વિપશ્યના
સયાજી ઉ બા ખિનની પરંપરામાં
સાધના
આચાર્ય ગોયન્કાજી દ્વારા શીખવવામાં આવતી વિપશ્યના સાધના
પ્રવચન દિવસ એક
પ્રારંભિક મુશ્કેલીઓ - આ ધ્યાનનો હેતુ - શ્વાસને પ્રારંભિક બિંદુ તરીકે કેમ પસંદ કરવામાં આવ્યો છે – મનનો સ્વભાવ -- મુશ્કેલીઓનું કારણ અને કેવી રીતે તેમનો સામનો કરવો – ટાળવાવાળા જોખમો
પ્રથમ દિવસ ખૂબ જ મુશ્કેલીઓ અને અગવડતાઓ થી ભરેલો છે, આંશિક કારણ તો એ કે આપણને આખો દિવસ બેસવાની અને ધ્યાન કરવાની ટેવ નથી, પરંતુ મોટા ભાગનું કારણ તો જે પ્રકારનું ધ્યાન આપણે શરૂ કર્યું છે તે છે: શ્વાસની જાણકારી રાખવાનું, શ્વાસ સિવાય બીજું કશું નહીં.
આ બધી અગવડતા વિના મનને કેન્દ્રિત કરવું સહેલું અને ઝડપી બન્યું હોત, જો શ્વાસની જાણકારી સાથે, આપણે કોઈ શબ્દ, કોઈ મંત્ર, કોઈ દેવી-દેવતાના નામનું રટણ કરવાનું શરૂ કર્યું હોત, અથવા જો આપણે કોઈ દેવી-દેવતાના આકાર અથવા સ્વરૂપની કલ્પના કરવાનું શરૂ કર્યું હોત. પરંતુ આપણે તો કેવળ શ્વાસની જાણકારી રાખવાની જરૂર છે, જે કુદરતન છે તે શ્વાસ, એને નિયંત્રિત કર્યા વગર; કોઈ શબ્દ અથવા કાલ્પનિક રૂપ જોડી શકાતું નથી.
એ બધું કરવાની એટલા માટે પણ મંજૂરી નથી કારણ કે આ ધ્યાનનો અંતિમ ઉદ્દેશ મનની એકાગ્રતા નથી. એકાગ્રતા તો માત્ર સહાયક છે, એક એવું પગલું જે ઊંચા લક્ષ્ય તરફ લઈ જાય છે: મનનું શુદ્ધિકરણ, મનના બધા દૂષણોને, અંદરની નકારાત્મકતાઓને, નાબૂદ કરવું, અને આ રીતે તમામ દુખોમાંથી મુક્તિ મેળવી, સંપૂર્ણ બોધિત્વ પ્રાપ્ત કરવું.
દરેક વખતે જ્યારે મન પર કોઈ અશુદ્ધિ ઉત્પન્ન થાય છે, જેમ કે, ગુસ્સો, ઘૃણા, લાલસા, ડર વગેરે, આપણે દુખી થઈ જઈએ છીએ. જ્યારે જ્યારે કઈં અણગમતું થાય છે, આપણે તણાવનો અનુભવ કરીએ છીએ અને અંદર ગાંઠો બાંધવાનું ચાલુ કરી દઈએ છીએ. જ્યારે જ્યારે મનગમતું નથી થતું, ફરી આપણે અંદર તણાવ ઉત્પન્ન કરીએ છીએ. જીવનભર આપણે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરતા રહીએ છીએ અને મન અને શરીરનું સમગ્ર માળખું ગૂંચોવાળી ગાંઠોનું બંડલ બનતું રહે છે. અને આપણે આ તણાવને પોતાના પૂરતું મર્યાદિત નથી રાખતા, પરંતુ જે કોઈ આપણા સંપર્કમાં આવે છે તે સૌ સાથે આ તણાવને વહેંચી છીએ. ચોક્કસપણે આ જીવવાની યોગ્ય રીત નથી.
