વિપશ્યના
સયાજી ઉ બા ખિનની પરંપરામાં
સાધના
આચાર્ય ગોયન્કાજી દ્વારા શીખવવામાં આવતી વિપશ્યના સાધના
દિવસ 8 પ્રવચન
બહુલીકરણનો નિયમ અને તેનાથી ઊંધું, ઉન્મૂલનનો નિયમ- સમતા સૌથી મોટું કલ્યાણ છે-- સમતા આપણને સાચા કર્મનું જીવન જીવવા સક્ષમ બનાવે છે-- સમતામાં રહીને આપણે પોતાને માટે સુખી ભવિષ્ય સુનિશ્ચિત કરીએ છીએ.
આઠ દિવસ પૂરા થયા; કામ કરવા માટે બે દિવસ બાકી રહ્યા. બાકી રહેલા દિવસોમાં, આપણે ધ્યાન રાખવું જોઈએ કે આ પદ્ધતિને સારી રીતે સમજી લઈએ છીએ, જેથી કરીને આપણે તેનો અહિંયા યોગ્ય રીતે અભ્યાસ કરીએ અને આપણા દૈનિક જીવનમાં પણ તેનો ઉપયોગ કરી શકીએ. ધર્મ શું છે તે સમજીએ: સ્વભાવ, સત્ય, સાર્વજનીન નિયમ
એક તરફ તો સતત ગુણાકારની પ્રક્રિયા છે. અને બીજી બાજુ, ઉન્મૂલનની પ્રક્રિયા છે. આ થોડા શબ્દોમાં સારી રીતે સમજાવ્યું:
જે કાંઇ સંસ્કૃત છે તે અનિત્ય જ છે,
ઉત્પન્ન થવું, નાશ પામવું એનો ધર્મ છે.
જે ઉત્પન્ન થયું છે, તેનો નાશ થવા દઈએ છીએ,
તેમનું ઉન્મૂલન સાચું સુખ લાવે છે.
દરેક સંસ્કાર, જે કંઇ મન પર જાગે છે, દરેક ચિત્તવૃત્તિ- અનિત્ય છે, બદલાયા કરે છે; ઉત્પન્ન થવું, નાશ પામવું સ્વભાવવાળું છે. તે નાશ પામે છે, પરંતુ બીજી જ ક્ષણમાં તે ફરી ઉત્પન્ન થાય છે, અને ફરી પાછું; આવી રીતે સંસ્કારોનું સંવર્ધન થાય છે. જો આપણે જ્ઞાન જગાડીએ છીએ અને તટસ્થ ભાવથી જાણકારી રાખવાનું ચાલુ કરીએ છીએ, સંવર્ધનની પ્રક્રિયા રોકાય છે અને ઉન્મૂલનની પ્રક્રિયા શરૂ થાય છે. સંસ્કાર જાગે છે, પણ સાધક સમતામાં રહે છે; તો તે સંસ્કાર તેની શક્તિ ખોઈ દે છે અને તેનું ઉન્મૂલન થઈ જાય છે. થડ પછી થડ, પડ પછી પડ, જૂના સંસ્કાર ઊખડતા જાય છે, અને તેમનું ઉન્મૂલન થતું જાય છે, જો આપણે સમતામાં રહીએ છીએ. જેટલા જેટલા સંસ્કારોનું ઉન્મૂલન થઈ ગયું, તેટલું તેટલું સુખ અનુભવીએ છીએ, દુખમાંથી છૂટકારાનું સુખ. જો જૂના બધા સંસ્કારોનું ઉન્મૂલન થઈ જાય છે, તો આપણે પૂર્ણ મુક્તિનું અસીમ સુખ અનુભવીએ છીએ.
