વિપશ્યના
સયાજી ઉ બા ખિનની પરંપરામાં
સાધના
આચાર્ય ગોયન્કાજી દ્વારા શીખવવામાં આવતી વિપશ્યના સાધના
દિવસ દસ પ્રવચન
પદ્ધતિનું પુનરાવલોકન
દસ દિવસ પૂરા થયા. આપણે પુનરાવલોકન કરીએ કે તમે આ દસ દિવસમાં શું કર્યું. તમે તમારું કામ ત્રિરત્નમાં શરણ લઈને શરૂ કર્યું, એટલે કે, બુદ્ધની શરણ, ધર્મની શરણ, સંઘની શરણ. આવું કરવાથી તમને એક સંગઠિત સાંપ્રદાયિક ધર્મમાંથી બીજા સંગઠિત સાંપ્રદાયિક ધર્મમાં પરિવર્તિત નહોતા કરવામાં આવી રહ્યા. વિપશ્યનામાં રૂપાંતર દુખમાંથી સુખમાંનું જ છે, અજ્ઞાનતામાંથી જ્ઞાનનું જ છે, બંધનમાંથી મુક્તિનું જ છે. આખી શિક્ષા સાર્વજનીન છે. તમે વ્યક્તિની, અંધવિશ્વાસની, અથવા સંપ્રદાયની શરણ નહોતી ગ્રહણ કરી, પણ બોધિના ગુણોની શરણ લીધી હતી. જે કોઈ બોધિનો રસ્તો શોધી કાઢે છે તે બુદ્ધ છે. જે રસ્તો તે શોધે છે તેને ધર્મ કહેવાય છે. જે બધા આ રસ્તા પર ચાલે છે અને સંત અવસ્થા પ્રાપ્ત કરે છે તેઓ સંઘ કહેવાય છે. આવા વ્યક્તિઓથી પ્રોત્સાહન પ્રાપ્ત કરી, મનની શુદ્ધિકરણનું એવું જ લક્ષ્ય પ્રાપ્ત કરવા આપણે બુદ્ધ, ધર્મ, અને સંઘની શરણ ગ્રહણ કરીએ છીએ. શરણ ખરેખર તો બોધિના સર્વવ્યાપી ગુણની છે જે આપણે આપણામાં વિકસાવવાનો પ્રયત્ન કરીએ છીએ.
એની સાથે સાથે, કોઈ પણ વ્યક્તિ જે ધર્મના માર્ગ પર પ્રગતિ કરે છે એનામાં કૃતજ્ઞતાનો ભાવ જાગશે અને વળતરમાં કઈં પામવાની ઇચ્છા વિના બીજાઓની સેવા કરવાનો ભાવ પણ જાગશે. ઐતિહાસિક બુદ્ધ, સિદ્ધાર્થ ગૌતમમાં આ બે ગુણો નોંધપાત્ર હતા. એમણે પૂર્ણ રીતે પોતાના જ પુરુષાર્થથી બોધિત્વ પ્રાપ્ત કર્યું હતું. એમ હોવા છતાં, બધા પ્રાણીઓ પ્રત્યે કરુણા રાખી, એમણે શોધેલી પદ્ધતિ બીજાઓને શીખવાડવાનો રસ્તો અપનાવ્યો.
જેઓ આ પદ્ધતિનો અભ્યાસ કરે છે અને જેઓ થોડા ઘણા અંશે પણ અહંના જૂના સ્વભાવનું ઉન્મૂલન કરે છે તે સૌ માં સરખાજ ગુણો દેખાશે. સાચી શરણાગતિ, સાચું રક્ષણ તમે જે તમારામાં ધર્મ વિકસાવો છો તેનું છે. તેમ છતાંય, ધર્મના અનુભવ સાથે સાથે, ગૌતમ બુદ્ધ પ્રત્યે આ પદ્ધતિ શોધવા માટે અને તેને શીખવવા માટે કૃતજ્ઞતાનો ભાવ જાગશે જ, અને તે સૌ માટે પણ કૃતજ્ઞતાનો ભાવ જેમણે પચ્ચીસ સદીઓથી આજ દિન સુધી શિક્ષાને મૌલિક શુદ્ધ રૂપમાં સાચવી રાખવા ખૂબ નિઃસ્વાર્થ ભાવથી મહેનત કરી.
આ સમજ સાથે તમે ત્રણ રત્નોમાં શરણ લીધી.
