વિપશ્યના
સયાજી ઉ બા ખિનની પરંપરામાં
સાધના
આચાર્ય ગોયન્કાજી દ્વારા શીખવવામાં આવતી વિપશ્યના સાધના
ધર્મ સેવા આપવાનો ઉદ્દેશ્ય
નીચે આપેલ ટૂંકસાર ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સના બ્લેકહિથમાં વિપશ્યના સાધના કેન્દ્ર પર ગોયન્કાજી દ્વારા ધર્મ સેવા પર આપેલ એક પ્રવચનમાં થી લીધેલ છે.
ધર્મ સેવાનો હેતુ શું છે? ચોક્કસપણે ખાવા-પીવા અને રહેવા માટે, કે આરામદાયક વાતાવરણમાં સમય પસાર કરવા નહીં, અથવા દૈનિક જીવનની જવાબદારીઓથી બચવા માટે નહીં. ધર્મ સેવકો આ વાત સારી રીતે જાણે છે.
આવી વ્યક્તિઓએ વિપશ્યનાની પ્રેક્ટિસ કરી છે અને પ્રત્યક્ષ અનુભવ દ્વારા તે જે લાભો આપે છે તેનો અનુભવ કર્યો છે. તેઓએ આચાર્યોની, મેનેજમેન્ટની અને ધર્મ સેવકોની નિઃસ્વાર્થ સેવા જોઈ છે- સેવા જેણે તેમને ધર્મનો અજોડ સ્વાદ ચાખવા સક્ષમ બનાવ્યા. તેઓએ આર્ય અંષ્ટાંગિક માર્ગ પર પગલાં ભરવાનું શરૂ કર્યું છે, અને સ્વાભાવિક રીતે કૃતજ્ઞતાનો દુર્લભ ગુણ વિકસાવવાનું શરૂ કર્યું છે, તેઓને જે મળ્યું છે તેના માટે તેમનું ઋણ ચૂકવવાની ઇચ્છા.
અલબત્ત આચાર્યોએ, મેનેજમેન્ટે અને ધર્મ સેવકોએ બદલામાં કંઈપણ અપેક્ષા રાખ્યા વિના તેમની સેવા આપી, ના તો તેઓ કોઈ ભૌતિક મહેનતાણું સ્વીકારશે. તેમના પ્રત્યેનું ઋણ ચુકવવાનો એકમાત્ર રસ્તો એ છે કે ધર્મચક્રને ફરતું રાખવામાં મદદ કરીએ, બીજાઓને પણ એવી જ નિઃસ્વાર્થ સેવા આપીએ. આ એક ઉમદા ભાવ છે જેની સાથે ધર્મ સેવા આપવાની છે.
જેમ જેમ વિપશ્યનાના સાધકો માર્ગ પર પ્રગતિ કરે છે, તેઓ સ્વ-કેન્દ્રિતતાની જૂની આદત પેટર્નમાંથી બહાર આવે છે અને તેઓ બીજાઓ તરફ ધ્યાન આપવાનું શરૂ કરે છે. તેઓ જૂએ છે કે દરેક જગ્યાએ લોકો કેવી રીતે પીડાઈ રહ્યા છે: યુવાન કે વૃદ્ધ, પુરુષો કે સ્ત્રીઓ, કાળા કે ગોરા, અમીર કે ગરીબ, બધા પીડાય છે. ધ્યાન કરનારાઓ, સમજે છે કે જ્યાં સુધી તેઓ ધર્મના સંપર્ક માં નહોતા આવ્યા ત્યાં સુધી તેઓ પોતે જ દુઃખી હતા. તેઓ જાણે છે કે, તેમની જેમ, બીજાઓ પણ માર્ગનું અનુસરણ કરીને વાસ્તવિક સુખ અને શાંતિનો આનંદ માણવા લાગ્યા છે. આ પરિવર્તન જોઈને સહાનુભૂતિપૂર્ણ આનંદની લાગણી ઉત્તેજિત થાય છે, અને વિપશ્યના દ્વારા પીડિત લોકોને તેમના દુઃખમાંથી બહાર આવવામાં મદદ કરવાની ઈચ્છા પ્રબળ બને છે. કરુણા છલકાય છે, અને તેની સાથે અન્યોને તેમના દુઃખમાંથી રાહત મેળવવામાં મદદ કરવાની ઇચ્છા.
અલબત્ત પરિપક્વતા કેળવવામાં અને ધર્મ શીખવવા માટેની તાલીમ મેળવવામાં સમય લાગે છે. પરંતુ જેઓ શિબિરમાં જોડાવા આવ્યા છે તેમની સેવા કરવાની બીજી ઘણી રીતો છે, અને તે તમામ અમૂલ્ય છે. ખરેખર ધર્મ સેવક બનવાની આકાંક્ષા ઉમદા છે - એક સરળ, નમ્ર ધર્મ સેવક.
