સ્વયં શિબિર સંબંધી સામાન્ય રીતે પૂછાતા પ્રશ્નો (FAQ)

હવે જ્યારે વિશ્વભરમાં વિપશ્યના કેન્દ્રો કોરોના વાયરસના રોગચાળાને કારણે બંધ થઈ ગયા છે, ઘણા સાધકો ઘરે અથવા અન્ય અસ્થાયી કેન્દ્ર સ્થાન પર સ્વયં શિબિરમાં બેસવામાં રસ ધરાવે છે. નીચેનું લખાણ વિશ્વભરના આચાર્યોના ઈનપુટ સાથે વિકસાવવામાં આવ્યું હતું. 2020 પછી તેની સમીક્ષા કરવામાં આવશે.


સ્વયં શિબિર શું છે?

સ્વયં શિબિર વિપશ્યના ધ્યાન શિબિર છે જેમાં તમે કોઈપણ માર્ગદર્શન વિના અથવા સહાયક આચાર્યના ન્યૂનતમ માર્ગદર્શન સાથે તમારી જાતે બેસો છો.


શું હું સ્વયં શિબિરમાં બેસવા માટે લાયક છું? શું મારે પરવાનગી લેવાની જરૂર છે?

એસ.એન. ગોએન્કા દ્વારા શીખવવામાં આવતી 10-દિવસીય વિપશ્યના શિબિર જે કોઈપણ વ્યક્તિએ સફળતાપૂર્વક પૂરી કરી છે તે સૈદ્ધાંતિક રીતે, સ્વયં શિબિર કરવાનું નક્કી કરી શકે છે. તમારા કાર્યક્રમની ચર્ચા સહાયક આચાર્ય સાથે કરી લેવું સારું છે, જેઓ તમારા કોઈપણ પ્રશ્નમાં મદદ કરી શકે છે. સહાયક આચાર્ય સાથે સંપર્કમાં રહેવા માટે તમારા સ્થાનીય કેન્દ્રનો સંપર્ક કરો.


સ્વયં શિબિર કેટલા દિવસનું હોય છે?

તમે દિવસ 0 ની સાંજથી શરૂ કરીને અને 11મા દિવસની સવારે સમાપ્ત કરીને સંપૂર્ણ 10 દિવસ બેસી શકો છો. તમે ટૂંકા ગાળા માટે બેસવાનું પણ પસંદ કરી શકો છો કદાચ એક, બે કે ત્રણ દિવસ; સ્વયં શિબિરમાં બેસવાની આદત પાડવાની આ એક સારી રીત થઈ શકે છે. તમારી જાતે 10 દિવસથી વધુ સમય સુધી બેસવાનો પ્રયાસ કરશો નહીં.


હું સ્વયં શિબિર ક્યાં બેસી શકું?

સામાન્ય રીતે, લોકો તેમના ઘરે અથવા સાથી વિપશ્યના ધ્યાન કરનારના ઘરે સ્વયં શિબિર બેસે છે. જુદી આધ્યાત્મિક પ્રેક્ટિસ માટે ઉપયોગમાં લેવાતી જગ્યાએ શિબિર બેસવાનો પ્રયાસ કરશો નહીં.


જો હું સ્વયં શિબિર માટે કેન્દ્ર પર નથી બેસતો, તો સ્વયં શિબિર માટે કેવા પ્રકારની જગ્યા યોગ્ય છે?

આદર્શ રીતે, આ સ્થાન તમારા સ્વયં શિબિરના દિવસો માટે એક પ્રકારનું અસ્થાયી "નાનું ધ્યાન કેન્દ્ર" તરીકે કાર્ય કરી શકશે, જેમાં વાસ્તવિક કેન્દ્રમાં પૂરી પાડવામાં આવતી તમામ સુવિધાઓ છે. એટલે કે, તે ખાનગી, શાંત અને સ્વ-સમાવિષ્ટ હશે, જેમાં તમારા માટે સૂવા, ધ્યાન કરવા, સ્નાન કરવા, ખાવા અને/અથવા ભોજન તૈયાર કરવા અને કદાચ કસરત કરવાની જગ્યા હશે. જો આ શક્ય ન હોય તો, ઓછામાં ઓછું એક અલગ રૂમ ગોઠવવાનો પ્રયાસ કરો જ્યાં તમને ખલેલ ના પહોંચે એવી રીતે તમે બેસી શકો.