ત્યારબાદ તમે પાંચ શીલ લીધાં. આ કોઈ ધાર્મિક વિધિ કે કર્મ-કાંડ નહોતાં. શીલનું પાલન કરવાનો સંકલ્પ કરી અને તેનું પાલન કરી તમે શીલ, સદાચારનો અભ્યાસ કર્યો, જે આ પદ્ધતિની આધાર-શીલા છે. મજબૂત આધાર-શીલા વિના ધ્યાનનું આખું માળખું નબળું પડી જશે. શીલ સાર્વજનીન અને બિનસાંપ્રદાયિક પણ છે. તમે પ્રતિજ્ઞા કરી કે એવા બધા, કાયિક કે વાચિક કર્મો, જેનાથી બીજાઓની શાંતિ, સૌહાર્દ ભંગ થતાં હોય તેનાથી દૂર રહેશો. જે આ સદાચારનો ભંગ કરે છે તેણે પહેલાં મન પર ખૂબ વિકાર જગાડવો પડે છે, જેનાથી તેના પોતાના શાંતિ અને સૌહાર્દ નાશ પામે છે. મનના સ્તર પર જાગેલો વિકાર વધે છે અને વાણી કે વર્તનથી બહાર આવે છે. વિપશ્યનામાં તમે મનની સફાઈ કરવાનો પ્રયત્ન કરો છો જેથી એ સાચા અર્થમાં શાંતિ અનુભવ કરી શકે. જ્યાં સુધી તમે એવા કૃત્યો કરતા રહો જે મનને વ્યાકુળ કરવાનું અને વિકૃત કરવાનું ચાલુ રાખે ત્યાં સુધી તમે મનનું શુદ્ધિકરણ ના કરી શકો.
પણ કેવી રીતે તમે આ દુશ્ચક્રમાં થી બહાર આવશો જેમાં આ વ્યાકુળ મન એવા અકુશળ કર્મો કર્યા કરે છે જે વ્યાકુળતા વધારતા જાય છે? વિપશ્યનાની શિબિર તમને એનો એક મોકો આપે છે. શિબિરની ભારે સમય સારણી, કડક નિયમો, આર્ય-મૌનનું વ્રત, અને સકારાત્મક વાતાવરણ, આ બધાને કારણે બહુ ઓછી એવી શક્યતા છે કે તમે કોઈ શીલ ભંગ કરો. આવી રીતે દસ દિવસ દરમ્યાન તમે શીલ નું પાલન કરી શકો છો, અને આ આધાર સાથે સમાધિ ને વિકસાવી શકો છો; અને એના બદલામાં આ પ્રજ્ઞા માટે આધાર બની જાય છે, જેના થકી તમે અંતરમનના ઊંડાણ સુધી પહોંચ બનાવી એને શુદ્ધ કરી શકો છો.
શિબિર દરમ્યાન તમે પાંચ શીલનું પાલન કરવાનું વ્રત લીધું જેથી તમે આ વિદ્યા શીખી શકો. એને શીખીને, જે કોઈ ધર્મનો સ્વીકાર કરી એનો અભ્યાસ કરવાનું નક્કી કરે છે, એણે જીવનભર શીલનું પાલન કરવાનું હોય છે.
એ પછી તમે શિબિરના દસ દિવસ પૂરતું બુદ્ધ અને તમારા વર્તમાન આચાર્ય પ્રત્યે આત્મ સમર્પણ કર્યું. આ સમર્પણ આ પદ્ધતિની નિષ્પક્ષ અજમાયશ કરવાના હેતુથી કર્યું હતું. ફક્ત એવા જ લોકો જે આવી રીતે આત્મ સમર્પણ કરે છે તેઓ જ પૂરા પુરુષાર્થ થી કામ કરી શકે છે. જે કોઈ શંકાઓ અને સંશયથી ભરાયેલા છે તેઓ બરાબર કામ નહીં કરી શકે. તેમ છતાંય, સમર્પણનો અર્થ આંધળી શ્રદ્ધાનો નથી; એને ધર્મથી કાંઇ લેવા દેવા નથી. જો મનમાં કોઈ સંશય જાગ્યો તો તમને પ્રોત્સાહન આપવામાં આવ્યું કે આચાર્યને જરૂર હોય એટલી વાર સ્પષ્ટતા માટે મળો.