અને જેઓ વિપશ્યનાનો અભ્યાસ કરે છે તેઓ કુદરતના નિયમની અનુભૂતિ કરવાનું શરૂ કરે છે જે મુજબ શરીર અથવા વાણીની કર્મો જે અન્યને નુકસાન પહોંચાડે છે તેઓને પણ નુકસાન પહોંચાડે છે, જ્યારે અન્યને મદદ કરતા કર્મો જેઓ કરે છે તેમને શાંતિ અને સુખ મળે છે. આમ, બીજાને મદદ કરવી એ પણ પોતાની જાતને મદદ કરવી છે. તેથી સેવા કરવી તે પોતાના હિતમાં છે. આમ કરવાથી વ્યક્તિના પારમીનો વિકાસ થાય છે અને વધુ ઝડપથી અને ચોક્કસથી માર્ગ પર આગળ વધવાનું શક્ય બને છે. અન્યની સેવા કરવી એ હકીકતમાં પોતાની સેવા પણ છે. આ સત્યને સમજવાથી અન્ય લોકોને તેમના દુઃખમાંથી બહાર આવવા માટે મદદ કરવાના ઉમદા મિશનમાં જોડાવા માટેની ઇચ્છા ફરીથી ઉત્તેજિત થાય છે.
પરંતુ સેવા કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે? આ જાણ્યા વિના, ધર્મ સેવકો અન્યને અથવા પોતાને મદદ કરી શકતા નથી; તેના બદલે, તેઓ નુકસાન પણ કરી શકે છે. ધર્મ મિશન ભલે ગમે તેટલું ઉમદા હોય, જો ધર્મ સેવકની ચિત્તની ચેતના યોગ્ય ન હોય તો તે મિશનને પરિપૂર્ણ કરવામાં મદદ કરવાથી કોઈ સાચો લાભ થઈ શકે નહીં. ધર્મ સેવા લાભદાયી નહીં થાય જો તે ધર્મ સેવકોના અહંકારને વધારવા અથવા બદલામાં કંઈક મેળવવા માટે આપવામાં આવે - ભલે માત્ર પ્રશંસા અથવા પ્રશંસાના શબ્દો માટે હોય.
સમજો કે સેવા કરતી વખતે તમે રોજિંદા જીવનમાં ધર્મને કેવી રીતે લાગુ કરવો તે શીખી રહ્યા છો. છેવટે, ધર્મ એ દૈનિક જવાબદારીઓમાંથી છટકી જવાનું નથી. શિબિરમાં અથવા ધ્યાન કેન્દ્રની નાની દુનિયામાં સાધકો અને પરિસ્થિતિઓ સાથે કામ કરતાં ધર્મ અનુસાર કાર્યવાહી કરવાનું શીખીને, તમે તમારી જાતને બહારની દુનિયામાં તેવી જ રીતે કામ કરવા માટે તાલીમ આપો છો. અન્ય વ્યક્તિના અનિચ્છનીય વર્તન હોવા છતાં, તમે તમારા મનનું સંતુલન જાળવવાનો અને પ્રતિભાવમાં મૈત્રી અને કરુણા પેદા કરવાનો પ્રયાસ કરો છો. આ તે શિક્ષા છે જે તમે અહીં માસ્ટર કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. તમે પણ શિબિરમાં બેઠેલા સાધકની જેમ એટલા જ સાધક છો.
બીજાઓની નમ્રતાથી સેવા કરતાં કરતાં શીખતા રહો. વિચારતા રહો, "હું અહીં તાલીમ લેવા માટે છું, બદલામાં કંઇપણ અપેક્ષા રાખ્યા વિના સેવા આપવાનો અભ્યાસ કરું છું. હું કામ કરી રહ્યો છું જેથી અન્ય લોકોને ધર્મથી ફાયદો થાય. એક સારું ઉદાહરણ સ્થાપિત કરી મને તેમની મદદ કરવા દો, અને આમ કરવાથી મારી જાતને પણ મદદ કરું."
તમે બધા જે ધર્મ સેવા આપો છો ધર્મમાં વધારે મજબૂત થાઓ. તમે અન્ય લોકો માટે તમારી સદ્ભાવના, પ્રેમ અને કરુણા વિકસાવવાનું શીખી શકો. તમે બધા વાસ્તવિક શાંતિ, વાસ્તવિક સૌહાર્દ, વાસ્તવિક સુખ માણવા માટે ધર્મમાં પ્રગતિ કરી શકો.