ક્રોધના વિષય પર

જાન્યુઆરી 2000માં દાવોસ, સ્વીટઝરલેંડમાં યોજાએલ 'વિશ્વ આર્થિક મંચ'ની એક સભામાં ક્રોધના વિષય પર શ્રી ગોએંકાજીની ટિપ્પણીનો સાધારણ મૂળ પાઠ નીચે આપેલ છે:

જ્યારે કોઈને ક્રોધ આવે છે ત્યારે શું થાય છે? કુદરતનો કાનૂન એવો છે કે જે ગુસ્સો કરે છે તે સૌ પહેલાં એનો શિકાર થાય છે. જેમ આપણે ગુસ્સો કરીએ છીએ આપણે દુખી થવાના જ, જો કે મોટા ભાગના લોકો એ સમજી નથી શકતા કે ગુસ્સો કરી તેઓ પોતાની જ હાનિ કરી રહ્યા છે. અને જો કોઈને આનું ભાન થાય છે તો પણ સચ્ચાઈ એ છે કે એ ગુસ્સો રોકી નથી શકતા; પોતાને ક્રોધ થી મુક્ત કરવા. હવે આપણે જોઈએ કે ગુસ્સો કેમ આવે છે.

એ એકદમ સ્પષ્ટ વાત છે કે ગુસ્સો ત્યારે આવે છે જ્યારે કોઈ અનિચ્છનીય ઘટના બને છે, જ્યારે કોઈએ આપણી ઇચ્છાપૂર્તિ માં અવરોધ ઊભો કર્યો છે, જ્યારે કોઈએ આપણું અપમાન કર્યું છે, અથવા કોઈએ આપણા વિષે ચાડી-ચુગલી કરતાં અપમાનજનક ટિપ્પણી કરી છે. આવા બધા કારણો આપણને ગુસ્સો દેવડાવે છે અને આપણે ગુસ્સે થવાના દેખીતાં કારણો છે. શું એવું શક્ય છે કે આપણે એટલા શક્તિશાળી થઈ જઈએ કે કોઈ પણ આપણી વિરુદ્ધ કઈં ના કરે અથવા કઈં ના બોલે? આ તો નિશ્ચિતરૂપે અશક્ય છે. વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ માટે પણ, અનિચ્છનીય ઘટનાઓ તો બનતી જ હોય છે, અને તેઓ એને રોકવા માટે અસહાય હોય છે. તેમ છતાંય જો આપણે એક વ્યક્તિને આપણું અપમાન કરતાં અથવા આપણી વિરુદ્ધ કઈં કહેતાં રોકી દઈએ, પણ એવી કોઈ ગેરંટી નથી કે બીજું કોઈ એવું વર્તન નહીં શરૂ કરે. જ્યાં તો આપણે આખી દુનિયાને આપણી મરજી મુજબ નથી બદલી શકતા, આપણે ગુસ્સો કરવાના કારણે ભોગવતા દુખમાંથી પોતાને મુક્ત કરવા નિશ્ચિતરૂપે પોતાને બદલી શકીએ છીએ. આના માટે આપણે બહારની દુનિયાને બદલે આપણી અંદર રહેલા ગુસ્સાના ઊંડા કારણને શોધવું પડશે.

ચાલો આપણે પોતાની અંદર ક્રોધ ઉત્પન્ન કરનાર વાસ્તવિક કારણને સમજીએ. દાખલા તરીકે, વિપશ્યનાના દૃષ્ટિકોણથી વાસ્તવિક કારણ જે પોતાની અંદર ગુસ્સાનો અનુભવ કરાવે છે તેને સમજીએ. જો તમે તમારી પોતાની અંદર સચ્ચાઈને અનુભવ કરવાની કળા શીખો છો તો એ અનુભવના સ્તરે એટલું સ્પષ્ટ થઈ જશે કે ગુસ્સાનું સાચું કારણ તો આપણી અંદર જ છે અને બહાર નહિઁ.