આત્મ-સમર્પણ શિબિરના નિયમો અને સમય સારણી પ્રત્યે પણ હતું. આ નિયમો હજારો સાધકોના અનુભવના આધારે તૈયાર કરવામાં આવ્યા છે, તમને નિરંતર કામ કરવા સક્ષમ બનાવવા જેથી આ દસ દિવસોનો સૌથી વધુ લાભ લઈ શકાય.
આત્મ સમર્પણ કરી તમે સ્વીકાર્યું કે જેમ તમને કહેવામાં આવશે એવી જ રીતે કામ કરશો. અગાઉ તમે જે પદ્ધતિઓનો અભ્યાસ કરતા રહ્યા હોય, શિબિરની અવધિ દરમ્યાન તે એક બાજુ પર મૂકવા તમને કહેવામાં આવ્યું. શિબિર દરમ્યાન ફક્ત એક આનો જ અભ્યાસ સરખી રીતે કરીને તમે લાભ મેળવી શક્યા અને પદ્ધતિનો સાચા અર્થમાં મર્મ સમજી શક્યા. બીજી બાજુ પદ્ધતિઓનું મિશ્રણ તમને ગંભીર સમસ્યાઓ તરફ લઈ જઇ શકત.
ત્યાર બાદ મન પર કાબૂ (એકાગ્રતા-- સમાધિ) મેળવવા માટે, તમે તમારું કામ આનાપાન ધ્યાનનો અભ્યાસ કરીને શરૂ કર્યું. તમને ફક્ત, સ્વાભાવિક શ્વાસની જાણકારી રાખવાનું કહેવામાં આવ્યું; કોઈ શબ્દ, રૂપ, અથવા આકૃતિ જોડ્યા વગર. આ પ્રતિબંધનું એક કારણ આ પદ્ધતિના સાર્વજનીન ગુણને જાળવવાનું હતું: શ્વાસ સર્વસામાન્ય છે અને સૌ માટે સ્વીકાર્ય છે, પણ કોઈ શબ્દ કે આકૃતિ અમુક લોકોને સ્વીકાર્ય હોય અને બીજાઓને ના હોય.
ફક્ત શ્વાસની જાણકારી રાખવા પાછળ હજુ એક વધુ મહત્ત્વપૂર્ણ કારણ પણ છે. આખી પ્રક્રિયા પોતાના વિષે સત્યની શોધ છે, મન અને શરીરના માળખા વિષે જેવાં છે તેવાં, તમે એને જેવું ઇચ્છો તેવું નહીં. આ વાસ્તવિકતાની તપાસ છે. તમે બેસો અને તમારી આંખો બંધ કરો. કોઈ અવાજ નથી, બહારનો કોઈ વિક્ષેપ નથી, શરીરનું કોઈ હલનચલન નથી. તે ક્ષણે તમારી અંદર સૌથી પ્રમુખ પ્રવૃત્તિ શ્વાસ છે. આ હકીકતને જાણતાં તમે શરૂઆત કરો છો: સ્વાભાવિક શ્વાસ, જેમ એ નાસિકામાં આવે છે અને જાય છે. જ્યારે તમે શ્વાસ નહોતા જાણી શકતા, તમને થોડું જોરથી શ્વાસ લેવાની છૂટ હતી, તમારા ધ્યાનને નાકના ક્ષેત્રમાં સ્થિર કરવા પૂરતું જ, ત્યારબાદ ફરી એકવાર તમે સહજ, સ્વાભાવિક, ધીમા શ્વાસ પર પાછા આવી ગયા. તમે આ સ્થૂળ, ભાસમાન સત્ય થી શરૂઆત કરી અને ત્યાંથી આગળ વધ્યા; ઊંડાણમાં, પરમાર્થ સત્યની સૂક્ષ્મ સચ્ચાઈઓ તરફ. આખા રસ્તામાં, દરેક પગલા ઉપર, તમે સચ્ચાઈની સાથે રહો છો જે તમે ખરેખર અનુભવ કરો છો, સૌથી સ્થૂળથી સૌથી સૂક્ષ્મ તરફ. કલ્પના સાથે શરૂ કરી તમે પરમાર્થ સત્ય સુધી ના પહોંચી શકો. તમે ફક્ત વધારે ને વધારે કલ્પનાઓમાં, સ્વ-છેતરપિંડીમાં ફસાઈ જશો.
