માર્ગ નથી. ધર્મ આપણને દુખના કડવા સત્યને સ્વીકારવાનું શીખવે છે, પરંતુ સાથે સાથે તે દુખમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ દર્શાવે છે. આ કારણસર તે આશાવાદનો રસ્તો છે, વાસ્તવિકતાની સાથે સંયુક્ત કરીને, અને કાર્યકારીતાની સાથે પણ - પોતાને મુક્ત કરવા માટે દરેક વ્યક્તિએ કામ કરવું પડે છે.
થોડા શબ્દોમાં, આખો રસ્તો સમજાવવામાં આવ્યો:
બધા સંસ્કાર અનિત્ય છે
જો આપણે સંસ્કારોનો પ્રજ્ઞાપૂર્વક અનુભવ કરીએ છીએ,
પછી આપણે દુખથી અલિપ્ત થતા જઈએ છીએ;
આ શુદ્ધિકરણનો માર્ગ છે.
અહીં સંસ્કાર શબ્દનો અર્થ માત્ર માનસિક પ્રતિક્રિયાઓ જ નહીં, પણ આ પ્રતિક્રિયાઓના પરિણામો પણ છે. દરેક માનસિક પ્રતિક્રિયા એ એક બીજ છે જે ફળ આપે છે, અને જીવનમાં જે બધું આપણે અનુભવ કરીએ છીએ એ ફળ છે,આપણા પોતાના કર્મોનું પરિણામ છે, એટલે કે આપણા સંસ્કાર, ભૂતકાળના કે વર્તમાનના. તેથી અર્થ એ છે કે, "જે બધું ઉત્પન્ન થાય છે, જેની રચના થાય છે, તે દૂર થઈ જશે, તેનું વિઘટન થઈ જશે". આ વાસ્તવિકતાને ભાવનાત્મકરૂપે, અથવા ભક્તિથી, અથવા બૌદ્ધિક રૂપે સ્વીકારવાથી મન શુદ્ધ થશે નહીં. એને વાસ્તવિક સ્તરે સ્વીકારવું પડશે, પોતાની અંદર ઉત્પન્ન થતી અને નાશ પામતી પ્રક્રિયાનો અનુભવ કરીને. જો આપણે અનિત્યતાનો સીધો અનુભવ કરીએ છીએ આપણી પોતાની શારીરિક સંવેદનાની જાણકારી રાખીને, તો જે સમજણ વિકસે છે તે વાસ્તવિક શાણપણ છે, પોતાનું જ્ઞાન છે. અને આ જ્ઞાનથી આપણે દુખમાંથી મુક્તિ મેળવીએ છીએ. જો કોઇ પીડા રહે છે, તો પણ આપણે તેનાથી વ્યાકુળ નથી થતા. તેના બદલે આપણે શાંત રહી શકીએ છીએ, કારણ કે આપણે તેને સાક્ષી ભાવે અનુભવ કરી શકીએ છીએ.
દુખદ સંવેદનાઓને દૂર કરવાનો અને સુખદ સંવેદનાઓને રોકી રાખવાનો પ્રયત્ન કરવાની મનની જૂની ટેવ છે. જ્યાં સુધી આપણે સુખદ-દુખદ, ખેંચ-તાણ ની રમતમાં ડૂબ્યા રહીએ છીએ, મન બેચેન રહે છે, આપણું દુખ વધતું રહે છે. પરંતુ જ્યારે આપણે સંવેદનાઓને સાક્ષી ભાવ થી જાણવાનું શિખીએ છીએ, તેમને હું, મારું માન્યા વિના, તો શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે, અને ત્યાર બાદ આંધળી પ્રતિક્રિયા કરવાની અને દુખને અનેકગણું વધારવાની જૂની ટેવ ધીમે ધીમે નબળી પડતી જાય છે અને તૂટી જાય છે. આપણે કેવી રીતે “ફક્ત જાણવું” તે શીખવું જોઈએ.
