પ્રવચન સારાંશ પર નોંધ અને પ્રસ્તાવના

પ્રસ્તાવના

"મુક્તિ પ્રેક્ટિસથી જ મેળવી શકાય છે, ફક્ત ચર્ચાઓથી ક્યારેય નહીં," ગોએંકાજીએ કહ્યું છે. વિપશ્યના ધ્યાનનું એક શિબિર મુક્તિની દિશામાં ઠોસ પગલાં લેવાનો એક અવસર છે. આવા શિબિરમાં શિબિરાર્થી શીખે છે કે મનને ટેન્શન અને પૂર્વાગ્રહોથી જે રોજીંદા જીવનના પ્રવાહને ખલેલ પહોંચાડે છે તેમનાથી કેવી રીતે મુક્ત કરવા. આવું કરીને આપણે જાણવાનું શરૂ કરીએ છીએ કે કેવી રીતે દરેક ક્ષણમાં શાંતિથી, કાર્યક્ષમ રહીને, સુખીથી જીવી શકીએ છીએ. અને તેની સાથે સાથે આપણે માનવજાતિના સૌથી ઊંચા શક્ય એવા લક્ષ્ય તરફ વધવાનું શરૂ કરી દઈએ છીએ: મનની વિશુદ્ધિ, બધા જ દુખોથી મુક્તિ, સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્તિ.

આમાંથી કંઇ પણ ફક્ત વિચારો કરવાથી અથવા તેમની ઇચ્છા કરવાથી પ્રાપ્ત નથી કરી શકાતું. આપણે લક્ષ્ય પર પહોંચવા પગલાં લેવા જોઈએ. આ કારણથી, વિપશ્યનાની શિબિરમાં હમેશા વાસ્તવિક પ્રેક્ટિસ પર જ ભાર આપવામાં આવે છે. કોઈ પણ વાદવિવાદની પરવાનગી નથી, કોઈ પણ સૈદ્ધાંતિક ચર્ચાઓ નહીં, આપણા પોતાના અનુભવથી સંબંધ ના હોય તેવા કોઈ પ્રશ્નો નહીં. જ્યાં સુધી શક્ય હોય, સાધકોને તેમના પ્રશ્નોના જવાબો તેમની પોતાની અંદર શોધવા પ્રોત્સાહન આપવામાં આવે છે. આચાર્ય પ્રેક્ટિસ માટે જરૂરી માર્ગદર્શન આપે છે, પરંતુ એ દરેક વ્યક્તિ પર નિર્ભર કરે છે કે આ સૂચનાઓનું પાલન કરે: આપણે આપણું પોતાનું યુદ્ધ લડવાનું હોય છે, આપણી પોતાની મુક્તિનું કામ કરવાનું છે.

આ વાતનું મહત્ત્વ સમજાવી દીધું, છતાંય પ્રેક્ટિસનો સંદર્ભ સ્થાપિત કરવા અમુક સ્પષ્ટીકરણ જરૂરી હોય છે. એટલા માટે - દિવસના અનુભવોને એક પરિપ્રેક્ષ્યમાં લાવવા માટે અને સાધનાના ઘણા બધા પાસાંની સ્પષ્ટતા આપવા શિબિરની રોજ સાંજે ગોએંકાજી "ધર્મ પ્રવચન" આપે છે. આ પ્રવચનો, ગોએંકાજી ચેતવણી આપે છે, બૌદ્ધિક અથવા ભાવુક મનોરંજનના હેતુ માટે નથી. એમનો ઉદ્દેશ્ય ફક્ત સાધકોને શું કરવું અને શા માટે કરવું એ સમજવામાં મદદ કરવાનો છે, જેથી કરીને તેઓ વ્યવસ્થિત રીતે કામ કરે અને ઉચિત પરિણામો મેળવી લે.

આ પ્રવચનોને અહીં સંક્ષિપ્ત રૂપમાં રજૂ કરવામાં આવે છે.

અગિયાર પ્રવચનો બુદ્ધની શિક્ષાની મોટી મોટી રૂપરેખા આપે છે. પરંતુ વિષયની રજૂઆત શાસ્ત્રીય અથવા વિશ્લેષણાત્મક નથી. એના બદલે, શિક્ષાને એવી રીતે રજૂ કરવામાં આવી છે કે સાધકને એ ગતિશીલ અને સુસંગતના અખંડ સ્વરૂપમાં સમજાતી જાય. એના જુદાં જુદાં પાસાં એમાં છુપાએલી દબાએલી અખંડિતતા: “સાધનાનો અનુભવ” ને ઉજાગર કરતાં દેખાય. આ અનુભવ અંદરનું તેજ છે જે ધર્મના રત્નને સાચા અર્થમાં જીવંત બનાવે છે અને ચમક આપે છે. આ અનુભવ સિવાય આપણે પ્રવચનોમાં જે કહેવાયું છે એને અથવા ખરેખરની બુદ્ધની શિક્ષાની સંપૂર્ણ અર્થસૂચકતાને પકડી ના શકત. પણ એનો અર્થ એવો નથી કે શિક્ષાની બૌદ્ધિક સમજનું કોઈ મહત્ત્વ નથી. બૌદ્ધિક સમજ સાધનાની પ્રેકટિસના ટેકા તરીકે કીમતી છે, જો કે સાધના પોતે બુદ્ધિની સીમા ઓળંગી જનાર પ્રક્રિયા છે. આ કારણથી દરેક પ્રવચનના ખાસ મુદ્દા આપવા આ સારાંશો તૈયાર કરવામાં આવ્યા છે. એમનો હેતુ મુખ્ય રીતે એવા લોકો જે એસ.એન. ગોએંકાજી દ્વારા શીખવાડવામાં આવતી વિપશ્યના સાધનાની પ્રેક્ટિસ કરે છે તેઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવાનો છે. એવી આશા રાખીએ છીએ કે બીજાઓ જે આને કદાચ વાંચે, તેઓને આ વિપશ્યના શિબિરમાં ભાગ લેવા પ્રોત્સાહન આપે અને અહીંયા જે વર્ણન કર્યું છે તેનો અનુભવ કરે.