જો તમે શ્વાસના આલંબન સાથે કોઈ શબ્દ જોડ્યો હોત, તો તમે મનને જલ્દી એકાગ્ર કરી લીધું હોત, પણ એમ કરવામાં જોખમ હતું. દરેક શબ્દની એક ખાસ તરંગ હોય છે. કોઈ શબ્દ અથવા પદ ને વારંવાર બોલવાથી, આપણે કૃત્રિમ તરંગોનું નિર્માણ કરીએ છીએ જેમાં આપણે ડૂબી જઈએ છીએ. મનના ઉપરના સ્તર પર શાંતિ અને સૌહાર્દની એક પડ તૈયાર થાય છે, પણ ઊંડાણમાં તો ગંદગીઓ ભરેલી છે. ઊંડાણમાં ભરેલી આ ગંદગીઓ થી છૂટકારો પામવાનો એક જ રસ્તો છે, એમને જાણવાનું શિખીએ, કેવી રીતે તેમને સપાટી ઉપર લાવવી જેથી તે નીકળી જાય. જો કોઈ વ્યક્તિ એક ખાસ પ્રકારની તરંગને જ જાણે છે, તો તે પોતાની ગંદગીઓ સાથે જોડાએલી વિવિધ પ્રકારની કુદરતન તરંગો ને નહીં જાણી શકે, એટલે કે, શરીરમાં કુદરતન ઉત્પન્ન થતી સંવેદનાઓને જાણવું. એટલા માટે, જો કોઈ વ્યક્તિનો હેતુ પોતાના વિષે સચ્ચાઈ શોધવાનો અને મનને શુદ્ધ કરવાનો છે, તો કાલ્પનિક શબ્દનો ઉપયોગ અડચણો ઉત્પન્ન કરી શકે છે.
એવી જ રીતે, કાલ્પનિક દૃશ્યો જોવાં - મનમાં જ કોઈ આકૃતિ કે રૂપનું ચિત્રણ કરવું – પ્રગતિમાં બાધક બની શકે છે. આ પદ્ધતિ ભાસમાન સત્યને ઓગાળવાની દિશા તરફ લઈ જાય છે જેથી પરમાર્થ સત્ય સુધી પહોંચી શકાય. ભાસમાન, સંશલિષ્ઠ સત્ય હમેશા ભ્રમણાઓ થી ભરેલું હોય છે, કારણ કે આ સ્તર પર સંજ્ઞા કામ કરે છે, સમજ કામ કરે છે જે ભૂતકાળની પ્રતિક્રિયાઓથી વિકૃત હોય છે. આ ટેવાયેલી સમજ (સંજ્ઞા) તફાવત કરે છે અને ભેદભાવ કરે છે, જેમાંથી પસંદ-નાપસંદ ઊભાં થાય છે, નવી પ્રતિક્રિયાઓ થાય છે. પણ ભાસમાન સચ્ચાઈના ટુકડા ટુકડા કરીને, આપણે ધીમે ધીમે માનસિક અને શારીરિક માળખાની પરમાર્થ સચ્ચાઈને અનુભવથી જાણી શકીએ છીએ: બીજું કઇં નથી પણ ફક્ત તરંગો જ તરંગો છે, દરેક ક્ષણે ઉત્પન્ન થઈ નાશ પામે છે. આ અવસ્થામાં કોઈ તફાવત શક્ય નથી, અને તેના કારણે કોઈ પસંદ-નાપસંદ ઉત્પન્ન નથી થઇ શકતા, કોઈ પ્રતિક્રિયા નહિઁ. આ પદ્ધતિ ધીમે ધીમે ટેવાયેલી સંજ્ઞા ને નબળી પાડે છે, જે આપણને એ અવસ્થા તરફ લઈ જાય છે જ્યાં સંજ્ઞા અને સંવેદના બંધ થઈ જાય છે, એટલે કે, નિર્વાણનો અનુભવ. પણ જાણીજોઈને કોઈ આકૃતિ, રૂપ, અથવા દૃશ્ય ને મહત્ત્વ આપીએ તો આપણે ભાસમાન, સંશલિષ્ઠ સચ્ચાઈ સ્તર પર રોકાઈ જઈએ છીએ અને એની આગળ નથી વધી શકતા. આ કારણ થી, ના તો કલ્પનાને (દૃશ્યને), ના તો શબ્દોને કોઈ સ્થાન આપીએ છીએ.
