વિપશ્યના
સયાજી ઉ બા ખિનની પરંપરામાં
સાધના
આચાર્ય ગોયન્કાજી દ્વારા શીખવવામાં આવતી વિપશ્યના સાધના
વિપશ્યના સાધના
વિપશ્યના (Vipassana) આત્મનિરીક્ષણ દ્વારા આત્મશુદ્ધિની અત્યંત પુરાતન સાધના વિધિ છે. જે જેવું છે, એને ઠીક એવી જ રીતે જોવું, સમજવું એ વિપશ્યના છે. લગભગ ૨૫૦૦ વર્ષ પૂર્વે ભગવાન ગૌતમ બુદ્ધે વિલુપ્ત થયેલી આ પદ્ધતિનું પુન: અનુસંધાન કરીને, આ સાર્વજનીન રોગના સાર્વજનીન ઉપાયને, જીવન જીવવાની કળાના રૂપમાં સર્વસુલભ બનાવી. આ સાર્વજનીન સાધના-વિધિનો ઉદ્દેશ્ય વિકારોનું સંપૂર્ણ નિર્મૂલન અને પરમવિમુક્તિની અવસ્થાને પ્રાપ્ત કરવાનો છે. આ સાધનાનો ઉદેશ્ય કેવળ શારીરિક રોગોના જ નહી પણ માનવ માત્રના બધા દુખોને દુર કરવાનો છે.
વિપશ્યના આત્મનિરીક્ષણ દ્વારા આત્મશુદ્ધિની સાધના છે. પોતાના શરીર અને ચિત્તધારા પર પળે પળ નિમિત્તક પરિવર્તનશીલ ઘટનાઓનું તટસ્થભાવે નિરીક્ષણ કરતા કરતા ચિત્તવિશોધનનો આ અભ્યાસ આપણને સુખશાંતિનું જીવન જીવવામાં મદદ કરે છે. આપણે આંતરિક શાંતિ અને સામંજસ્યનો અનુભવ કરી શકીએ છે.
આપણા વિચાર, વિકાર, ભાવનાઓ, સંવેદનાઓ જે વૈજ્ઞાનિક નિયમોને અનુસાર ચાલે છે, તે આ સાધના કરવાથી સ્પષ્ટ થતા હોય છે. પોતાના પ્રત્યક્ષ અનુભવથી આપણે જાણી શકીએ છીએ કે વિકાર કેવી રીતે બને છે, બંધનો કેવી રીતે બંધાય છે અને કેવી રીતે એમનાથી છુટકારો મેળવી શકાય છે. આમ કરતા કરતા આપણે સજાગ, સચેત, સંયમિત અને શાંતિપૂર્ણ બનીએ છીએ.
પરંપરા
ભગવાન બુદ્ધના સમયથી નિષ્ઠાવાન આચાર્યોની પરંપરાએ પેઢી-દર-પેઢી આ ધ્યાન-વિધિને એના અક્ષુણ્ણ રૂપમાં જાળવી રાખી છે. આ પરંપરાના વર્તમાન આચાર્ય શ્રી સત્ય નારાયણ ગોયન્કાજી છે. તેઓ મૂળ ભારતીય છે પરંતુ એમનો જન્મ મ્યમાંમાં (બર્મામાં) થયો હતો. એમણે જીવનના પહેલા પિસ્તાલીસ વર્ષ મ્યમાંમાં વિતાવ્યા. ત્યાં એમણે પ્રખ્યાત આચાર્ય સયાજી ઉ બા ખિન, જેઓ એક વરિષ્ઠ સરકારી અફસર હતા, તેઓની પાસેથી વિપશ્યના શીખી. પોતાના આચાર્યના ચરણોમાં ચૌદ વર્ષ વિપશ્યનાના અભ્યાસ કર્યા પછી સયાજી ઉ બા ખિને એમને ૧૯૬૯માં લોકોને વિપશ્યના શીખવવા માટે અધિકૃત કર્યા. એ જ વર્ષે એ ભારત આવ્યા અને એમણે વિપશ્યનાના પ્રચાર-પ્રસારનું કામ શરુ કર્યું. ત્યારથી તેમણે વિભિન્ન સંપ્રદાય અને વિભિન્ન જાતિના લોકોને ભારતમાં અને ભારતની બહાર પૂર્વ અને પશ્ચિમના દેશોમાં વિપશ્યનાનું પ્રશિક્ષણ આપ્યું છે. વિપશ્યનાની વધતી માંગને જોઈને ૧૯૮૨થી શ્રી ગોયન્કાજીએ સહાયક આચાર્યો નિયુક્ત કરવાનું શરુ કર્યું છે.
