વિપશ્યના
સયાજી ઉ બા ખિનની પરંપરામાં
સાધના
આચાર્ય ગોયન્કાજી દ્વારા શીખવવામાં આવતી વિપશ્યના સાધના
દિવસ 4 પ્રવચન
વિપશ્યનાનો અભ્યાસ કેવી રીતે કરવો તે અંગેના પ્રશ્નો - કર્મનો નિયમ - માનસિક કર્મનું મહત્વ - મનના ચાર સમૂહ: વિજ્ઞાન, સંજ્ઞા, વેદના, સંસ્કાર- જાગરૂક રહેવું અને સમતામાં રહેવું એ દુઃખમાંથી બહાર આવવાનો માર્ગ છે
ચોથો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આપણે આપણી અંદર ધર્મની ગંગામાં ડૂબકી લગાવવાનું શરૂ કર્યું છે- શરીરની સંવેદનાના સ્તરે પોતાના વિશે સચ્ચાઈની શોધ શરૂ કરીને. ભૂતકાળમાં, અજ્ઞાનતાવશ, આ સંવેદનાઓ આપણા દુઃખના સંવર્ધનનું કારણ હતું, પણ તે જ સંવેદનાઓ દુઃખને નાબૂદ કરવાનું સાધન બની શકે છે. આપણે મુક્તિના માર્ગ પર પહેલું પગલું ભર્યું છે, શારીરિક સંવેદનાઓને જાગરૂક રહી અનુભવ કરવાનું શીખીને અને સમતામાં રહીને.
સાધના સંબંધી કેટલાક પ્રશ્નો જે વારંવાર પૂછવામાં આવે છે:
માથા થી પગ સુધી મનને લઈ જતાં ક્રમમાં જ શું કામ લઈ જવું, અને આ જ ક્રમમાં શા માટે? કોઈ પણ ક્રમ લઈ શકાય છે, પણ એક ક્રમ જરૂરી છે. અન્યથા, શરીરના અમુક ભાગ છૂટી જવાનો ડર છે અને તે બધા ભાગ મૂર્છિત, ખાલી રહી જશે. સંવેદનાઓ તો આખા શરીરમાં છે જ, અને આ સાધનામાં તેમને દરેક જગ્યાએ અનુભવ કરવાની ક્ષમતા વિકસાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ હેતુ થી ક્રમમાં જવું ખૂબ મદદરૂપ છે.
જો શરીરના કોઈ ભાગમાં સંવેદનાનો અનુભવ ના થાય તો, આપણે આપણું ધ્યાન એક મિનિટ માટે ત્યાં રાખી શકીએ છીએ. હકીકતમાં તો ત્યાં સંવેદના છે જ, જેમ કે શરીરના દરેક અણુ અણુ માં, પરંતુ તે એવા સૂક્ષ્મ સ્વભાવનું છે કે આપણું મન તેને સભાનપણે જાણતું નથી, અને તેથી આ ક્ષેત્ર ખાલી લાગે છે. શાંતિથી, સજગતાથી અને સમતાથી જાણકારી બનાવી રાખતાં એક મિનિટ માટે રોકાઈએ. સંવેદના માટે રાગ ના જગાડીએ અને ખાલીપણા માટે દ્વેષ ના જગાડીએ. જો રાગ કે દ્વેષ જગાડીએ છીએ, તો આપણે આપણા મનનું સંતુલન ગુમાવીએ છીએ, અને અસંતુલિત મન ખૂબ જ સ્થૂળ હોય છે; તે ચોક્કસપણે વધુ સૂક્ષ્મ સંવેદનાઓનો અનુભવ નહીં કરી શકે. પરંતુ જો મન સંતુલિત રહે છે, તો તે વધુ તીક્ષ્ણ અને વધુ સંવેદનશીલ બને છે, સૂક્ષ્મ સંવેદનાઓનો અનુભવ કરવા માટે સક્ષમ થઈને. આ ભાગને સમતાથી જાણતા રહો, લગભગ એક મિનિટ માટે, વધુ સમય માટે નહીં. જો એક મિનિટમાં કોઈ સંવેદનાનો અનુભવ નથી થતો, તો પછી પ્રસન્ન ચિત્તથી આગળ વધી જઈએ. આગળના ફેરામાં, ફરીથી એક મિનિટ માટે ત્યાં રોકાઈએ; વહેલા-મોડા આપણે ત્યાં અને આખા શરીરમાં સંવેદનાઓનો અનુભવ કરવાનું શરૂ કરીશું. જો એક મિનિટ રોકાયા પછી પણ કોઈ સંવેદનાનો અનુભવ નથી કરી શકતા તો, જો ઢંકાએલો ભાગ હોય તો કપડાંનો સ્પર્શ જાણવા પ્રયત્ન કરીશું, અથવા જો ખુલ્લો ભાગ હોય તો વાતાવરણના સ્પર્શનો અનુભવ કરવા પ્રયત્ન કરીશું. આમ ઉપરછલ્લી સંવેદનાઓ થી શરૂ કરી ધીમે ધીમે આપણે બીજી સંવેદનાઓનો પણ અનુભવ કરવા લાગીશું.
