દિવસ 5 પ્રવચન

ચાર આર્ય સત્ય: દુઃખ, દુઃખ નું કારણ, દુઃખ નો નિરોધ, દુઃખ નિરોધ કરવાનો માર્ગ – કાર્ય કારણ શૃંખલા

પાંચ દિવસ પૂરા થયા, આપણી પાસે કામ કરવા બીજા પાંચ બચ્યા છે. બચેલા દિવસોનો આ વિદ્યાની યોગ્ય સમજ સાથે ખૂબ કામ કરી સૌથી સારો ઉપયોગ કરીએ.

શ્વાસને નાના ભાગમાં જાણવાની શરૂઆત કરીને, આપણે આખા શરીરમાં થતી સંવેદનાઓની જાણકારી રાખવા તરફ પ્રયાણ કર્યું છે. જ્યારે કોઈ વ્યક્તિ આ અભ્યાસ/કસરત શરૂ કરે છે, ત્યારે એ સંભાવના છે કે શરૂઆતમાં સ્થૂળ, તીવ્ર, ઘનીભૂત, અપ્રિય સંવેદનાઓ જેમ કે પીડા, દબાણ, વગેરેનો સામનો થશે. ભૂતકાળમાં આપણે આવા અનુભવોનો સામનો કર્યો હતો, પણ મનની જૂના સ્વભાવની ટેવ તો સંવેદનાઓ પ્રત્યે પ્રતિક્રિયા કરવાની હતી, આનંદ માં સુખ ભોગવવાની, દુખ માં પીડિત રહેવાની, હમેશા વ્યાકુળ રહીને. હવે આપણે પ્રતિક્રિયા કર્યા વિના અનુભવ કેવી રીતે કરવું, સંવેદનાઓને સાક્ષી/તટસ્થ ભાવ થી કેવી રીતે તપાસવું તે શીખી રહ્યા છીએ, તેમને હું, મારું માન્યા વિના.

પીડાનું અસ્તિત્વ છે, દુખનું અસ્તિત્વ છે. રડવું કોઈને પણ દુખમાંથી મુક્ત નહીં કરે. તેમાંથી બહાર કેવી રીતે આવવું? તેની સાથે કેવી રીતે જીવવું?

બીમાર વ્યક્તિની સારવાર કરનાર ડોક્ટરે તે જાણવું જ જોઇએ કે માંદગી શું છે, અને માંદગીનું મૂળ કારણ શું છે. જો ત્યાં કોઈ કારણ છે, તો પછી કારણને દૂર કરીને, ત્યાંથી બહાર આવવાનો કોઈ રસ્તો હોવો જ જોઈએ. એકવાર કારણ દૂર કરી દીધું, પછી માંદગી આપમેળે દૂર થઈ જશે. એટલા માટે કારણને નાબૂદ કરવા પગલાં ભરવા જ જોઇએ.

સૌ પ્રથમ આપણે દુખની સચ્ચાઈને સ્વીકારવી પડશે. સર્વત્ર દુખનું અસ્તિત્વ છે; આ એક સાર્વજનીન સત્ય છે. પરંતુ જ્યારે પ્રતિક્રિયા કર્યા વિના તેનો અનુભવ કરવાનું શરૂ કરીએ છીએ, ત્યારે તે એક આર્ય સત્ય બની જાય છે, કારણ કે જે કોઈ આમ કરે છે તે આર્ય, સંત વ્યક્તિ બની જ જાય છે.

જ્યારે આપણે પ્રથમ આર્ય સત્ય, દુખનું સત્ય, ને અનુભૂતિ પર ઉતારવાનું શરૂ કરીએ છીએ, તો પછી ખૂબ જ ઝડપથી દુખનું કારણ સ્પષ્ટ થઈ જાય છે, અને આપણે તેને પણ તટસ્થ ભાવ થી જાણવાનું શરૂ કરીએ છીએ; આ બીજું આર્ય સત્ય છે. જો કારણ નાબૂદ થાય છે, તો દુખ નાબૂદ થાય છે; આ ત્રીજું આર્ય સત્ય છે - દુખનું ઉન્મૂલન. તેના ઉન્મૂલનને પ્રાપ્ત કરવા માટે, આપણે પગલાં ભરવા જોઈએ; આ ચોથું આર્ય સત્ય છે - દુખના કારણને નાબૂદ કરીને દુખને સમાપ્ત કરવાનો માર્ગ.

