આચાર્યોની શૃંખલા

સયા થેટ જી

1873-1945

સયાજી ઉ બા ખિનના આચાર્ય વિશે નીચેનું વિવરણ આંશિક રીતે મ્યંમારના ધર્માચાર્ય ઉ હતે હલેંગ (U Htay Hlaing) ના "સયા થેજી" (Saya Thetgyi) ચોપડીના અનુવાદ પર આધારિત છે.

સયા થેટ જી નો જન્મ પ્યાવબ્વેગી (Pyawbwegyi) ખેતીના ગામમાં, રંગૂનથી દક્ષિણમાં આઠ માઈલ દૂર, રંગૂન નદીની સામેની બાજુ 27 જૂન 1873ના રોજ થયો હતો. તેમને માઉંગ પો થેટ (Maung Po Thet)નું નામ આપવામાં આવ્યું. પો થેટ 10 વર્ષના હતા જ્યારે તેમના પિતા ગુજરી ગયા, તેમની માતાને ચાર બાળકોની એકલા સંભાળ રાખવા છોડી ગયા: તેઓ, તેમના બે ભાઈ અને એક બહેન.

તેણી ગામમાં શાકના ભજીયા વેચીને કુટુંબની સહાયતા કરતી હતી. બચેલાં શાકના ભજીયા વેચવા નાના છોકરાને ગામમાં મોકલવામાં આવતો, પણ તે ઘણી વાર કઈં વેચ્યા વિના ઘરે પાછો આવતો કારણ કે તે એટલો શરમાળ હતો કે બૂમો પાડી પાડી તેની વસ્તુઓ વેચી ના શકતો, તેથી તેની માતા બે બાળકોને મોકલતી: પો થેટ ભજીયાની થાળી તેના માથા પર ઉપાડી જવા અને તેની નાની બેન બૂમો પાડવા.

કેમ કે પરિવારનું ગુજરાન ચલાવવામાં તેમની જરૂર હતી, એમનું ઔપચારિક શિક્ષણ સાવ ઓછું રહ્યું – ફક્ત છ વર્ષ જેટલું. એમના માતા-પિતા પાસે કોઇ જમીન કે ચોખાના ખેતર ના હતાં; એટલે તે બીજાઓના ખેતરો માં કાપણી થઇ જાય, એ પછી બચેલા ચોખાના છોડ ભેગા કરતા. એક દિવસ ખેતરોમાં થી પાછા ફરતાં પો થેટે એક સુકાઈ રહેલા તળાવમાં થોડી માછલીઓ જોઇ. તેઓ એમને પકડીને ઘરે લઈ આવ્યા, જેથી ગામના તળાવ માં એમને છોડી શકે. એમની માતાએ માછલીઓ જોઇ અને એના પુત્રને એ પકડવા માટે વઢવાની હતી , પણ જ્યારે એમણે પોતાનો આશય જણાવ્યો તો તેણીએ "સાધુ, સાધુ! (સારું કહયું, સારું કર્યું) નો ઉદ્ગાર કાઢ્યો." તેણી ભલા હ્રદય ની સ્ત્રી હતી, જે કદીય કકળાટ ના કરતી કે વઢતી ય નહીં, પણ ક્યારેય કોઇ અકુશળ (દુરાચારી) કર્મ સાંખી ના લેતી.

જ્યારે તેઓ 14 વર્ષના હતા, માઉંગ પો થેટે બળદ ગાડીવાન તરીકે, તેમની દૈનિક કમાણી તેમની માતાને આપતાં, ચોખા લઈ જવાનું કામ ચાલુ કરી દીધું. ત્યારે તેઓ એટલા નાના હતા કે ગાડીમાં બેસવા ઉતારવા માટે તેમણે ડબ્બો લઈ જવો પડતો.

પો થેટનું ત્યાર પછીનું કામ સંપન (નાની બોટ) માં નાવિક તરીકે હતું. પ્યાવબ્વેગી ગામ સપાટ ખેતીના મેદાન પર છે, જે રંગૂન નદીમાં જોડાતી ઘણી ઉપનદીઓથી સિંચાએલ છે. જ્યારે ચોખાના ખેતર પાણીથી ભરાઈ જાય છે, પરિવહન એક સમસ્યા બની જાય છે, અને મુસાફરી માટેનું એક સામાન્ય સાધન આ લાંબી સપાટ તળીયાવાળી નાવડી છે.