જ્યારે ધ્યાન શરીરના એક ભાગમાં લઈ જવામાં આવે છે અને જો તે વખતે બીજા ભાગમાં સંવેદના શરૂ થાય છે, તો શું આ બીજી સંવેદનાને જાણવા માટે આપણે આગળ અથવા પાછળ તે ભાગ પર મનને છલાંગ લગાવી લઈ જવું જોઈએ? ના; મનને ક્રમમાં જ ખસેડવાનું ચાલુ રાખીશું. શરીરના અન્ય ભાગોમાં થતી સંવેદનાઓને રોકવાનો પ્રયાસ કરીશું નહીં - આપણે આવું કરી શકતા નથી - પરંતુ તેમને કોઈ મહત્વ નહીં આપીએ. દરેક સંવેદનાનું અવલોકન ત્યારે જ કરીશું જ્યારે આપણે, ક્રમમાં આગળ વધી, તે ભાગ પર પહોંચીએ છીએ. અન્યથા આપણે, શરીરના ઘણા ભાગોને ચૂકી જઈ, ફક્ત સ્થૂળ સંવેદનાઓનું નિરીક્ષણ કરતાં કરતાં, એક ભાગ પરથી બીજા ભાગ પર મનની છલાંગો લગાવીશું. આપણે આપણા મનને, શરીરના દરેક ભાગની બધી જુદી જુદી સંવેદનાઓની - સ્થૂળ અથવા સૂક્ષ્મ, સુખદ અથવા દુખદ, સ્પષ્ટ અથવા અસ્પષ્ટ, જાણકારી કરવા માટે પ્રશિક્ષિત કરવાનું છે. એટલા માટે, મનને એક ભાગ પરથી બીજા ભાગ પર છલાંગો લગાવવા નહીં દઈએ.
મનને માથાથી પગ સુધી લઈ જવામાં કેટલો સમય લગાવવો જોઈએ? જેવી પરિસ્થિતિ આપણી સામે આવે છે તે પ્રમાણે આ બદલાતું રહે છે. સૂચના એ છે કે આપણે આપણું ધ્યાન જે ભાગ પર લઈ જઈએ ત્યાં જેવી કોઈ સંવેદનાની જાણકારી થાય, એને આગળ ખસેડીએ. જો મન પૂરતું તીક્ષ્ણ હોય, તો જેવું તેને કોઈ અંગ પર લઈ જઈએ છીએ એ સંવેદનાને જાણી લે છે; અને આપણે મન આગળ ખસેડી શકીએ છીએ. જો આવી સ્થિતિ આખા શરીરમાં હોય છે, તો લગભગ દસ મિનિટમાં માથાથી પગ સુધી મન લઈ જવાનું શક્ય બને છે, પરંતુ આ તબક્કે આનાથી વધુ ઝડપથી આગળ વધવું યોગ્ય નથી. પણ જો, મન સ્થૂળ હોય તો શરીરના ઘણાં ભાગ એવા હોઈ શકે છે જ્યાં સંવેદના જાણવા માટે એક મિનિટ સુધી રાહ જોવી જરૂરી બને. તે કિસ્સામાં, માથાથી પગ સુધી જવા માટે ત્રીસ મિનિટ અથવા એક કલાકનો સમય લાગી શકે છે. એક ફેરો લગાવવામાં કેટલો સમય લાગે છે તે મહત્વપૂર્ણ નથી. ધીરજથી, નિરંતરતાથી, કામ ચાલુ રાખીએ; સફળતા મળશે જ.
