વિપશ્યના
સયાજી ઉ બા ખિનની પરંપરામાં
સાધના
આચાર્ય ગોયન્કાજી દ્વારા શીખવવામાં આવતી વિપશ્યના સાધના
દિવસ 7 પ્રવચન
સ્થૂળ અને સૂક્ષ્મ સંવેદનાઓ બંને પ્રત્યે સમતાનું મહત્વ -- જાગરૂકતાની નિરંતરતા—પાંચ મિત્રો—શ્રદ્ધા, વીર્ય, સતિ, સમાધિ, પ્રજ્ઞા
સાત દિવસ પૂરા થયા: આપણી પાસે કામ કરવા ત્રણ દિવસ બાકી છે. ખૂબ નિષ્ઠાથી અને નિરંતરતાથી કામ કરીને આ દિવસોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીએ, કેવી રીતે કામ કરવું જોઈએ એને બરાબર સમજીને.
આ વિદ્યાના બે પાસાં છે: જાગરુકતા અને સમતા. આપણે શરીરના માળખામાં થતી બધી સંવેદનાઓ પ્રત્યે જાગરૂકતા વિકસાવવી જોઈએ, અને તેની સાથે સાથે તેમના પ્રત્યે સમતામાં રહેવું જોઈએ. સમતામાં રહીને, વહેલા કે મોડા, કુદરતી રીતે આપણે જોશું કે, જે ભાગ મૂર્છિત હતા ત્યાં સંવેદનાઓની જાણકારી થવા લાગે છે, અને સ્થૂળ, નક્કર, અપ્રિય સંવેદનાઓ ઓગળીને સૂક્ષ્મ સંવેદનાઓમાં બદલાવા લાગે છે. આખા શરીરમાં આપણે ખૂબ સુખદ પ્રવાહનો અનુભવ કરવા લાગીએ છીએ.
જ્યારે આ પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે જોખમ એ છે કે આપણને આ ઇંદ્રિયોના સુખનો અનુભવ લક્ષ્ય જેવું લાગે છે જેના માટે આપણે કામ કરી રહ્યા હતા. હકીકતમાં, વિપશ્યનાની પ્રેક્ટિસ કરવાનો હેતુ અમુક પ્રકારનો અનુભવ કરવાનો નથી, પરંતુ બધી સંવેદનાઓ પ્રત્યે સમતા વિકસાવવાનો છે. સંવેદનાઓ બદલાતી રહે છે, પછી ભલે તે સ્થૂળ હોય કે સૂક્ષ્મ. માર્ગ પર આપણી પ્રગતિ ફક્ત દરેક પ્રકારની સંવેદના પ્રત્યે રાખેલી સમતાથી જ માપી શકાય છે.
આખા શરીરમાં સૂક્ષ્મ સંવેદનાઓની ધારા પ્રવાહ અનુભવ્યા પછી પણ, એ તદ્દન શક્ય છે કે ફરીથી ક્યાંક ક્યાંક સ્થૂળ સંવેદનાઓ ઉત્પન્ન થાય, અથવા કોઈ ભાગ મૂર્છિત થઈ જાય. આ અવનતિના નહીં પણ પ્રગતિના સંકેતો છે. જેમ જેમ આપણે જાગરુકતા અને સમતામાં સ્થિત થતા જઈએ છીએ, આપણે કુદરતન અંતરમનના ઊંડાણમાં જાણવાનું શરૂ કરીએ છીએ, અને ત્યાં છુપાયેલી અશુદ્ધિઓને બહાર કાઢીએ છીએ. જ્યાં સુધી ઊંડાણમાં પડેલી આ વિકૃતિઓ સુષુપ્ત રહે છે, તે ભવિષ્યમાં દુઃખ લાવશે જ. તેમનું ઉન્મૂલન કરવાનો એકમાત્ર રસ્તો તેમને મનની સપાટી પર આવવા દેવાનો અને દૂર થવા દેવાનો છે. જ્યારે આવા ઊંડા જડ-મૂળવાળા સંસ્કારો મનની સપાટી પર આવે છે, તેમાંથી ઘણા શરીર પર દુખદ, સ્થૂળ સંવેદનાઓ અથવા મૂર્છા લઈને આવે છે. જો આપણે પ્રતિક્રિયા કર્યા વગર તેમની જાણકારી બનાવી રાખીએ છીએ, આ સંવેદનાઓ જતી રહે છે, અને તેની સાથે તે સંસ્કારો પણ જાય છે જેમની આ અભિવ્યક્તિ છે.