શિબિર સ્થળ વિક્ષેપો વિનાનું હોવું જોઈએ. તેમાં કોઈ ધાર્મિક વસ્તુઓ ન હોવી જોઈએ. તમને જરૂર ન હોય તેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને બંધ કરો અને દૂર મૂકી દો. જો તમે એલાર્મ ઘડિયાળ તરીકે અથવા રેકોર્ડિંગ ચલાવવા માટે ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરી રહ્યા છો, તો તેને એરપ્લેન મોડમાં સેટ કરો, Wi-Fi થી ડિસ્કનેક્ટ કરો અને સૂચનાઓને (નોટિફિકેશન) બંધ કરો. વાંચન સામગ્રીને એવી જગ્યાએ મૂકો જ્યાં તે તમારું ધ્યાન આકર્ષિત ન કરે.

શિબિરની શરૂઆતથી અંત સુધી શિબિર સ્થળની બહાર ન જાવ. જ્યાં સુધી તમે શિબિર પૂરું ન કરો ત્યાં સુધી બહારની દુનિયા સાથે સંપર્ક કરશો નહીં.


શું બે કે તેથી વધુ લોકો એક સાથે સ્વયં શિબિર માટે બેસી શકે?

ચોક્કસપણે, પરંતુ શક્ય હોય ત્યાં સુધી તેમના માટે અલગ રહેઠાણ હોય તે શ્રેષ્ઠ છે.


જમવાની શું વ્યવસ્થા કરવાની?

કોઈ મિત્ર અથવા કુટુંબના સભ્ય તમારા માટે રસોઈ બનાવવાની ઑફર કરી શકે છે અથવા તમે ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરી શકો છો. નહિંતર, તમે તમારી પોતાની રસોઈ કરી શકો છો. પરંતુ ખોરાકની તૈયારીને સરળ રાખો, અને ધ્યાન રાખો કે તે ધ્યાનના કલાકોમાં દખલ ન કરે. ભોજન શાકાહારી ઇંડા વગરનું હોવું જોઈએ. શિબિરની શરૂઆતમાં તમામ જરૂરી સામગ્રીઓ તમારી પહોંચમાં રાખો, અથવા તમને જરૂરી કરિયાણું અન્ય કોઈને લાવવા માટે કહો.


શું મને સ્વયં શિબિરમાં કોઈ માર્ગદર્શન ઉપલબ્ધ છે?

કેટલાક કેન્દ્રો તમને તમારા સ્વયં શિબિર દરમિયાન પ્રશ્નો અથવા મુશ્કેલીઓ હોય તો સંપર્ક કરવા માટે સહાયક આચાર્યનું નામ આપી શકે છે. સામાન્ય રીતે, સ્વયં શિબિરના સાધકો તેમની જાતે જ કામ કરે છે.


સ્વયં શિબિરમાં બેસવા માટે હું મારી જાતને કેવી રીતે તૈયાર કરી શકું?

આચારસંહિતાને વાંચો અને ખાતરી કરો કે તમે તેનાથી પરિચિત છો. આ શિબિર માટે તમારી હેન્ડબુક છે.

ખાતરી કરો કે શિબિર દરમિયાન જે રેકોર્ડિંગ તમારે ચલાવવાની જરૂર પડશે તે તમારી પાસે છે (નીચેનો પ્રશ્ન જુઓ), તેમજ કોઈ ઉપકરણ કે જેના પર તેને ચલાવવાનું છે.

શિબિરની શરૂઆતથી લઈને તમે મૈત્રીની પ્રેક્ટિસ કરવાનું શરૂ કરો ત્યાં સુધી, આર્ય મૌનનું પાલન કરશો. તેમાં તમારા ફોનને સંદેશાઓ માટે ન જોવાનું શામેલ છે. મિત્રો અને પરિવારજનોને જણાવો કે તમે આ સમય દરમિયાન અનુપલબ્ધ (ગેરહાજર) હશો, પરંતુ કટોકટીની સ્થિતિમાં તેઓ તમારો સંપર્ક કરી શકે તે માટે વ્યવસ્થા કરો.


સ્વયં શિબિર દરમિયાન હું કઈ રેકોર્ડિંગ્સ સાંભળી શકું?