જે ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે તે કેટલું મોટું હોવું જોઈએ? લગભગ બે થી ત્રણ ઇંચ પહોળો શરીરનો કોઈ ભાગ લઈએ; ત્યાર બાદ મનને બીજા બે થી ત્રણ ઇંચ આગળ વધારીએ, અને એમ આગળને આગળ. જો મન સ્થૂળ હોય, તો મોટા ભાગ લઈએ, ઉદાહરણ તરીકે, આખો ચહેરો, અથવા આખો જમણો ઉપલો હાથ; પછી ધીમે ધીમે ધ્યાનના ક્ષેત્રને ઘટાડવાનો પ્રયાસ કરીએ. અને છેવટે તો, શરીરના દરેક કણોમાં સંવેદના અનુભવી શકીશું, પરંતુ અત્યાર માટે, બે કે ત્રણ ઇંચનું ક્ષેત્ર બરાબર છે.
આપણે સંવેદનાઓને ફક્ત શરીરની સપાટી પર જ અનુભવવાની છે અથવા અંદર સુધી પણ? કેટલીકવાર કોઈ સાધક વિપશ્યના શરૂ કરતાંની સાથે જ અંદરથી સંવેદનાઓ અનુભવે છે; કેટલીકવાર શરૂઆતમાં તે માત્ર સપાટી પર જ સંવેદનાઓને અનુભવે છે. બે માં થી કોઈપણ રીતે એ પૂર્ણતયા બરાબર છે. જો સંવેદનાઓ ફક્ત સપાટી પર જ અનુભવાય છે, તો તેમનું વારંવાર અવલોકન કરીશું જ્યાં સુધી શરીરના દરેક ભાગની સપાટી પર સંવેદનાનો અનુભવ ના થાય. સપાટી પર દરેક જગ્યાએ સંવેદનાઓનો અનુભવ કરીને, પછીથી અંદરના ભાગમાં પ્રવેશવાનું શરૂ કરીશું. ધીરે ધીરે મન, શારીરિક બંધારણના દરેક ભાગમાં, બહાર અને અંદર બંને જગ્યાએ, સંવેદનાઓ અનુભવવા માટેની ક્ષમતાનો વિકાસ કરશે. પરંતુ શરૂ કરવા માટે, ઉપરછલ્લી સંવેદનાઓ બરાબર છે.
આ માર્ગ ઇંદ્રિયોના સમગ્ર ક્ષેત્રમાં થઈ પરમાર્થ સત્ય જે ઇન્દ્રિયાતીત અનુભવ છે ત્યાં સુધી લઈ જાય છે. જો આપણે સંવેદનાઓની મદદથી મનને નિર્મળ કરવાનું ચાલુ રાખીએ છીએ, તો ચોક્કસપણે આપણે પરમાર્થ સત્ય સુધી પહોંચીશું.
જ્યારે આપણે અજ્ઞાન હોઈએ છીએ, ત્યારે સંવેદનાઓ દુઃખ સંવર્ધનનું સાધન હોય છે, કારણ કે આપણે તેમના પ્રત્યે રાગ અથવા દ્વેષની પ્રતિક્રિયાઓ કરીએ છીએ. સમસ્યા ખરેખર ઉભી થાય છે, તણાવ ઉત્પન્ન થાય છે, શારીરિક સંવેદનાના સ્તરે; તેથી આ તે સ્તર છે કે જેના પર આપણે સમસ્યાના સમાધાન માટે, મનની ટેવને બદલવા માટે કામ કરવું જોઈએ. આપણે બધી જ સંવેદનાઓ પ્રત્યે જાગરૂક રહેવાનું શીખવું જોઈએ, તેમના પ્રત્યે પ્રતિક્રિયા કર્યા વિના, તેમના બદલાતા, અવ્યક્તિગત સ્વભાવને સ્વીકારીને. આમ કરવાથી, આપણે આંધળી પ્રતિક્રિયાની ટેવમાંથી બહાર આવીએ છીએ, આપણે પોતાને દુખમાંથી મુક્ત કરીએ છીએ.