પ્રતિક્રિયા કર્યા વિના અનુભવ કરવાનું શીખીને આપણે શરૂઆત કરીએ છીએ. આપણે જે પીડા અનુભવીએ છીએ તેને સાક્ષી ભાવથી તપાસીએ, જાણે કે તે કોઈ બીજાની પીડા છે. એક વૈજ્ઞાનિક જે તેની પ્રયોગશાળામાં પ્રયોગનું અવલોકન કરે છે તેવી રીતે તેની તપાસ કરીએ. જ્યારે આપણે નિષ્ફળ જઈશું, ફરીથી પ્રયાસ કરીશું. પ્રયાસ કરતા રહીશું, અને આપણે જોઈશું કે ધીમે ધીમે આપણે દુખમાં થી બહાર આવી રહ્યા છીએ.

દરેક જીવ દુખી થાય છે. જીવન રડવાથી જ શરૂ થાય છે; જન્મ જ એક મોટું દુખ છે. અને જે કોઈનો જન્મ થઇ ગયો, તેને માંદગી અને વૃદ્ધાવસ્થાના દુખોનો સામનો કરવો જ પડશે. પરંતુ, કોઈનું જીવન કેટલુંય દયનીય કેમ ના હોય, કોઈ મૃત્યુ પામવા માંગતું નથી, કારણ કે મૃત્યુ પણ મોટું દુખ છે.

આખી જિંદગી, આપણે એવી વસ્તુઓનો સામનો કરીએ છીએ જે આપણને નથી ગમતી, અને આપણને ગમતી વસ્તુઓ થી વિખૂટા પડીએ છીએ. અનિચ્છનીય વસ્તુઓ થાય છે, ઇચ્છિત વસ્તુઓ નથી થતી, અને આપણે દુખી થઈએ છીએ.

આ સચ્ચાઈને ફક્ત બૌદ્ધિક સ્તરે સમજી લેવું કોઈને મુક્ત નહીં કરે. એ ફક્ત પોતાની અંદર નિરીક્ષણ કરવા માટે પ્રોત્સાહન આપી શકે છે, જેથી સત્યનો અનુભવ કરી શકાય અને દુઃખમાં થી બહાર નિકળવાનો માર્ગ શોધી શકાય. બુદ્ધ બનવા માટે સિદ્ધાર્થ ગૌતમે આ જ કર્યું: તેમણે એક શોધકર્તા વૈજ્ઞાનિકની જેમ તેમના શરીરના માળખામાં સચ્ચાઈનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું, સ્થૂળ પ્રગટ સચ્ચાઈ થી લઈને સૂક્ષ્મ સચ્ચાઈ તરફ, સૂક્ષ્મતર, સુક્ષ્મ્તમ સચ્ચાઈ તરફ. એમણે જોયું કે જ્યારે પણ આપણે લાલસા જગાડીએ છીએ, સુખદ સંવેદનાઓને રોકી રાખવા માટે અથવા દુખદ સંવેદનાઓને દૂર કરવા માટે, અને જ્યારે આપણી લાલસા પૂરી નથી થતી ત્યારે આપણે દુખી થઈ જઈએ છીએ. અને તેમણે એકદમ એકાગ્ર મનથી હજુ ઊંડાણમાં જતાં, સૂક્ષ્મતમ સ્તર સુધી જોયું - એ સ્પષ્ટ છે કે પાંચ સ્કંધ સાથે આસક્તિ દુખ છે. બુદ્ધિના સ્તરે આપણે સમજતા હોઈએ કે આ રૂપ સ્કંધ, શરીર, "હું" નથી, "મારું" નથી, પણ ફક્ત અવ્યક્તિગત બદલાતી પ્રક્રિયા, જે આપણા કાબુની બહાર છે; પણ ખરેખર તો આપણે શરીરને જ હું માની બેઠા છીએ, અને એની સાથે ખૂબ આસક્તિ કરીએ છીએ. એવી જ રીતે, આપણે મનના ચાર ખંડ (સ્કંધ) વિજ્ઞાન, સંજ્ઞા, વેદના, સંસ્કાર સાથે ખૂબ આસક્તિ કરીએ છીએ; અને તેમને "હું", "મારું" માની એમની સાથે ખૂબ આસક્તિ કરીએ છીએ, એમનો સતત બદલાતા રહેવાનો સ્વભાવ હોવા છતાં. વ્યવહારિક ઉદ્દેશ માટે આપણે "હું", "મારું" એવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ, પણ જ્યારે આપણે પાંચ સ્કંધ સાથે આસક્તિ કરી લઈએ છીએ, આપણે આપણા માટે દુઃખ ઉત્પન્ન કરીએ છીએ. જ્યાં પણ આસક્તિ છે, ત્યાં દુઃખ હોવાનું જ, અને જેટલી ઊંડી આસક્તિ, એટલું વધારે દુઃખ.