સ્થાનીય ચોખાની મિલના એક માલિકે જોયું કે એક નાનો છોકરો ઘણી નિષ્ઠાથી ચોખાની ગુણો ઉપાડી કામ કરી રહ્યો છે, અને નક્કી કર્યું કે મહિનાના છ રૂપિયાના વેતન પર એને ગણત્રીકાર તરીકે કામ પર રાખશે. પો થેટ મિલમાં પોતાનામાં જ રહેતા અને દળેલા વટાણાના ભજીયા અને ભાતનું સાદું ભોજન કરતાં.

પહેલ વહેલાં તેઓ ભારતીય ચોકીદાર અને અન્ય મજૂરો પાસેથી ચોખા ખરીદતા. તે લોકોએ એમને કહ્યું કે સાફ કરેલા ચોખાના ઠૂંઠા જે ડુક્કર અને મરઘાંના ખોરાક માટે રાખેલા છે તે લઈ જઈ શકે છે. પો થેટે ના પાડી, એમ કહેતાં કે ચોખાની મિલના માલિકની જાણકારી વિના તેઓ ચોખા નથી લેવા માંગતા. માલિકને આની ખબર પડી ગઈ, પણ, એણે તેની રજા આપી. એવું થયું કે માઉંગ પો થેટે લાંબા સમય સુધી ચોખાનો કચરો ના ખાવો પડ્યો. જલ્દી જ સંપન (નાની બોટ)ના અને ગાડીઓના માલિકોએ તેમને ચોખા આપવાનું શરૂ કરી દીધું કારણકે તેઓ એટલા મદદગાર અને ઉત્સાહી કામદાર હતા. તો પણ, પો થેટ ચોખાના ઠૂંઠા ભેગા કરતા રહ્યા, ગામના ગરીબો જે ચોખા ના ખરીદી શકતા તેમને આપતા.

એક વર્ષ પછી તેમનો પગાર 10 રૂપિયા પર વધારી દીધો હતો, અને બે વર્ષ પછી, 15 રૂપિયા. મિલના માલિકે તેમને સારી ગુણવત્તાવાળા ચોખા ખરીદવા પૈસા આપ્યા અને દર મહિને 100 ટોપલી ચોખા મફત સાફ કરવાની રજા આપી. તેમનો મહિને પગાર 25 રૂપિયા સુધી વધી ગયો, જેનાથી તેમનું અને તેમની માતાનું ગુજરાન પૂરતી રીતે થવા લાગ્યું.

માઉંગ પો થેટ (Maung Po Thet) ના લગ્ન, પરંપરા અનુસાર, મા હમ્યીન (Ma Hmyin) સાથે થયા, જ્યારે તેઓ લગભગ 16 વર્ષના હતા. તેમના પત્ની, એક સંપન્ન જમીનમાલિક અને ચોખાના વેપારી ની ત્રણ પુત્રીઓમાં સૌથી નાના હતા. આ દંપતીને બે બાળકો, એક પુત્રી અને એક પુત્ર, હતા. બર્મા ના રીતિ રિવાજ મુજબ તેઓ સંયુક્ત પરિવારમાં મા હમ્યીન (Ma Hmyin)ના માતા-પિતા અને બહેનો સાથે રહેતા હતા. મા યીન (Ma Yin), નાની બહેને લગ્ન ના કર્યા અને સફળતાપૂર્વક નાનો ધંધો સંભાળ્યો. પછીથી તેણી ઉ પો થેટને ધ્યાનના અભ્યાસમાં અને શીખવવામાં મદદ કરવામાં પ્રભાવશાળી રહી.

બાળપણમાં, ઉ થેટને શીખાઉ ભિક્ષુ બનવાની તક નહોતી મળી, જે બર્મામાં એક મહત્ત્વપૂર્ણ અને સામાન્ય રિવાજ છે. એ તો જ્યારે તેમનો ભત્રીજો માઉંગ ન્યૂન્ત (Maung Nyunt) 12 વર્ષની ઉમ્મરમાં શીખાઉ ભિક્ષુ બન્યો કે ઉ થેટ પણ શીખાઉ ભિક્ષુ બન્યા. પછીથી, થોડા સમય માટે, તેઓ પણ ભિક્ષુ બન્યા.

જ્યારે તેઓ 23 વર્ષના હતા, તેમણે આનાપાન ધ્યાન એક ગૃહસ્થ આચાર્ય સયા ન્યુન્ત પાસે શીખ્યું અને સાત વર્ષ સુધી તેનો અભ્યાસ કરતા રહ્યા.