જેવું આપણે કોઈ બહારની અનિચ્છનીય ઘટનાના સંપર્કમાં આવીએ છીએ તુરંત જ શરીરમાં સંવેદના થાય છે. અને કારણકે ઘટના અનિચ્છનીય હતી, સંવેદના દુખદ લાગે છે. આ દુખદ સંવેદનાની અનુભૂતિ થયા પછી જ આપણે ક્રોધની પ્રતિક્રિયા કરીએ છીએ. જો આપણે શરીરની સંવેદનાને પ્રતિક્રિયા કર્યા વિના સમતાથી કેવી રીતે અનુભવવું તે શિખીએ છીએ તો આપણે ક્રોધમાં સળગવાની જૂની ટેવમાંથી બહાર આવવાનું શરૂ કરીએ છીએ. વિપશ્યનાનો અભ્યાસ શરીરના વિભિન્ન અંગો પર સમય સમય પર થતી બધીજ જુદી જુદી પ્રકારની સંવેદનાઓની, જે આપણે અનુભવીએ છીએ, તેમની જાણકારી રાખવાની ક્ષમતા વિકસાવવામાં અને તેમના પ્રત્યે પ્રતિક્રિયા ના કરી સમતામાં રહેવામાં મદદ કરે છે. જૂની ટેવ એવી હતી કે જ્યારે સુખદ સંવેદનાઓનો અનુભવ થાય છે ત્યારે રાગ અને આસક્તિ થી પ્રતિક્રિયા કરીએ છીએ અને જ્યારે દુખદ, અપ્રિય સંવેદનાઓનો અનુભવ થાય છે ત્યારે ક્રોધ અને ઘૃણાની પ્રતિક્રિયા કરીએ છીએ. વિપશ્યના આપણને દરેક સંવેદનાને, બંને સુખદ અને દુખદ/અપ્રિય સંવેદનાને, તટસ્થ ભાવથી જાણવાનું અને એ સમજ સાથે કે દરેક સંવેદનાનો સ્વભાવ ઉત્પન્ન થવાનો અને નાશ પામવાનો છે સમતામાં રહેવાનું શીખવે છે. કોઈ સંવેદના સદૈવ માટે રહેતી નથી.

સંવેદનાની સમતાથી જાણકારી રાખવાનો વારંવાર અભ્યાસ કરવાથી આપણે આ સંવેદનાઓ પ્રત્યે તરત આંધળી પ્રતિક્રિયા કરવાની ટેવ બદલીએ છીએ. આવી રીતે, રોજના જીવનમાં જ્યારે પણ આપણે કઈં અનિચ્છનીય ના સંપર્કમાં આવીએ છીએ, આપણે જોઈએ છીએ કે શરીરમાં કોઈ દુખદ, અપ્રિય સંવેદના ઉત્પન્ન થઈ છે અને આપણે પહેલાંની જેમ ક્રોધમાં સળગી ઉઠ્યા વિના એને જોવાનું શરૂ કરીએ છીએ. અલબત્ત, એ અવસ્થામાં પહોંચતા તો વાર લાગે છે કે જ્યાં આપણે ક્રોધથી સંપૂર્ણ રીતે મુક્ત થઈ જઈએ છીએ. પણ જેમ જેમ આપણે વિપશ્યનાનો અભ્યાસ વધારે ને વધારે કરીએ છીએ, આપણે જોઈએ છીએ કે ક્રોધમાં ડૂબ્યા રહેવાનો સમય ટૂંકો ને ટૂંકો થતો જાય છે. જો કદાચ આપણે જેવી સંવેદના ઉત્પન્ન થાય છે તેવી તરત જ નથી જાણી શકતા, તો પણ શક્ય છે કે થોડી મિનિટો પછી આપણને એ ખ્યાલ આવવા લાગે છે કે ક્રોધની આંધળી પ્રતિક્રિયા થી આપણે દુખદ, અપ્રિય સંવેદનાને વધારે તીવ્ર બનાવી રહ્યા છીએ, અને એ રીતે પોતાને વધારે દુઃખી બનાવી રહ્યા છીએ. જેવું આપણને આ તથ્યનું ભાન થાય છે, આપણે ક્રોધની બહાર આવવા લાગીએ છીએ. વિપશ્યનાના અભ્યાસથી દુખદ, અપ્રિય સંવેદનાને લીધે થતી વ્યાકુળતા પ્રત્યે સભાન થવાની આ અવધિ ટૂંકી ને ટૂંકી થતી જાય છે અને એવો એક સમય આવે છે જ્યારે ક્રોધ કરવાથી પોતે જ પોતાની હાનિ કરીએ છીએ તે સત્યને તરત જ જાણી લઈએ છીએ. આ જ એક રસ્તો છે પોતાને ક્રોધની પ્રતિક્રિયા વાળી આ ગાંડી ટેવમાં થી મુક્ત કરવાનો.