ચાર પ્રકારની આસક્તિઓ છે જે આપણે જીવનમાં સંગ્રહિત કરતા રહીએ છીએ. પહેલી આસક્તિ આપણી કામનાઓ પ્રત્યે છે, તૃષ્ણાની ટેવ સાથે. જ્યારે પણ મનમાં તૃષ્ણા ઉત્પન્ન થાય છે, ત્યારે તેની સાથે શરીર પર સંવેદના થાય છે. જોકે ઊંડા સ્તરે બેચેનીનું તોફાન શરૂ થયું છે, ઉપરછલ્લા સ્તરે આપણને એ સંવેદના ગમે છે અને એ ચાલુ રહે એવી ઇચ્છા થાય છે. આને ખરજવાની ખંજવાળ સાથે સરખાવી શકાય છે: ખંજવાળવાથી તે વધુ તીવ્ર બને છે, અને છતાં પણ આપણે ખણવાની સંવેદનાનો આનંદ માણીએ છીએ. તેવી જ રીતે, જેવી એક ઇચ્છા પૂરી થાય છે, તે ઇચ્છાની સાથેની સંવેદના પણ દૂર થઈ જાય છે, અને તેથી આપણે એક નવી ઇચ્છા ઉત્પન્ન કરીએ છીએ કે જેથી સંવેદના ચાલુ રહે. આપણે તૃષ્ણાના વ્યસની બની જઈએ છીએ અને આપણા દુઃખને વધારતા રહીએ છીએ.

બીજી આસક્તિ "હું", "મારું" થી વળગી રહેવું છે, આ 'હું' ખરેખર શું છે તે જાણ્યા વિના. આપણે આ “હું” ની કોઈ પણ ટીકા કે તેને થતા કોઈ નુકસાનને સહન નથી કરી શકતા. અને આ આસક્તિ ફેલાય છે જે કંઇ "હું" નું છે, જે કંઈપણ "મારું છે" એનો સમાવેશ કરવા. આ આસક્તિ દુઃખ ના લાવત જો જે કાંઈ "મારું" છે તે કાયમ માટે રહી શકત, અને આ "હું" પણ તેનો સદા આનંદ માણતાં રહી શકત, પરંતુ પ્રકૃતિનો નિયમ એ છે કે વહેલા કે મોડા એક અથવા બીજાનો નાશ થશે જ. જે અનિત્ય છે તેના પ્રત્યે આસક્તિ દુઃખ લાવવાનું જ છે.

એ જ રીતે, આપણે આપણા મંતવ્યો અને માન્યતાઓ પ્રત્યે આસક્તિ કરીએ છીએ, અને તેમની કોઈ ટીકા સહન નથી કરી શકતા, અથવા સ્વીકાર પણ નથી કરી શકતા કે બીજાઓનો જુદો મત હોઈ શકે. આપણે એ નથી સમજી શકતા કે બધા રંગીન ચશ્મા પહેરે છે, દરેક વ્યક્તિ માટે એક અલગ રંગ. ચશ્માને દૂર કરવાથી, આપણે સચ્ચાઈને જેવી છે તેવી જોઈ શકીએ છીએ, ડાઘ વિના, પણ તેના બદલે આપણે આપણા ચશ્માના રંગ સાથે, આપણી પોતાની પૂર્વધારણાઓ અને માન્યતાઓ સાથે જોડાયેલા રહીએ છીએ.

હજુ એક આસક્તિ પોતાના કર્મકાંડો, ધાર્મિક વિધિઓ અને ધાર્મિક વ્યવહારોથી વળગી રહેવું છે. આપણે એ સમજી નથી શકતા કે આ બધા ફક્ત બાહ્ય દેખાવ છે, અને તેમાં સત્યનો સાર નથી. જો કોઈને પોતાની અંદર સત્યનો સીધો અનુભવ કરવાનો રસ્તો બતાવવામાં આવે છે, પરંતુ તે ખાલી બાહ્ય સ્વરૂપોને વળગી રહેવાનું ચાલુ રાખે છે, તો આ આસક્તિ આવી વ્યક્તિમાં રસાકસી પેદા કરે છે, પરિણામે દુખ થાય છે.