પ્રત્યેક સંવેદના, ભલે સ્થૂળ હોય અથવા સૂક્ષ્મ, એમનો સ્વભાવ બદલાતા રહેવાનો છે. કોઈ સ્થૂળ સંવેદના જાગે છે, થોડા સમય માટે રોકાઈ હોય એવું લાગે છે, પણ વહેલા - મોડા એ જતી રહે છે. સૂક્ષ્મ સંવેદના તીવ્ર ગતિથી ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, તેમ છતાંય તેનો સ્વભાવ તો તેવો જ છે. કોઈ સંવેદના સદા માટે રહેતી નથી. એટલા માટે, આપણામાં કોઈ પણ સંવેદના માટે ગમે છે અથવા નથી ગમતીનો ભાવ ના હોવો જોઈએ. જ્યારે સ્થૂળ, અપ્રિય સંવેદના ઉત્પન્ન થાય છે, આપણે હતાશ થયા વિના એની જાણકારી બનાવી રાખીએ છીએ. જ્યારે સૂક્ષ્મ, પ્રિય સંવેદના ઉત્પન્ન થાય છે, આપણે તેનો સ્વીકાર કરીએ છીએ, એનો આનંદ પણ માણીએ છીએ, ઘેલા થયા વિના અથવા એની સાથે ચિપકાવ કર્યા વિના. દરેક સ્થિતિમાં આપણે સમજીએ છીએ કે બધી સંવેદનાઓ અનિત્ય છે; તે પછી જ્યારે સંવેદનાઓ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, આપણે સ્મિત સાથે તેનો સ્વીકાર કરી શકીએ છીએ.
આપણા જીવનમાં વાસ્તવિક બદલાવ લાવવા, સમતાનો અભ્યાસ શરીરની સંવેદનાના સ્તર પર કરવી જોઈએ. દરેક ક્ષણે શરીરની અંદર સંવેદનાઓ ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે સભાન મન તેમનાથી અજાણ હોય છે, પરંતુ અંતરમન સંવેદનાઓનો અનુભવ કરે છે અને તેમના પ્રત્યે રાગ અથવા દ્વેષની પ્રતિક્રિયા કરે છે. જો મનને શરીરમાં જે કંઇ ચાલી રહ્યું છે તેના પ્રત્યે સંપૂર્ણરીતે સભાન રહેવાનું શીખવાડવામાં આવે છે અને સાથે સાથે સમતામાં રહેવાનું, તો પછી આંધળી પ્રતિક્રિયા કરવાની જૂની ટેવ તૂટે છે. આપણે દરેક પરિસ્થિતિમાં કેવી રીતે સમતામાં રહેવું તે શિખીએ છીએ, અને તેથી સંતુલિત, સુખી જીવન જીવી શકીએ છીએ.