આપણે આ ધ્યાન શિબિરમાં જીવન જીવવાની કળા શીખવા માટે આવ્યા છીએ: કેવી રીતે પોતાની અંદર શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ રીતે રહેવું, અને બીજા બધા માટે શાંતિ અને સુમેળ પેદા કરવા; કેવી રીતે દિવસેને દિવસે મુદિતા, કરુણા, મૈત્રી અને ઉપેક્ષા ભર્યા મન સાથે, સંપૂર્ણ શુદ્ધ મનના સર્વોત્તમ સુખ તરફ આગળ વધતાં વધતાં સુખી જીવન જીવવું.
સુમેળથી જીવવાની કળા શીખવા માટે, પહેલાં આપણે કુમેળનું કારણ શોધવું જોઈએ. કારણ હંમેશા અંદર રહે છે, અને આ કારણોસર આપણે પોતાની વાસ્તવિકતાનું અન્વેષણ કરવું પડશે. આ વિદ્યા આપણને આ કરવા માટે, આપણા પોતાની માનસિક અને શારીરિક રચનાની તપાસ કરવામાં મદદ કરે છે, જેના પ્રત્યે ખૂબ ચિપકાવ છે જે ફક્ત તણાવમાં, દુખમાં પરિણમે છે. અનુભવના સ્તરે આપણે પોતાના માનસિક અને શારીરિક સ્વભાવને સમજવું જોઈએ; માત્ર ત્યારે જ મન અને શરીરથી આગળ કંઇક અનુભવ થઈ શકે છે. તેથી આ વિદ્યા, જેને હું-મારું કહીએ છીએ તેની વાસ્તવિકતાની તપાસ કરતાં કરતાં, સત્યને અનુભૂત કરવાની, પોતાને ઓળખવાની પ્રક્રિયા છે. તેને ભગવાનને ઓળખવાનો રસ્તો પણ કહી શકાય, કેમ કે આખરે ભગવાન સત્ય, મૈત્રી, કરુણા, શુદ્ધતા સિવાય બીજું કંઈ નથી.
વાસ્તવિકતાનો સીધો અનુભવ કરવો જરૂરી છે. “પોતાને ઓળખો” – મન અને શરીરની ઉપરછલ્લી, ભાસમાન, સ્થૂળ વાસ્તવિકતાઓથી સૂક્ષ્મ વાસ્તવિકતાઓ તરફ, સૂક્ષ્મતર-સૂક્ષ્મતમ વાસ્તવિકતાઓ સુધી. આ બધાનો અનુભવ કર્યા પછી, આપણે અંતિમ સચ્ચાઈના અનુભવ તરફ આગળ વધી શકીએ છીએ, જે મન અને શરીરના ક્ષેત્રની પેલે પાર છે.
આ યાત્રા શરૂ કરવા માટે, શ્વાસ એ એક યોગ્ય બિંદુ છે. ધ્યાન કેન્દ્રિત કરવા માટે સ્વયં-સર્જિત, કલ્પનાશીલ વિષય, કોઈ શબ્દ અથવા રૂપ-આકાર નો ઉપયોગ ફક્ત વધુ કલ્પનાઓની દિશામાં, મોટી ભ્રમણાઓની દિશામાં લઈ જશે; તે પોતાના વિશેની સૂક્ષ્મતર સચ્ચાઈઓને જાણવામાં કોઈને મદદ કરશે નહીં. સૂક્ષ્મ સચ્ચાઈઓને જાણવા માટે, આપણે સચ્ચાઈના આધારે કામ શરૂ કરવું જોઈએ, ભાસમાન, સ્થૂળ સચ્ચાઈ, જેમ કે શ્વાસ. વધુમાં, જો કોઈ શબ્દ અથવા કોઈ દેવી-દેવતાના રૂપનો આધાર લઈએ છીએ તો વિદ્યા સાંપ્રદાયિક બની જાય છે. કોઈ શબ્દ અથવા સ્વરૂપ એક સંસ્કૃતિ, એક ધર્મ અથવા અન્ય કોઈ સંસ્કૃતિ અથવા ધર્મ સાથે ઓળખાશે, અને જુદા જુદા પૃષ્ઠભૂમિવાળા લોકો માટે તે અસ્વીકાર્ય થઈ શકે છે. દુખ એ સાર્વજનીન રોગ છે. આવા રોગનો ઉપાય સાંપ્રદાયિક ના હોઈ શકે; તે પણ સાર્વજનીન જ હોવો જોઈએ. શ્વાસની જાણકારી રાખવું આ આવશ્યકતાને પૂર્ણ કરે છે. શ્વાસ સૌ માટે સર્વ-સામાન્ય છે: તેની જાણકારી રાખવી સૌ માટે સ્વીકાર્ય હશે. માર્ગ પરનું દરેક પગલું સાંપ્રદાયિકતાથી સંપૂર્ણ મુક્ત હોવું જોઈએ.