મનની જૂની ટેવ પ્રતિક્રિયા કરવાની છે, અને પ્રતિક્રિયાઓનું સંવર્ધન કરવાની છે. કંઇક અણગમતું બન્યું, અને આપણે દ્વેષના સંસ્કારની પ્રતિક્રિયા કરીએ છીએ. જેવું મન પર સંસ્કાર જાગે છે, તેની સાથે સાથે શરીર પર અપ્રિય સંવેદના થાય છે. બીજી જ ક્ષણમાં, પ્રતિક્રિયાની જૂની ટેવના કારણે, આપણે ફરી દ્વેષ કરીએ છીએ, જે ખરેખર તો શરીરની અપ્રિય સંવેદના પ્રત્યે હોય છે. ગુસ્સાનું બાહ્ય કારણ તો ગૌણ છે; ખરેખર તો પ્રતિક્રિયા પોતાની અંદર થતી સંવેદના પ્રત્યે છે. અપ્રિય સંવેદના આપણી પાસે દ્વેષની પ્રતિક્રિયા કરાવે છે, જે બીજી અપ્રિય સંવેદના ઉત્પન્ન કરે છે, જે ફરી પાછું આપણી પાસે દ્વેષની પ્રતિક્રિયા કરાવે છે. આવી રીતે, સંવર્ધનની પ્રક્રિયા ચાલુ થાય છે. જો આપણે સંવેદના પ્રત્યે પ્રતિક્રિયા નથી કરતા, પરંતુ એના બદલે આપણે પ્રસન્ન રહીએ છીએ, અને સંવેદનાના અનિત્ય સ્વભાવને સમજીએ છીએ, તો પછી આપણે નવા સંસ્કાર નથી બનાવતા, જે સંસ્કાર ઉત્પન્ન થયો છે તે વધ્યા વિના જતો રહે છે. બીજી જ ક્ષણમાં, તેવા જ પ્રકારનો બીજો સંસ્કાર મનના ઊંડાણમાંથી ઉભરાઇ આવશે; આપણે સમતામાં રહીએ છીએ, અને તે જતો રહે છે. બીજી ક્ષણમાં બીજો ઉત્પન્ન થાય છે, આપણે સમતામાં રહીએ છીએ, અને તે જતો રહે છે. ઉન્મૂલનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ.
જે પ્રક્રિયાઓ આપણી અંદર જોઈએ છીએ, તે જ આખા વિશ્વમાં બહાર પણ ચાલે છે. ઉદાહરણ તરીકે, આપણે વડ વૃક્ષનું બીજ વાવીએ છીએ. નાના બી માંથી એક વિશાળ વૃક્ષ તૈયાર થઈ જાય છે, જે વર્ષ પછી વર્ષ અનેક ઘણા ફળ આપે છે, જ્યાં સુધી તે જીવે છે. અને વૃક્ષના મરી ગયા પછી પણ, એ પ્રક્રિયા ચાલુ રહે છે, કારણ કે વૃક્ષના આપેલ દરેક ફળમાં એક અથવા એકથી વધારે બી છે, જેમની ગુણવત્તા તેવી જ છે જેવી અસલ બી માં હતી જેનાથી વૃક્ષ બન્યું હતું. જ્યારે પણ, આમાંથી કોઇ બી ફળદ્રુપ જમીન પર પડે છે તે ઊગી નીકળે છે અને બીજું એક વૃક્ષ બની જાય છે, જે ફરી પાછું હજારો ફળ આપે છે, અને બધા ફળમાં બી છે. ફળ અને બી, બી અને ફળ; સંવર્ધનની અંતહીન પ્રક્રિયા. આવી જ રીતે, આપણે અજ્ઞાનતાવશ સંસ્કારનું બી વાવીએ છીએ, જે વહેલા મોડા ફળ આપે છે, તે પણ સંસ્કાર છે, અને તેનામાં પણ એવાજ પ્રકારનું બી છે. જો આપણે તે બી ને ફળદ્રુપ જમીન આપીએ છીએ, તે નવા સંસ્કારમાં વિકસિત થાય છે, અને આપણા દુખોનું સંવર્ધન થાય છે. પરંતુ, જો આપણે તે બી ને ચટ્ટાન પર ફેંકી દઈએ છીએ, તે વિકસિત નથી થઈ શકતું; તેમાંથી નવું કંઇ નહીં બને. સંવર્ધનની પ્રક્રિયા રોકાઈ જાય છે, અને આપમેળે ઊંધી પ્રક્રિયા ચાલુ થઈ જાય છે, ઉન્મૂલનની પ્રક્રિયા.