સંવેદના એટલે શું? શરીરના સ્તરે જે કંઈ પણ આપણે અનુભવ કરીએ છીએ તે સંવેદના છે – કોઈ પણ કુદરતી, સહજ-સ્વાભાવિક, સામાન્ય શારીરિક અનુભૂતિ: પ્રિય હોય કે અપ્રિય, સુખદ હોય કે દુખદ, સ્થૂળ હોય કે સૂક્ષ્મ, તીવ્ર હોય કે નબળી. કોઈ પણ સંવેદનાની અવગણના ના કરીએ એમ સમજીને કે આ તો વાતાવરણને લીધે છે, કે અથવા લાંબા સમય સુધી બેસી રહેવાથી છે, અથવા કોઈ જૂના રોગના કારણે. કારણ ગમે તે હોય, હકીકત એ છે કે આપણે સંવેદનાનો અનુભવ કરીએ છીએ. પહેલાં આપણે અપ્રિય સંવેદનાઓને બહાર ધકેલી દેવાનો અને પ્રિય સંવેદનાઓને વળગી રહેવાનો પ્રયત્ન કરતા હતા. હવે આપણે ફક્ત સાક્ષી ભાવથી સંવેદનાઓને જાણી રહ્યા છીએ, સંવેદના પ્રત્યે હું મારાનો ભાવ રાખ્યા વિના.
સંવેદનાને જાણવામાં કોઈ પસંદગી નથી કરી શકતા. સંવેદનાઓને પસંદ કરવાનો પ્રયાસ ક્યારેય નહીં કરીએ; તેના બદલે જે કાઇં કુદરતી રીતે ઉત્પન્ન થાય છે તેનો સ્વીકાર કરીશું. જો આપણે કોઈ ખાસ અનુભૂતિને, કંઈક અસાધારણ શોધવાનું શરૂ કરીએ છીએ, તો આપણે આપણા માટે મુશ્કેલીઓ ઊભી કરશું, અને માર્ગ પર પ્રગતિ નહીં કરી શકીએ. સાધના કંઈક વિશેષ અનુભવ કરવાની નથી, પરંતુ કોઈપણ પ્રકારની સંવેદનાનો અનુભવ કરતી વખતે સમતામાં રહેવાની છે. ભૂતકાળમાં પણ આપણા શરીરમાં આવી સંવેદનાઓ થતી હતી, પરંતુ આપણે તેમને સભાનપણે જાણતા ન હતા, અને આપણે તેમના પ્રત્યે પ્રતિક્રિયા કરતા હતા. હવે આપણે જાગરૂક રહેવાનું અને પ્રતિક્રિયા નહીં કરવાનું શીખી રહ્યા છીએ, શારીરિક સ્તરે જે કઈં થઈ રહ્યું છે તેને અનુભવ કરવાનું અને સમતામાં રહેવાનું.