તમે નીચેની રેકોર્ડિંગ્સ ચલાવી શકો છો:

  • ગોએન્કાજીની વહેલી સવારની વંદના
  • સામૂહિક સાધનાઓ
  • 10-દિવસના પ્રવચનો

જો તમે ઈચ્છો તો નાશ્તા દરમિયાન, તેમજ લંચ અને ટી બ્રેક દરમિયાન ગોએન્કાજીના દોહા પણ ચલાવી શકો છો.
તમે www.discourses.dhamma.org પરથી શિબિર શરૂ થાય તે પહેલાં રેકોર્ડિંગ ડાઉનલોડ કરી શકો છો. વપરાશકર્તાનામ અને પાસવર્ડ માટે તમારી નજીકના કેન્દ્રનો સંપર્ક કરો.
તમે iOS અને Android માટે Dhamma.org મોબાઇલ એપ પરથી સામગ્રી પણ ડાઉનલોડ કરી શકો છો. મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક્સ માટે www.dhamma.org હોમ પેજ પર જાઓ.
અન્ય કોઈપણ રેકોર્ડિંગ જેમાં શિબિર દરમિયાનની સૂચનાઓ છે, તે માત્ર સહાયક આચાર્યના સંચાલન હેઠળના શિબિરમાં ઉપયોગ માટે છે.


સ્વયં શિબિરમાં રોજનો કાર્યક્રમ શું છે?

તમે શરૂ કરો તે પહેલાં, શીલનું પાલન કરી અને સમયપત્રકને અનુસરી સ્વયં શિબિર પૂરું કરવા માટે અધિષ્ઠાન (મજબૂત નિશ્ચય) કરો.

પ્રથમ સાંજે, શરૂઆતની ઔપચારિકતાઓનું પુનરાવર્તન કરો (શિબિર ચાલુ કરવાની ઔપચારિકતા જુઓ):

  • બુદ્ધ, ધર્મ અને સંઘની શરણ લો.
  • અષ્ટશીલ ગ્રહણ કરો. જો તમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હોય, તો તમે છઠ્ઠા શીલને છોડી શકો છો અને સાંજે 5:00 વાગ્યે અને/અથવા રાત્રે 9:00 વાગે ખાવા માટે કંઈક હળવું લઈ શકો છો.
  • બુદ્ધ અને તમારા વર્તમાન આચાર્યને સમર્પણ થાઓ. [નોંધ: આચાર્યની ગેરહાજરીમાં ધર્મ એ આચાર્ય છે.]
  • આનાપાન ધ્યાન શીખવવાની વિનંતી કરો જેથી તમે તમારી અંદર નિર્વાણની શાંતિનો અનુભવ કરી શકો.


પછી આનાપાન ની પ્રેક્ટિસ શરૂ કરો.

તમારી શિબિરના પ્રથમ ત્રીજા ભાગ માટે આનાપાન ચાલુ રાખો અને પછી વિપશ્યનાની પ્રેક્ટિસ શરૂ કરી દો. જો તમે 10 દિવસ બેઠા હોવ તો આ દિવસ 4 ની બપોરે હશે. જો તમારી શિબિર ટૂંકી હોય, તો યોગ્ય હોય તે પ્રમાણે સમય ગોઠવો.

વિપશ્યનાની પ્રથમ બેઠક માટે ઓછામાં ઓછો એક કલાક ફાળવો. વિપશ્યના ધ્યાન શીખવવાની વિનંતી કરીને શરૂઆત કરો જેથી કરીને તમે તમારી અંદર નિર્વાણની શાંતિનો અનુભવ કરી શકો. થોડીવાર માટે આનાપાનની પ્રેક્ટિસ કરો અને પછી વિપશ્યનાની પ્રેક્ટિસ શરૂ કરી દો.