આનો અર્થ એ નથી કે વિપશ્યનાની પ્રેક્ટિસ કરીને આપણે "શાકભાજી" જેવા બની જઈએ છીએ, બીજાઓને આપણી હાનિ કરવા દઈને. તેના બદલે, આપણે પ્રતિક્રિયા આપવાને બદલે કેવી રીતે સક્રિય રહી કાર્ય કરવું તે શિખીએ છીએ. પહેલાં આપણે પ્રતિક્રિયાઓનું જીવન જીવતા હતા, અને પ્રતિક્રિયા હંમેશાં નકારાત્મક હોય છે. હવે આપણે યોગ્ય રીતે જીવવાનું શીખી રહ્યા છીએ, અસલ કર્મોનું સ્વસ્થ જીવન જીવવા માટે. જ્યારે પણ જીવનમાં કોઈ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થાય છે, જેણે સંવેદનાઓનું નિરીક્ષણ કરવાનું શીખ્યું છે તે આંધળી પ્રતિક્રિયામાં નહીં પડે. તેના બદલે તે થોડી ક્ષણોની રાહ જોશે, સંવેદના પ્રત્યે જાગૃત રહેશે અને સમતા પણ જાળવશે, અને તે પછી નિર્ણય લેશે અને પગલું લેવા માર્ગ પસંદ કરશે. આવાં કર્મ સકારાત્મક હોવાનું નિશ્ચિત છે, કારણ કે તે સંતુલિત મનથી લેવાયાં છે; તે એક રચનાત્મક ક્રિયા હશે, જે પોતાને અને અન્ય લોકો માટે સહાયક થશે.
જેમ જેમ આપણે મન અને શરીરની પ્રક્રિયાને અંદરથી જાણવાનું શિખીએ છીએ, આપણે પ્રતિક્રિયાઓમાં થી બહાર આવવાનું શિખીએ છીએ, કારણકે આપણે અજ્ઞાનતામાં થી બહાર આવીએ છીએ. પ્રતિક્રિયાની ટેવ અજ્ઞાનતા પર આધારિત છે. જેણે અંદર કદી વાસ્તવિકતાનું નિરીક્ષણ કર્યું નથી તે જાણતું નથી કે અંદર ઊંડાણમાં શું ચાલી રહ્યું છે, તે જાણતો નથી કે તે રાગ અથવા દ્વેષ ની કેવી પ્રતિક્રિયાઓ કરતો રહે છે, તનાવ પેદા કરે છે જે તેને દુખી બનાવે છે.
મુશ્કેલી એ છે કે મન શરીર કરતાં વધુ વેગથી બદલાતું રહે છે. માનસિક પ્રક્રિયાઓ એટલી ઝડપથી થાય છે કે જ્યાં સુધી આપણે મનને કેળવીએ નહીં ત્યાં સુધી આપણે તે પ્રતિક્રિયાઓની જાણકારી નથી રાખી શકતા. વાસ્તવિકતાને નહીં જાણતા, આપણે ભ્રાંતિમાં રહીએ છીએ કે આપણે બહારના વિષયો જેમ કે રૂપ, શબ્દ, સ્વાદ, વગેરે પ્રત્યે પ્રતિક્રિયાઓ કરીએ છીએ. દેખીતી રીતે આવું જ છે, પરંતુ જે વ્યક્તિ પોતાનું નિરીક્ષણ કરવાનું શીખી લે છે તે જોશે કે સૂક્ષ્મ સ્તર પર વાસ્તવિકતા જુદી છે. કોઈ પણ વ્યક્તિ માટે આખું બાહ્ય બ્રહ્માંડ ત્યારે જ અસ્તિત્વમાં આવે છે જ્યારે તે તેનો અનુભવ કરે છે, એટલે કે, જ્યારે ઇન્દ્રિયનો વિષય કોઈ એક ઇન્દ્રિયના દ્વારના સંપર્કમાં આવે છે. જેવો કોઈ સ્પર્શ થાય છે, ત્યાં એક કંપન, સંવેદના થાય છે. સંજ્ઞા સંવેદનાનું મૂલ્યાંકન સારું કે ખરાબના રૂપમાં કરે છે, ભૂતકાળના અનુભવો અને પૂર્વગ્રંથિઓ, સંસ્કારના આધારે. આ લેપ ચડાવેલ મૂલ્યાંકનના અનુસાર, સંવેદના સુખદ કે દુખદ લાગે છે, આપણે ગમે છે અથવા નથી ગમતું, રાગ અથવા દ્વેષ, ની પ્રતિક્રિયા કરવા લાગીએ છીએ. બહારના વિષય અને પ્રતિક્રિયાની વચ્ચેની ભુલાઈ ગયેલી, ખોવાયેલી કડી સંવેદના છે. આખી પ્રક્રિયા એટલી ઝડપથી થાય છે કે આપણને એની ખબર નથી પડતી: પ્રતિક્રિયા જ્યાં સુધી મનના સભાન સ્તર પર પહોંચે છે, તે કરોડો વાર પુનરાવર્તિત અને સઘન થઈ ગઈ હોય છે, અને એટલી મજબૂત બની ગઈ હોય છે કે સરળતાથી મન પર હાવી થઈ જાય છે.