ઉ થેટ અને તેમના પત્નીના ઘણા મિત્રો અને સગાં સંબંધી ગામમાં નજીકમાં રહેતા હતા. અનેક કાકા-કાકી, ભત્રીજા-ભત્રીજીઓ, અને સાસરી પક્ષવાળાઓ સાથે હોવાથી, પરિવાર અને મિત્રોની હુંફ અને સૌહાર્દમાં તેઓ સંતુષ્ટિનું એક રૂચિકર જીવન જીવતા હતા.

1903માં જ્યારે ગામમાં કોલેરા મહામારી ફેલાઈ, આ સર્વસામાન્ય શાંતિ અને સુખ ભાંગી પડ્યા. ગામમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા, અમુક થોડા દિવસમાં જ. તેમાં ઉ થેટ નો પુત્ર અને યુવા પુત્રી જે, એવું કહેવાય છે, તેમના હાથ માં જ ગુજરી ગઇ, તેમનો પણ સમાવેશ હતો. તેમના સાઢુ ભાઈ, કો કાયે, અને તેમના પત્ની મહામારીથી ગુજરી ગયા સાથે સાથે ઉ થેટની ભત્રીજી પણ, જે તેમની પુત્રીની રમત-ગમત ની સાથી હતી.

આ આફતે ઉ થેટને ખૂબ ઊંડાણથી દુખી કર્યા, અને તેઓ ક્યાંય આશ્રય ના શોધી શક્યા. આ દુખમાં થી બહાર નિકળવાનો માર્ગ તીવ્રતાથી ઇચ્છતાં, તેમની પત્ની અને સાળી મા યિન, અને ગામના બીજા સગાં-વ્હાલા પાસે તેમણે "અમરત્વ" ની શોધમાં ગામ છોડી જવાની રજા માંગી.

તેમના આ ભટકવામાં ઉ થેટ, એક શ્રદ્ધાળુ સાથી અને અનુયાયી ઉ ન્યો (U Nyo) ની સંગતિ સાથે, પર્વતોના આશ્રમોમાં અને જંગલના વિહારોમાં જુદા જુદા આચાર્યો, બંને ભિક્ષુઓ અને ગૃહસ્થો, પાસે ભણવાનું ચાલુ રાખી, આખું બર્મા ઉત્સાહી શોધમાં ફર્યા. છેવટે, તેઓ તેમના પહેલા આચાર્ય સયા ન્યુન્તની ઉત્તરમાં પૂજનીય લેડી સયાડો પાસે મોણ્યવા (Monywa) વિહારમાં અભ્યાસ કરવા જવાની સલાહ અનુસર્યા.

આધ્યાત્મિક શોધના આ વર્ષો દરમ્યાન, ઉ થેટના પત્ની અને સાળી પ્યાવબ્વેગી (Pyawbwegyi)માં રહ્યા અને ચોખાના ખેતરોનું સંચાલન કરતા રહ્યા. શરૂઆતના થોડા વર્ષોમાં, એ જોવા કે બધુ બરાબર છે, તેઓ ક્યારેક ક્યારેક પાછા આવતા રહ્યા. એ જોઈને કે પરિવાર પ્રગતિ કરી રહ્યો છે, તેમણે વધારે નિરંતરતાથી ધ્યાન શરૂ કરી દીધું. બધું થઈને તેઓ લેડી સયાડો પાસે સાત વર્ષ રહ્યા, જે સમય દરમ્યાન તેમના પત્ની અને સાળીએ દર વર્ષના કુટુંબના ખેતરોના પાકમાં થી પૈસા મોકલી તેમની મદદ કરી.

ઉ ન્યો સાથે આખિરકાર તેઓ તેમના ગામ પાછા ફર્યા, પણ તેમના પહેલાંના ગૃહસ્થ જીવનમાં પાછા ના ગયા. લેડી સયાડોએ તેમના પ્રસ્થાન સમયે તેમને નિષ્ઠાથી કામ કરી સમાધિ (એકાગ્રતા) અને પ્રજ્ઞા (શુદ્ધ જ્ઞાન)નો વિકાસ કરવા માટે સલાહ આપી હતી જેથી છેવટે તેઓ ધ્યાન શીખવાડવાનું ચાલુ કરી શકે.

તે પ્રમાણે, ઉ થેટ અને ઉ ન્યો પ્યાવબ્વેગી (Pyawbwegyi) પહોંચ્યા, અને સીધા કુટુંબના ખેતરના ખૂણામાં સ્થિત સાલ (આરામ-ગૃહ) પર ગયા, જેને ધમ્મ હૉલ તરીકે ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું. ત્યાં તેઓ નિયમિતતા થી ધ્યાન કરવા લાગ્યા. જ્યાં તેમણે તેઓનો એકાંતવાસ ચાલુ રાખ્યો, રોજ બે વાર ભોજન બનાવવા માટે નજીકમાં રહેતી એક મહિલાની તેમણે વ્યવસ્થા કરી લીધી.