જીવનનું બધું દુઃખ, જો ધ્યાનથી તપાસવામાં આવે, તો આ ચાર આસક્તિઓમાં થી એક કે બીજીમાં થી ઉત્પન્ન થતું દેખાશે. સત્યની શોધમાં, સિદ્ધાર્થ ગોતમને આ જ મળ્યું. તેમ છતાં, તેમણે દુખનું મૂળ કારણ શોધવા, સમગ્ર પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે તે સમજવા માટે, તેને તેના સ્રોત સુધી શોધવા માટે, પોતાની અંદર તપાસ ચાલુ રાખી.

દેખીતી રીતે, જીવનના દુખો - રોગ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ, શારીરિક અને માનસિક પીડા – જન્મ થવાના અપરિહાર્ય પરિણામો છે. તો પછી જન્મનું કારણ શું છે? અલબત્ત, નજીકનું કારણ તો માતાપિતાનું શારીરિક સંયોજન છે, પરંતુ વ્યાપક પરિપ્રેક્ષ્ય માં જોતાં, જન્મ ભવ ભ્રમણની અનંત પ્રક્રિયાને કારણે થાય છે, જેમાં આખું બ્રહ્માંડ શામેલ છે. મૃત્યુ સમયે પણ આ પ્રક્રિયા બંધ થતી નથી: શરીર સડતું જાય છે, વિઘટિત થતું જાય છે, પણ સભાનતા બીજા ભૌતિક માળખા સાથે જોડાય છે, અને પ્રવાહમાન રહે છે, સંસ્કૃત થતું રહે છે. અને આ ભાવ ભ્રમણની પ્રક્રિયા કેમ થતી રહે છે? તે તેમને સ્પષ્ટ થઈ ગયું કે આનું કારણ આપણે જે આસક્તિ કરીએ છીએ તે છે. આસક્તિના લીધે આપણે પ્રબળ પ્રતિક્રિયાઓ, સંસ્કાર, ઉત્પન્ન કરીએ છીએ જે મન પર ઊંડી છાપ બનાવે છે. જીવનના અંતમાં, આમાંથી કોઈ એક મન પર જાગશે અને સભાનતાના પ્રવાહને ચાલુ રાખવા માટે ધક્કો આપશે.

તો પછી આસક્તિનું કારણ શું છે? તેમણે જોયું કે આસક્તિ “ગમે છે” અને “નથી ગમતું” ની ક્ષણિક પ્રતિક્રિયાઓ ના કારણે ઉદ્ભવે છે. “ગમે છે” પ્રબળ રાગ માં વધતું જાય છે, “નથી ગમતું” પ્રબળ દ્વેષ, જે રાગનું જ પ્રતિબિંબ છે, માં વધતું જાય છે; અને આ બંને આસક્તિમાં પરિવર્તિત થાય છે. અને “ગમે છે” અને “નથી ગમતું” ની ક્ષણિક પ્રતિક્રિયાઓ શા માટે? જ્યારે આપણે પોતાનું નિરીક્ષણ કરીએ છીએ તો ખબર પડે છે કે આ પ્રતિક્રિયાઓ શરીરની સંવેદનાઓને કારણે થાય છે. જ્યારે પણ કોઈ સુખદ સંવેદના ઉત્પન્ન થાય છે, આપણને તે ગમે છે અને આપણે તેને રોકી રાખવા અને વધારવા માંગીએ છીએ. જ્યારે પણ દુખદ સંવેદના ઉત્પન્ન થાય છે, આપણને તે નથી ગમતી અને એને દૂર કરવા માંગીએ છીએ. તો પછી આ સંવેદનાઓ કેમ? સ્પષ્ટરૂપે, કોઈ પણ ઇન્દ્રિયનો તેના વિષય સાથે સ્પર્શ થવાના કારણે સંવેદના થાય છે: આંખનો સ્પર્શ દૃશ્ય સાથે, કાનનો શબ્દ સાથે, નાકનો ગંધ સાથે, જીભનો સ્વાદ સાથે, શરીરનો સ્પૃશ્ય પદાર્થ સાથે, મનનો વિચાર અથવા કલ્પના સાથે. જેવો સ્પર્શ થાય છે, સંવેદના ઉત્પન્ન થવાની જ, સુખદ, દુખદ, અથવા અસુખદ-અદુખદ.