સિદ્ધાર્થ ગૌતમે રાગ અને દ્વેષના મૂળ કારણને શોધી કાઢી, અને જ્યાં તે ઉત્પન્ન થાય છે, સંવેદનાઓના સ્તરે, ત્યાં તેમનું ઉન્મૂલન કરીને બોધિત્વ પ્રાપ્ત કર્યું. જે તેમણે પોતે કર્યું, તે બીજાઓને શીખવ્યું. કોઈ વ્યક્તિએ રાગ અને દ્વેષ થી મુક્ત થવું જોઈએ, એ શીખવવામાં તેઓ અદ્વિતીય નહોતા; તેમના પહેલાં પણ, ભારતમાં આ શીખવવામાં આવતું હતું. ન તો શીલ પાલન બુદ્ધના ઉપદેશમાં અદ્વિતીય હતું, ન તો પોતાના મનને વશમાં કરવું. એ જ રીતે, બુદ્ધના પહેલાં પણ બૌદ્ધિક, લાગણીપ્રધાન અથવા શ્રદ્ધાયુક્ત સ્તરે જ્ઞાન અસ્તિત્વમાં હતું જ. તેમની શિક્ષામાં અદ્વિતીય ભાગ તો બીજે જ આવેલો છે, શરીરની સંવેદનાને રાગ અને દ્વેષ જ્યાં ઉત્પન્ન થાય છે તે નિર્ણાયક બિંદુ તરીકે ઓળખી કાઢવામાં છે, અને જ્યાં તેમનું ઉન્મૂલન કરવું આવશ્યક છે. જ્યાં સુધી આપણે સંવેદના પર કામ નથી કરતા, આપણે મનના ઉપરછલ્લા સ્તર પર કામ કરતા રહીશું, પણ મનના ઊંડાણવાળા ભાગમાં તો પ્રતિક્રિયાઓ કરવાની જૂની ટેવ ચાલુ રહેશે. પોતાની અંદરની બધી સંવેદનાઓ પ્રત્યે જાગરૂક રહેવાનું અને તેમના પ્રત્યે સમતા રાખવાનું શીખીને, આપણે ત્યાં પ્રતિક્રિયાઓ બંધ કરીએ છીએ જ્યાં તેઓ શરૂ થાય છે: આપણે દૂખમાંથી બહાર આવીએ છીએ.
આ અંધશ્રદ્ધાથી સ્વીકારવાની કોઈ માન્યતા નથી, ના બૌદ્ધિક સ્તરે સ્વીકારવાનું કોઈ દર્શનશાસ્ત્ર. સત્યને શોધવા માટે આપણે આપણી જાતે તપાસ કરવી પડશે. જ્યારે આપણને તેનો અનુભવ થાય ત્યારે જ તેને સત્ય તરીકે સ્વીકારીશું. સત્ય વિશે સાંભળવું મહત્વપૂર્ણ છે, પરંતુ તે વાસ્તવિક પ્રેક્ટિસ તરફ દોરી જવું જોઈએ. બુદ્ધની બધી શિક્ષા આપણે જાતેજ પ્રેક્ટિસ કરી અનુભવ કરવી જોઈએ જેથી આપણે દુખની બહાર આવવા લાગીએ.