શ્વાસ એક એવું સાધન છે જેનાથી પોતાના વિશેની સત્યની શોધખોળ કરી શકાય. ખરેખર તો, અનુભવના સ્તરે, આપણે આપણા શરીર વિશે ખૂબ નજીવું જાણીએ છીએ. આપણે ફક્ત તેના બાહ્ય દેખાવ, તેના વિવિધ બાહરી અંગો અને તેમના કામોને જ જાણીએ છીએ જેને આપણે સભાનપણે નિયંત્રિત કરી શકીએ છીએ. આપણે આપણા શરીરના આંતરિક અવયવો વિશે કંઈ જ જાણતા નથી જે આપણા નિયંત્રણની બહાર કાર્ય કર્યા કરે છે, જે કોશિકાઓમાંથી આખું શરીર બનેલું છે તેમના વિશે કઈં જ નહીં, અને જે દરેક ક્ષણે બદલાતા રહે છે. અસંખ્ય જીવ-રાસાયણિક અને વિદ્યુત-ચુંબકીય પ્રક્રિયાઓ આખા શરીરમાં સતત થતી રહે છે, પરંતુ આપણને તેમના વિશે કોઈ જ જ્ઞાન નથી.
આ માર્ગ પર, આપણા વિશે જે કંઈ પણ અજાણ્યું છે તેની આપણને જાણકારી થવી જોઈએ. આ હેતુ માટે શ્વાસની જાણકારી મદદ કરશે. તે જ્ઞાતથી અજ્ઞાત ક્ષેત્ર સુધીના પુલ તરીકે કામ કરે છે, કારણ કે શ્વાસ શરીરનું એક એવું કાર્ય છે જે સભાન અથવા બેભાન, ઇરાદાપૂર્વક અથવા સ્વચાલિત હોઈ શકે છે. આપણે સભાન, ઇરાદાપૂર્વક શ્વાસ સાથે પ્રારંભ કરીએ છીએ, અને કુદરતી, સામાન્ય શ્વાસની જાણકારી તરફ આગળ વધીએ છીએ. અને ત્યાંથી આપણે આપણા વિશેના વધુ સૂક્ષ્મ સત્યની જાણકારી તરફ આગળ વધીશું. દરેક પગલું વાસ્તવિકતા સાથેનું પગલું છે; દરરોજ આપણે આપણા વિશેની, આપણા શરીર અને મન વિશેની વધુ સૂક્ષ્મ સચ્ચાઈઓ શોધવા ઊંડા ઉતરીશું.
આજે આપણને શ્વાસના માત્ર શારીરિક કાર્યનું નિરીક્ષણ કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ સાથે સાથે, આપણે આપણા મનનું પણ નિરીક્ષણ કરી રહ્યા હતા, કારણ કે શ્વાસની પ્રકૃતિ આપણી માનસિક સ્થિતિ સાથે મજબૂત રીતે જોડાયેલી છે. જેવું કોઈ પણ અશુદ્ધતા, કોઈ પણ વિકાર, મન પર જાગે છે, શ્વાસ એની સ્વાભાવિક ગતિ ખોઈ દે છે; આપણો શ્વાસ થોડો ઝડપી, થોડો ભારે થઈ જાય છે. જ્યારે વિકારો દૂર થાય છે, શ્વાસ ફરીથી સ્વાભાવિક થઈ જાય છે. આમ શ્વાસ માત્ર શરીરની જ નહીં, પણ મનની વાસ્તવિકતાની શોધ કરવામાં મદદ કરી શકે છે.