કુદરતન શ્વાસની જાણકારી દ્વારા મનને એકાગ્ર કરીને, તમે વિપશ્યના ધ્યાનનો અભ્યાસ પ્રજ્ઞા વિકસાવા માટે શરૂ કરી દીધો, પ્રજ્ઞા એટલે – પ્રત્યક્ષ જ્ઞાન, તમારા સ્વભાવને સ્વાનુભૂતિ, આંતરદૃષ્ટિ, થી જાણી કેળવેલું જ્ઞાન, જે મનનું શુદ્ધિકરણ કરે છે. માથા થી પગ સુધી, સપાટી ઉપર શરૂ કરી અને પછી ઊંડાણમાં ઉતરી, સંવેદનાઓને બહાર, અંદર અનુભવ કરવાનું શીખતાં, શરીરના દરેક ભાગમાં, તમે શરીરમાં થતી કુદરતન સંવેદનાઓને જાણવાનું શરૂ કર્યું.
કોઈ પૂર્વધારણા વિના, ભાસમાન સત્યના ટુકડા કરીને પરમાર્થ સત્ય સુધી પહોંચવા, સચ્ચાઈને જેવી છે તેવી જાણવું – આ છે વિપશ્યના. ભાસમાન સત્યના ટુકડા કરવાનો હેતુ સાધકને “હું” ની ભ્રમણામાં થી બહાર આવવા સક્ષમ બનાવવાનો છે. આપણા બધા રાગ – દ્વેષ ના મૂળમાં આ ભ્રમણા છે, અને વિશાળ દુખ તરફ લઈ જાય છે. કોઈ બૌદ્ધિક સ્તરે સ્વીકાર કરી લે કે આ ભ્રમણા છે, પણ આ સ્વીકાર કરવું દુખનો અંત કરવા પર્યાપ્ત નથી. ધાર્મિક (સાંપ્રદાયિક) અથવા દાર્શનિક શ્રદ્ધાઓ હોવા છતાંય, જ્યાં સુધી અહંનો સ્વભાવ રહે છે, આપણે દુખી રહીએ છીએ. આ ટેવને તોડવા, આપણે માનસિક અને શારીરિક પ્રક્રિયાનો અર્થહીન, સતત બદલાતો, આપણા કાબુની બહારના સ્વભાવનો સીધો અનુભવ કરવો પડશે. ફક્ત આ અનુભવ જ રાગ – દ્વેષ થી બહારના રસ્તા પર, દુખ થી બહાર લઈ જતાં અહંને ઓગાળી શકશે.
એટલા માટે આ પદ્ધતિ પોતાના સીધા અનુભવથી આ પ્રક્રિયા જેને આપણે “હું, મારું” કહીએ છીએ તેના સાચા સ્વભાવની શોધ છે. આ પ્રક્રિયાના બે પાસાં છે: ભૌતિક અને માનસિક, શરીર અને મન. સાધક શરીરની સચ્ચાઈનું નિરીક્ષણ (અનુભવ) કરવાથી શરૂ કરે છે. આ સચ્ચાઈનો સીધો અનુભવ કરવા, આપણે શરીરનો અનુભવ કરવો જોઈએ, એટલે કે, આખા શરીરમાં થતી સંવેદનાઓ પ્રત્યે સજગ હોવું જોઈએ. એમ શરીરના અનુભવ કાયાનુપશ્યના-- માં અનિવાર્યપણે સંવેદનાઓનું નિરીક્ષણ સમાયેલ છે- વેદનાનુપશ્યના. એવી જ રીતે, આપણે મનની સચ્ચાઈનો અનુભવ મનમાં જે જાગે છે તેનાથી અલગ ના કરી શકીએ. એમ મનના અનુભવ -- ચિત્તાનુપશ્યના- - માં અનિવાર્યપણે મન પર જે જાગે છે તેનું નિરીક્ષણ સમાયેલ છે -- ધમ્માનુપશ્યના.
એનો અર્થ એવો નથી કે આપણે એક-એક વિચારને નિહાળવા જોઈએ. જો તમે એમ કરવાનો પ્રયત્ન કરશો, તો તમે વિચારોમાં લોટ-પલોટ કરવાનું ચાલુ કરશો. તમારે ફક્ત આ ક્ષણમાં મનના સ્વભાવ પ્રત્યે સજગ રહેવાનુ છે; કાં તો રાગ, દ્વેષ, અવિદ્યા, કાં તો વ્યાકુળતા, છે કે નથી. અને મનમાં જે કઈં પણ જાગે છે, તેની સાથે શરીરમાં સંવેદના થાય છે- બુદ્ધે આ શોધી કાઢ્યું. એટલા માટે, સાધક આ “હું” ની પ્રક્રિયાનું માનસિક પાસું કે શારીરિક પાસું શોધી રહ્યો હોય, સંવેદનાની જાણકારી તો મહત્ત્વપૂર્ણ છે.