આપણે અહીં આપણા વિશે સચ્ચાઈ અનુભવ કરવા આવ્યા છીએ, આ પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે, કેવી રીતે આ દુખ પેદા કરે છે. માનવ ઘટનાના બે પાસાં છે: ભૌતિક અને માનસિક, શરીર અને મન. આપણે બંનેની જાણકારી કેળવવાની છે. પણ શરીરમાં શું ઉત્પન્ન થાય છે, એટલે કે, સંવેદનાની જાણકારી વિના આપણે શરીરનો અનુભવ વાસ્તવમાં નથી કરી શકતા. એવી જ રીતે, મન પર શું જાગે છે, એટલે કે, વિચાર એનાથી અલગ આપણે મનને નથી જાણી શકતા. જેમ આપણે મન અને શરીરની સચ્ચાઈના અનુભવમાં ઊંડા ઊતરીએ છીએ, એ સ્પષ્ટ થાય છે કે મન પર જે કંઇ ઉત્પન્ન થાય છે તેની સાથે સાથે શરીર પર સંવેદના થાય છે. શરીર અને મન બંનેની સચ્ચાઈનો અનુભવ કરવા માટે સંવેદના મુખ્ય મહત્વનું છે, અને તે એ બિંદુ છે જ્યાં પ્રતિક્રિયાઓ શરૂ થાય છે. પોતાની સચ્ચાઈની જાણકારી કેળવવા અને માનસિક અશુદ્ધિઓ પેદા કરવાનું બંધ કરવા માટે, આપણે શક્ય બને તેટલું સતત સંવેદના પ્રત્યે જાગરૂક હોવું જોઈએ અને સમતામાં રહેવું જોઈએ.
આ કારણથી, શિબિરના બાકીના દિવસોમાં, આપણે ધ્યાનના સમય દરમિયાન બંધ આંખો સાથે નિરંતરતાથી કામ કરવું જોઈએ; પરંતુ રીસેસના સમય દરમિયાન પણ, આપણે સંવેદનાના સ્તરે જાગરુકતા અને સમતા જાળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે પણ કામ આપણે સામાન્ય રીતે કરવું જોઈએ એ કરતા રહીએ- ચાલવું, ખાવું, પીવું, અથવા નહાવું; કામની ગતિ ધીમી ના કરીએ. શરીરના ભૌતિક હલનચલનની જાણકારી રાખીએ, અને સાથે સાથે સંવેદનાની પણ જાણકારી રાખીએ, જો શક્ય હોય તો શરીરના એ ભાગમાં જેમાં હલનચલન છે, અથવા તો અન્ય કોઈ ભાગમાં. જાગરૂક રહીએ અને સમતામાં રહીએ.
એ જ રીતે, જ્યારે આપણે રાત્રે સુવા જઈએ, ત્યારે આંખો બંધ કરીએ અને શરીરની અંદર ગમે ત્યાં સંવેદનાનો અનુભવ કરીએ. જો આપણે આ જાગરુકતા સાતે સૂઈ જઈએ છીએ, તો જેવા સવારે ઉઠીશું, આપણને કુદરતન સંવેદનાની જાણકારી હશે. કદાચ આપણે ઘાઢ નિદ્રામાં ના સૂઈ શકીએ, અથવા કદાચ આખી રાત આપણે જાગતા પણ રહીએ. આ બહુ સારુ છે, જો આપણે પથારીમાં સૂતા રહીને જાગરુકતા અને સમતા જાળવતા રહીએ. શરીરને એને જોઈતો આરામ મળી રહેશે, અને મન માટે જાગરૂક અને સમતામાં રહેવા કરતાં બીજો કોઈ મોટો આરામ નથી. પણ જો, આપણે ચિંતા કરવાનું શરૂ કરીએ કે આપણે અનિન્દ્રા વિકસાવી રહ્યા છીએ, તો આપણે તણાવ પેદા કરીશું અને બીજા દિવસે થાક અનુભવીશું. આપણે જોર જબરદસ્તીથી, આખી રાત બેસી રહીને, જાગતા રહેવાનો પ્રયત્ન પણ ના કરવો જોઈએ; તે અતિઓમાં જવું થઈ જશે. જો ઊંઘ આવે છે, તો બહુ સારી વાત છે; આપણે સૂઈ જઈએ. જો ઊંઘ નથી આવતી તો શરીરને, આડા પડી રહીને, આરામ કરવા દઈએ, અને જાગરુકતા અને સમતા જાળવી મનને આરામ કરવા દઈએ.