આ સારાંશોનો વિપશ્યના શીખવા માટે, દસ દિવસીય શિબિરની બદલે “જાતે કરી લેવાના” નિયમસંગ્રહ તરીકે પ્રયોગ ના કરવો જોઈએ. સાધના શીખવું એ ગંભીર કાર્ય છે, ખાસ કરીને વિપશ્યના ધ્યાન પદ્ધતિ, જે મનના ઊંડાણવાળા ભાગ સાથે કામ કરાવે છે. એને ક્યારેય બેપરવાઈ અથવા બેકાળજીપૂર્વક હળવાશથી ના લેવું જોઈએ. વિપશ્યના શીખવાની યોગ્ય રીત એ જ છે કે દસ દિવસના શિબિરમાં જોડાઈએ, જ્યાં સાધકને મદદરૂપ થાય એવું અનુકૂળ વાતાવરણ હોય છે, અને પ્રશિક્ષિત આચાર્ય હોય છે. જો કોઈ વ્યક્તિ આ ચેતવણીની અવહેલના કરવાનું પસંદ કરે છે અને તે પોતાને વાંચી વાંચીને વિદ્યા શીખવાડવાનો પ્રયત્ન કરે છે તો તે સંપૂર્ણ રીતે પોતાના જ જોખમ પર કરે છે. સૌભાગ્યવશ હવે એસ.એન. ગોએંકા દ્વારા શીખવાડવામાં આવતી વિપશ્યનાની શિબિરો વિશ્વમાં ઘણી બધી જગ્યાઓએ નિયમિતરૂપે યોજવામાં આવે છે. શિબિરોની તારીખો ઓનલાઈન અહીં ઉપલબ્ધ છે.

આ સારાંશો મુખ્ય રીતે ગોએંકાજી દ્વારા શેલ્બર્ન ફોલ્સ, મેસેચ્યુસેટ્સ, અમેરીકામાં, 1983માં વિપશ્યના ધ્યાન કેન્દ્ર પર આપવામાં આવેલા પ્રવચનોના આધારે તૈયાર કરેલ છે. સિવાય કે દસમા દિવસનો સારાંશ, જેનો આધાર ઓગસ્ટ 1984માં એજ કેન્દ્ર પર આપેલ પ્રવચન છે.

જ્યાં એક બાજુ ગોએંકાજીએ આ સામગ્રી પર નજર નાંખી છે અને આ સામગ્રીને પ્રકાશિત કરવા પરવાનગી આપી છે, તેમની પાસે આને ચીવટપૂર્વક તપાસવાનો સમય નહોતો. પરિણામસ્વરૂપ, વાચકને અમુક ભૂલો અને ક્ષતિઓનો સામનો કરવો પડી શકે છે. આની જવાબદારી આચાર્યની નથી, નથી શિક્ષામાં દોષ, પણ એ મારી પોતાની જવાબદારી છે. આલોચના જે આ લખાણની આવી ભૂલો સુધારવામાં મદદરૂપ થઇ શકે છે તે આવકાર્ય છે.

આ કાર્ય અનેકોને તેમની ધર્મની પ્રેકટિસમાં મદદરૂપ થાય તેવી શુભેચ્છા.

સૌ સુખી થાઓ! સૌનું મંગળ થાઓ!

વિલિયમ હાર્ટ


પ્રવચન સારાંશ પર નોંધ

ગોએંકાજી દ્વારા ટાંકવામાં આવેલા બુદ્ધ અને તેમના શિષ્યોના પાલી ઉપદેશ શિસ્ત સંગ્રહ (વિનય-પિટક) અને પ્રવચનો (સુત્ત-પિટક)માંથી લેવામાં આવ્યા છે. (બંને સંગ્રહોમાં સંખ્યાબંધ અવતરણો દેખાય છે, જોકે આવા કિસ્સાઓમાં અહીં માત્ર સુત્તના સંદર્ભો આપવામાં આવ્યા છે.) થોડા અવતરણો સૈદ્ધાંતિક પાલી સાહિત્ય પછીના પણ છે. તેમના પ્રવચનોમાં, ગોએંકાજી ઘણી વાર આ અનુચ્છેદોને પાલીમાંથી શાબ્દિક અનુવાદને બદલે સારને સમજાવે છે. આનો હેતુ, વિપશ્યના ધ્યાનની પ્રેક્ટિસ માટે, દરેક ફકરાના મહત્ત્વ પર ભાર આપી એનો સાર સામાન્ય ભાષામાં આપવાનો છે.

જ્યાં સારાંશમાં પાલી ફકરો આવે છે, ત્યાં ગોએંકાજી દ્વારા પ્રવચનમાં, જેનો આ સારાંશ છે, તેમાં આપેલ વિવરણ છે. આ લેખોમાં, અંગ્રેજી અનુવાદ સાથે પાલી ના વિભાગમાં, ટાંકવામાં આવેલા ફકરાઓનું, સાધકના દૃષ્ટિકોણ પર ભાર મૂકતાં, વધુ ચોક્કસ વર્ણનઆપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સારાંશના લખાણમાં, પાલી શબ્દોનો ઉપયોગ જરૂરી ન્યૂનતમ રાખવામાં આવ્યો છે.