જો આપણે આ રીતે કામ કરીએ છીએ, તો ધીમે ધીમે પ્રકૃતિનો સંપૂર્ણ નિયમ આપણને સ્પષ્ટ થતો જશે. ધર્મનો અર્થ આ છે: સ્વભાવ, નિયમ, સત્ય. અનુભવના સ્તરે સત્યને સમજવા માટે, આપણે એને શરીરના માળખામાં જ શોધવું પડશે. સિદ્ધાર્થ ગૌતમે બુદ્ધ બનવા માટે આ જ કર્યું, અને તે તેમના માટે સ્પષ્ટ થઈ ગયું, અને તે કોઈને પણ સ્પષ્ટ થઈ જશે, જે કોઈ એવી જ રીતે કામ કરે છે જેમ એમણે કર્યું- કે સમસ્ત બ્રહ્માંડમાં, શરીરની અંદર અને તેમજ તેની બહાર, બધું બદલાતું રહે છે. અને હવે આમાં કઈં બદલાશે નહીં તેવું કોઈ ફાઇનલ પ્રોડક્ટ નથી; બધું જ કઇંક બન્યા જ કરે છે, બન્યા જ કરે છે, તેવી પ્રક્રિયામાં ગૂંથાયેલું છે-- જેને ભવ કહે છે. અને બીજી એક સચ્ચાઈ સ્પષ્ટ થઈ જશે: કંઇ આકસ્મિક રીતે થતું નથી. દરેક પરિવર્તનનું એક કારણ છે જે પરિણામ ઉત્પન્ન કરે છે, અને તે પરિણામ બદલામાં આગળ પરિવર્તનનું કારણ બની જાય છે, કારણ અને પરિણામની એક અનંત શૃંખલા બનતી જાય છે. અને હજી પણ બીજો એક નિયમ સ્પષ્ટ થઈ જશે: જેવું કારણ છે, તેવું પરિણામ આવશે; જેવું બીજ છે, તેવું ફળ આવશે.
એક જ સરખી જમીન પર આપણે બે બીજ વાવીએ છીએ, એક શેરડીનું, બીજું લીમડાનું-- ગરમ પ્રદેશનું એક ખૂબ કડવું વૃક્ષ. શેરડીના બીજમાંથી એક છોડનો વિકાસ થાય છે જેના રેશા રેશા માં મીઠાશ હોય છે, લીમડાના બીજમાંથી એક છોડનો વિકાસ થાય છે જેના રેશા રેશા માં કડવાશ હોય છે. આપણને પ્રશ્ન થાય કે પ્રકૃતિ શા માટે એક છોડ પ્રત્યે દયાળુ છે અને બીજાને માટે ક્રૂર છે. હકીકતમાં પ્રકૃતિ ન તો દયાળુ છે કે ન ક્રૂર; તે તો નિશ્ચિત નિયમો અનુસાર કામ કરે છે. પ્રકૃતિ ફક્ત દરેક બીજની તેની પોતાની ગુણવત્તા પ્રગટ કરવામાં મદદ કરે છે. જો આપણે મીઠાશના બીજ વાવીએ છીએ, તો લણણી મીઠાશ હશે. જો આપણે કડવાશના બીજ વાવીએ છીએ, તો લણણી કડવાશ હશે. જેવું બીજ છે, તેવું ફળ થશે; જેવા કર્મ છે, તેવું જ પરિણામ આવશે.
સમસ્યા એ છે કે આપણે લણણી સમયે ખૂબ જ સજગ હોઈએ છીએ, મીઠા ફળ મેળવવા માટે, પરંતુ વાવણીની ઋતુ દરમિયાન ખૂબ જ બેદરકારી રાખીએ છીએ, અને કડવાશના છોડ રોપીએ છીએ. જો આપણને મીઠાં ફળ જોઈએ છે, તો આપણે યોગ્ય પ્રકારના બીજ વાવવા જોઈએ. પ્રાર્થના કરવી અથવા કોઈ ચમત્કારની આશા રાખવી એ તો ફક્ત પોતાને દગો દેવાની વાત છે; આપણે પ્રકૃતિના નિયમ સમજવા જોઈએ અને તે મુજબ જીવવું જોઈએ. આપણે આપણા કર્મો પ્રત્યે સાવચેત રહેવું જોઈએ, કારણ કે આ તે બીજ છે જેની ગુણવત્તા અનુસાર આપણને મીઠાશ અથવા કડવાશ પ્રાપ્ત થશે.