શિબિર
વિપશ્યના દસ-દિવસીય આવાસી શિબિરોમાં શીખવવામાં આવે છે. શિબિરાર્થીઓએ અનુશાસન સંહિતાનું, પાલન કરવાનું હોય છે અને વિધિને શીખેને એટલો અભ્યાસ કરવાનો હોય છે કે જેથી તેઓ લાભાન્વિત થઈ શકે.
શિબિરમાં ગંભીરતાપૂર્વક કામ કરવાનું હોય છે. પ્રશિક્ષણના ત્રણ સોપાન હોય છે. પહેલું સોપાન – સાધક પાંચ શીલ પાલન કરવાનું વ્રત લેતો હોય છે, અર્થાત જીવ-હત્યા, ચોરી, જુઠ્ઠું બોલવું, અબ્રહ્મચર્ય તથા નશા-પતાના સેવનથી વિરત રહેવું. આ શીલોના પાલન કરવાથી મન એટલે સુધી શાંત પડતું હોય છે કે જેથી આગળનું કામ સરળ બનતુ હોય છે. આગલું સોપાન – નાસિકામાંથી આવતા-જતા પોતાના નૈસર્ગિક શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને આનાપાન નામની સાધનાનો અભ્યાસ કરવો. ચોથા દિવસ સુધીમાં મન કઈંક શાંત પડતું હોય છે, એકાગ્ર થતું હોય છે અને વિપશ્યનાના અભ્યાસને લાયક થતું હોય છે - જે એ છે કે પોતાની કાયામાં ભવિત સંવેદનાઓના પ્રતિ સજગ રહેવું, એમના સાચા સ્વભાવને સમજવો અને એમના પ્રતિ સમતા રાખવી. શિબિરાર્થી દસમાં દિવસે મંગળ-મૈત્રીનો અભ્યાસ કરે છે. જેમાં શિબિર-કાળમાં અર્જિત પુણ્યમાં સર્વ પ્રાણીઓને ભાગીદાર બનાવવામાં આવે છે.
આ સાધના મનનો વ્યાયામ છે. જેમ શારીરિક વ્યાયામથી શરીરને સ્વસ્થ બનાવવામાં આવે છે એ જ રીતે વિપશ્યનાથી મનને સ્વસ્થ બનાવી શકાય છે.
સાધના વિધિનો સાચો લાભ મળે એ એટલા માટે આવશ્યક છે કે જેથી સાધનાનો પ્રસાર શુધ્ધ રૂપમાં થઈ શકે. આ વિધિ વ્યાપારીકરણથી સર્વથા દૂર છે અને પ્રશિક્ષણ આપનાર આચાર્યોને આનાથી કોઈ પણ આર્થિક અથવા ભૌતિક લાભ મળતો હોતો નથી. શિબિરોનું સંચાલન સ્વૈચ્છિક દાનથી થતું હોય છે. રહેવા અને ખાવાનાનું પણ કોઈ શુલ્ક કોઈની પાસેથી લેવામાં આવતું નથી. શિબિરોનો પુરો ખર્ચ સાધકોના દાનથી ચાલે છે - એ સાધકો કે જેઓ પોતે શિબિરથી લાભાન્વિત થયા હોય અને એ પછી દાન આપીને ભવિષ્યમાં આવનાર સાધકોને વિપશ્યના વિદ્યાથી લાભાન્વિત કરવાની ઈચ્છા ધરાવતા હોય.
સાધનાના નિરંતર અભ્યાસથી જ સારું પરિણામ આવતું હોય છે. દસ દિવસમાં સાધનાની રૂપરેખા સમજાતી હોય છે જેનાથી વિપશ્યના જીવનમાં ઉતારવાનું કામ શરુ થઇ શકે છે. જેટલો જેટલો અભ્યાસ આગળ વધશે, એટલો એટલો દુઃખોથી છુટકારો મળતો જશે અને એટલો એટલો સાધક પરમમુક્તિના અંતિમ લક્ષ્યની નજીક પહોંચતો જશે. બધી સમસ્યાઓનું સમાધાન દસ દિવસમાં જ થઈ જશે એવી આશા રાખવી નહી જોઈએ. નિષ્ઠાપૂર્વક દસ દિવસ અભ્યાસ કરવાથી સારા પરિણામ જરૂર આવશે કે જેનાથી જીવનમાં પ્રત્યક્ષ લાભ મળવાનો શરુ થશે.
ગંભીરતાપૂર્વક અનુશાસનનું પાલન કરવાવાળા બધા લોકોનું વિપશ્યના શિબિરમાં સ્વાગત છે. શિબિરમાં તેઓ સ્વયં અનુભૂતિના આધારે સાધનાને પારખી શકશે અને એનાથી લાભાન્વિત થઈ શકશે. જે પણ વિપશ્યનાને ગંભીરતાથી અજમાવતું હોય છે તે જીવનમાં સુખ-શાંતિ લાવનાર એક પ્રભાવશાળી વિદ્યાની પ્રાપ્તિ કરતું હોય છે.