આ શોધ બુદ્ધનું અદ્વિતીય યોગદાન છે, એમની શિક્ષાનો કેંદ્રીય સાર છે. એમના પહેલાં ભારતમાં અને એમના સમકાલીન આચાર્યોમાં, એવા ઘણા હતા જેઓ શીલ અને સમાધિ શીખવતા અને અભ્યાસ કરતા હતા. પ્રજ્ઞા નું પણ અસ્તિત્વ હતું, નહીં તોયે ભક્તિભાવનું અથવા બૌદ્ધિક સ્તરનું જ્ઞાન: એ સામાન્યરૂપે સ્વીકારવામાં આવતું કે દુખનું મૂળ મનના વિકારો છે; અને મનના શુદ્ધિકરણ માટે અને મુક્તિ પામવા માટે રાગ અને દ્વેષ નું ઉન્મૂલન કરવું જોઈએ. બુદ્ધે ફક્ત એ કરવાનો માર્ગ શોધી કાઢ્યો.
જેનો અભાવ હતો એ હતું સંવેદનાના મહત્ત્વ ની સમજ. ત્યારે પણ, અત્યારની જેમ, સામાન્ય રીતે એવું વિચારાતું કે આપણી પ્રતિક્રિયાઓ ઇંદ્રિયોના બહારના વિષયો - દૃશ્ય, અવાજ, ગંધ, સ્વાદ, સ્પર્શ, ચિંતન પ્રત્યે છે. પરંતુ, અંદરની સચ્ચાઈનું નિરીક્ષણ એ ઉજાગર કરે છે કે વિષય અને પ્રતિક્રિયા વચ્ચે એક ખૂટતી કડી છે: સંવેદના. કોઈ પણ વિષયનો એનાથી લગતી ઇંદ્રિય દ્વાર પરનો સ્પર્શ સંવેદના ઉત્પન્ન કરે છે; સંજ્ઞા એનું સકારાત્મક અથવા નકારાત્મક મૂલ્યાંકન આપે છે, અને એના અનુસાર સંવેદના સુખદ કે દુખદ લાગે છે, અને આપણે રાગ અથવા દ્વેષની પ્રતિક્રિયા કરીએ છીએ. આ કાર્યવાહી એટલી ઝડપી ગતિથી થાય છે કે આની સભાન જાગરુકતા ત્યારે જ થાય છે જ્યારે પ્રતિક્રિયા ઘણી વાર થઈ ચૂકી હોય છે; અને ખતરનાક બળ ભેગું કરી લીધું હોય છે, જે માનસ પર હાવી થઈ જવા પૂરતું હોય છે. પ્રતિક્રિયાઓને યોગ્ય પ્રતિભાવ આપવા માટે, જે બિંદુ પર તે શરૂ થાય છે ત્યાં આપણી સજગતા હોવી જોઈએ; પ્રતિક્રિયા સંવેદના પર શરૂ થાય છે, અને એટલા માટે આપણે સંવેદનાઓ પ્રત્યે જાગરૂક હોવું જોઈએ. આ સચ્ચાઈની શોધે, જેની એમના પહેલાં કોઈને જાણ નહોતી, સિદ્ધાર્થ ગૌતમને બોધિત્વ પ્રાપ્ત કરવા સક્ષમ કર્યા, અને આ કારણ થી જ એમણે હમેશા સંવેદનાના મહત્ત્વ પર ભાર મૂક્યો. સંવેદના રાગ અને દ્વેષની પ્રતિક્રિયાઓ તરફ લઈ જઇ શકે છે અને તેથી દુખ તરફ, પરંતુ સંવેદના જ્ઞાન તરફ પણ લઈ જઈ શકે છે જેનાથી આપણે પ્રતિક્રિયા કરવાનું બંધ કરીએ છીએ અને દુખમાં થી બહાર નીકળવાનું શરૂ કરીએ છીએ.