કર્મ ત્રણ પ્રકારના હોય છે: શરીરનાં કર્મ, વાણીનાં કર્મ, મનનાં કર્મ. જ્યારે આપણે પોતાના પ્રત્યે સજગ રહેવાનું શિખીએ છીએ, તો બહુ જલ્દી એ ભાન થવા લાગે છે કે મનનાં કર્મ સૌથી મહત્વપૂર્ણ છે, કારણ કે આ તો બીજ છે જે પરિણામ આપે છે. વાણીનાં અને શરીરનાં કર્મ તો ફક્ત મનનાં કર્મનું બાહ્ય પ્રગટીકરણ છે, મનનાં કર્મોની તીવ્રતાને માપવા માટે માપદંડ. તેઓ મનનાં કર્મ તરીકે ઉત્પન્ન થાય છે, અને આ મનનાં કર્મ ત્યારબાદ વાણી અથવા વર્તનના સ્તરે પ્રગટ થાય છે. તેથી બુદ્ધે જાહેર કર્યું:
કઈં પણ ઉત્પન્ન થતાં પહેલાં મન ઉત્પન્ન થાય છે,
મન જ સૌથી વધુ મહત્ત્વનું છે, બધું મનોમય છે.
જો અશુદ્ધ મન થી
આપણે કઈં બોલીએ છીએ અથવા કામ કરીએ છીએ,
તો દુઃખ આપણી પાછળ લાગી જાય છે
જેમ બળદગાડી થી જોડાએલા બળદની પાછળ ગાડીનું પૈડું લાગી જાય છે.
જો શુદ્ધ મન થી
આપણે કઈં બોલીએ છીએ અથવા કામ કરીએ છીએ,
તો આપણી સાથે સુખ લાગી જાય છે
જેમ આપણો પડછાયો જે આપણને કદી છોડતો નથી.
જો આવું હોય તો, તો પછી આપણે જાણવું જ જોઇએ કે મન શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે. આપણે આ પ્રક્રિયાને આપણી સાધના દ્વારા તપાસવાનું શરૂ કરી દીધું છે. જેમ જેમ આપણે આગળ વધીશું, એ સ્પષ્ટ થતું જશે કે મનના મોટા-મોટા ચાર ખંડ અથવા સ્કંધ છે.
પહેલા ખંડને વિજ્ઞાન કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં consciousness કહી શકાય. આપણી ઇન્દ્રિયો ત્યાં સુધી નિષ્પ્રાણ છે જ્યાં સુધી વિજ્ઞાન તેમના સંપર્કમાં નથી આવતું. ઉદાહરણ તરીકે, જો આપણે કોઈ દ્રશ્ય જોવામાં મગ્ન છીએ, તો કોઈ અવાજ આવ્યો હોય અને આપણે ના સાંભળીએ એવું બની શકે છે કારણ કે આપણું પૂરું ધ્યાન આંખો સાથે છે. મનના આ ભાગનું કાર્ય, ભેદ પાડ્યા વિના, ફક્ત જાણવું, સમજવું છે. કોઈ અવાજ કાનના સંપર્કમાં આવે છે, તો વિજ્ઞાન એટલું જ જાણે છે કે અવાજ આવ્યો.
પછી મનનો આગળનો ભાગ કામ કરવાનું શરૂ કરે છે: સંજ્ઞા, જેનું કામ ઓળખવાનું છે. કોઈ અવાજ આવ્યો છે, અને અત્યાર સુધીના આપણા અનુભવો અથવા યાદશક્તિના આધારે તેને ઓળખીએ છીએ: કોઈ અવાજ... શબ્દો... વખાણના શબ્દો ...સરસ; અથવા અન્યથા, અવાજ... શબ્દો... ગાળના શબ્દો... ખરાબ. આપણે પોતાના ભૂતકાળના અનુભવના આધારે સારા કે ખરાબનું મૂલ્યાંકન આપીએ છીએ.