તો પછી સ્પર્શનું કારણ શું છે? સ્પષ્ટરૂપે, આખું બ્રહ્માંડ ઇન્દ્રિયોના વિષયોથી ભરેલું છે. જ્યાં સુધી છ ઇન્દ્રિયો - પાંચ ભૌતિક અને છટ્ઠી ઇન્દ્રિય મન, સાથે મળીને કાર્યરત છે ત્યાં સુધી, તેઓ તેમના સંબંધિત વિષયોનો સ્પર્શ થતો જ રહેવાનો. અને આ ઇન્દ્રિયોના અંગો શા માટે અસ્તિત્વમાં છે? તો એ સ્પષ્ટ છે કે ઇન્દ્રિયો મન અને શરીરની ધારાના અવિભાજ્ય ભાગો છે; જીવન શરૂ થતાંની સાથે જ તેઓ ઉદ્ભવે છે. અને જીવનની ધારા, મન અને શરીરની ધારા, શા માટે ચાલે છે? ચેતનાના પ્રવાહને કારણે, ક્ષણ-ક્ષણ- પ્રતિક્ષણ, એક જીવનથી બીજા જીવનમાં. અને આ ચેતનાનો પ્રવાહ કેમ? તેમણે શોધી કાઢ્યું કે તે સંસ્કાર, મનની પ્રતિક્રિયાઓના કારણે ઉદ્ભવે છે. દરેક સંસ્કાર ચેતનાના પ્રવાહને ધક્કો આપે છે; સંસ્કાર દ્વારા અપાયેલા ધક્કાના બળને કારણે ચેતનાનો પ્રવાહ ચાલુ રહે છે. અને સંસ્કાર શા માટે થાય છે? તેમણે જોયું કે અજ્ઞાનતાને કારણે સંસ્કાર ઉત્પન્ન થતા રહે છે. આપણે શું કરી રહ્યા છીએ તે જાણતા નથી, કેવી રીતે પ્રતિક્રિયા કરતા રહીએ છીએ તે જાણતા નથી, અને તેથી આપણે સંસ્કાર પર સંસ્કાર બનાવતા રહીએ છીએ. આમ જ્યાં સુધી અજ્ઞાનતા છે, ત્યાં સુધી દુખ રહેશે.

દુખની પ્રક્રિયાનું ઉદ્ગમ, સૌથી ઊંડું, મૂળ કારણ, અજ્ઞાનતા છે. અજ્ઞાનતા દ્વારા એ ઘટનાઓની શૃંખલા શરૂ થાય છે, જેના દ્વારા આપણે પોતાના માટે દુખના પહાડો ઉત્પન્ન કરી લઈએ છીએ. જો અજ્ઞાનતાને નાબૂદ કરી દઈએ, તો દુખનું ઉન્મૂલન થશે.

આપણે આ કેવી રીતે પામી શકીએ છીએ? આ શૃંખલાને કેવી રીતે તોડી શકીશું? જીવનની ધારા, મન અને શરીરની ધારા, એ તો ક્યારનીયે શરૂ થઈ ગઈ છે. આત્મહત્યા કરવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે; એ તો નવું દુઃખ જ પેદા કરશે. અને આપણે પોતાનો વિનાશ કર્યા વિના ઇન્દ્રિયોનો નાશ નથી કરી શકતા. જ્યાં સુધી ઇન્દ્રિયો અસ્તિત્વમાં છે ત્યાં સુધી તેમના સંબંધિત વિષયો સાથે સ્પર્શ થવાનો જ, અને જ્યારે પણ કોઈ સ્પર્શ થાય છે, ત્યારે શરીરની અંદર સંવેદના ઉત્પન્ન થવાની જ છે.

હવે અહીં, સંવેદનાની કડી પર, આપણે આ શૃંખલા તોડી શકીએ છીએ. પહેલાં, પ્રત્યેક સંવેદના પર “ગમે છે”, “નથી ગમતું”ની પ્રતિક્રિયા કરતા હતા, જે પ્રબળ રાગ અથવા દ્વેષ માં, વિશાળ દુખમાં પરિણમતા હતા. પરંતુ હવે, સંવેદના પર પ્રતિક્રિયા કરવાને બદલે, આપણે સમતાથી અનુભવ કરવાનું શીખી રહ્યા છીએ, એ સમજ સાથે - “આ પણ બદલાઈ જશે”. આ રીતે સંવેદના જ્ઞાન, અનિત્ય ની સમજણ જ જગાડે છે. આપણે દુખ ચક્ર ફેરવવાનું બંધ કરીએ છીએ અને તેને મુક્તિ તરફ વિરુદ્ધ દિશામાં ફેરવવાનું શરૂ કરીએ છીએ.