સમજીએ કે આ પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે. એ વાત સમજાવી હતી કે જીવન ધારા, એટલે કે, મન અને શરીરની ધારાને ચાલુ રાખવા માટે કોઈ ખોરાકની જરૂર હોય છે. શરીર માટે તે ખોરાક આપણે જે ભોજન ખાઈએ છીએ તે છે, અને સાથે સાથે વાતાવરણ જેમાં આપણે રહીએ છીએ. જો આપણે એક દિવસ ભોજન નથી કરતા, શરીરની ધારા એકદમથી બંધ નથી થઈ જતી. શરીરની અંદર જમા કરેલ ઉર્જાના જથ્થામાંથી વાપરી ચાલુ રહે છે. જ્યારે સંઘરેલી બધી જ ઉર્જા વપરાઇ જાય છે, ત્યાર પછી જ ધારા બંધ થાય છે, શરીર મરી જાય છે. શરીરને દિવસમાં બે કે ત્રણ વખત જ ભોજનની જરૂર હોય છે, પણ મનની ધારાને દરેક ક્ષણમાં ખોરાકની જરૂર હોય છે. મનનો ખોરાક સંસ્કાર છે. દરેક ક્ષણમાં જે સંસ્કાર આપણે જગાડીએ છીએ તે મનની ધારાને ટકાવી રાખવા જવાબદાર છે. આગળના ક્ષણમાં જે મન જાગે છે તે આ સંસ્કારની પેદાશ છે. દરેક ક્ષણમાં આપણે સંસ્કારનો નવો ખોરાક આપીએ છીએ, અને મનની ધારા ચાલુ રહે છે. જો કોઈ ક્ષણમાં આપણે નવો સંસ્કાર નથી જગાડતા, ધારા એકદમથી બંધ નથી થતી; પરંતુ એ જૂના સંસ્કારમાંથી ખોરાક લે છે. જૂના સંસ્કાર પર એનું ફળ આપવા દબાણ થશે જ, એટલે કે, ધારાને ચલાવવા મનની સપાટી પર આવશે; અને તે શરીરની સંવેદના તરીકે પ્રગટ થશે. જો આપણે સંવેદના પ્રત્યે પ્રતિક્રિયા કરીએ છીએ, તો ફરી પાછા આપણે નવા સંસ્કાર બનાવવાનું શરૂ કરીએ છીએ, દુખના નવા બી વાવીને. પણ જો આપણે સંસ્કારને તટસ્થ ભાવથી જાણતા રહીએ છીએ, સંસ્કાર એની શક્તિ ખોઈ દે છે અને તેનું ઉન્મૂલન થઈ જાય છે. બીજી જ ક્ષણે અન્ય કોઈ જૂના સંસ્કારે ઉપર આવવું પડશે, મનની ધારાને ચલાવવા. ફરી પાછું આપણે પ્રતિક્રિયા નથી કરતા, અને ફરી તેનું ઉન્મૂલન થઈ જાય છે. જ્યાં સુધી આપણે જાગરૂક અને સમતામાં રહીએ છીએ, પડ પછી પડ જૂના સંસ્કાર સપાટી ઉપર આવતા રહેશે અને ઉન્મૂલન થતું જશે; આ પ્રકૃતિનો નિયમ છે.
આપણે જાતે જ પ્રક્રિયાનો અનુભવ કરવો પડે છે, વિદ્યાની પ્રેક્ટિસ કરીને. જ્યારે આપણે જોઈએ છીએ કે આપણી જૂની ટેવોનું, આપણા દુખોનું ઉન્મૂલન થઈ રહ્યું છે, ત્યારે આપણને સમજાય છે કે ઉન્મૂલનની પ્રક્રિયા કામ કરે છે.
આધુનિક ધાતુવિજ્ઞાનમાં આના સમરૂપ તકનિક જોવા મળે છે. અમુક ધાતુઓની બધીજ અશુદ્ધિઓ દૂર કરવા, તેમનું અતિ શુદ્ધિકરણ કરવા, કરોડો કણોમાંથી એક પણ અશુદ્ધિનો કણ દૂર કરવો જરૂરી હોય છે. આમ કરવા માટે ધાતુને એક ગોળ સળીયાનું રૂપ આપવામાં આવે છે, અને ત્યાર બાદ એજ ધાતુની જોઈતી શુદ્ધિના સમકક્ષ રિંગ બનાવી એ સળીયાની ફરતે ઉપરથી નીચે ફેરવવામાં આવે છે. લોહચુંબકીય પ્રક્રિયા દ્વારા સળીયાની કોઈ પણ અશુદ્ધિ છેડાઓ પર ધકેલાઈ જાય છે. અને સાથે સાથે ધાતુની અંદરના બધા પરમાણુઓ હારબંધ ગોઠવાઈ જાય છે; એ સળીયો ટીપી શકવા, ઘડી શકવા, નરમ થઈ જાય છે. આવી જ રીતે, વિપશ્યના વિદ્યાને પણ શુદ્ધ જાગરૂકતાની રિંગને શારીરિક માળખા પર પસાર કરવું સમજી શકાય, જે અશુદ્ધિઓને એવી જ રીતે બહાર ધકેલી દે છે.