આખા શરીરની રચના, બુદ્ધે સમજાવ્યું, અત્યંત સૂક્ષ્મ કણો-પરમાણુઓ થી બનેલી છે, જેને કલાપ કહ્યું, જે ચાર મહાભૂત અને તેમના ગુણો એક સાથે જોડાઈ બનેલ છે. બહારની દુનિયામાં અને તેમ જ અંદરની દુનિયામાં, એ જોવું સહેલું છે કે અમુક પદાર્થો ઠોસ છે – પૃથ્વી તત્વ, અમુક પ્રવાહી છે – જળ તત્વ, અમુક હવા રૂપી છે – વાયુ તત્વ; અને આ બધા માં તાપમાન તો હાજર છે જ – અગ્નિ તત્વ. પણ જો આપણે આપણી અંદર વાસ્તવિકતાની તપાસ કરીએ, તો આ ચાર તત્વોને સૂક્ષ્મ સ્તર પર અનુભવી શકીએ છીએ. વજનનું આખું ક્ષેત્ર, ભારીપણા થી હલકાપણું, પૃથ્વી તત્વનું ક્ષેત્ર છે. અગ્નિ તત્વ તાપમાનનું ક્ષેત્ર છે, અતિશય ઠંડી થી લઈને અતિશય ગરમી સુધી. વાયુ તત્વનો હલનચલન સાથે સંબંધ છે, દેખીતી રીતે સ્થિર થી લઈને અતિશય હલનચલન સુધી. જળ તત્વ સંયોજનની ગુણવત્તા સાથે સંબંધ રાખે છે, જોડી રાખવાની પ્રક્રિયા. પરમાણુઓ એક અથવા વધુ તત્વોના વર્ચસ્વ સાથે ઉત્પન્ન થાય છે; બીજા તત્વોનો પ્રભાવ હળવો અથવા સુષુપ્ત રહે છે. એના લીધે, એ પરમાણુઓમાં જે તત્વનું વર્ચસ્વ વધારે હોય છે તેની ગુણવત્તા અનુસાર સંવેદના પ્રગટ થાય છે. જો કલાપો અગ્નિ તત્વની મુખ્યતા સાથે ઉદ્ભવે છે, તો ગરમી અથવા ઠંડીની સંવેદના થાય છે, અને તે જ રીતે અન્ય તત્વો માટે. આવી રીતે આખા શરીરમાં બધી સંવેદનાઓ ઉત્પન્ન થાય છે. જો આપણને હોશ નથી હોતો, તો આપણે સંવેદનાઓનું મૂલ્યાંકન કરીએ છીએ અને તેમના પ્રત્યે પ્રતિક્રિયાઓ કરીએ છીએ, આમ પોતાના માટે નવું દુખ ઉત્પન્ન કરીએ છીએ. પરંતુ જો જ્ઞાન જાગે, તો આપણે સહજતાથી સમજી શકીએ છીએ કે પરમાણુઓ એક અથવા બીજા તત્વના વર્ચસ્વ સાથે ઉત્પન્ન થાય છે, અને આ બધી સંવેદનાઓ વ્યક્તિ વિશેષ સાથે સંબંધ ના રાખતાં એક સતત બદલાતી પ્રક્રિયા છે, જે ઉત્પન્ન થાય છે નાશ પામવા માટે જ. આ સમજણથી જ્યારે આપણે કોઈ પણ સંવેદનાનો સામનો કરીએ છીએ તો આપણે આપણા મનનું સંતુલન નથી ગુમાવતા.
જેમ જેમ આપણે આપણું નિરીક્ષણ ચાલુ રાખીએ છીએ, તેમ તેમ એ સ્પષ્ટ થાય છે કે કલાપ કેમ ઉત્પન્ન થાય છે: મન અને શરીરની ધારા, એટલે કે, જીવન ધારા, ને જેવો ખોરાક આપીએ છીએ, તે પ્રમાણે પરમાણુઓ ઉત્પન્ન થાય છે. શરીરની ધારાને ભૌતિક આહારની જરૂર હોય છે, જે બે પ્રકારના હોય છે: ખોરાક જે આપણે ખાઈએ છીએ અને વાતાવરણ જેમાં આપણે રહીએ છીએ. મનની ધારાને માનસિક ખોરાકની જરૂર હોય છે, જે ફરી પાછા બે પ્રકારના હોય છે: કાં તો વર્તમાનનો અથવા તો ભૂતકાળનો સંસ્કાર. જો આપણે વર્તમાન ક્ષણમાં ક્રોધ કરીએ છીએ, તો તુરંત મન શરીરને પ્રભાવિત કરે છે, અને આપણને ગરમીની સંવેદનાનો અનુભવ કરાવતા અગ્નિ તત્વના વર્ચસ્વવાળા પરમાણુઓ ઉત્પન્ન થવાના ચાલુ થઈ જશે. જો ભય જાગે છે, તો તે સમયે ઉત્પન્ન થયેલા પરમાણુઓ વાયુ તત્વના વર્ચસ્વવાળા હશે, અને આપણે કંપનની સંવેદનાનો અનુભવ કરીશું; અને આવી જ રીતે અન્ય બધા પ્રકારના માનસિક ખોરાકના આધારે મનની ધારા ચાલતી રહે છે. બીજો માનસિક ખોરાક ભૂતકાળના સંસ્કાર છે. દરેક સંસ્કાર બીજ છે જે ફળ આપે છે, અમુક સમય પછીનું પરિણામ. બીજ નાખતી વખતે જે કોઈ સંવેદના આપણે અનુભવ કરી હતી, જ્યારે તે સંસ્કારનું ફળ મનના ઉપલા ભાગ પર આવશે ત્યારે તેવી જ સંવેદના ઉત્પન્ન થશે.