ઉ થેટ તેમના ધ્યાનમાં ઝડપી પ્રગતિ કરતાં, એક વર્ષ માટે આવી રીતે પુરુષાર્થ કરતા રહ્યા. આ સમયગાળા પછી તેમને તેમના આચાર્યની સલાહની આવશ્યકતા મહસૂસ થઈ, અને જો કે તેઓ લેડી સયાડો સાથે રૂબરૂ વાત ના કરી શક્યા, તેમને ખબર હતી કે તેમના આચાર્યની ચોપડીઓ એક કબાટમાં તેમના ઘરમાં છે. તેથી તેઓ ગ્રંથોમાંથી જાણકારી લેવા ત્યાં ગયા.

તેમના પત્ની અને તેણીના બહેન, આ સમયગાળામાં, આટલા લાંબા ગાળાની ગેરહાજરી પછી પણ ઘરે પાછા ના ફરવા બદલ તેમનાથી ઘણા ગુસ્સે થઈ ગયા હતા. તેમના પત્નીએ તો તેમને છૂટાછેડા આપવાનું પણ નક્કી કર્યું હતું. બહેનોએ જ્યારે ઉ પો થેટને આવતાં જોયા તો તેમણે નક્કી કર્યું કે ના તો તેમનો આદર-સત્કાર કરવો કે ના તો તેમને આવકારવા. પણ જેવા તેઓ દરવાજા પર પહોંચ્યા, તેમણે જોયું કે તેઓ ખૂબ ઉષ્માથી તેમને આવકારવા લાગી ગયા હતા. તે લોકોએ થોડી વાર વાતો કરી અને પછી ઉ થેટે તેમની માફી માંગી, જે તેઓએ તત્પરતાથી આપી દીધી.

તેઓએ તેમને ચા અને ભોજન આપ્યાં અને તે તેમની ચોપડીઓ લઈ આવ્યા. એમણે તેમની પત્નીને સમજાવ્યું કે તેઓ હવે અષ્ટ શીલ પર જીવન જીવતા હતા અને સામાન્ય ગૃહસ્થ જીવનમાં પાછા નહીં ફરી શકે; હવેથી તેઓ ભાઈ બહેનની જેમ રહેશે.

તેમના પત્ની અને સાળીએ તેમને રોજ સવારના ભોજન માટે ઘરે આવવા નિમંત્રણ આપ્યું અને તેમને મદદ કરવાનું ચાલુ રાખવા ખુશીથી રાજી થયા. તેઓ ખૂબ આભારી હતા તેમની ઉદારતા માટે અને તેઓને કહું કે તેઓ તેમનું ઋણ ચૂકવી શકે તેનો ફક્ત એક જ રસ્તો હતો તેઓને ધર્મ શીખવાડી.

બીજાં સગાં, તેમની પત્નીના કઝિન ઉ બા સો (U Ba Soe) સાથે, તેમને મળવા અને વાત કરવા આવ્યા. લગભગ બે અઠવાડીયા પછી, ઉ થેટે કહ્યું કે તેઓ ભોજન માટે આવવા જવામાં ઘણો સમય લગાડે છે, તો મા હમ્યિને અને મા યિને બપોરનું ભોજન સાલ પર જ મોકલી આપવાનો વિકલ્પ આપ્યો.

ઉ થેટના ઉત્સાહને ખોટી રીતે સમજી ગામના લોકો પહેલાં તો તેમની પાસે શીખવા આવવા ખચકાતાં હતા. ગામના લોકોને એવું લાગ્યું કે કદાચ સગાં-વ્હાલાંના વિયોગમાં અને ગામમાંથી ગેરહાજર રહેવાથી, ઉ થેટ તેમનું માનસિક સંતુલન ખોઈ બેઠા છે. પણ ધીમે ધીમે તેઓને થેટના વાણી અને વર્તનથી ભાસ થવા માંડ્યો કે તેઓ ખરેખર બદલાઈ ગયા હતા, એક એવા વ્યક્તિ જે ધર્માનુસાર જીવન જીવી રહ્યા હતા.