સજગતા અને સમતા મનની નિર્મળતા તરફ લઈ જશે. માર્ગ પર જે કંઈ અનુભવ થાય, સુખદ કે દુખદ, તે અગત્યનું નથી. અગત્યનો મુદ્દો રાગ અથવા દ્વેષ ની પ્રતિક્રિયા ન કરવી છે, કારણ કે બન્ને દુખ સિવાય બીજું કંઈ ઉત્પન્ન નહીં કરે. સાધનામાં પ્રગતિનું એકમાત્ર માપદંડ આપણે કેળવેલ સમતા છે. અશુદ્ધિને અંતરમનના ઊંડાણથી નિર્મૂળ કરવા સમતા સંવેદનાના સ્તર પર હોવી જોઈએ. જો આપણે સંવેદના પ્રત્યે સજગ થઈ તેના પ્રત્યે સમતમાં રહેતાં શીખી જઈએ છીએ,તો બાહ્ય પરીસ્થિતિઓમાં પણ સંતુલન રાખવાનું સહેલું થઇ જાય છે.
એક વખત બુદ્ધને પુછવામાં આવ્યું કે સાચું કલ્યાણ શેમાં છે. તેમણે જવાબ આપ્યો કે જીવનની વિષમતમાં, ઉતાર ચઢાવમાં પણ પોતાના મનને સમતમાં રાખવાની આવડત મોટામાં મોટું કલ્યાણ છે. આપણે સુખદ અથવા દુખદ પરિસ્થિતિ, હાર અથવા જીત, હાનિ અથવા લાભ,જશ અથવા અપયશનો સામનો કરવો પડે છે; સૌ કોઈ આવી બધી પરિસ્થિતિઓથી અથડાશે જ. પણ શું આપણે દરેક પરિસ્થિતિમાં સ્મિત કરી શકીએ છીએ, હ્રદયમાંથી ખરું સ્મિત? જો આપણા અંતરમનના ઊંડાણમાં આવી સમતા હોય, તો આપણે સાચા અર્થમાં સુખી છીએ.
જો સમતા ફક્ત ઉપરછલ્લી હશે તો દૈનિક જીવનમાં લાભ નહીં થાય. આ એના જેવું છે કે આપણે પોતાની અંદર પેટ્રોલ અથવા કેરોસીનની ટાંકી રાખી છે. જો એક તણખો, ભૂતકાળ ની પ્રતિક્રિયાનું એક ફળ, આવે તાત્કાલિક ભયંકર વિસ્ફોટ પરિણમે છે, અને લાખો વધુ તણખા ઉત્પન્ન થાય છે, વધુ સંસ્કારો, જે વધુ આગ લાવશે, ભવિષ્યમાં વધુ દુખ ઉત્પન્ન કરશે. વિપશ્યના સાધનાના અભ્યાસ દ્વારા, ધીમે ધીમે આ ટાંકી ખાલી કરીએ છીએ. ભૂતકાળના સંસ્કારોના લીધે તણખા તો આવશે જ, પણ જ્યારે આવશે, ત્યારે તેની સાથે જેટલું બળતણ લાવશે તેટલું જ બાળશે, નવું બળતણ અપાતું નથી. સાથે આવેલું બળતણ બળી જાય તેટલું જ ફક્ત થોડી વાર બળશે, અને ત્યારબાદ તે ઓલવાઈ જશે. સાધનામાં જેમ જેમ પાકતા જઈએ તેમ તેમ, મૈત્રી અને કરુણાના શીતળ જળ ઉત્પન્ન થશે, અને ટાંકી તેનાથી ભરાઈ જશે. હવે જેવો તણખો આવશે તેવોજ ઓલવાઈ જશે. તેની સાથે જેટલું થોડું ઘણું બળતણ છે તે પણ બાળી નથી શકતું.
આપણે આ વાત બૌધિક સ્તર પર સમજી હોય,અને જાણતા હોઈએ કે કદાચ આગ લાગે તો તેના માટે આપણે પાણીનો પંપ તૈયાર રાખવો જોઈએ. પણ ખરેખર જ્યારે આગ લાગે છે, આપણે પેટ્રોલ પમ્પ ખોલીએ છીએ અને ભડકો શરૂ કરીએ છીએ. પછીથી આપણને ભૂલનો એહસાસ થાય છે, છતાંય ફરી એનું પુનરાવર્તન થાય છે જ્યારે આગ આવે છે, કારણ કે આપણું જ્ઞાન ઉપરછલ્લું જ હોય છે. જો આપણામાં અંતરમનના ઊંડાણ સુધી સાચું જ્ઞાન હોય તો, જ્યારે આગ સામે આવે ત્યારે આપણે પેટ્રોલ નહીં ફેંકીએ, એ સમજીને કે આ હાનિ જ કરશે. એના બદલામાં, પોતાની અને બીજાઓની મદદ કરતાં, આપણે મૈત્રી અને કરુણાનું શીતળ પાણી જ ફેંકીએ છીએ.