અલબત્ત, એવી પણ એક રીત છે કે જેવું આપણને ખબર પડે કે આપણે ગુસ્સે થયા છીએ ત્યારે આપણે આપણું ધ્યાન બીજા કોઈ વિષય પર વાળી લઈએ; અને આવી પદ્ધતિ થી આપણને લાગે છે કે આપણે ક્રોધમાંથી બહાર આવી રહ્યા છીએ. પણ ખરેખર તો એ મનનો માત્ર સપાટીનો જ ભાગ છે જે ગુસ્સાથી બહાર આવ્યો છે. ઊંડાણમાં અંદરતો આપણે ક્રોધમાં ઉકળતા રહીએ છીએ કારણ કે આપણે ક્રોધને નાબૂદ કર્યો નથી, પરંતુ ફક્ત તેને દબાવ્યો છે. વિપશ્યના આપણને વાસ્તવિકતાથી ભાગી જવાનું નહીં , પરંતુ તેને બદલે, વાસ્તવિકતાનો સામનો કરવાનું અને મન માં આવેલા ગુસ્સાને અને શરીરમાં થતી અપ્રિય સંવેદનાને સાક્ષી ભાવ થી જાણવાનું શીખવાડે છે. શરીરમાં થતી અપ્રિય સંવેદનાની વાસ્તવિકતાનું અવલોકન કરીને આપણે આપણું ધ્યાન બીજા કોઈ વિષય તરફ નથી વાળતા કે પછી નથી આપણા ક્રોધને મનના ઊંડા સ્તર પર દબાવતા. જેમ આપણે સંવેદનાઓનું સમતા થી અવલોકન કરતા રહીએ છીએ તેમ આપણને ખ્યાલ આવે છે કે જે ગુસ્સો જાગ્યો હતો તે કુદરતી રીતે નબળો ને નબળો પડતો જાય છે અને આખરે તે જતો રહે છે.

સચ્ચાઈ એ છે કે મનનો નાનો ભાગ જે મનની સપાટી છે અને મનનો મોટો ભાગ જેને અચેતન અથવા અર્ધજાગ્રત કહેવાય છે, આ બંને વચ્ચે બહુ મોટી દીવાલ છે. મનનો આ મોટો ભાગ સૌથી ઊંડા સ્તર પર શરીરની સંવેદનાઓ સાથે સતત જોડાએલો રહે છે અને આ સંવેદનાઓ પ્રત્યે આંધળી પ્રતિક્રિયાની ટેવનો ગુલામ બની ગયો છે. દરેક ક્ષણે કોઈ ને કોઈ કારણસર આખા શરીરમાં વિવિધ પ્રકારની સંવેદનાઓ હોય છે. જો સંવેદનાઓ સુખદ હોય તો રાગની અને આસક્તિની સાથે પ્રતિક્રિયા કરવાની ટેવ છે અને જો તે અપ્રિય હોય તો દ્વેષની અને ધિકકારની સાથે પ્રતિક્રિયા કરવાની ટેવ છે. મનના નાના સપાટીના ભાગ અને બાકીના મનના મોટા ભાગ વચ્ચેની દીવાલને લીધે સપાટીનો ભાગ એ હકીકતથી સંપૂર્ણપણે અજાણ છે કે ઊંડા સ્તરે આ સતત પ્રતિક્રિયા થઈ રહી છે. વિપશ્યના આ દીવાલને તોડવામાં મદદ કરે છે અને આખી માનસિક રચના ખૂબ સભાન બને છે. ક્ષણ-પ્રતિક્ષણ મન સંવેદનાઓની જાણકારી સાથે રહે છે અને અનિત્યતાના નિયમની સમજદારી સાથે સમતા માં રહે છે. મનના ઉપર ઉપરના ભાગને, બૌદ્ધિક સમજણના સ્તરે, તાલીમ આપવી સરળ છે પરંતુ બૌદ્ધિક સમજણનો આ સંદેશ દીવાલને કારણે મનના ઊંડા સ્તરે પહોંચતો નથી. જ્યારે વિપશ્યના દ્વારા આ દીવાલ તૂટી જાય છે ત્યારે આખું મન અનિત્યતાના કાયદાને સમજતું રહે છે અને ઊંડા સ્તરે આંધળી પ્રતિક્રિયાની ટેવ બદલાવા લાગે છે. ક્રોધના દુખમાં થી પોતાને મુક્ત કરવાનો આ શ્રેષ્ઠ રસ્તો છે.