કોઈ પણ ક્ષણ જેમાં આપણે નવા સંસ્કાર નથી બનાવતા, તો તે ક્ષણમાં, જૂના સંસ્કારોમાં થી કોઈ ને કોઈ મનની સપાટી પર ઉભરાઇ આવશે, અને તેની સાથે શરીર પર કોઈ સંવેદના શરૂ થશે. જો આપણે સમતામાં રહીએ છીએ, તો તે દૂર થઈ જાય છે અને તેની જગ્યાએ બીજો કોઈ જૂનો સંસ્કાર જાગે છે. આપણે શરીર પર થતી સંવેદનાઓ પ્રત્યે સમતામાં રહીએ છીએ, તો એક પછી એક જૂના સંસ્કારો ઉભરાતા રહે છે અને ક્ષીણ થતા રહે છે. જો અજ્ઞાનતાથી આપણે સંવેદનાઓ પર પ્રતિક્રિયા કરતા રહીએ છીએ, તો આપણે સંસ્કારોનું સંવર્ધન કરતા રહીએ છીએ, આપણા દુખનું સંવર્ધન કરતા રહીએ છીએ. પણ જો આપણે પ્રજ્ઞા/જ્ઞાન જગાડીએ છીએ અને સંવેદનાઓ પ્રત્યે પ્રતિક્રિયા નથી કરતા, તો એક પછી એક સંસ્કારોનું ઉન્મૂલન થતું જાય છે, દુખ દૂર થાય છે.

આખો માર્ગ દુખમાંથી બહાર આવવાનો રસ્તો છે. અભ્યાસ કરતાં કરતાં આપણે જોશું કે જેમ આપણે નવી ગાંઠો બાંધવાનું બંધ કરીએ છીએ, એમ જૂની ગાંઠો એમની જાતે આપોઆપ ખૂલતી જાય છે. ધીરે ધીરે આપણે એવા તબક્કા તરફ પ્રગતિ કરીશું જેમાં નવા જન્મ તરફ લઈ જનાર, એટલે કે નવા દુખ તરફ લઈ જનાર, બધા સંસ્કારોનું ઉન્મૂલન થઈ ગયું છે: સંપૂર્ણ મુક્તિ, સંપૂર્ણ જ્ઞાનની અવસ્થા.

કામ શરૂ કરવા માટે, એ જરૂરી નથી કે પહેલા આપણે પાછલા જીવન અને ભાવી જીવનમાં માનીએ. વિપશ્યનાના અભ્યાસમાં, વર્તમાન સૌથી વધુ મહત્વનું છે. વર્તમાન જીવનમાં અહીંયા, આપણે સંસ્કાર પર સંસ્કાર બનાવતા રહીએ છીએ, પોતાને દુ:ખી બનાવતા રહીએ છીએ. અહીં અને અત્યારે જ, આપણે આ ટેવને તોડવી જોઈએ અને દુખમાંથી બહાર આવવાનું શરૂ કરવું જોઈએ. જો આપણે અભ્યાસ કરતા રહીએ છીએ, તો નિશ્ચિતરૂપે એક દિવસ એવો આવશે જ્યારે આપણે એમ કહી શકીશું કે આપણે બધા જૂના સંસ્કારોનું ઉન્મૂલન કરી દીધું છે, અને કોઈ પણ નવા સંસ્કાર બનાવવાનું બંધ કરી દીધું છે, અને તેથી પોતાને બધા દુખોમાં થી મુક્ત કરી દીધા છે.

આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે, આપણે જાતે જ કામ કરવું પડશે. એટલા માટે દુખમાં થી બહાર આવવા, અને મુક્તિનો આનંદ માણવા માટે, બાકીના પાંચ દિવસ દરમિયાન ખૂબ મહેનત કરીએ.

સૌ વાસ્તવિક સુખ પામે.

સૌ સુખી થાઓ! સૌનું મંગળ થાઓ!