જ્ઞાન, સંવેદનાના સ્તરે હોવું જોઈએ. જો આપણે કોઈ પણ પરિસ્થિતિમાં સંવેદનાની જાણકારી રાખવાનું અને તેમના પ્રત્યે સમતા રાખવાનું પોતાને શીખવાડીએ છીએ, તો કંઇ પણ આપણને હરાવી નહીં શકે. કદાચ, થોડી ક્ષણો માટે જ, આપણે પ્રતિક્રિયા કર્યા વિના જાણકારી રાખીએ છીએ. તો પછી, આ સંતુલિત મનથી આપણે શું પગલું લેવું તે નક્કી કરીએ છીએ. એ સાચું, સકારાત્મક, બીજાઓને મદદરૂપ, પગલું હશે કારણ કે એ સંતુલિત મનથી લેવાયેલું છે.
ઘણી વાર જીવનમાં કઠોર પગલાં લેવાં જરૂરી હોય છે. આપણે કોઈને વિનમ્રતાથી, મૃદુ ભાષામાં, હસતા મોંઢે, કોઈ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો હોય, પણ તે વ્યક્તિ કઠોર શબ્દો, કઠોર વર્તન જ સમજી શકતો હોય; એટલા માટે આપણે વાણીનું, શરીરનું કઠોર વર્તન કરવું પડે. પણ આવું કરતાં પહેલાં, આપણે પોતાને ચકાસી લેવું જોઈએ કે મન સંતુલિત છે, અને તે વ્યક્તિ માટે આપણા મનમાં મૈત્રી અને કરુણા છે. જો એવું હોય તો, આપણું વર્તન મદદરૂપ થશે; એવું નથી, તો એ કોઈને મદદ નહીં કરે. આપણે કઠોર વર્તન ભૂલ કરનાર વ્યક્તિની મદદ કરવા લઈએ છીએ. મૈત્રી અને કરુણાના આધાર સાથે આપણે ખોટા રસ્તે નહીં જઈ શકીએ.
કોઈ લડાઈના કિસ્સામાં, વિપશ્યી સાધક આક્રમણ કરનાર અને જેના પર આક્રમણ થઈ રહ્યું છે તેમને છૂટા પાડવા પ્રયત્ન કરશે, જેના પર આક્રમણ થઈ રહ્યું છે ફક્ત તેના પર દયા કરીને નહીં પણ જે આક્રમણ કરી રહ્યું છે તેના પર પણ દયા કરી. આપણને એ સમજ આવે છે કે આક્રમણ કરનારને ખબર નથી કે કેવી રીતે તે પોતાની હાનિ કરી રહ્યો છે. આ સમજીને, આપણે તે વ્યક્તિને, ભવિષ્યમાં દુખ લાવનાર કર્મો કરવાથી રોકીને, તેની મદદ કરવા પ્રયત્ન કરીએ છીએ.
તેમ છતાંય, ઘટના બની ગયા પછી, આપણે ખાલી આપણા કર્મોનું ન્યાયીકરણ ના કરીએ તેનું ધ્યાન રાખવું જોઈએ. વર્તન કરતાં પહેલાં આપણે મનને તપાસી લેવું જોઈએ. જો મન વિકારોથી ભરેલું છે, તો આપણે કોઇની મદદ નથી કરી શકતા. સૌ પ્રથમ, બીજાઓની ખામીઓ સુધારતા પહેલા આપણે પોતાની ખામીઓ સુધારવી જોઈએ. પહેલાં પોતાનું નિરીક્ષણ કરી, આપણે પોતાના મનનું શુદ્ધિકરણ કરવું જોઈએ. ત્યાર બાદ, આપણે બીજાઓની મદદ કરી શકીશું.
બુદ્ધે કહ્યું કે દુનિયામાં ચાર પ્રકારના વ્યક્તિઓ છે: એવા લોકો જે અંધકારથી અંધકાર તરફ જઈ રહ્યા છે, એવા લોકો જે પ્રકાશથી અંધકાર તરફ જઈ રહ્યા છે, એવા લોકો જે અંધકારથી પ્રકાશ તરફ જઈ રહ્યા છે, અને એવા લોકો જે પ્રકાશથી અંધકાર તરફ જઈ રહ્યા છે.