તરત જ મનનો ત્રીજો ભાગ કામ કરવાનું શરૂ કરે છે: વેદના, સંવેદના. જેવો અવાજ આવે છે, એની સાથે સાથે શરીર પર કોઈ સંવેદના થાય છે, પરંતુ જ્યારે સંજ્ઞા તેને ઓળખે છે અને તેને મૂલ્યાંકન આપે છે, ત્યારે તે મૂલ્યાંકન અનુસાર, સંવેદના સુખદ અથવા દુખદ બની જાય છે. ઉદાહરણ તરીકે: અવાજ આવ્યો છે... શબ્દો... પ્રશંસાના શબ્દો... સારા- અને આપણે આખા શરીરમાં સુખદ સંવેદના અનુભવીએ છીએ. અથવા અન્યથા; અવાજ આવ્યો છે... શબ્દો... ગાળના શબ્દો... ખરાબ- અને આપણે આખા શરીરમાં દુખદ સંવેદના અનુભવીએ છીએ. સંવેદનાઓ શરીર પર ઉત્પન્ન થાય છે, અને મન દ્વારા અનુભવાય છે; આ પ્રક્રિયાને વેદના કહેવાય છે.
ત્યારબાદ, એની સાથે સાથે મનનો ચોથો ભાગ કામ કરવાનું શરૂ કરે છે: સંસ્કાર, જેને પ્રતિક્રિયા કહેવાય છે. અવાજ આવ્યો છે... શબ્દો... પ્રશંસાના શબ્દો... સારા... સુખદ સંવેદના થાય છે-- અને આપણે તે ગમાડવા લાગીએ છીએ: "આ વખાણ અદભૂત છે! મારે વધુ જોઈએ છે!" અથવા તો: અવાજ આવ્યો છે... શબ્દો... ગાળના શબ્દો... ખરાબ... દુખદ સંવેદના થાય છે-- અને આપણે નથી ગમતું નથી ગમતું કરવા લાગીએ છીએ: "હું આ ગાળ સહન નથી કરી શકતો, બંધ કરો!" આવી રીતે દરેક ઇન્દ્રિય- આંખ, કાન, નાક, જીભ, ત્વચાના દરવાજા પર એક સરખી પ્રક્રિયા થાય છે. એવી જ રીતે, જ્યારે કોઈ વિચાર અથવા કલ્પના મન સાથે સંપર્કમાં આવે છે, તો જેમ પહેલાં કહ્યું, શરીર પર સંવેદના થાય છે, સુખદ અથવા દુખદ, અને આપણે “ગમે છે અથવા નથી ગમતું” ની પ્રતિક્રિયા કરીએ છીએ. આ ગમે છે ની ક્ષણિક રુચિ મોટી આસક્તિમાં બદલાવા લાગે છે; આ નથી ગમતું મોટા દ્વેષમાં બદલાવા લાગે છે. આપણે આમ અંદર ગાંઠો બાંધવાનું ચાલુ કરીએ છીએ.
અસલ બીજ અહીં જ છે જે ફળ આપે છે, કર્મ જેનું પરિણામ આવશે: સંસ્કાર, માનસિક પ્રતિક્રિયા. દરેક ક્ષણે આપણે આ બીજ વાવતા રહીએ છીએ, ગમે છે અથવા નથી ગમતું, રાગ અથવા દ્વેષ ની પ્રતિક્રિયા કરતા રહીએ છીએ, અને આવું કરીને પોતાને દુખી બનાવતા રહીએ છીએ.
એવી પ્રતિક્રિયાઓ છે જે ખૂબ હળવી છાપ બનાવે છે, અને લગભગ તરત જ નાબૂદ થઈ જાય છે. એવી પ્રતિક્રિયાઓ પણ છે જે થોડી ઊંડી છાપ બનાવે છે અને થોડા સમય પછી નાબૂદ થાય છે. અને એવી પણ છે જે ખૂબ ઊંડી છાપ બનાવે છે, અને નાબૂદ થવામાં ખૂબ લાંબો સમય લે છે. કોઈ એક દિવસના અંતે, જો આપણે ઉત્પન્ન કરેલા બધા સંસ્કારો ને યાદ કરવાનો પ્રયાસ કરીએ છીએ, આપણે ફક્ત એક કે બેને યાદ કરી શકીશું જેમણે તે દિવસ દરમિયાન સૌથી ઊંડી છાપ ઉભી કરી. તેવી જ રીતે, એક મહિનાના અંતમાં અથવા એક વર્ષ પછી, ફક્ત એક કે બે સંસ્કારો ને યાદ કરી શકીશું જેમણે તે સમય દરમિયાન સૌથી વધુ ઊંડી છાપ ઉભી કરી. અને આપણને ગમે કે ના ગમે, જીવનના અંતમાં, એવા સંસ્કારો જેમણે સૌથી વધુ મજબૂત છાપ બનાવી છે તે મન પર ઉભરાઈને આવશે; અને આગળનો જન્મ એવા સ્વભાવવાળા જ મન સાથે શરૂ થશે, એવી જ મીઠાશ કે કડવાશ વાળી ગુણવત્તા સાથે. આપણે આપણા કર્મો દ્વારા આપણા ભવિષ્યનું નિર્માણ કરીએ છીએ.