વિપશ્યના શરૂ કર્યા પછી, દરરોજ ત્રણ એક કલાકની સામૂહિક સાધનાઓ એ અધિષ્ઠાન (મજબૂત નિશ્ચય)ની બેઠકો છે. એટલે કે, તમે તમારું આસન (પોસ્ચર) બદલ્યા વિના શક્ય હોય તેટલી ગંભીરતાથી ધ્યાન કરવાનો પ્રયાસ કરો. જો આ પીડાદાયક અથવા કષ્ટદાયી થઈ જાય છે, તો એકાગ્રતા રાખવાનો પ્રયત્ન કરતાં ઓછામાં ઓછું હલન-ચલન કરો, અને પછી હારની કોઈપણ ભાવના વિના ધ્યાન ચાલુ રાખો. અન્ય સમયે અધિષ્ઠાન બેઠકનો પ્રયાસ કરશો નહીં, અને જો તે શારીરિક નબળાઇ અથવા ઇજાને વધુ ખરાબ કરી શકે તો તેનો પ્રયાસ કરશો નહીં. એક-કલાકની સામૂહિક સાધનાથી અન્ય સમયે, તમારા માટે અનુકૂળ હોય તે રીતે કામ કરો અને જ્યારે જરૂર પડે ત્યારે આસન બદલો અથવા થોડો વિરામ લો.

10મા દિવસે સવારે 9:00 વાગ્યાથી, મૈત્રીનો અભ્યાસ શરૂ કરો. જો તમારું શિબિર 10 દિવસ કરતા ઓછું હોય, તો મૈત્રી એ પ્રમાણે વહેલા શરૂ કરો. તે પછી, સામાન્ય જીવનમાં પાછા જવાની તૈયારીમાં તમારી જાતને થોડો આરામ કરવા દો. એકવાર તમે મૈત્રીની પ્રેક્ટિસ શરૂ કરી દો, પછી તમે શિબિર સ્થળ પર લોકો સાથે વાત કરી શકો છો. જ્યાં સુધી તમારી શિબિર પૂરી ના કરો ત્યાં સુધી બહારની દુનિયા સાથે વાતચીત કરશો નહીં.

અંતે, તમારા પુણ્યને બધા જીવો સાથે વહેંચો (શેર કરો).


સ્વયં શિબિરમાં દૈનિક સમયસારિણી શું છે?

રેગ્યુલર 10-દિવસના શિબિરની જેમ એવીજ સમયસારિણીને અનુસરો:


જો હું 10-દિવસનું સ્વયં શિબિર કરું, તો શું હું તેને સતિપટ્ઠાન શિબિર અથવા દીર્ઘ શિબિર માટે લાયક બનવા માટે જરૂરી શિબિરોમાંની એક તરીકે ગણી શકું?

કમનસીબે, ના. તમે ફક્ત એવી શિબિરોની ગણતરી કરી શકો છો જે સહાયક આચાર્ય દ્વારા સંચાલિત કરવામાં આવી હતી.


જો મને હજુ પણ સ્વયં શિબિરમાં બેસવા વિશે પ્રશ્નો હોય તો શું?

તમે હાલમાં જ્યાં શિબિરમાં બેઠા હતા તેવા કેન્દ્રનો અથવા તમને ઓળખતા સહાયક આચાર્યનો સંપર્ક કરો.


શિબિર શરૂ કરવાની ઔપચારિકતાઓ

તિસરણં-ગમનં

બુદ્ધં સરણં ગચ્છામિ.
ધમ્મં સરણં ગચ્છામિ.
સંઘં સરણં ગચ્છામિ.

ત્રિશરણ ગમન

હું બુદ્ધની શરણ લઉં છું.
હું ધર્મની શરણ લઉં છું.
હું સંઘની શરણ લઉં છું.

અટ્ઠઙ્ગસીલ

પાણાતિપાતા વેરમણી સિક્ખાપદં સમાદિયામિ
અદિન્નાદાના વેરમણી સિક્ખાપદં સમાદિયામિ
અબ્રહ્મચરિયા વેરમણી સિક્ખાપદં સમાદિયામિ
મુસા-વાદા વેરમણી સિક્ખાપદં સમાદિયામિ
સુરા-મેરય-મજ્જપમાદટ્ઠાના વેરમણી સિક્ખાપદં સમાદિયામિ
વિકાલભોજના વેરમણી સિક્ખાપદં સમાદિયામિ
નચ્ચ-ગીત-વાદિત-વિસૂકદસ્સના-માલા-ગંધ-વિલેપન-ધારણ-મણ્ડન-વિભૂસનટ્ઠાના વેરમણી સિક્ખાપદં સમાદિયામિ.
ઉચ્ચાસયન-મહાસયના વેરમણી સિક્ખાપદં સમાદિયામિ.