મનની એક વાસ્તવિકતા, જેનો આપણે આજે અનુભવ કરવાનું શરૂ કર્યું છે, તે હંમેશા એક વિષયથી બીજા વિષયમાં ભટકવાની ટેવ છે. તે શ્વાસ પર અથવા ધ્યાનના કોઈ એક વિષય પર રહેવા માંગતું નથી: તેના બદલે તે વિચારોમાં ભાગ્યા કરે છે.
અને જ્યારે મન ભટકી જાય છે, ત્યારે ક્યાં જાય છે? આપણે આપણા અભ્યાસ દ્વારા જોયું છે કે તે ભૂતકાળમાં અથવા ભવિષ્યમાં ભટકી જાય છે. મનની આ ટેવ થઈ ગઈ છે; તે હાલની ક્ષણમાં રહેવા માંગતું નથી. ખરેખર તો આપણે વર્તમાનમાં જીવવાનું હોય છે. જે ભૂતકાળ છે તેને પાછું લાવી શકાતું નથી; જે ભવિષ્ય છે તે આપણી પહોંચની બહાર છે, જ્યાં સુધી તે વર્તમાન ના થઈ જાય. ભૂતકાળને યાદ રાખવું અને ભાવિ વિશે વિચારવું મહત્વપૂર્ણ છે, પરંતુ માત્ર એટલી હદે કે તેઓ આપણને વર્તમાન સાથેના વ્યવહારમાં મદદ કરે. છતાં તેની આ દૃઢ ટેવને લીધે, મન સતત વર્તમાન વાસ્તવિકતામાંથી ભૂતકાળ અથવા ભવિષ્યમાં ભાગી જવાનો પ્રયત્ન કરે છે; જે અલભ્ય છે, અને તેથી આ જંગલી મન વ્યાકુળ, દુઃખી રહે છે. આપણે અહીં જે વિદ્યા શીખી રહ્યા છીએ તેને જીવન જીવવાની કળા કહેવામાં આવે છે, અને જીવન ખરેખર ફક્ત વર્તમાનમાં જ જીવી શકાય છે. તેથી, પહેલું પગલું એ છે કે વર્તમાન ક્ષણમાં કેવી રીતે જીવવું તે શીખવું, મનને હાલની વાસ્તવિકતા પર રાખીને: શ્વાસ પર; કે જે અત્યારે નસકોરામાં પ્રવેશ કરે છે અથવા બહાર જાય છે. એ આ ક્ષણની વાસ્તવિકતા છે, જોકે ઉપરછલ્લી છે. જ્યારે મન ભટકી જાય છે, હસતાં હસતાં, કોઈપણ તણાવ વિના, આપણે એ હકીકત સ્વીકારીએ છીએ કે તેની જૂની ટેવની કારણે, તે ભટકી ગયું છે. જેવુ આપણને ખ્યાલ આવે છે કે મન ભટકી ગયું છે, કુદરતી રીતે, આપમેળે, તે શ્વાસની જાણકારી પર પાછું આવી જશે.
આપણે સરળતાથી મનની ભૂતકાળના અથવા ભવિષ્યના વિચારોમાં આળોટવાની વૃત્તિને ઓળખી લીધી. હવે એ જોઈએ કે આ વિચારો કયા પ્રકારના છે? આજે આપણે આપણા અનુભવ થી જોયું કે અમુક વાર વિચારો કોઈ ક્રમ વિના, માથા અથવા પગ વિના, ઉત્પન્ન થાય છે. આવી માનસિક વર્તણુંકને સામાન્ય રીતે ગાંડપણની નિશાની તરીકે માનવામાં આવે છે. હવે, જો કે, આપણે બધાએ જોયું કે આપણે પણ અજ્ઞાનતા, ભ્રાંતિ, મોહ-મૂઢતા માં ખોવાએએલા એવા જ પાગલ છીએ. અને જ્યારે વિચારો એક ક્રમમાં હોય છે ત્યારે પણ તેમનો વિષય કઇં સુખદ અથવા કઇં દુખદ, અપ્રિયનો હોય છે. જો તે સુખદ છે, તો આપણે લાલસાની પ્રતિક્રિયા શરૂ કરીએ છીએ જે તૃષ્ણા, આસક્તિ (રાગ) માં વિકસે છે. જો તે દુખદ,અપ્રિય હોય, તો આપણે અણગમાની પ્રતિક્રિયા શરૂ કરીએ છીએ જે ધિક્કાર, ઘૃણા (દ્વેષ) માં વિકસે છે. મન સતત અજ્ઞાનતા, રાગ અને દ્વેષ થી ભરેલું રહે છે. બાકી બધી અશુદ્ધિઓ આ ત્રણ મૂળભૂતથી ઉત્પન્ન થાય છે, અને દરેક અશુદ્ધિ આપણને દુખી બનાવે છે.