થોડાજ સમયમાં ઉ થેટના સગાં અને મિત્રોએ તેમને ધ્યાન શીખવાડવા માટે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. ઉ બા સોએ (U Ba Soe) ખેતી અને ઘરના કામોની જવાબદારી લેવાનું નક્કી કર્યું અને ઉ થેટની બહેને અને ભત્રીજીએ ભોજન બનાવવાની જવાબદારી સંભાળી લીધી. 1914માં જ્યારે ઉ થેટ 41 વર્ષના હતા ત્યારે તેમણે પંદરેક લોકોને આનાપાન શીખવાડવાનું શરૂ કર્યું. બધા વિદ્યાર્થીઓ સાલ પર રહ્યા, અમુક લોકો સમય સમય પર ઘરે જઇ આવતા. તેઓ તેમના ધ્યાનના વિદ્યાર્થીઓને તેમજ રુચિ રાખતા લોકોને જેઓ ધ્યાન નહોતા શીખી રહ્યા, તે બધાને પ્રવચન આપતા. તેમને સાંભળનારા લોકોએ જોયું કે તેમના ભાષણો એટલા બધા જ્ઞાનથી ભરેલા છે કે તેઓ એ માનવા તૈયાર નહોતા કે ઉ થેટને ધર્મનું સૈદ્ધાંતિક જ્ઞાન બહુ ઓછું છે.

તેમના પત્ની અને સાળીની ઉદાર આર્થિક સહાયતા અને બીજા કુટુંબના સભ્યોની મદદથી, સાધકો જેઓ ઉ થેટના ધર્મ કક્ષ પર આવતા તેમના માટે ભોજન અને અન્ય જરૂરિયાતો પૂરી પાડવામાં આવતી, એટલી હદ સુધી કે એક વાર મજૂરોને જ્યારે તેઓ વિપશ્યનાની શિબિરમાં ભાગ લેતા હતા ત્યારે રોજનું ખોવાએલ વેતન ચૂકવવામાં આવ્યું.

લગભગ 1915માં, એક વર્ષ ભણાવ્યા બાદ, ઉ થેટ તેમના પત્નીને અને સાળીને બીજા અમુક કુટુંબના સભ્યો સાથે, લેડી સયાડો જેઓ ત્યારે 70 વર્ષના હતા તેમનો આદર-સત્કાર કરવા મોણ્યવા (Monywa) લઈ ગયા. જ્યારે ઉ થેટે તેમના આચાર્યને પોતાના ધ્યાનના અનુભવો અને તેઓ ચલાવતા હતા તે શિબિરો વિશે કહ્યું તો લેડી સયાડો ખૂબ ખુશ થયા.

આ મુલાકાત દરમ્યાન લેડી સયાડોએ તેમના દંડને ઉ થેટને આપતાં કહ્યું:

"મારા મહાન શિષ્ય, આ લે મારો દંડ અને આગળ વધ. એને સારી રીતે રાખજે. તું લાંબું જીવે એ માટે હું તને આ નથી આપતો, પણ એક શિરપાવ તરીકે, જેથી તારા જીવન માં કોઇ દુર્ઘટનાઓ ના થાય. તું સફળ થયો છે. આજ થી તારે નામ અને રુપ ( મન અને શરીર) નો ધર્મ ૬૦૦૦ લોકો ને શીખવવો જ રહ્યો. તારા દ્વારા જાણેલો ધર્મ અખૂટ છે, તો શાસન (બુદ્ધ ની શિક્ષા નો સમય કાળ) ને વિસ્તાર. મારા બદલે તું શાસન ને અંજલિ આપ.

બીજા દિવસે લેડી સયાડોએ તેમના વિહારના સૌ ભિક્ષુઓ ને બોલાવ્યા. એમણે ઉ થેટ ને ભિક્ષુઓને સૂચનાઓ આપવા ૧૦ -૧૫ દિવસ રોકાઇ જવા વિનંતી કરી. સયાડો એ એકત્ર થયેલા સૌ ભિક્ષુઓને કહ્યું:

"આપ સૌ નોંધ લો. નીચલા બર્માનો આ ગૄહસ્થ મારો મહાન શિષ્ય, ઉ પો થેટ, છે. તે મારી જેમ ધ્યાન શિખવવા સક્ષમ છે. તમારામાં થી જે ધ્યાન નો અભ્યાસ કરવા ઇચ્છે છે, તેમનું અનુસરણ કરો. એમની પાસેથી વિધિ શિખો અને અભ્યાસ કરો. ઓ દાયક થેટ, (=ભિક્ષુ ને મદદરુપ થનાર ગૄહસ્થ, જે તેમની એવી જરુરિયાતો, જેમ કે ભોજન, ચિવર, દવા વગેરે પુરા પાડે છે) મારા બદલે ધર્મ નો વિજય ધ્વજ ફરકાવો, મારા વિહારથી શરુ કરી."