બુદ્ધે કહ્યું, “જ્યારે કોઈ સાધક ધગશથી પ્રેક્ટિસ કરે છે, એક પણ ક્ષણમાં સંવેદના પ્રત્યે જાગરુકતા અને સમતાને છોડયા વિના, આવો વ્યક્તિ, સંવેદનાઓને સંપૂર્ણ રીતે જાણીને, સાચું જ્ઞાન જગાડે છે.” સાધક સમજે છે કે કેવી રીતે જેની પાસે જ્ઞાનનો અભાવ છે તે સંવેદનાઓ પ્રત્યે પ્રતિક્રિયાઓ કરે છે અને તેનું દુખ વધારે છે. સાધક એ પણ સમજે છે કે કેવી રીતે જે બધી સંવેદનાઓના અનિત્ય સ્વભાવને ધ્યાનમાં રાખે છે તે તેમના પ્રત્યે પ્રતિક્રિયાઓ નથી કરતો, અને દુખની બહાર આવે છે. બુદ્ધે આગળ કહ્યું, “આવા સુસ્પષ્ટ જ્ઞાન સાથે, સાધક મન અને શરીરથી પેલે પાર નિર્વાણનો અનુભવ કરી શકે છે.” આપણે નિર્વાણનો અનુભવ ત્યાં સુધી નથી કરી શકતા જ્યાં સુધી સૌથી ગાઢ સંસ્કારોનું ઉન્મૂલન નથી થઈ જતું — તેવા સંસ્કાર જે ભવિષ્ય માં અપાય ગતિના જીવનો તરફ લઈ જાય છે જ્યાં દુખનું વર્ચસ્વ રહે છે. સૌભાગ્યથી, જ્યારે આપણે વિપશ્યનાનો અભ્યાસ શરૂ કરીએ છીએ, આ જ સંસ્કારો સૌ પહેલાં ઉભરાઇ આવે છે. આપણે સમતામાં રહીએ છીએ અને તેઓ જતા રહે છે. જ્યારે આવા બધા જ સંસ્કારોનું ઉન્મૂલન થઈ જાય છે, તો આપણે સહજતાથી નિર્વાણનો અનુભવ પહેલી વાર કરીએ છીએ. એનો અનુભવ કરીને, આપણો સ્વભાવ સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે, અને હવે આપણે એવા કોઈ કર્મો ના બાંધી શકીએ જે આપણને ભવિષ્યમાં અપાય ગતિના જીવનો તરફ લઈ જશે. ધીમે ધીમે આપણે ઉચ્ચ સ્તરીય લોકો તરફ પ્રયાણ કરીએ છીએ, ત્યાં સુધી જ્યાં સુધી બધા જ સંસ્કારો, જે આપણને ભવિષ્યમાં કોઈ પણ સંખાર લોકમાં જન્મ આપત, તેમનું ઉન્મૂલન ના થઈ જાય. આવો વ્યક્તિ પૂર્ણ રીતે મુક્ત થઈ જાય છે એટલા માટે જ બુદ્ધે નિષ્કર્ષ આપ્યો, "મન અને શરીરની સંપૂર્ણ સચ્ચાઈનું દર્શન કરીને, જ્યારે આવો વ્યક્તિ મૃત્યુ પામે છે, એ સંખાર લોકની બહાર નીકળી જાય છે, કારણ કે એણે સંવેદનાઓના ક્ષેત્રને પૂર્ણ રીતે જાણી લીધું છે".