આ વિદ્યાનું લક્ષ્ય મનને શુદ્ધ કરવું છે, ધીમે ધીમે અંદરની નકારાત્મકતાઓને નાબૂદ કરી તેને દુખમાંથી મુક્ત કરવાનું છે. આ પોતાના અંતરમનના ઊંડાણની અંદરનું એક ઑપરેશન છે જે ત્યાં છુપાએલી ગૂંચવણોને ખુલ્લી પાડવા અને દૂર કરવા માટે કરવામાં આવે છે. વિદ્યાના પહેલા પગલાંએ પણ મનને શુદ્ધ કરવું જોઈએ, અને એવું જ થાય છે: શ્વાસની જાણકારી દ્વારા, આપણે મનને માત્ર કેન્દ્રિત કરવાનું જ નહીં, પણ તેને શુદ્ધ કરવાનું પણ શરૂ કરીએ છીએ. કદાચ આજે દિવસ દરમ્યાન ફક્ત થોડીક ક્ષણો એવી હતી જ્યારે આપણું મન આપણા શ્વાસ પર પૂરું કેન્દ્રિત હતું, પરંતુ આવી દરેક ક્ષણ મનની ટેવ બદલવામાં ખૂબ શક્તિશાળી હોય છે. તે ક્ષણે, આપણે વર્તમાન વાસ્તવિકતા, નસકોરામાં થી આવતા જતા શ્વાસ, પ્રત્યે સજગ હોઈએ છીએ, કોઈ ભ્રમણા વિના. અને આપણે વધુ શ્વાસ માટે ના લાલસા જગાડી શકીએ, અથવા ના તેના પ્રત્યે ઘૃણા કરી શકીએ: આપણે તેના પ્રત્યે પ્રતિક્રિયા કર્યા વગર ફક્ત એની જાણકારી રાખીએ છીએ. આવી ક્ષણમાં, મન ત્રણ મૂળભૂત અશુદ્ધિઓથી મુક્ત હોય છે, જેનો અર્થ છે, તે શુદ્ધ છે. સભાન સ્તરે શુદ્ધતાની આ ક્ષણ અંતરમનમાં સંચિત જૂની અશુદ્ધિઓ પર તીવ્ર અસર કરે છે. આ સકારાત્મક અને નકારાત્મક શક્તિઓના સંપર્કથી વિસ્ફોટ થાય છે. અંતરમનમાં છુપાયેલી કેટલીક અશુદ્ધિઓ સભાન સ્તર પર આવે છે, અને વિવિધ માનસિક અથવા શારીરિક અસુવિધાઓ તરીકે પ્રગટે છે.
જ્યારે કોઈ આવી પરિસ્થિતિનો સામનો કરે છે, ત્યારે બેચેન થઇ જવાનું જોખમ રહેલું છે, અને મુશ્કેલીઓ વધે છે. જો કે, એ સમજવું ડહાપણ છે કે, જે સમસ્યા જેવું લાગે છે તે, ખરેખર, ધ્યાનમાં સફળતાની નિશાની છે, એક સંકેત કે હકીકતમાં વિદ્યાએ કામ કરવાનું શરૂ કર્યું છે. બેભાન અવસ્થાને તોડવાનું કામ શરૂ થઈ ગયું છે, અને ત્યાં છુપાયેલો અમુક પરુ આ ઘામાંથી બહાર આવવા લાગ્યો છે. જો કે પ્રક્રિયા અપ્રિય છે, પરંતુ પરુ માં થી છૂટકારો મેળવવાનો આ એકમાત્ર રસ્તો છે, અશુદ્ધિઓને દૂર કરવું. જો આપણે યોગ્ય રીતે કામ કરવાનું ચાલુ રાખીએ છીએ તો આ બધી મુશ્કેલીઓ ધીમે ધીમે ઓછી થતી જાય છે. આવતી કાલ થોડી સરળ હશે, અને પછીનો દિવસ હજુ વધુ સરળ. થોડું થોડું કરીને, બધી સમસ્યાઓ દૂર થઈ જશે, જો આપણે કામ કરતા રહીએ છીએ તો.