ઉ થેટે તે પછી ગ્રંથોના જ્ઞાની એવા અંદાજે 25 ભિક્ષુઓને વિપશ્યના ધ્યાન શીખવ્યું. એ સમયથી તેઓ સયા થેટ જી તરીકે જાણીતા થયા. (સયા એટલે “શિક્ષક”, જી (gyi) આદર વ્યક્ત કરવા જોડાય છે.)

લેડી સયાડોએ સયા થેટજી ને એમના વતી ધર્મ શીખવવા પ્રોત્સાહિત કર્યા. સયા થેટજી લેડી સયાડો ના પ્રચુર લખાણો માં થી ઘણું એવું સારી રીતે જાણતા હતા અને ધર્મને ગ્રંથોના સંદર્ભ સહિત એવી રીતે સમજાવી શકતા હતા કે જેમાં ખૂબ ભણેલા સયાડો (ભિક્ષુ આચાર્યો) પણ ભૂલો ના કાઢી શકે. લેડી સયાડોની એમના વતી વિપશ્યના શીખવવાની પ્રેરણા સયા થેટજી માટે ગંભીર જવાબદારી હતી. પણ તેઓ પોતાના સૈધ્ધાંતિક જ્ઞાનના અભાવ ને લઇ ને સંશયમાં હતા. પોતાના ગુરુ પ્રત્યે ખૂબ આદર ભાવથી ઝુકી ને એમણે કહ્યું:

“ગુરુજી, આપના શિષ્યો માં થી ધર્મગ્રંથો નો અભ્યાસ મારો સૌથી ઓછો છે. વિપશ્યના શીખવાડી ને શાસન ને પ્રસારવા ની આપે આપેલ જવાબદારી ખૂબ સુક્ષ્મ છતાં ભારે છે. એ માટે મારી વિનંતિ છે કે જ્યારે પણ સ્પષ્ટતા માટે મારે પૂછવું પડે, ત્યારે આપ મને મદદ અને માર્ગદર્શન આપશો. કૃપા કરી મારા મદદકર્તા બની રહેશો, અને કૃપા કરીને જ્યાં જરુર પડે ત્યાં મને ઠપકો આપશો.”

લેડી સયાડો એ એમને આશ્વસ્ત કરતાં કહ્યું “હું તારો પરિત્યાગ, મારા મૃત્યુ ના સમયે પણ નહીં કરું.”

સયા થેટ જી અને એમના સંબંધીઓ દક્ષિણ બર્મા ના તેમના ગામ પાછા ફર્યા, અને અન્ય કુટુંબીજનો સાથે લેડી સયાડો એ આપેલ જવાબદારી પાર પાડવા અંગે યોજનાની ચર્ચા કરી. સયા થેટ જી બર્મા-ભર માં મુસાફરી કરવાનું વિચારતા હતા, જેથી તેઓ વધુ લોકોના સંપર્ક માં આવી શકે. પણ તેમની સાળીએ કહ્યું “અહીં તમારી પાસે ધમ્મ હોલ છે અને અમે વિદ્યાર્થીઓ માટે ભોજન બનાવીને તમારા કામમાં મદદરુપ થશું. અહીં જ રહી ને શિબિરો કરાવો ને? એવા ઘણા છે જેઓ અહીં વિપશ્યના શીખવા આવશે. તેઓ સહમત થયા અને પ્યાવબ્વેગી (Pyawbwegyi) ની એમની સાલ માં નિયમિત શિબિરો લગાડવાનું શરુ કર્યું.

જેમ એમની સાળી એ ભાખ્યું હતું તેમ ઘણા લોકો આવતા થયા અને સયા થેટ જી ની ધ્યાનના આચાર્ય તરીકે ની શાખ પ્રસરવા લાગી. તેઓ સામાન્ય ખેડૂતો, મજુરો ને, તેમજ પાલીમાં પારંગત એવા સૌ ને શીખવતા. બ્રિટીશરો ના શાસન ની રાજધાની રંગુન થી એમનું ગામ દૂર ના હતું, એટલે સરકારી નોકરો અને શહેરીજનો, જેમ ઉ બા ખિન, જેવા પણ આવતા.

જેમ વધુ ને વધુ લોકો ધ્યાન શીખવા આવવા લાગ્યા, તો સયા થેટ જી એ કેટલાક જૂના અનુભવી સાધકો ને સહાયક આચાર્યો નિમ્યા, જેમ કે ઉ ન્યો, ઉ બા સો અને ઉ અઉંગ ન્યુંત.