આખા શરીરમાં સંવેદનાની જાગૃતિ લાવવાની પ્રેક્ટિસ કરીને આપણે આ માર્ગ પર એક નાની શરૂઆત કરી છે. જો આપણેસંવેદનાઓ પ્રત્યે પ્રતિક્રિયા ન થવા દેવા માટે ખૂબ કાળજી રાખીએ છીએ, તો આપણે જોશું કે એક પછી એક જૂના સંસ્કારોની પરતોનું ઉન્મૂલન થતું જાય છે. સ્થૂળ, અપ્રિય સંવેદનાઓ પ્રત્યે સમતામાં રહીને, આપણે સૂક્ષ્મ, સુખદ સંવેદનાઓના અનુભવ તરફ વધીશું. જો આપણે સમતા જાળવવાનું ચાલુ રાખીશું, તો વહેલા કે મોડા આપણે બુદ્ધ દ્વારા વર્ણવેલ તબક્કે પહોંચીશું, જેમાં સમગ્ર શારીરિક બંધારણમાં, સાધક ફક્ત ઉદય-વ્યય સિવાય અન્ય કંઇ અનુભવ કરતો નથી. બધી સ્થૂળ, નક્કર સંવેદનાઓ ઓગળી જાય છે; આખા શરીરમાં સૂક્ષ્મ કંપન સિવાય બીજું કશું હોતું નથી. સ્વાભાવિક રીતે આ તબક્કો ખૂબ આનંદકારક છે, પરંતુ તેમ છતાં તે અંતિમ લક્ષ્ય નથી, અને આપણે તેની સાથે આસક્તિ ના કરવી જોઈએ. કેટલીક સ્થૂળ અશુદ્ધિઓ નાબૂદ થઈ ગઈ છે, પરંતુ મનના ઊંડાણમાં હજુ બીજી ઘણી અશુદ્ધિઓ બાકી છે. જો આપણે સમતામાં રહેવાનું ચાલુ રાખીએ છીએ, તો એક પછી એક ઊંડાણના સંસ્કારો ઉભરાઇ આવશે અને જતા રહેશે. જ્યારે તે બધા નાબૂદ થઈ જાય છે, ત્યારે આપણે "અજર, અમર" નો અનુભવ કરીએ છીએ - મન અને શરીરથી આગળ કંઇક, જ્યાં કંઇ ઉત્પન્ન થતું નથી, અને તેથી કંઇ પસાર થતું નથી - નિર્વાણ નો અવર્ણનીય તબક્કો.
દરેક વ્યક્તિ જે જાગરુકતા અને સમતા વિકસાવવા માટે યોગ્ય રીતે કામ કરશે તે ચોક્કસપણે આ તબક્કે પહોંચશે; પરંતુ પ્રત્યેક વ્યક્તિએ જાતે જ કામ કરવું જોઇએ.
જેવી રીતે પાંચ દુશ્મનો છે, પાંચ અંતરાયો છે જે આપણી પ્રગતિને અવરોધે છે, તેમ પાંચ મિત્રો પણ છે, મનની પાંચ તંદુરસ્ત ક્ષમતાઓ, જે તમને મદદ અને ટેકો આપે છે. જો તમે આ મિત્રોને મજબૂત અને શુદ્ધ રાખો છો, તો કોઈ દુશ્મન આપણને પરાજિત કરી શકશે નહીં.
પ્રથમ મિત્ર શ્રદ્ધા, ભક્તિ, વિશ્વાસ છે. શ્રદ્ધા વિના આપણે કામ નહીં કરી શકીએ, હંમેશા શંકાઓ અને સંશયથી ઘેરાયેલા રહીશું. તેમ છતાં, જો શ્રદ્ધા અંધશ્રદ્ધા બની જાય તો તે એક મહાન દુશ્મન છે. શ્રદ્ધા અંધશ્રદ્ધા બની જાય છે જ્યારે આપણે વિવેક ખોઈ દઈએ છીએ, સાચી ભક્તિ શું છે તેની યોગ્ય સમજ. આપણને કોઈ દેવી-દેવતા અથવા સંત પુરુષમાં શ્રદ્ધા હોઈ શકે છે, પરંતુ જો તે સાચા અર્થમાં શ્રદ્ધા હોય, યોગ્ય સમજણ સાથે, તો આપણે તેમના સારા ગુણોને યાદ કરીશું, અને તે ગુણો પોતાનામાં વિકસિત કરવાની પ્રેરણા મેળવીશું. આવી ભક્તિ અર્થપૂર્ણ અને સહાયક છે. પરંતુ જો આપણે જેની પ્રત્યે ભક્તિ છે તેના ગુણો આપણામાં વિકસાવવાનો પ્રયાસ ન કરીએ, તો તે આંધળી શ્રદ્ધા છે, જે ખૂબ જ નુકસાનકારક છે.