વિપશ્યનામાં કોઈ પણ અભ્યાસ જે સંવેદના પ્રત્યે જાગરુકતા માં ખલેલ પહોંચાડે છે એ હાનિકારક છે; પછી એ કોઈ શબ્દ અથવા આકૃતિ પરની એકાગ્રતા હોય, અથવા ફક્ત શરીરના ભૌતિક હલનચલનને કે મન પર જાગતા વિચારોને ધ્યાન આપવાનું હોય. તમે દુખનું ઉન્મૂલન ત્યાં સુધી નથી કરી શકતા જ્યાં સુધી તમે એના ઉદ્ગમ સ્થાન, સંવેદના સુધી નથી પહોંચતા.
વિપશ્યનાની પદ્ધતિને બુદ્ધ દ્વારા સતિપટ્ઠાન સૂત્ર, "જાગરૂકતામાં સ્થાપિત થવા ઉપદેશ" માં સમજાવવામાં આવી છે. આ ઉપદેશ પદ્ધતિના જુદા જુદા પાસાં ની તપાસ કરતા વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે; શરીર, સંવેદના, મન અને મન પર જાગતા ધર્મોનું નિરીક્ષણ. તેમ છતાંય, ઉપદેશના દરેક વિભાગ કે પેટા વિભાગ એક સરખા શબ્દોથી પૂરા થાય છે. જુદા જુદા બિંદુ હોઈ શકે છે જ્યાંથી અભ્યાસ ચાલુ કરી શકાય; પરંતુ કોઈ પણ શરૂઆતનું સ્થાન હોય, સાધકે અંતિમ લક્ષ્યના માર્ગ પર અમુક અનુભવો, અમુક સ્ટેશન, માં થી પસાર થવાનું હોય છે. વિપશ્યનાના અભ્યાસમાં મહત્ત્વપૂર્ણ એવા આ અનુભવોનું દરેક વિભાગના અંતમાં આપેલા વાકયોમાં વારંવાર વર્ણન કરવામાં આવ્યું છે
આવું પહેલું સ્ટેશન એ છે જેમાં આપણે ઉત્પન્ન થવું (સમુદય) અને પસાર થવું (વ્યય) અલગ અલગ અનુભવ કરીએ છીએ. આ અવસ્થામાં સાધક સંગઠિત, એકીકૃત સચ્ચાઈને શરીરમાં થતી ઘનીભૂત સંવેદનાઓના રૂપ માં જાણે છે. આપણે સંવેદનાને જાણી રહ્યા છીએ, કદાચ પીડાના રૂપમાં, એના ઉત્પન્ન થવાને. થોડા સમય માટે રહેતી હોય એવું લાગે છે અને આખરકારે એ જતી રહે છે.
આ સ્ટેશન થી આગળ જતાં, આપણે સમુદય-વ્યય ની અવસ્થામાં ઊતરીએ છીએ, જેમાં આપણે ઉત્પન્ન થવાને અને પસાર થવાને એકી સાથે જાણીએ છીએ, એમના વચ્ચે કોઈ અંતરાલ વિના. સ્થૂળ, ઘનીભૂત, એકીકૃત સંવેદનાઓ સૂક્ષ્મ તરંગોમાં ઓગળવા લાગે છે, ઘણી તીવ્રતાથી ઉત્પન્ન થઈ નાશ પામે છે, અને માનસિક-શારીરિક માળખાની સઘનતા ચાલી જાય છે. સઘન, એકીકૃત ભાવાવેશ અને સઘન, એકીકૃત સંવેદનાઓ બંને ઓગળીને કેવળ તરંગો રહી જાય છે. આ અવસ્થા ભંગ-- પૂર્ણ વિચ્છેદની છે, જેમાં આપણે મન અને શરીરના પરમાર્થ સત્યને અનુભવ કરીએ છીએ: સતત ઉત્પન્ન થવું અને નાશ પામવું, કોઈ સઘનતા વિના.