વિપશ્યના આપણને મરવાની કળા શીખવે છે: શાંતિથી, સુમેળથી કેવી રીતે મરી શકાય. અને મરવાની કળા તે જ શીખી શકે છે જે જીવન જીવવાની કળા શીખે છે: વર્તમાન ક્ષણના માલિક કેવી રીતે થવું, આ ક્ષણમાં કેવી રીતે સંસ્કાર ના ઉત્પન્ન કરવા, અહીં અને અત્યારે કેવી રીતે સુખી જીવન જીવવું. જો આપણું વર્તમાન સુધરી રહ્યું છે, તો આપણે ભવિષ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી, જે ફક્ત વર્તમાનનું જ પરિણામ છે, અને તેથી તે સુધરશે જ.
સાધનાના બે પાસાં છે:
પહેલું પાસું બાહ્યમન (સભાન) અને અંતરમન વચ્ચેની દીવાલ તોડવાનું છે. સામાન્ય રીતે બાહ્યમનને અંતરમન જે અનુભવ કરી રહ્યું છે તેના વિષે કઈં જાણ નથી હોતી. આ અજ્ઞાનતાથી ઢંકાઈને, અંતરમનના સ્તરે પ્રતિક્રિયાઓ થતી રહે છે; જ્યાં સુધીમાં તેઓ બાહ્યમનના સ્તરે પહોંચે છે, તેઓ એટલી તીવ્ર બની ગઇ હોય છે કે તેઓ સહેલાઇથી બાહ્યમન પર હાવી થઈ જાય છે. આ સાધના દ્વારા, મનનો સંપૂર્ણ સમૂહ સભાન, જાગરૂક બને છે; અજ્ઞાનતા દૂર થાય છે.
બીજું: સાધનાનું બીજું પાસું સમતા છે. આપણે પોતાને જે બધું અનુભવ થાય છે તેના પ્રત્યે સજગ છીએ, દરેક સંવેદના પ્રત્યે, પરંતુ પ્રતિક્રિયા નથી કરતા, રાગની અથવા દ્વેષની નવી ગાંઠો નથી બાંધતા, આપણા માટે દુઃખ પેદા નથી કરતા.
શરૂ કરવા માટે, જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ છીએ, મોટા ભાગના સમયે તો આપણે સંવેદનાઓ પ્રત્યે પ્રતિક્રિયા કરીશું, પરંતુ થોડીક ક્ષણો તો એવી આવશે કે જ્યારે, સખત પીડા હોવા છતાં, આપણે સમતામાં રહીએ છીએ. આવી ક્ષણો મનની ટેવને બદલવા માટે ખૂબ શક્તિશાળી હોય છે. ધીરે ધીરે આપણે એ તબક્કે પહોંચીએ છીએ જેમાં આપણે કોઈપણ સંવેદના નો સામનો સહજતા થી કરી શકીએ છીએ, એ સમજ સાથે કે એ અનિત્ય છે અને જતી જ રહેવાની છે.
આ તબક્કે પહોંચવા માટે, આપણે પોતેજ કામ કરવું પડશે, આપણા માટે બીજું કોઈ કામ નથી કરી શકતું. સારું છે કે આપણે માર્ગ પર પહેલું પગલું ભર્યું છે; હવે કદમ કદમ પોતાની મુક્તિ તરફ ચાલતા રહીએ.
તમે બધા વાસ્તવિક સુખ માણો.
સૌ સુખી થાઓ! સૌનું મંગળ થાઓ!