આઠ શીલ

હું પ્રાણી-હિંસાથી દૂર રહેવાની શિક્ષા ગ્રહણ કરું છું.
હું ચોરી કરવા (જે આપવામાં આવતું નથી તે લેવા)થી દૂર રહેવાની શિક્ષા ગ્રહણ કરું છું.
હું વ્યભિચારથી દૂર રહેવાની શિક્ષા ગ્રહણ કરું છું.
હું જુઠ્ઠું બોલવા (ખોટી વાણી)થી દૂર રહેવાની શિક્ષા ગ્રહણ કરું છું.
હું શરાબ, માદક દ્રવ્યો અને પ્રમાદકારી વસ્તુઓના સેવનથી દૂર રહેવાની શિક્ષા ગ્રહણ કરું છું.
હું વિકાલ ભોજન (બપોર પછીના સમયે) ખાવાથી દૂર રહેવાની શિક્ષા ગ્રહણ કરું છું.
હું નૃત્ય, ગાયન, સંગીત, અશોભનીય ખેલ-તમાશા જોવા; માળા, અત્તર, સૌંદર્ય પ્રસાધનો, દાગીના અને અન્ય શારીરિક શણગાર પહેરવાથી દૂર રહેવાની શિક્ષા ગ્રહણ કરું છું.
હું ઊંચી અને વિલાસી પથારીનો ઉપયોગ કરવાથી દૂર રહેવાની શિક્ષા ગ્રહણ કરું છું.

પરિચ્ચજામિ

ઇમાહં, ભંતે, અત્તભાવં જીવિતં ભગવતો પરિચ્ચજામિ.
ઈમાહં, ભંતે, અત્તભાવં જીવિતં આચરિયસ્સ પરિચ્ચજામિ.

આત્મ સમર્પણ

ભંતે, હું મારી જાતને સંપૂર્ણપણે બુદ્ધને સમર્પિત કરું છું [યોગ્ય માર્ગદર્શન અને રક્ષણ માટે].
ભંતે, હું મારી જાતને સંપૂર્ણપણે આચાર્યને સમર્પિત કરું છું [યોગ્ય માર્ગદર્શન અને રક્ષણ માટે].

કમ્મટ્ઠાન

નિબ્બાનસ્સ સચ્છિકરણત્થાય મે, ભંતે, આનાપાન કમ્મટ્ઠાનં દેહિ.

ધર્મની યાચના

નિર્વાણનો સાક્ષાત્કાર કરવા માટે, ભંતે, મને આનાપાનનું કર્મસ્થાન આપો (આનાપાન ધ્યાન શીખવાડો).


વિપશ્યના દિવસની ઔપચારિકતાઓ

કમ્મટ્ઠાન

નિબ્બાનસ્સ સચ્છિકરણત્થાય મે, ભંતે, વિપસ્સના કમ્મટ્ઠાનં દેહિ.

ધર્મની યાચના

નિર્વાણનો સાક્ષાત્કાર કરવા માટે, ભંતે, મને વિપશ્યનાનું કર્મસ્થાન આપો (વિપશ્યના ધ્યાન શીખવાડો).

4:00 a.m. સવારે જાગવું
4:30-6:30 a.m.વ્યક્તિગત ધ્યાન
6:30-8:00 a.m.નાસ્તો, વિરામ
8:00-9:00 am.એક કલાક ધ્યાન (સામૂહિક સાધના બેઠક)
9:00-11:00 a.m.વ્યક્તિગત ધ્યાન
11:00-12:00 બપોરલંચ બ્રેક
12:00-1:00 p.m.આરામ
1:00-2:30 p.m.વ્યક્તિગત ધ્યાન
2:30-3:30 p.m.એક કલાક ધ્યાન (સામૂહિક સાધના બેઠક)
3:30-5:00 p.m.વ્યક્તિગત ધ્યાન
5:00-6:00 p.m.ચા, વિરામ
6:00-7:00 p.m.એક કલાક ધ્યાન (સામૂહિક સાધના બેઠક)
7:00-8:15 p.m.સાંજનું પ્રવચન
8:15-9:00 p.m.વ્યક્તિગત ધ્યાન
9:00 p.m.વિશ્રામ