પહેલા વર્ગના વ્યક્તિ માટે, તેની ચારે બાજુ દુખ જ છે, અંધકાર છે, પણ તેનું સૌથી મોટું દુર્ભાગ્ય એ છે કે તેની પાસે જ્ઞાન પણ નથી. દરેક વખતે જ્યારે તેની સામે કોઈ દુખ આવે છે, એ વધારે ગુસ્સો, વધારે ઘૃણા, વધારે દ્વેષ કરે છે, અને બીજાઓને તેના દુખ માટે જવાબદાર માને છે. તે બધા ગુસ્સાના, ઘૃણાના સંસ્કારો ભવિષ્યમાં વધારે અંધકાર, વધારે દુખ જ લાવશે.
બીજા વર્ગમાંના વ્યક્તિ પાસે જેને દુનિયામાં પ્રકાશ કહેવાય તે છે: પૈસા, માન, સત્તા, પરંતુ તેની પાસે પણ જ્ઞાન નથી. અજ્ઞાનતાવશ, તે અહં જગાડે છે, એ સમજ્યા વિના કે અહંનો તણાવ તેના માટે ભવિષ્યમાં અંધકાર જ લાવશે.
ત્રીજા વર્ગમાંની વ્યક્તિની એવી જ સ્થિતિ છે જેવી પહેલા વર્ગવાળી વ્યક્તિની છે, અંધકારથી ઘેરાયેલો; પણ તેની પાસે જ્ઞાન છે, અને પરિસ્થિતિને સમજે છે. આખરે તો તે પોતેજ પોતાના દુખ માટે જવાબદાર છે એવું જાણીને, તે શાંતિથી અને સ્થિરતાથી પરિસ્થિતિ બદલવા જે કરી શકે તે કરે છે, પરંતુ બીજાઓ પ્રત્યે કોઈ ગુસ્સો અથવા ઘૃણા વિના; તેના બદલે જે લોકો તેની હાનિ કરે છે તેમના માટે કરુણા અને મૈત્રી જ છે. ભવિષ્ય માટે જે બધું રચે છે તે પ્રકાશ છે.
છેલ્લે, ચોથા વર્ગમાંની વ્યક્તિ, એવી જ જેવી બીજા વર્ગવાળી, પૈસા, માન, અને સત્તા માણે છે, પરંતુ બીજા વર્ગવાળી વ્યક્તિથી વિપરીત, તે જ્ઞાનથી ભરેલો છે. પોતાના અને તેના પર આશ્રિત લોકોના ભરણ પોષણ માટે એની પાસે જે છે તેનો ઉપયોગ કરે છે, પરંતુ જે કાંઇ બચે છે તેનો ઉપયોગ મૈત્રી અને કરુણા સભર બીજાઓના સારા માટે કરે છે. પ્રકાશ અત્યારે અને ભવિષ્ય માટે પણ.
આપણે અત્યાર માટે અંધકાર અથવા પ્રકાશની પસંદગી નથી કરી શકતા; તે આપણા જૂના સંસ્કારો દ્વારા નિશ્ચિત થાય છે. ભૂતકાળ બદલી શકાતું નથી, પણ આપણે પોતાના માલિક થઈને વર્તમાન પર કાબૂ કરી શકીએ છીએ. ભવિષ્ય તો ફક્ત ભૂતકાળ વત્તા વર્તમાનમાં જોડીએ છીએ તે છે. વિપશ્યના, સંવેદનાઓ પ્રત્યે જાગરુકતા અને સમતા વિકસાવીને, પોતાના માલિક કેવી રીતે બનવું તે શીખવાડે છે. જો આપણે વર્તમાન ક્ષણમાં મનના માલિક બનીએ છીએ, ભવિષ્ય એનીમેળે ઉજ્જવળ થશે.
બચેલા બે દિવસોનો ખૂબ ઉપયોગ કરીએ એ શીખવા માટે કે વર્તમાન ક્ષણના માલિક, પોતાના માલિક કેવી રીતે બનવું. ધર્મમાં પ્રગતિ કરતા રહીએ, બધા જ દુખોમાંથી બહાર આવવા, અને સાચા સુખનો અનુભવ કરવા, અહીં અને અત્યારે.
સૌ સુખી થાઓ! સૌનું મંગળ થાઓ!