ઉદાહરણ તરીકે, જ્યારે આપણે બુદ્ધની શરણ લઈએ છીએ, ત્યારે બુદ્ધના ગુણોને યાદ કરવું જોઈએ, અને તે ગુણોને પોતાનામાં વિકસાવવા માટે કામ કરવું જોઈએ. બુદ્ધનો પ્રમુખ ગુણ એમનું બોધિત્વ પ્રાપ્ત કરવું છે; એટલા માટે શરણ ખરેખર બોધિની છે, બોધિ જેનો આપણામાં વિકાસ કરીએ છીએ. આપણે પૂર્ણ બોધિત્વ પ્રાપ્ત કોઈ પણ વ્યક્તિનું સન્માન કરીએ છીએ; એટલે કે, આપણે ગુણને મહત્વ આપીએ છીએ, એ જ્યાં ક્યાંય ફળીભૂત થાય, કોઈ સંપ્રદાય અથવા વ્યક્તિથી બંધાયા વિના. અને આપણે બુદ્ધનું સન્માન કોઈ ક્રિયા-કર્મકાંડ અથવા વિધિઓ થી નહીં પણ એમની શિક્ષાનું પાલન કરી, ધર્મના માર્ગ પર પહેલા પગલા શીલથી ચાલીને, સમાધિથી લઈને, પ્રજ્ઞાસુધી, નિર્વાણથી લઈને, મુક્તિ સુધી.
કોઈ પણ જે બુદ્ધ છે તેમનામાં નીચેના ગુણો હોવા જોઈએ. તેમણે સંપૂર્ણપણે રાગ, દ્વેષ અને અજ્ઞાનતાનું ઉન્મૂલન કરી દીધું છે. તેમણે તેમના બધા દુશ્મનો, અંદરના દુશ્મનો, એટલે કે માનસિક અશુદ્ધિઓ પર વિજય મેળવ્યો છે. તે ફક્ત ધર્મના સિદ્ધાંતમાં જ નહીં, પણ તેના આચરણમાં પણ સંપન્ન છે. તેઓ જે પ્રેક્ટિસ કરે છે, તે ઉપદેશ આપે છે, અને જે ઉપદેશ આપે છે, તે પ્રેક્ટિસ કરે છે; તેમના શબ્દો અને તેમના વર્તન વચ્ચે કોઈ ભેદ નથી હોતો. દરેક પગલું જે તેઓ લે છે તે એક યોગ્ય પગલું હોય છે, જે સાચી દિશા તરફ દોરી જાય છે. તેમણે અંદરના બ્રહ્માંડની શોધ કરીને, સમગ્ર બ્રહ્માંડ વિશે બધું જાણી લીધું છે. તેઓ લોકો માટે અનંત મૈત્રી, અનંત કરુણા અને અનંત મુદિતાથી ભરેલા છે, અને જે લોકો સાચો રસ્તો શોધવા માટે ભટકાઈ રહ્યા છે તેમને મદદ કરતા રહે છે. તેઓ અનંત ઉપેક્ષા ભાવથી સભર હોય છે. જો આપણે અંતિમ લક્ષ્ય સુધી પહોંચવા માટે પોતાનામાં આ ગુણો વિકસિત કરવાનું કામ કરીએ છીએ, તો બુદ્ધની શરણ લેવાનો અર્થ છે.