જેમ જેમ વર્ષો વિતતા ગયા કેન્દ્રનો વિકાસ થતો ગયો, ત્યાં સુધી કે શિબિરો માં ભિક્ષુઓ અને ભિક્ષુણીઓ સહિત ૨૦૦ સુધી સાધકો થવા લાગ્યા. ધમ્મહોલ માં હવે જગ્યા ઓછી પડવા લાગી. આથી વધુ અનુભવી સાધકો પોતાના ઘરે ધ્યાન નો અભ્યાસ કરવા લાગ્યા અને ફક્ત પ્રવચન માટે સાલ માં આવતા.

લેડી સયાડોના કેંદ્ર પરથી જ્યારથી પાછા આવ્યા ત્યારથી સયા થેટ જી, પોતાનામાં રહેવા લાગ્યા અને દિવસમાં ફક્ત એક જ વાર ભોજન કરતા, એકાંતમાં અને મૌનમાં. ભિક્ષુઓની જેમ તેઓ કદીય એમના ધ્યાન સિદ્ધિઓ ની ચર્ચા ના કરતા. જો પૂછવામાં આવે, તોય, તેઓ કદી પોતે કે એમના કોઇ સાધકે ધ્યાન માં કયું સ્થાન પ્રાપ્ત કર્યું એ ના કહેતા. જોકે બર્મા માં વ્યાપકપણે એવું માનવા માં આવતું કે તેઓ અનાગામી હતા. (જેમણે સંપૂર્ણ મુક્તિ અગાઉ નું છેલ્લું પદ પ્રાપ્ત કર્યું હોય) અને તેઓ અનાગામી સયા થેટ જી તરીકે ઓળખાતા.

એ સમયે કે જ્યારે વિપશ્યનાના ગૃહસ્થ આચાર્યો બહુ ઓછા હતા, સયા થેટ જી ને કેટલીક મુશ્કેલીઓ ઝેલવી પડી જે ભિક્ષુ આચાર્યો ને નહોતી. દા.ત., અમુક લોકોએ તેમનો વિરોધ કર્યો કારણ કે તેઓ ધર્મગ્રંથો માં એવા પારંગત ના હતા. સયા થેટ જી આવી ટીકાઓની ખાલી અવગણના કરતા અને અભ્યાસના પરિણામોને જ શિક્ષાનું માપદંડ બનવા દેતા.

30 વર્ષ સુધી, પોતાના જ અનુભવથી માર્ગદર્શન પ્રાપ્ત કરી અને લેડી સયાડોના ગ્રંથોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરી, એમણે જે સૌ કોઇ એમની પાસે આવ્યા, એમને ધ્યાન શિખવાડ્યું. 1945 સુધીમાં, જ્યારે તેઓ ૭૨ વર્ષ ના હતા, એમણે હજારોને શિખવાડવાનું એમનું લક્ષ્ય પૂરું કરી લીધું હતું. એમની પત્ની મૃત્યુ પામી હતી, એમની સાળી લકવાગ્રસ્ત થઇ ગઈ હતી અને એમની પોતાની તબિયત પણ બગડી રહી હતી. એટલે, એમણે ધમ્મહોલ ની દેખભાળ માટે 50 એકર ચોખા નાં ખેતરો અલગ રાખી ને, પોતાની બધી સંપત્તિ એમના ભત્રીજીઓ અને ભત્રીજાઓ માં વહેંચી દીધી.

એમની પાસે 20 પાડાઓ હતા,જેમણે વર્ષો સુધી એમના ખેતરો ખેડ્યા હતા. તેમણે તેઓને એવા લોકોમાં વહેંચી દીધા જેઓ તેમને સારી રીતે રાખે. તેઓને વિદાય આપતાં એવા આશિષ આપ્યા, “તમે મારા દાની ઉપકારક રહ્યા છો, તમારે લીધે ચોખા ઉગતા રહ્યા છે. હવે તમે તમારા કામ માં થી મુક્ત છો. તમે આવા જીવનમાંથી છૂટી ને સારો ભવ મેળવો.”