આ ચાર કારણોમાંથી, અમુક સંવેદના કયા કારણથી ઉત્પન્ન થઈ છે તે નક્કી કરવાનો પ્રયાસ આપણે ના કરવો જોઈએ. કોઈ પણ સંવેદના થાય, આપણે તો ફક્ત તેનો સ્વીકાર કરવો જોઈએ. એકમાત્ર પ્રયત્ન જાણકારી રાખવાનો હોવો જોઈએ, કોઈ નવા સંસ્કાર ઉત્પન્ન કર્યા વિના. જો આપણે મનને નવી પ્રતિક્રિયાનો આહાર નથી આપતા, તો આપમેળે જૂની કોઈ પ્રતિક્રિયા, સંવેદનાના રૂપે ઉભરાઇ, એનું પરિણામ/ફળ આપશે. આપણે જાણકારી બનાવી રાખીએ છીએ, અને તે જતી રહે છે. ફરી પાછું આપણે પ્રતિક્રિયા નથી કરતા; તો પછી બીજા કોઈ સંસ્કારે એનું ફળ આપવું જોઈએ. આવી રીતે, જાગરૂક અને સમતામાં રહેવાથી, આપણે જૂના સંસ્કારોને, એક પછી એક, ઉભરાઇ ઉભરાઇ ને નીકળી જવા દઈએ છીએ: આપણે દુખમાં થી બહાર આવીએ છીએ.
નવી નવી પ્રતિક્રિયાઓ કરવાની જૂની આદતને દૂર કરવી જરૂરી છે, અને તે ફક્ત ધીમે ધીમે કરી શકાય છે, વારંવાર પ્રેક્ટિસ દ્વારા, સતત કામ કરીને.
અલબત્ત ત્યાં અવરોધો છે, માર્ગમાં વિઘ્નો છે: પાંચ મજબૂત દુશ્મનો જે આપણને હરાવવાનો અને આપણી પ્રગતિને રોકવાનો પ્રયાસ કરે છે. પહેલા બે દુશ્મનો રાગ અને દ્વેષ છે. વિપશ્યનાના અભ્યાસનો હેતુ આ બે મૂળભૂત માનસિક દૂષણોને દૂર કરવાનો છે, તેમ છતાં જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે પણ તે ઉદ્ભવી શકે છે, અને જો તેઓ મન પર હાવી થઈ જાય છે, તો શુદ્ધિકરણની પ્રક્રિયા અટકી જાય છે. આપણે સૂક્ષ્મ સંવેદનાઓ માટે તૃષ્ણા જગાડીએ છીએ, અથવા નિર્વાણ માટે પણ; તેનાથી કોઈ ફરક પડતો નથી. તૃષ્ણા એ આગ છે જે બળે છે, ભલે ગમે તે બળતણ હોય; તે તમને મુક્તિથી વિરુદ્ધ દિશામાં લઈ જાય છે. તેવી જ રીતે, આપણે જે પીડા અનુભવીએ છીએ તેના પ્રત્યે દ્વેષ ઉત્પન્ન કરવાનું શરૂ કરીએ છીએ, અને ફરીથી આપણી ગાડી પાટા પરથી ઉતરી જાય છે.