એ જ રીતે, ધર્મની શરણ લેવાને સાંપ્રદાયિકતા સાથે કંઈ લેવાદેવા નથી; તે એક સંગઠિત ધર્મથી બીજામાં પરિવર્તિત થવાની વાત નથી. ધર્મની શરણ લેવું એ ખરેખર શીલ, સમાધિ, પ્રજ્ઞામાં શરણ લેવું, પ્રતિષ્ઠિત થવું છે. કોઈ શિક્ષાનું ધર્મ હોવા માટે, તેમાં પણ કેટલાક ગુણો હોવા જોઈએ. પ્રથમ, તે સુઆખ્યાત, એટલે કે, સ્પષ્ટ રીતે સમજાવ્યો હોવો જોઈએ, જેથી કોઈ પણ તેને સમજી શકે. તે સાંદૃષ્ટિક હોવો જોઈએ, એટલે કે, આપણે પોતે આપણી આંખો સામે જોઈ શકવા જોઈએ, પોતાના દ્વારા અનુભવેલી વાસ્તવિકતા, કોઈ કલ્પના નહીં. નિર્વાણનું સત્ય પણ ત્યાં સુધી નથી સ્વીકારવાનું જ્યાં સુધી તે આપણા અનુભવ પર નથી ઉતર્યું. ધર્મ આપણને અહીં અને અત્યારે જ લાભદાયી પરિણામો આપવો જોઈએ, ફક્ત ભવિષ્યમાં લાભ માણવાનું વચન ના આપવો જોઈએ. તેમાં "આવો અને જુઓ" ની ગુણવત્તા છે; આપણે જાતે જોઈએ, આપણે પોતે અજમાવીએ, તેને જાણ્યા-વિચાર્યા વિના સ્વીકારીએ નહીં. અને એકવાર આપણે તેને અજમાવી જોઈને અને તેના ફાયદાઓનો અનુભવ કર્યા પછી, બીજાઓને પણ આવવામાં અને અજમાવી જોવામાં પ્રોત્સાહિત કરવામાં અને મદદ કરવામાં પોતાને રોકી નહીં શકીએ. માર્ગ પરનું દરેક પગલું અંતિમ લક્ષ્યની નજીક લઈ જાય છે; કોઈ પ્રયત્ન વ્યર્થ જતો નથી. ધર્મ શરૂઆતમાં, મધ્યમાં, અંતમાં લાભકારક છે. અંતે, સરેરાશ બુદ્ધિનો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પૃષ્ઠભૂમિવાળો, તેનો અભ્યાસ કરી શકે છે અને લાભોનો અનુભવ કરી શકે છે. ધર્મ ખરેખર શું છે તેની આ સમજ સાથે, જો આપણે ધર્મમાં શરણ લઈએ છીએ અને તેનું પાલન કરવાનું શરૂ કરીએ છીએ, તો તો આપણી ભક્તિ સાચા અર્થમાં ભક્તિ છે.
એવી જ રીતે, સંઘમાં શરણ લેવું એ કોઈ સંપ્રદાય સાથે જોડાવાની વાત નથી. કોઈ પણ વ્યક્તિ જે શીલ, સમાધિ, અને પ્રજ્ઞા ના માર્ગ પર ચાલ્યું છે અને જે ઓછામાં ઓછું મુક્તિના પ્રથમ તબક્કે પહોંચ્યું છે, જે કોઈ સંત બની ગયું છે, તે સંઘ છે. તે કોઈપણ હોઈ શકે છે, કોઈપણ દેખાવ, કોઈપણ રંગ, કોઈપણ પૃષ્ઠભૂમિનું હોઈ શકે છે; તેનાથી કોઈ ફરક પડતો નથી. જો આપણે આવી વ્યક્તિને જોઈને પ્રેરિત થઈએ છીએ અને તે જ લક્ષ્ય સુધી પહોંચવા માટે કામ કરીએ છીએ, તો પછી આપણું સંઘમાં શરણ લેવું એ અર્થપૂર્ણ અને યોગ્ય ભક્તિ છે.
