શ્રી સત્ય નારાયણ ગોયન્કાજીનું શાંતિ સંમેલનને સંબોધન
બિલ હિગિન્સ ૨૯ ઓગસ્ટ ૨૦૦૦ન્યુયોર્ક — આચાર્ય ગોયન્કાજીએ સહસ્રાબ્દી વિશ્વ શાંતિ સંમેલનના પ્રતિનિધિયોને રાષ્ટ્રસંઘના જનરલ એસેમ્બલી હોલમાં સંબોધિત કર્યા કે જ્યાં પહેલી વાર આધ્યાત્મિક અને ધાર્મિક નેતાઓનું સંમેલન થયું હતું.
આચાર્ય ગોયન્કાજીએ કોન્ફ્લીક્ટ ટ્રાન્સફોર્મેશન નામના સત્રમાં ભાષણ આપ્યું. આ સત્રમાં ધાર્મિક સમન્વય, સહિષ્ણુતા અને શાંતિપૂર્વ સહ-અસ્તિત્વના વિષયો પર ચર્ચા થઈ હતી.
"એક સંપ્રદાયમાંથી બીજા સંપ્રદાયમાં રૂપાંતરણની ચર્ચા-વિચારણાને બદલે" ગોયન્કાજીએ કહ્યું, "એ વધારે લાભદાયી થશે કે આપણે લોકોને દુઃખમાંથી સુખની તરફ, બંધનમાંથી મુક્તિની તરફ, ક્રૂરતાથી કરુણાની તરફ લઈ જઈએ."
ગોયન્કાજીએ સંમેલનના બપોરના સત્રમાં લગભગ બે હજાર પ્રતિનિધિઓ અને પ્રેક્ષકોની હાજરીમાં આ ભાષણ આપ્યું. આ સત્ર સી. એન. એન. ના સંસ્થાપક ટેડ ટર્નરના ભાષણની પછી હતું.
શિખર સંમેલનનો વિષય વિશ્વ શાંતિ છે, એ વાતને ધ્યાનમાં રાખીને ગોયન્કાજીએ એ વાત પર ઘણો ભાર મુક્યો કે વિશ્વમાં શાંતિ ત્યાં સુધી સ્થાપિત નહી થઈ શકે જ્યાં સુધી વ્યક્તિઓની અંદર શાંતિ નહી હોય. "વિશ્વમાં શાંતિ ત્યાં સુધી સ્થાપિત નહી થઈ શકે જ્યાં સુધી વ્યક્તિઓના મનમાં કોર્ધ અને ધ્રુણા છે. મૈત્રી અને કરુણા ભર્યા હ્રદયથી જ વિશ્વમાં શાંતિ સ્થાપિત કરી શકાશે."
શિખર સંમેલનનું એક મહત્વપૂર્ણ પાસું વિશ્વમાં સાંપ્રદાયિક લડાઈ-ઝગડા અને તણાવ ઓછા કરવાનું છે. આ કામને સંબંધિત ગોયન્કાજીએ કહ્યું કે જ્યાં સુધી અંદર ક્રોધ અને દ્વેષ છે, ત્યાં સુધી ભલેને પછી ઈસાઈ હોય, હિંદુ હોય, મુસલમાન હોય કે બૌદ્ધ હોય, દુખી જ થશે.
તાળીયોના ગડગડાટની વચમાં એમણે કહ્યું, "જેના હ્રદયમાં શુધ્ધ પ્રેમ અને કરુણા છે, એ આંતરિક સ્વર્ગીય સુખનો અનુભવ કરી શકે છે. આ નિસર્ગનો નિયમ છે, ભલેને પછી કોઈ કહે કે આ ઈશ્વરની ઈચ્છા છે."
વિશ્વના પ્રમુખ ધાર્મિક નેતાઓની આ સભામાં એમણે કહ્યું, "આપણે બધા સંપ્રદાયોના સમાન તત્વો પર ધ્યાન આપીએ, આ તત્વોને મહત્વ આપીએ. મનની શુધ્ધતાને મહત્વ આપીએ કે જે બધા સંપ્રદાયોનો સાર છે. આપણે ધર્મના એ અંગને મહત્વ આપીએ અને ઉપરની છાલને સાંપ્રદાયિક કર્મકાંડ, પર્વ-ઉત્સવ, માન્યતાઓ નજરથી દૂર કરીએ."
પોતાના પ્રવચનના સારાંશમાં ગોયન્કાજીએ સમ્રાટ અશોકના એક શિલાલેખને વાંચી સંભળાવ્યો કે જેમાં અશોકે કહ્યું છે કે, "કેવળ પોતાના ધર્મનું સમ્માન અને બીજાના ધર્મનું અસમ્માન નહી કરવું જોઈએ. એના બદલે બીજા ઘણા કારણસર બીજાના ધર્મનું સમ્માન કરવું જોઈએ. આમ કરવાથી પોતાના ધર્મની વૃધ્ધીમાં તો મદદ કરીએ જ છીએ પણ બીજાના ધર્મની પણ સેવા કરતા હોઈએ છીએ. આમ નહી કરીએ તો પોતાના ધર્મની કબર તો ખોદીશું જ પણ સાથે બીજાના ધર્મને પણ હાનિ પહોંચાડીશું. ભેગા મળીને રહેવાનું જ હિતાવહ છે. બીજાના ધર્મોનો જે ઉપદેશ હોય, એ બધા સાંભળે અને સાંભળવા માટે ઉત્સુક બને."
સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ કોફી અન્નાને આશા પ્રકટ કરીકે આ શિખર પરિષદમાં એકત્ર થયેલા વિશ્વના પ્રમુખ આધ્યાત્મિક અને ધાર્મિક નેતાઓની શાંતિ માટેની એકત્રિત પોકાર નવી સહસ્રાબ્દીમાં શાંતિ વધારશે.
આધ્યાત્મિક નેતાઓ જેઓને સંયુક્ત રાષ્ટ્રના આવા સર્વ પ્રથમ સમ્મેલનમાં આમંત્રિત કરવામાં આવ્યા તેમાં સ્વામી નારાયણ પંથના પ્રમુખ સ્વામી, સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી અગ્નિવેશ, માતા અમૃતાનંદમયી દેવી અને દાદા વાસવાણી સાથે સાથે પ્રખ્યાત વિદ્વાનો જેમકે ડૉ. કરણ સિંઘ અને એલ.એમ સિંઘવીનો સમાવેશ થાય છે.
ભાગ લેનારાઓના ધર્મ અને સંસ્કૃતિઓની વિવિધતાના સંદર્ભમાં કોફી અનાને કહ્યું છે, “સંયુક્ત રાષ્ટ્ર એક ચાકળો છે, ફક્ત સૂટ અને સાડીઓનો જ નહીં, પણ પાદરીઓના કોલર, સાધ્વીઓના પહેરવેશો અને લામાઓના ઝભ્ભાઓ; મુગટોનો, ટોપીઓનો અને કિપ્પાઓનો (માથાની કિનારી વિનાની ટોપીઓ).”
જો કે કોફી અનાનને તિબેટન નેતાઓની ગેરહાજરીને લઈને વારંવાર પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, તો તેમણે પ્રશ્નોને પાછા સમ્મેલનના ઉદ્દેશ્ય તરફ વાળવાનો પ્રયત્ન કર્યો છે, જે તેઓ કહે છે “ધર્મને તેની સાચી ભૂમિકામાં જે શાંતિ નિર્માણ અને સુલહ કરાવવાનો છે તેમાં પુનઃસ્થાપિત કરવાનો છે- લડાઈની સમસ્યા ક્યારેય બાઇબલ, તોરાહ અથવા કુરાન નથી હોતા. ખરેખર, સમસ્યા ક્યારેય શ્રદ્ધા/ધર્મ નથી હોતા- એતો શ્રદ્ધાળુઓ અને આપણે એક બીજા સાથે કેવી રીતે વર્તીએ છીએ તે હોય છે. તમારે, એક વાર ફરી, તમારા શ્રદ્ધાળુઓને શાંતિના માર્ગ અને સહનશીલતાના માર્ગ શીખવાડવા જોઈએ.”
સંયુક્ત રાષ્ટ્રના નેતાની આશા છે કે આ ધર્મના નેતાઓ તેમના અનુયાયીઓને શાંતિ તરફ વાળી શકશે કારણ કે વિશ્વની 83% વસતિ વિધિસર ધાર્મિક અથવા આધ્યાત્મિક માન્યતા પ્રથાનું પાલન કરતી હોય છે.
સંયુક્ત રાષ્ટ્ર આશા કરે છે કે આ સમ્મેલન વિશ્વના સમુદાયને એક એવી દિશા તરફ લઈ જશે, એક દસ્તાવેજના શબ્દોમાં, “તેની પ્રચ્છન્ન આધ્યાત્મિક શક્તિનો સ્વીકાર કરવાની અને તે ઓળખવાની કે મનુષ્યની નિર્દયતાના સૌથી ખરાબ રૂપ – લડાઈને- અને સાથે સાથે લડાઈના મૂળ કારણ, ગરીબીને, નાબૂદ કરવું આપણી શક્તિમાં છે. વિશ્વના આધ્યાત્મિક નેતાઓ માટે સંયુક્ત રાષ્ટ્રના તેના માનવજાતિની અતિઆવશ્યક જરૂરિયાતો પર કામ કરવાના પુરુષાર્થમાં સાથે મળી વધારે નજીકથી કામ કરવાનો સમય પાકી ગયો છે.”
સમ્મેલન આ ગુરુવારે 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે જ્યારે ભાગ લેનારાઓ વિશ્વ શાંતિ માટે ઘોષણાપત્ર પર સહી કરશે અને ધર્મના અને આધ્યાત્મના નેતાઓની અંતર્રાષ્ટ્રીય સલાહકારી પરિષદનું ગઠન કરશે જે શાંતિના નિર્માણ માટે અને શાંતિ જાળવવાના પ્રયત્નોમાં સંયુક્ત રાષ્ટ્ર અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ સાથે મળી કામ કરશે.
વિશ્વ શાંતિ સમ્મેલનના મહાસચિવ બાવા જૈને કહ્યું, “ધર્મના અને આધ્યાત્મના નેતાઓની અંતર્રાષ્ટ્રીય સલાહકારી પરિષદનો ઉદ્દેશ્ય સંયુક્ત રાષ્ટ્રના કામને વધારવું અને શક્તિશાળી બનાવવું છે. એ અમારી ખરા દિલની આશા છે કે લડાઈના સમયમાં વિશ્વના ધર્મના અને આધ્યાત્મના મહાન નેતાઓને આવા ગરમા-ગરમીના વાતાવરણની વચ્ચે લડાઈનું અહિંસાના આધારે સમાધાન શોધવા ઉતારી શકાય.”