આ ભંગ ની અવસ્થા માર્ગ પર મહત્વનું સ્ટેશન છે, કારણ કે જ્યારે આપણે માનસિક અને શારીરિક માળખાનો પૂર્ણ વિચ્છેદ અનુભવ કરી છીએ ત્યારે જ તેના પ્રત્યેની આસક્તિ તૂટે છે. ત્યારબાદ આપણે કોઈ પણ પરિસ્થિતિમાં અનાસક્ત રહીએ છીએ; એટલે કે, આપણે સંસ્કાર-ઉપેક્ષા ની અવસ્થામાં દાખલ થઈએ છીએ. અંતરમનના ખૂબ ઊંડાણમાં દબાએલી અશુદ્ધિઓ --સંસ્કાર-- હવે મનની ઉપરની સપાટી પર આવવાનું ચાલુ કરે છે. આ પ્રત્યાગમન નથી; આ પ્રગતિ જ છે, કારણ કે જ્યાં સુધી આ વિકારો સપાટી પર નથી આવતા ત્યાં સુધી તેમનું ઉન્મૂલન શક્ય નથી. વિકાર ઉત્પન્ન થાય છે, આપણે સમતાથી એમને નિહાળતા રહીએ છીએ, અને તે એક પછી એક જતા રહે છે. આપણે સ્થૂળ, અણગમતી સંવેદનાઓનો ઉપયોગ એવા હથિયાર તરીકે કરીએ છીએ જેનાથી જૂના સંગ્રહ કરેલા દ્વેષના સંસ્કારો થી છુટકારો પામીએ; આપણે સૂક્ષ્મ, સુખદ સંવેદનાઓનો ઉપયોગ એવા હથિયાર તરીકે કરીએ છીએ જેનાથી જૂના સંગ્રહ કરેલા રાગના સંસ્કારો થી છુટકારો પામીએ. એવી રીતે દરેક અનુભવ પ્રત્યે સજગતા અને સમતા જાળવી, આપણે ઊંડાણમાં પડેલી ગૂંચવણોને ઉકેલી મનને શુદ્ધ કરીએ છીએ, અને મુક્તિના અંતિમ લક્ષ્ય નિર્વાણ તરફ આગળ ને આગળ વધીએ છીએ.
શરૂઆત ગમે ત્યાંથી કરીએ, નિર્વાણ સુધી પંહોચવા માટે, આપણે આ બધા સ્ટેશનોમાં થી પસાર થવું પડે છે. કેટલા જલ્દી આપણે લક્ષ્ય સુધી પહોંચી જઈ શકીએ છીએ, એ એના પર નિર્ભર કરે છે કે આપણે કેટલા વીર્ય (પુરુષાર્થ) થી કામ કરીએ છીએ, અને કેટલા મોટા જૂના સંસ્કારોના જથ્થાનું આપણે ઉન્મૂલન કરવાનું છે.
દરેક કિસ્સામાં, ગમે તે હોય તે છતાંય દરેક પરિસ્થિતિમાં,સમતા મહત્ત્વપૂર્ણ છે, સંવેદનાની જાણકારીના આધારે. સંસ્કાર નું ઉદ્ગમ સ્થાન શરીર પર અનુભવાતી ભૌતિક સંવેદનાઓ છે. સંવેદના પ્રત્યે સમતા ભાવ રાખીને, આપણે નવા સંસ્કાર ઉત્પન્ન નથી થવા દેતા, અને આપણે જૂના સંસ્કારોનું ઉન્મૂલન પણ કરીએ છીએ. એવી રીતે, સંવેદનાઓને સમતાથી જાણીને, આપણે દુખમાં થી મુક્તિના અંતિમ લક્ષ્ય તરફ ધીમે ધીમે પ્રગતિ કરીએ છીએ.
ગંભીરતા થી કામ કરો. કોઈ એક પદ્ધતિ પર લાંબા સમય સુધી કામ કર્યા વિના, એક પછી એક પદ્ધતિને ઉપરછલ્લું અજમાવતા રહી, ધ્યાનને રમત ના બનાવો. જો તમે એવું કરશો તો તમે ક્યારેય કોઈ પણ પદ્ધતિના પ્રારંભિક પગલાં થી આગળ નહીં વધી શકો, અને તેથી, તમે ક્યારેય લક્ષ્ય સુધી નહીં પહોંચો. તમે જરૂરથી જુદી જુદી પદ્ધતિઓના પ્રયોગ કરી જોઈ શકો છો એ જાણવા માટે કે તમને કઈ પદ્ધતિ ફાવે છે. જો તમને જરૂર લાગે તો તમે આ પદ્ધતિની પણ બે–ત્રણ વાર અજમાયશ કરી જોઈ શકો છો. પણ તમારી આખી જિંદગીને ફક્ત પ્રયોગો કરવામાં ના વેડફી નાખશો. એક વાર તમને કોઈ એક પદ્ધતિ યોગ્ય લાગે, એના પર ગંભીરતાથી કામ કરો જેથી કરી તમે અંતિમ લક્ષ્ય તરફ પ્રગતિ કરો.
વિશ્વના સૌ દુખી લોકોને એમના દુખોમાં થી બહાર આવવાનો રસ્તો મળે.
સૌનું ભલું થાઓ!