હજુ એક દુશ્મન આળસ છે, તંદ્રા છે. આખી રાત આપણે શાંતિથી સૂઈ ગયા છીએ, અને તેમ છતાં જ્યારે આપણે ધ્યાન કરવા બેસીએ છીએ, ત્યારે આપણને ખૂબ ઊંઘ આવે છે. આ ઊંઘ આપણી માનસિક અશુદ્ધિઓને કારણે આવે છે, વિપશ્યનાનો અભ્યાસ તેને હાંકી કાઢશે, અને તેથી તે આપણને ધ્યાન કરવાથી અટકાવવાનો પ્રયાસ કરે છે. આ દુશ્મનને આપણને હરાવી દેતાં રોકવા માટે આપણે લડવું પડશે. થોડા જોર થી શ્વાસ લઈશું, અથવા તો ઊભા થઈ જઈ, થોડી વાર ચાલીશું, અથવા આંખો પર ઠંડા પાણીનો છંટકાવ કરીશું, અને પછી ફરી પાછા બેસીશું.
અથવા તો, આપણને ખૂબ બેચેની થશે, મનના વિકારો એક અન્ય રીતે આપણને વિપશ્યનાની પ્રેક્ટિસ કરવાથી અટકાવવાનો પ્રયાસ કરે છે. આખો દિવસ આપણે અહીં - તહીં દોડીએ છીએ, ધ્યાન સિવાય કંઈ પણ કરીએ છીએ. પછીથી, આપણને થાય છે કે આપણે સમય વેડફી દીધો, અને રડવાનું અને પસ્તાવો કરવાનું શરૂ કરીએ છીએ. પણ ધર્મના માર્ગે રડવા માટે સ્થાન નથી. જો આપણે ભૂલ કરીએ છીએ, તો આપણે કોઈ વડીલની સામે, જેમનામાં આપણને વિશ્વાસ છે, તેનો સ્વીકાર કરવો જોઈએ, અને ભવિષ્યમાં ભૂલનું પુનરાવર્તન ન કરવા માટે સાવચેત રહેવાનો સંકલ્પ કરવો જોઈએ.
છેવટે, એક મોટો દુશ્મન શંકા છે, કાં તો શિક્ષક વિશે, અથવા વિદ્યા વિશે, અથવા પોતાની પ્રેક્ટિસ કરવાની ક્ષમતા વિશે. આંધળી સ્વીકૃતિ ફાયદાકારક નથી, પરંતુ ન તો અનંત ગેરવાજબી શંકા. જ્યાં સુધી આપણામાં શંકાઓ રહેશે, ત્યાં સુધી આપણે માર્ગ પર એક પગલું પણ નહીં ભરી શકીએ. જો આપણને કોઈ વાત સ્પષ્ટ નથી, તો માર્ગદર્શકને મળવામાં અચકાવું નહીં. તેમની સાથે ચર્ચા કરી લઈએ, અને યોગ્ય રીતે સમજી લઈએ. જો આપણે જેમ કહેવામાં આવ્યું છે તેવી રીતે પ્રેક્ટિસ કરીએ છીએ, તો પરિણામો આવશે જ.
વિદ્યા કામ કરે છે, કોઈ જાદુ અથવા ચમત્કાર દ્વારા નહીં, પરંતુ પ્રકૃતિના નિયમ દ્વારા. જે કોઈપણ પ્રકૃતિના નિયમો અનુસાર કામ કરવાનું શરૂ કરે છે તે દુખમાંથી બહાર આવે જ છે; આ સૌથી મોટો શક્ય ચમત્કાર છે.
મોટી સંખ્યામાં લોકોએ આ વિદ્યાના ફાયદાઓનો અનુભવ કર્યો છે, ફક્ત એ લોકો જ નહીં જે બુદ્ધ પાસે આવ્યા હતા, પરંતુ બીજા ઘણા લોકો પછીના યુગમાં અને વર્તમાન યુગમાં. જો આપણે યોગ્ય રીતે પ્રેક્ટિસ કરીએ છીએ, જાગરૂકતામાં અને સમતામાં રહેવાના પ્રયત્નો કરીએ છીએ, તો પછી ભૂતકાળની અશુદ્ધિઓના પડો મનની સપાટી પર ઉભરાઇ આવશે, અને દૂર થતા જશે. ધર્મ અહીં અને અત્યારે અદ્ભુત પરિણામો આપે છે, જો આપણે કામ કરીએ છીએ. તેથી સંપૂર્ણ વિશ્વાસ અને સમજ સાથે કામ કરીએ. તમામ તકલીફોમાંથી બહાર આવવા અને વાસ્તવિક શાંતિનો આનંદ મેળવવા માટે આ તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરીએ.
સૌ વાસ્તવિક સુખ પામે.
સૌ સુખી થાઓ! સૌનું મંગળ થાઓ!