બીજો મિત્ર વીર્ય, પ્રયત્ન છે, પુરુષાર્થ છે. વિશ્વાસની જેમ, તે આંધળો ના હોવો જોઈએ. નહિંતર જોખમ છે કે આપણે ખોટી રીતે કામ કરીશું, અને અપેક્ષિત પરિણામો નહીં મળે. પુરુષાર્થની સાથે સાથે કેવી રીતે કામ કરવું તેની યોગ્ય સમજ હોવી જોઈએ; તો પછી તે આપણી પ્રગતિ માટે ખૂબ મદદરૂપ થશે.
બીજો એક મિત્ર સતિ (જાગરુકતા) છે. જાગરૂકતા ફક્ત હાલના ક્ષણની સચ્ચાઈની જ હોઈ શકે છે. આપણે ભૂતકાળ વિશે જાગરૂક નથી હોઈ શકતા, આપણે તેને ફક્ત યાદ કરી શકીએ છીએ. આપણે ભવિષ્ય પ્રત્યે જાગરૂક નથી હોઈ શકતા, આપણે ભવિષ્યની મહત્વાકાંક્ષાઓ અથવા ડરની કલ્પનાઓ કરી શકીએ છીએ. આપણે વર્તમાન ક્ષણમાં પોતાની અંદર પ્રકટ થતી વાસ્તવિકતા પ્રત્યે જાગરૂક રહેવાની ક્ષમતા વિકસિત કરવી જોઈએ.
હજી એક મિત્ર સમાધિ (શુદ્ધ મનની એકાગ્રતા) છે: સચ્ચાઈની જાગરૂકતાને ક્ષણ-ક્ષણ ટકાવી રાખવું, કોઈ પણ વિરામ વિના. તે બધી કલ્પનાઓ, બધા રાગ, બધા દ્વેષથી મુક્ત હોવી જોઈએ; તે પછી જ એ સમ્યક સમાધિ છે.
અને પાંચમો મિત્ર પ્રજ્ઞા છે - પ્રવચનો સાંભળીને, અથવા પુસ્તકો વાંચીને અથવા બૌદ્ધિક વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન નહીં; આપણે પોતાની અંદર અનુભવના સ્તર પર પ્રજ્ઞા જગાડવી જોઈએ, કારણ કે ફક્ત આ અનુભવથી જાગેલા જ્ઞાન દ્વારા આપણે મુક્તિ મેળવી શકીએ છીએ. અને સાચું જ્ઞાન હોવા માટે, તે શરીરની સંવેદનાઓ પર આધારિત હોવું જોઈએ: આપણે સંવેદના પ્રત્યે સમતામાં રહીએ છીએ, તેમના અનિત્ય સ્વભાવને સમજતા રહીને. તો આ મનના ઊંડાણ સુધી સમતામાં રહેવાનુ છે, જે આપણને રોજિંદા જીવનના તમામ ઉતાર ચઢાવમાં સંતુલિત રહેવા માટે સક્ષમ બનાવશે.
વિપશ્યનાની પૂરી પ્રેક્ટિસનો ઉદ્દેશ્ય આપણને યોગ્ય રીતે જીવવા માટે સક્ષમ બનાવવું છે, મનનું સંતુલન જાળવી, આપણી સાંસારિક જવાબદારીઓ પૂરી કરતાં, પોતાની અંદર શાંત અને સુખી રહીને, અને બીજાને શાંત અને સુખી બનાવીને. જો આપણે પાંચ મિત્રોને મજબૂત રાખીએ છીએ, તો આપણે જીવન જીવવાની કળામાં પરફેક્ટ બનીશું, અને સુખી, સ્વસ્થ, સારું જીવન જીવીશું.
પોતાના અને અન્યોના સારા અને ભલા માટે ધર્મ પથ પર પ્રગતિ કરીએ.
બધા દુખી માણસો શુદ્ધ ધર્મના સંપર્કમાં આવે, તેમના દુ:ખમાંથી બહાર આવવા અને સાચા સુખનો આનંદ માણવા.
સૌ સુખી થાઓ! સૌનું મંગળ થાઓ!