આપણા માટે બીજું કોઈ કામ કરી શકશે નહીં; આપણે જાતે જ કામ કરવું પડશે. આપણે જ આપણી અંદર વાસ્તવિકતાનું અન્વેષણ કરવું પડશે. આપણે જ આપણી જાતને મુક્ત કરવી પડશે.
કેવી રીતે કામ કરવું તે સંબંધી અમુક સલાહ:
ધ્યાનના સમયે, હંમેશાં અંદર ધ્યાન કરીશું. બહાર ખુલ્લામાં ધ્યાન નહીં કરીએ. જો ખુલ્લા માં બહાર પ્રકાશ અને પવનના સીધા સંપર્કમાં ધ્યાન કરવાનો પ્રયત્ન કરીશું, તો આપણે અંતરમનના ઊંડાણ સુધી પહોંચ નહીં બનાવી શકીએ. વિરામ દરમિયાન બહાર જઇ શકાશે.
આપણે શિબિર પરિસરની મર્યાદામાં જ રહેવાનું છે. આપણે આપણા મનનું ઓપરેશન કરી રહ્યા છીએ; ઓપરેશન રૂમમાં જ રહીએ.
આપણે દૃઢ સંકલ્પ કરવાનો છે કે શિબિરની પૂરી અવધિ દરમ્યાન અહીં જ રહીશું, પછી ભલે ને ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. જો ઑપરેશન દરમ્યાન સમસ્યાઓ ઊભી થાય, તો આ દૃઢ સંકલ્પને યાદ કરીશું. શિબિરની વચ્ચે છોડીને જવું આપણા માટે હાનિકારક થઈ શકે છે.
તેવી જ રીતે, આપણે બધા જ શિસ્ત અને નિયમોનું પાલન કરવાનો દૃઢ નિશ્ચય કરીએ, જેમાં સૌથી મહત્વપૂર્ણ મૌનનો નિયમ છે. સમયપત્રકનું પાલન કરવાનો પણ સંકલ્પ કરીએ, અને ખાસ કરીને દરરોજ હૉલમાં થનારી ત્રણ એક-એક કલાકની સામૂહિક સાધનાની બેઠકો માટે.
આપણે અતિશય ખોરાક, આળસ કે સુસ્તી માં ડૂબી જવું અને બિનજરૂરી વાતો કરવી જેવા જોખમોને ટાળીશું.
આપણને જેમ કહેવામાં આવ્યું છે તે જ રીતે કામ કરીશું. આપણે આ પહેલાં બીજે જે કઇં વાંચ્યું કે શીખ્યું હોય તેને શિબિર દરમ્યાન બાજુ પર મુકીશું, તેની નિંદા કર્યા વિના. બે પ્રકારની વિદ્યાઓનું મિશ્રણ ખૂબ જ જોખમી છે. જો કોઈ મુદ્દો સ્પષ્ટ ના થતો હોય તો માર્ગદર્શક પાસે સ્પષ્ટતા લઈશું. પણ આ વિદ્યાને નિષ્ઠાપૂર્વક અજમાવી જોઇશું; એમ કરવાથી વિદ્યાના અદ્ભુત પરિણામોનો લાભ લઈ શકીશું.
આ સમયનો, તકનો અને વિદ્યાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી પોતાને રાગ, દ્વેષ અને મોહ-મૂઢતાના બંધનો થી મુક્ત કરીએ અને વાસ્તવિક શાંતિ, વાસ્તવિક સૌહાર્દ, વાસ્તવિક સુખનો આનંદ માણીએ.
સૌ વાસ્તવિક સુખ પામે.
સૌ સુખી થાઓ! સૌનું મંગળ થાઓ!