સયા થેટ જી રંગુન માં સ્થાયી થયા, દાક્તરી સારવાર માટે તેમજ ત્યાં ના એમના સાધકો ને મળવા. એમાંના કેટલાક ને એમણે કહ્યું કે તેઓ રંગુન માં મૃત્યુ પામશે અને એમના અંતિમ સંસ્કાર એવા ઠેકાણે કરવા માં આવે જ્યાં અગાઉ કોઈ ના અંતિમ સંસ્કાર ના થયા હોય. એમણે એમ પણ કહ્યું કે એમના અસ્થિ (રાખ) પવિત્ર જગ્યાઓ માં ના રાખવા, કેમ કે તેઓ હજુ આસ્રવો (વિકારો) થી સંપૂર્ણ મુક્ત થયા નથી , એટલે કે અરહંત ( બુધ્ધત્વ પ્રાપ્ત) નથી.

એમના એક સાધકે શ્વેડાગોન પગોડા ના ઉત્તરી ઢોળાવ પર અરઝાનિગોન માં એક ધ્યાન કેંદ્ર ઉભું કર્યું હતું. એની નજીક માં બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન બોંબમારા થી બચવા એક સુરક્ષા સ્થળ (શેલ્ટર) બનાવેલું હતું. સયા થેટ જી આ શેલ્ટર નો ઉપયોગ પોતાની ધ્યાન ગુફા તરીકે કરતા. રાતે તેઓ એમના એક સહાયક આચાર્ય પાસે રોકાતા. એમના રંગુન ના સાધકો, એકાઉંટ્ન્ટ જનરલ ઉ બા ખિન, ઈન્ક્મ ટેક્ષ કમિશ્નર ઉ સાન થેઇન સહિત, સમય મળ્યે થી તેમને મળવા આવી જતા.

એમને મળવા આવનારા સૌ ને તેઓ નિર્દેશ આપતા કે ધ્યાન અભ્યાસ માં પરિશ્રમી બની રહો, ધ્યાન શિખવા આવતા ભિક્ષુઓ અને ભિક્ષુણીઓ થી આદર પુર્વક વર્તન કરો, કાયા, વાણી અને ચિત્ત ને ખૂબ શિસ્ત માં રાખો, અને જે બધું કરો તેમાં બુધ્ધ ને આદર ભાવ આપતા રહો.

સયા થેટ જીને રોજ સાંજે શ્વેડાગોન પગોડા પર જવાની ટેવ હતી, પણ લગભગ એક અઠવાડીયા પછી એમને ભોંયરામાં બેસવાથી શરદી અને તાવ થઈ ગયા. ડોકટોરોની સારવાર થવા છતાંય, એમની સ્થિતિ બગડતી ગઈ. જેમ એમની સ્થિતિ ખરાબ થતી ગઈ, પ્યાવબ્વેગી થી એમના ભત્રીજી અને ભત્રીજાઓ રંગૂન આવ્યા. રોજ રાત્રે એમના સાધકો, સંખ્યામાં લગભગ 50, સાથે બેસી ધ્યાન કરતા. આ સામૂહિક સાધનાઓ સમયે સયા થેટ જી પોતે કઈં ના કહેતા, પણ ચૂપચાપ ધ્યાન કરતા.

એક રાત્રે લગભગ 10 વાગ્યે, સયા થેટ જી તેમના અમુક સાધકો સાથે હતા (ઉ બા ખિન હાજર નહોતા થઈ શક્યા). તેમની પીઠ પર સૂતા હતા, અને તેમનો શ્વાસ લાંબો અને અવાજ વાળો થઈ ગયો. સાધકોમાં થી બે જણા ધ્યાનથી જોઈ રહ્યા હતા, જ્યારે કે બાકી બધા ચૂપચાપ ધ્યાન કરતા હતા. ઠીક 11 વાગ્યે એમનો શ્વાસ ઊંડો થઈ ગયો. એવું લાગતું હતું કે દરેક આવતો અને જતો શ્વાસ લગભગ પાંચ મિનિટ લેતા હતા. આવા ત્રણ શ્વાસ પછી, શ્વાસ બિલકુલ બંધ થઈ ગયો, અને સયા થેટ જી એ દેહ છોડી દીધો.

તેમનો અંતિમ સંસ્કાર શ્વેડાગોન પગોડા ના ઉત્તરી ઢોળાવ પર કરવામાં આવ્યો. પછીથી સયા જી ઉ બા ખિન અને તેમના શિષ્યોએ તે જગ્યા પર નાનો સ્તૂપ બનાવડાવ્યો. પણ કદાચ આ અદ્વિતીય આચાર્ય માટે સૌથી યોગ્ય અને ચિરસ્થાયી સ્મારક એ હકીકત છે કે લેડી સયાડોએ તેમને આપેલ સમાજના દરેક વર્ગમાં ધર્મ ફેલાવવાનું કામ આજે પણ ચાલુ છે.